'મણિપુરમાં ભારત માતાની હત્યા કરાઈ,' રાહુલ ગાંધી સંસદમાં શું બોલ્યા?

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, ANI

સંસદમાં મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. ચર્ચાના બીજા દિવસે બુધવારે કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી લોકસભામાં બોલ્યા હતા. સંસદમાં સભ્યપદ બહાલ થયા બાદ પહેલીવાર રાહુલ ગાંધી સંસદની અંદર બોલ્યા અને તેમણે સરકારને મણિપુરના મુદ્દે ઘેરી.

રાહુલ ગાંધીએ કહ્યું, "કેટલાક દિવસો પહેલાં હું મણિપુર ગયો હતો. આપણા પીએમ હજુ સુધી નથી ગયા, કેમ કે તેમના માટે મણિુપર હિંદુસ્તાન નથી." રાહુલના ભાષણ દરમિયાન કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કર્યું, 'દેશવાસીઓનો અવાજ સંસદમાં'

આ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ મણિપુરની એક રાહતછાવણીમાં એક મહિલાને મળ્યા હતા અને એ મહિલા પોતાના બાળકના મૃતદેહ સાથે આખી રાત ઊંઘ્યાં હતાં. જેના પર સત્તાપક્ષે કહ્યું કે 'તમે ખોટું બોલી રહ્યા છો.' એનો જવાબ આપતાં રાહુલ બોલ્યા, "ખોટું હું નહીં, તમે લોકો બોલી રહ્યા છો."

રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું, "આમણે મણિપુરમાં હિંદુસ્તાનની હત્યા કરી છે. મણિપુરમાં તેમણે હિંદુસ્તાનની કતલ કરી નાખી છે."

પોતાના ભાષણની શરૂઆત કરતાં રાહુલે કહ્યું, "પહેલાં મેં જ્યારે અદાણીનું નામ લીધું હતું ત્યારે તમારી પાર્ટીના વરિષ્ઠ નેતાઓને દુખ પહોંચ્યું હતું. આજે ડરવાની જરૂર નથી. હું આજે અદાણી પર નથી બોલાવાનો. રૂમીએ કહ્યું હતું કે જે શબ્દો દિલમાંથી નીકળે છે તે દિલ સુધી પહોંચે છે. હું દિલથી બોલીશ."

તેમણે એવું પણ કહ્યું, "આમણે માત્ર મણિપુરની જ નહીં, હિંદુસ્તાનની પણ કતલ કરી છે."

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી બીજું શું બોલ્યા?

"મણિપુરના લોકોની હત્યા કરીને તમે ભારત માતાની હત્યા કરી છે. તમે આવું કરીને દેશદ્રોહ કર્યો છે અને એ જ કારણે પીએમ મોદી મણિપુર નથી જતા. એક મા મારી અહીં બેઠી છે અને બીજી માને તમે મણિપુરમાં મારી છે."

રાહુલ ગાંધીએ કહ્યું કે 'ભારત જોડો યાત્રા'માં તેઓ કન્યાકુમારીથી કાશ્મીર સુધી ગયા અને આ દરમિયાન 25 કિલોમીટર ચાલવું તેમના માટે મોટી વાત હતી. કેમ કે તેઓ રોજ 10 કિલોમીટર દોડે છે અને આ તેમનો અહંકાર હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે કહ્યું, "ભારત અહંકારને મિટાવી દે છે, કેમ કે બે -ત્રણ દિવસમાં મારા ઘૂંટણમાં દુખાવો શરૂ થઈ ગયો. જ્યારે પણ આ ભય (ઘૂંટણને લઈને) વધતો હતો ત્યારે કોઈને કોઈ શક્તિ આવી જતી હતી. એક દિવસ એક બાળકી આવીને મને ચીઠ્ઠી આપી ગઈ અને કહેવા લાગી કે 'હું તમારી સાથે ચાલી રહી છું' અને એણે મને શક્તિ આપી."

આ રીતે રાહુલ ગાંધીએ એક ખેડૂતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તેમનાં દુખ અને ઘા એમનાં પોતાનાં થઈ ગયાં.

"લોકો કહે છે કે આ દેશ છે. કોઈ કહે છે કે અલગ-અલગ ભાષાઓ છે. અલગ-અલગ માટી છે. સચ્ચાઈ એ છે કે આ દેશ માત્ર એક અવાજ છે. એ અવાજને સાંભળવો હોય તો અમારા દિલમાં રહેલાં અંહકાર અને સપનાંને દુર રાખવા પડે."

'ભારત જોડો યાત્રા'નો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે યાત્રા હજુ ખતમ નથી થઈ અને ભાજપના એક સાંસદે ટોકતાં રાહુલે કહ્યું કે તેઓ લદ્દાખ પણ જશે.

રાહુલ ગાંધીની આ વાત પર શાસક પક્ષ ભાજપના સાંસદોએ વાંધો ઉઠાવ્યો. લોકસભાના અધ્યક્ષ ઓમ બીરલાએ રાહુલને કહ્યું કે "માનનીય સદસ્ય આ સંસદ છે અને થોડું સંભાળીને બોલો." જોકે, રાહુલ અટક્યા નહીં અને હોબાળા વચ્ચે પણ બોલાવાનું ચાલુ રાખ્યું.

રાહુલે કહ્યું, "હિંદુસ્તાનની સેના એક જ દિવસની અંદર મણિપુરમાં શાંતિ લાવી શકે પણ એનો ઉપયોગ નથી કરાઈ રહ્યો."

"મણિપુરનો અવાજ જો નરેન્દ્ર મોદી નથી સાંભળતા તો તેઓ ભારત માતાની હત્યા કરી રહ્યા છે."

"રાવણ બે લોકોનું સાંભળતો હતો - મેઘનાથ અને કુંભકર્ણ. એ જ રીતે નરેન્દ્ર મોદી બે લોકોનું સાંભળે છે - અમિત શાહ અને અદાણી. લંકાને હનુમાને નહીં પણ રાવણના અહંકારે સળગાવી હતી. રાવણને રામે નહોતો માર્યો પણ એના અંહકારે એને માર્યો હતો."

"તમે આખા દેશમાં કેરોસીન રેડી રહ્યા છો. તમે પહેલાં મણિપુરમાં કેરોસીન રેડ્યું. હરિયાણામાં કેરોસીન રેડ્યું અને આખા દેશને આગ લગાડી રહ્યા છે."

બીબીસી ગુજરાતી

સ્મૃતિ ઈરાની શું બોલ્યાં?

સ્મૃતિ ઈરાની

ઇમેજ સ્રોત, ANI

રાહુલ ગાંધીનું ભાષણ ખતમ થયા બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જવાબ આપવાનું શરૂ કર્યું. તેમણે રાહુલ ગાંધીની 'ભારત માતાની હત્યા'વાળી વાતની નિંદા કરી.

સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે "આ ગૃહમાં 'ભારત માતાની હત્યા'ની વાત કરતાં વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયા'ના નેતાઓ મેજ પીટી રહ્યા હતા. મણિપુર ભારતનું અભિન્ન અંગ છે. હંમેશાં ભારતનું હતું અને રહેશે. આજે દેશ જોઈ રહ્યો છે કે જ્યારે ભારત માતાની હત્યાની વાત થઈ ત્યારે કૉંગ્રેસ તાળી વગાડી રહી હતી. "

સ્મૃતિ ઈરાનીએ કહ્યું, "આજ સુધી ભારતના ઇતિહાસમાં ભારત માતાની હત્યાની વાત કરનારા બેસીને મેજ નહોતા ઠપઠપાવતા." લોકસભામાં ઈરાનીએ કાશ્મીરી પંડિતોનો મુદ્દો પણ ઉઠાવ્યો. આ આ ઉપરાંત તેમણે રાજસ્થાનમાં 14 વર્ષની બાળકીની હત્યા અને કથિત સામૂહિક બળાત્કારનો મુદ્દો પણ ઉઠાવ્યો.

સ્મૃતિએ રાહુલ ગાંધી પર મોટો આરોપ લગાવતાં કહ્યું કે રાહુલે ગૃહની બહાર જતી વખતે અભદ્ર ઇશારો પણ કર્યો. સ્મૃતિએ કહ્યું કે રાહલ ગાંધીએ ગૃહમાં જે કર્યું એ અપમાનજનક છે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી