બોલીવૂડ અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન, મૃત્યુનું કારણ હજુ અસ્પષ્ટ

શેફાલી જરીવાલા, મુંબઈ, બોલીવૂડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ani

અભિનેત્રી શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે.

તેઓ અંધેરીના લોખંડવાલા વિસ્તારમાં રહેતાં હતાં. તેમના મૃત્યુનું કારણ હજુ સ્પષ્ટ નથી.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, શેફાલીના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે કૂપર હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. આ દરમિયાન, ફૉરેન્સિક ટીમ પણ તપાસ માટે તેમના ઘરે પહોંચી હતી.

શેફાલીના મૃત્યુના સમાચાર પછી, ટીવી અને ફિલ્મજગતની ઘણી હસ્તીઓએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું અને તેમને શ્રદ્ધાંજલિ આપી.

'કાંટા લગા' મ્યુઝિક વીડિયોથી ચર્ચામાં આવ્યાં શેફાલી જરીવાલા

શેફાલી જરીવાલા, મુંબઈ, બોલીવૂડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Instagram/ shefalijariwala

ઇમેજ કૅપ્શન, શેફાલીનો મૃતદેહ પોસ્ટમૉર્ટમ માટે કૂપર હૉસ્પિટલમાં છે

શેફાલી જરીવાલાએ પોતાના કરિયરની શરૂઆત મ્યુઝિક વીડિયોથી કરી હતી.

તે સમયે તેઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં હતાં.

તેમના પિતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા અને તેમનાં માતા સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં કામ કરતાં હતાં.

શેફાલી હજુ પણ 'કાંટા લગા' ગીતના રિમેક મ્યુઝિક વીડિયોને કારણે ઓળખાતાં હતાં. તેમના ઘણા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે જ્યારે લોકો તેમને 'કાંટા લગા ગર્લ' કહે છે, ત્યારે તેઓ ગર્વ અનુભવે છે.

ટીવી અભિનેતા પારસ છાબડાના પોડકાસ્ટમાં શેફાલીએ આ રીતે સમજાવ્યું. તેમણે કહ્યું, "એક કલાકાર પોતાની ઓળખ બનાવવા માટે ખૂબ જ મહેનત કરે છે અને આ મારા પહેલા જ પ્રોજેક્ટથી મારી સાથે બન્યું. હું આખી દુનિયામાં એકમાત્ર 'કાંટા લગા ગર્લ' છું અને હું મારા છેલ્લા શ્વાસ સુધી આ નામથી ઓળખાવા માગું છું."

આ પછી પણ તેમણે ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું. તેઓ 'મુજસે શાદી કરોગી' સહિત કેટલીક ફિલ્મોમાં પણ જોવાં મળ્યાં હતાં.

શેફાલી જરીવાલા, મુંબઈ, બોલીવૂડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SHEFALI JARIWALA/FB

વર્ષ 2020માં શેફાલી રિયાલિટી શો બિગ બોસની 13મી સિઝનમાં પણ હતાં. આ સિઝનમાં શેફાલી અને સિદ્ધાર્થ શુક્લાના બૉન્ડિંગને ચાહકોએ ખૂબ પસંદ કર્યું હતું. તેમણે 'નચ બલિયે' જેવા ડાન્સ રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. તેઓ આ શોમાં પરાગ ત્યાગી સાથે જોવાં મળ્યાં હતાં.

શેફાલીએ ઘણા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેઓ કિશોરાવસ્થામાં એપિલેપ્સીથી પીડાતાં હતાં. તેમને 15 વર્ષની ઉંમરે પહેલો હુમલો આવ્યો હતો અને લગભગ એક દાયકા સુધી તેની સારવાર કરાવી હતી.

તેમણે કહ્યું કે આ સમય દરમિયાન તેમનો આત્મવિશ્વાસ ઘણો ઓછો થઈ ગયો હતો, પરંતુ તેમણે યોગ અને ફિટનેસ દ્વારા પોતાને કંટ્રોલ કર્યાં.

ટીવી અને ફિલ્મ ઉદ્યોગના લોકોએ ઊંડો શોક વ્યક્ત કર્યો

શેફાલી જરીવાલા, મુંબઈ, બોલીવૂડ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પરાગ ત્યાગી અને શેફાલી જરીવાલા

ટીવી અને ફિલ્મજગતની ઘણી હસ્તીઓએ અભિનેત્રી શેફાલી જરીવાલાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

ગાયક મિકાસિંહે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું, "હું ઊંડા આઘાતમાં છું, ભારે હૃદય અને ખૂબ જ દુઃખી છું... આપણી પ્રિય સ્ટાર અને મારી શ્રેષ્ઠ મિત્ર શેફાલી હવે આપણી વચ્ચે નથી. હજુ પણ વિશ્વાસ નથી થતો. તારાં સ્મિત, શૈલી અને જુસ્સા માટે તને હંમેશાં યાદ કરવામાં આવશે. ઓમ શાંતિ."

જ્યારે અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, "મને હજુ પણ શેફાલીના નિધનના સમાચાર પર વિશ્વાસ નથી થતો. તે ખૂબ જ જલદી ચાલી ગઈ. મને તેના પતિ અને પરિવાર માટે ખૂબ જ દુઃખ છે."

આ ઉપરાંત અલી ગોની, રાહુલ વૈદ્ય, કરિશ્મા તન્ના, ગુરુ રંધાવા સહિત અનેક સેલિબ્રિટીઓએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમના નિધનને દુઃખદ ગણાવ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન