ગુજરાત : પરિણીત પ્રેમીથી છેતરાયેલી યુવતીની ગર્ભપાત માટે સુપ્રીમ કોર્ટ સુધીની લડતની કહાણી

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

એક પરિણીત પુરુષે બે બહેનો સાથે કરેલા વિશ્વાસઘાત અને બળાત્કારની ભરૂચ જિલ્લામાં બનેલી ઘટનાના પડઘા ગુજરાત હાઈકોર્ટ અને ભારતની સુપ્રીમ કોર્ટ સુધી પડ્યા છે.

આ કિસ્સામાં છેતરપિંડીની જાણ થયા પહેલાં ગર્ભવતી બનેલી યુવતીએ છ મહિનાના ગર્ભના ગર્ભપાત માટે છેક સુપ્રીમ કોર્ટ સુધી લડત આપવી પડી હતી. સુપ્રીમ કોર્ટે આ ઘટનામાં કેસની તત્કાળ સુનાવણી કરીને ગર્ભપાતની મંજૂરી આપવા ઉપરાંત ગુજરાત હાઈકોર્ટને પણ આ કેસમાં પીડિતાની સ્થિતિ અને ભવિષ્યને ધ્યાનમાં લઈને નિર્ણય લેવાની ટકોર કરી હતી.

નોંધપાત્ર બાબત એ છે કે આદિવાસી પરિવારમાંથી આવતી આ પીડિતાનો પરિવાર આર્થિક રીતે એટલો સક્ષમ નથી કે સુપ્રીમ કોર્ટ સુધી આ કેસ લડી શકે. આખરે સ્થાનિક કાનૂની સહાય આપતાં એક કર્મશિલની મદદથી તેઓ ગર્ભપાતની મંજૂરી માટે હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શક્યા હતા.

યુવતી કેવી રીતે બની છેતરપિંડીનો ભોગ?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SUPRABHAT DUTTA

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ભરૂચ જિલ્લાના એક તાલુકા મથકની નજીકના એક ગામમાં રહેતા આ પરિવારમાં માતાપિતા ઉપરાંત પીડિતા યુવતીની ધોરણ 10માં અભ્યાસ કરતી નાની બહેન અને પાંચમા ધોરણમાં ભણતો નાનો ભાઈ છે. ખેતમજૂરી કરીને ગુજરાન ચલાવતાં માતાપિતાને મદદરૂપ બનવા માટે પીડિતા ધોરણ 12નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી કરવા લાગી હતી.

નોકરી માટે ગામથી તાલુકા મથકે અપ-ડાઉન કરવા માટે પીડિતા યુવતી સ્ટેટ ટ્રાન્સપૉર્ટની બસ અને ખાનગી ટૅક્સીનો ઉપયોગ કરતી હતી. બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પીડિતાએ જણાવ્યું, “હું નોકરીએ જતી હતી ત્યારે સરકારી બસના ભાડા કરતાં આ ખાનગી ટૅક્સીમાં ભાડું ઓછું હતું એટલે હું રોજ ટૅક્સીમાં જવા લાગી હતી.”

એ દરમિયાન પીડિતાનો પરિચય આ વિસ્તારમાં ખાનગી ટૅક્સી ચલાવતા આરોપી સાથે થયો અને બંને વચ્ચે પ્રેમ થયો. આરોપી વાહન ભાડે રાખીને ટૅક્સી તરીકે ચલાવતો હતો.

પીડિતાએ જણાવ્યું,“અમને એકબીજાં સાથે પ્રેમ થયો. અમે બંને જણાએ લગ્ન કરવાનું નક્કી કર્યું. મેં કહ્યું કે માતાપિતાની સંમતિ સાથે લગ્ન કરીશું અને એ માની પણ ગયો. મેં મારાં માતાપિતાને વાત કરી તો તેમણે અમારાં લગ્ન માટે સંમતિ આપી.”

જોકે, આરોપીએ પીડિતાથી પોતે પરિણીત હોવાની વાત છુપાવી હતી. એટલું જ નહીં તે પીડિતાનાં માતાપિતાએ લગ્નની મંજૂરી આપી દીધા બાદ તેમની જ સાથે રહેવા માટે પીડિતાના ઘરે જતો રહ્યો હતો.

પીડિતાએ કહ્યું, “એણે (આરોપીએ) મને એમ કહ્યું કે એના ઘરના લોકો લગ્ન માટે તૈયાર નથી. એટલે એ તેનું ઘર છોડીને આવી ગયો છે. એણે કહ્યું હતું કે જ્યારે એનાં માતાપિતા લગ્ન માટે તૈયાર થશે ત્યારે લગ્ન કરીશું. પછી એ અમારા ઘરે જ રહેવા લાગ્યો. એ પરિવારના એક સભ્યની જેમ જ અમારી સાથે રહેતો હતો. મને પણ ભરોસો બેસી ગયો હતો કે એ મારી સાથે લગ્ન કરશે, એટલે અમે પતિપત્નીની જેમ રહેવા લાગ્યાં. થોડા સમયમાં હું ગર્ભવતી થઈ ત્યારે એણે કહ્યું કે હવે એનાં માતાપિતા લગ્ન માટે માની જશે.”

જોકે, પીડિતાની ગર્ભાવસ્થા છ મહિનાની થઈ છતાં આરોપીએ લગ્ન કરવાની કોઈ જ તૈયારી બતાવી નહોતી. પીડિતાએ કહ્યું, “એ મને તેની બહેનનાં ગામ લઈ ગયો અને એક અઠવાડિયા સુધી અમે તેની બહેનના ઘેર રહ્યાં. ત્યાં અમે તેની બહેનને લગ્ન કરાવી દેવાની વાત કરી અને પાછા મારા ઘરે આવી ગયાં હતાં.”

બીબીસી ગુજરાતી

આરોપીએ પીડિતાની બહેન પર બળાત્કાર કર્યો

મહિલાઓ પર બળાત્કાર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પીડિતાની બહેન 10મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. પીડિતાએ તેની બહેન પર આરોપીએ કરેલા કથિત બળાત્કાર વિશે કહ્યું, “એક દિવસે તેણે (આરોપીએ) મારી બહેન દરરોજ સવારે સ્કૂલ જતી હોવાથી તેને સ્કૂલ મૂકી આવવાની તૈયારી બતાવી. ત્યારે એ મારી બહેનને સ્કૂલે મૂકવા જવાને બદલે તેને કોઈ સૂમસામ જગ્યાએ લઈ જઈને તેને ડરાવીને તેના પર બળાત્કાર કર્યો. એટલું જ નહીં તેને ધમકી આપી કે જો તે કોઈને બળાત્કારની ફરિયાદ કરશે તો તે અમારા નાના ભાઈને મારી નાખશે અને મને બાળક આવવાનું હોવા છતાં છોડીને જતો રહેશે. એટલે મારી બહેન ડરીને ચૂપ થઈ ગઈ હતી.”

પીડિતાના જણાવ્યા અનુસાર તેની બહેને ડરને કારણે એક અઠવાડિયા સુધી કોઈને પણ બળાત્કારની વાત કરી નહોતી. પરંતુ તેને પેટમાં સખત દુખાવો થતા તેની માતા તેને ભરૂચની સરકારી હૉસ્પિટલમાં લઈ ગયાં હતાં.

પીડિતાએ કહ્યું, “એ (આરોપી) અને મારી માતા બન્ને સાથે મળીને હૉસ્પિટલ લઈને ગયાં હતાં. મારી માતા અને બહેનને હૉસ્પિટલની બહાર ઉતારીને કામનું બહાનું કરીને એ ભાગી ગયો. ડૉક્ટરે મારી બહેનની તપાસ કરી ત્યારે અમને ખબર પડી કે એની સાથે બળાત્કાર થયો છે. મારી બહેને અમને બધી વાત કરી પછી અમે તેને ફોન કર્યો તો એણે ફોન બંધ કરી દીધો હતો.” ત્યારબાદ આરોપીના ગામે તપાસ કરી ત્યારે પીડિતા અને તેના પરિવારને ખબર પડી કે આરોપી તો પહેલાંથી જ પરિણીત છે અને તેની પત્નીને છોડીને એ પીડિતાની સાથે રહેતો હતો.

બીબીસી ગુજરાતી

કાનૂની મદદ મળી

સુપ્રીમ કોર્ટ

ઇમેજ સ્રોત, Getty Images

પીડિતાને આરોપી સામે પોલીસ ફરિયાદ અને ગર્ભપાત માટેની કાનૂની કાર્યવાહીમાં મદદ કરનારાં સામાજિક કર્મશીલ પ્રેમિલાબહેન વરમોરાએ બીબીસીને જણાવ્યું, “પહેલાં આ પરિવાર ખૂબ ડરેલો હતો, પોલીસ ફરિયાદ કરવા તૈયાર નહોતો. મોટી બહેનને ગર્ભવતી બનાવનાર આરોપીએ એની નાની બહેન પર બળાત્કાર ગુજારીને એટલી ડરાવી દીધી હતી કે તેણે અત્યાચારના એક સપ્તાહ પછી એનાં માતાપિતાને વાત કરી, કારણ કે તેને ઇન્ફેક્શન થઈ ગયું હતું અને એ ચાલી પણ નહોતી શકતી.”

આ ઘટનાની તપાસ કરનારા ઝઘડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એસ. સીલાનાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, “અમારી પાસે ફરિયાદ આવ્યા પછી અમે હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સથી તપાસ કરી. આરોપી જે ટૅક્સી ચલાવતો હતો એ એની પોતાની નહોતી, ભાડેથી રાખી હતી. એણે લગ્નની લાલચ આપી મોટી બહેનને ગર્ભવતી બનાવી અને નાની બહેન પર બળાત્કાર કર્યો છે. અમે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એક ગામડામાંથી એની ધરપકડ કરી છે અને તેની સામે 'પૉક્સો' (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુલ ઑફેન્સ ) હેઠળ ગુનો નોંધ્યો છે. બળાત્કારનો ભોગ બનેલી પીડિતા હાલ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેને પહોંચેલા માનસિક આઘાતને ધ્યાનમાં રાખી એનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.”

બીબીસી ગુજરાતી

ગર્ભપાતનો નિર્ણય કેવી રીતે લીધો?

ગર્ભપાત

ઇમેજ સ્રોત, Thinkstock

પ્રેમ અને લગ્નના વાયદા પર વિશ્વાસ કર્યા પછી છેતરપિંડીનો ભોગ બનેલી પીડિતાએ કહ્યું, “અમારે બંને બહેનો માટે હવે જીવવું મુશ્કેલ થઈ ગયું છે. કારણકે હવે એ (આરોપી) મારી સાથે લગ્ન નહીં કરે અને મારાં બીજે લગ્ન પણ નહીં થાય. મારી બહેનનાં લગ્ન થવામાં પણ સમસ્યા ઊભી થશે. મારાં માતાપિતા અને પિતરાઈએ સલાહ આપી કે હું ગર્ભપાત કરાવી બીજાં લગ્ન કરી લઉં. એટલે મેં ગર્ભપાત કરાવી લેવાનું નક્કી કર્યું.”

ગર્ભપાત માટે કાયદામાં નિર્ધારિત થયેલાં મહત્તમ 24 સપ્તાહની અવધિ કરતાં વધારે સમય વીતી ગયો હોવાથી હૉસ્પિટલ દ્વારા પીડિતાનો ગર્ભપાત કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. જેને કારણે સમગ્ર કેસ ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.

આ કાનૂની લડાઈ લડનાર પ્રેમિલાબહેન વરમોરા કહે છે, “અમને જ્યારે ખબર પડી કે મોટી બહેનને લગ્નની લાલચ આપી ગર્ભવતી બનાવવામાં આવી છે અને તેને બાળક નથી જોઈતું, ત્યારે અમે એના ગર્ભપાત માટે સરકારી હૉસ્પિટલમાં પ્રયાસ કર્યો. પરંતુ સમય વધુ થઈ ગયો હોવાથી કોર્ટની મંજૂરી વિના હૉસ્પિટલે ગર્ભપાત કરવાની ના પડી. અમે ગુજરાત હાઈકોર્ટમાં ગયા, ત્યાં પણ અમને ગર્ભપાત કરાવવાની મંજૂરી ના મળી, એટલે અમે સુપ્રીમ કોર્ટને શરણે ગયા. સુપ્રીમ કોર્ટે આવા નાજૂક મામલામાં 28 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપી હતી.”

ભરૂચ સિવિલ હૉસ્પિટલનાં ઍડમિનિસ્ટ્રેટિવ ઑફિસર ડૉ. દીપિકા મિખિયાએ બીબીસીને જણાવ્યું, “સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અમે ગાયનેકૉલૉજિસ્ટ, પીડિયાટ્રિશિયન, અને રેડિયૉલૉજિસ્ટની ટીમ બનાવીને 22 ઑગસ્ટના દિવસે ગર્ભપાત કર્યો હતો. તેમને 24 ઑગસ્ટના દિવસે હૉસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે.”

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી