જયદેવ ઉનડકટઃ આઈપીએલમાં રૂ. 11.5 કરોડનું મૂલ્ય પામનારા ગુજરાતી ક્રિકેટર

ઇમેજ સ્રોત, Getty Images

- સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પહેલી વાર રણજી ટ્રૉફી ટાઇટલ જીત્યું તેમાં જયદેવનું યોગદાન અમૂલ્ય હતું તેમણે કૅપ્ટન બન્યા બાદ 125 વિકેટ ખેરવી છે
- ઉનડકટે 2010માં ભારત માટે કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમી અને 12 વર્ષ બાદ છેક 2022માં તેમને બીજી ટેસ્ટ રમવાની તક સાંપડી હતી
- આઈપીએલ 2018 માટે ખેલાડીઓની હરાજીમાં ગુજરાતના જયદેવ ઉનડકટને 11.5 કરોડ રૂપિયાની તે સમયની રૅકર્ડ કિંમત સાથે રાજસ્થાન રોયલ્સે પોતાની ટીમમાં સામેલ કર્યાં હતા
- જયદેવને ખરીદવા આઈપીએલની દરેક ટીમ આતુર હોય છે અને તેથી જ તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગલોર, દિલ્હી ડેરડેવિલ્સ, રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ, રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી ચૂક્યા છે
- બૅટ્સમૅન તરીકે નીચેના ક્રમમાં ઊતરીને ઉનડકટે 1844 રન ફટકાર્યા છે તો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે 373 વિકેટ નોંધાયેલી છે


ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં એવા ગણ્યા ગાંઠ્યા ક્રિકેટર હશે, જેઓ રણજી ટ્રૉફી રમતા પહેલાં જ ઉચ્ચ કક્ષાના ક્રિકેટ માટે યોગ્ય ઠર્યા હોય. ખરેખર તો ભારતીય ક્રિકેટની પ્રણાલી જ એવી છે કે જે તે ખેલાડીને શરૂઆતમાં રણજી ટ્રૉફીમાં રમવા મળે અને તેમાં તેના પ્રદર્શનને આધારે તેમને દુલીપ ટ્રૉફી કે ઇરાની કપ અન્ય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ માટેની ટીમમાં સ્થાન મળે.
પરંતુ સૌરાષ્ટ્રનો એક હોનહાર ખેલાડી એવો છે જે પહેલાં ભારતીય-એ ટીમ માટે રમ્યો ત્યાર બાદ ઇરાની કપમાં રેસ્ટ ઓફ ઇન્ડિયા માટે રમ્યો અને ત્યાર બાદ રણજી ટ્રૉફીમાં તેને સ્થાન મળ્યું હતું. આ ખેલાડી એટલે ડાબોડી ઝડપી બૉલર જયદેવ ઉનડકટ.
જયદેવ ઉનડકટે આમ તો જીવનના 31 વર્ષ પૂરા કરી નાખ્યા છે પરંતુ તેને આજે રમતા નિહાળો તો તે 21 વર્ષના નવોદિત જેવી સ્ફૂર્તિ દેખાડે છે.
સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રૉફી, વિજય હઝારે ટ્રૉફી વન-ડે તથા સૈયદ મુસ્તાક અલી ટ્રૉફી ટી20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને લગભગ તમામ ફોર્મેટમાં અવ્વલ રહી છે.
લગભગ દરેક ટુર્નામેન્ટમાં ટીમ કમસે કમ લીગથી આગળના રાઉન્ડમાં ક્વોલિફાઈ થતી રહે છે અને તેમાં ય એક વાર તો તેણે રણજી ટ્રૉફી ટાઇટલ (સૌરાષ્ટ્રના ઇતિહાસમાં પહેલી વાર) પણ જીત્યું હતું અને આ તમામ સફળતામાં જયદેવ ઉનડકટનું યોગદાન અમૂલ્ય રહ્યું છે.

કૅપ્ટન બન્યા બાદ સવાસો વિકેટ

ઇમેજ સ્રોત, ANI
સૌરાષ્ટ્રના મોટાભાગના સિનિયર્સ કાં તો નિવૃત્ત થઈ ગયા હતા અથવા તો ચેતેશ્વર પૂજારા અને રવીન્દ્ર જાડેજા ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ફરજ બજાવતા હતા તેવા સંજોગોમાં જયદેવ શાહે નિવૃત્તિ લીધી અને ટીમની જવાબદારી અન્ય જયદેવ (ઉનડકટ)ને સોંપવામાં આવી.
જયદેવ ઉનડકટે એક કૅપ્ટન તરીકે શાનદાર ભૂમિકા અદા કરી હતી. તેમની કપ્તાનીમાં સૌરાષ્ટ્ર માત્ર ત્રણ જ મૅચ હાર્યું છે અને તેમાંની એક મૅચ ઇરાની કપની મૅચ હતી જેમાં રણજી ચેમ્પિયન સૌરાષ્ટ્રનો મુકાબલો મજબૂત રેસ્ટ ઑફ ઇન્ડિયા સામે થયો હતો.
કૅપ્ટન તરીકેની જવાબદારીએ જયદેવ ઉનડકટની રમત પર કોઈ અસર કરી નથી તે તેના રેકોર્ડ પરથી પુરવાર થઈ જાય છે કેમકે તેમણે કૅપ્ટન બન્યા બાદ 125 વિકેટ ખેરવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક લેફ્ટ આર્મ પેસ બૉલર હોય અને તે પણ કૅપ્ટન હોય તેવા સંજોગોમાં તો તે 125 વિકેટ સાથે ભારતમાં મોખરે છે.
કોઈ પણ મૅચમાં ટૉસ મહત્ત્વનો હોય છે તેમ આપણે કૉમેન્ટેટર પાસેથી સાંભળતા આવ્યા છીએ પણ ઉનડકટે આ બાબતને પણ ખોટી પુરવાર કરી દીધી છે. કેમકે, તેમની કપ્તાની હેઠળ રમાયેલી મૅચમાં 11 મૅચમાં સૌરાષ્ટ્ર જીત્યું છે અને તેમાંથી સાત મૅચમાં તે ટૉસ હારી હતી.
જયદેવ ઉનડકટ બૉલર તરીકે તો મહત્ત્વના છે જ, પરંતુ કૅપ્ટન અને ઇનિંગ્સના અંત ભાગમાં ટીમને જરૂર હોય ત્યારે, વિકેટ પર ટકી રહેવામાં કે રન ફટકારવામાં પણ તે એટલા જ ઉપયોગી છે.
સૌરાષ્ટ્ર માટે તેમણે 294 વિકેટ ખેરવી છે તેથી તે મોખરે છે જ, સાથે સાથે રણજી ટ્રૉફીના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ ખેરવનારા લેફ્ટ આર્મ પેસ બૉલરમાં તે બીજા ક્રમે છે.
ઝારખંડના અવિનાશ કુમારે 326 વિકેટ ઝડપી છે.

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તાજેતરમાં જ સૌરાષ્ટ્ર ક્રિકેટ ઍસોસિયેશને 100 ફર્સ્ટ ક્લાસ મૅચ રમવા બદલ જયદેવ ઉનડકટનું બહુમાન કર્યું હતું, પરંતુ આ સિદ્ધિ કરતાં ય મોટી સિદ્ધિ ઉનડકટે તાજેતરમાં જ પ્રાપ્ત કરી હતી,
ઉનડકટે 2010માં તેની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ રમી હતી. ત્યાર બાદ પસંદગીકારો તેમને સાવ ભૂલી ગયા હતા.
જોકે નિરાશ થયા વિના તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રમવાનું અને પરફોર્મ કરવાનું જાળવી રાખ્યું અને તેને પરિણામે છેક 2022ના ડિસેમ્બરમાં તેમને પોતાની કારકિર્દીની બીજી ટેસ્ટ રમવાની તક સાંપડી હતી.
આ ગાળામાં ભારત 118 ટેસ્ટ રમી ચૂક્યું હતું. ઘણા ખેલાડી નવા આવ્યા અને કેટલાકે તો નિવૃત્તિ પણ જાહેર કરી દીધી, અથવા તો કેટલાકની કારકિર્દી સમાપ્ત પણ થઈ ગઈ. પરંતુ 1991ની 18મી ઑક્ટોબરે ગાંધીના ગામ પોરબંદરમાં જન્મેલા જયદેવે પ્રયત્નો ચાલુ રાખ્યા જેને કારણે તેમને ભારતીય ટીમમાં ફરીથી સામેલ કરવાની પસંદગીકારોને ફરજ પડી હતી.
આમ જયદેવે પુરવાર કરી દીધું કે કોઈ ખેલાડીને એક દાયકા બાદ ફરીથી ટીમમાં સામેલ કરવામાં આવે ત્યારે એક દાયકા સુધી કેમ સમાવાયો નહીં તેવી નકારાત્મક વાત કરવાને બદલે એમ વિચારવું જોઇએ કે જે-તે ખેલાડીએ આટલાં વર્ષ સુધી રાહ જોઈ અને સતત સારો દેખાવ જારી રાખ્યો, જેને પરિણામે તે પુનરાગમન કરી શક્યા.

આઈપીએલ 2018માં રૂ. 11.5 કરોડનું મૂલ્ય અંકાયું

ઇમેજ સ્રોત, ANI
વિજય હઝારે વન-ડેની વાત હોય કે મુસ્તાક અલી ટી20ની વાત હોય કે પછી પછી આઇપીએલની વાત હોય. આઇપીએલમાં પણ આ બૉલરે ધરખમ સફળતા હાંસલ કરી છે. આઈપીએલમાં જયદેવે 91 મૅચમાં 91 વિકેટ ઝડપી છે. જયદેવ આઇપીએલની એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ ખેરવવાની સિદ્ધિ પણ નોંધાવી ચૂક્યા છે.
2017ના મે મહિનામાં પૂણેની ટીમમાંથી રમતા જયદેવે હૈદરાબાદની ટીમ સામે તેમના જ હોમ ગ્રાઉન્ડ હૈદરાબાદમાં રમાયેલી આઇપીએલની મૅચમાં જયદેવે હેટ્રિક પણ લીધી હતી. તેમણે બિપુલ શર્મા, રાશીદ ખાન અને ભુવનેશ્વર કુમારને આઉટ કર્યા હતા.
સનરાઇઝર્સ પોતાના હોમગ્રાઉન્ડ પર જંગી સ્કોર ખડકશે તેમ લાગતું હતું ત્યારે ખતરનાક બની રહેલા યુવરાજસિંઘને આઉટ કરીને ઉનડકટે પહેલાં તો હરીફ ટીમના રનરેટ પર બ્રૅક લગાવી અને ત્યારબાદ સળંગ ત્રણ બૉલમાં ત્રણ વિકેટ ખેરવીને સરનાઇઝર્સને 136 રનના સ્કોર પર અટકાવી દીધું.
રોમાંચક બનેલી એ મૅચમાં છેલ્લી ઘડીએ પૂણેએ આઠ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે વોશિંગ્ટન સુંદર સામે એક છેડે ટકી રહીને તેમણે ટીમને બે વિકેટે રોમાંચક વિજય પણ અપાવ્યો હતો.
પૂણેની ટીમ 2017ની આઇપીએલની ફાઇનલમાં પ્રવેશી તેમાં પણ તેમનું યોગદાન હતું.
જયદેવને ખરીદવા આઈપીએલની દરેક ટીમ આતુર હોય છે અને તેથી જ તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગલોર, દિલ્હી ડેરડેવિલ્સ, રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ, રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ માટે રમી ચૂક્યા છે.
આઈપીએલ 2018 માટે ખેલાડીઓની હરાજીમાં ગુજરાતના જયદેવ ઉનડકટને 11.5 કરોડ રૂપિયાની કિંમત સાથે રાજસ્થાન રોયલ્સે પોતાની ટીમમાં સામેલ કર્યાં હતા.
સૌરાષ્ટ્રને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એટલે કે રણજી ટ્રૉફીમાં ચેમ્પિયન બનાવનારા ઉનડકટે વન-ડે ફોર્મેટમાં રમાતી વિજય હઝારે ટ્રૉફીમાં પણ આ સિઝનમાં જ ચેમ્પિયન બનાવ્યું હતું.
ભારત માટે બે ટેસ્ટ રમવા ઉપરાંત તે સાત વન-ડે અને દસ ટી20 મૅચ પણ રમ્યા છે આ ઉપરાંત 100 ફર્સ્ટ ક્લાસ મૅચ અને 116 લિસ્ટ-એ મૅચો પણ ખરી.
બૅટ્સમૅન તરીકે નીચેના ક્રમમાં ઊતરીને ઉનડકટે 1844 રન ફટકાર્યા છે, તો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેના નામે 373 વિકેટ નોંધાયેલી છે.
જયદેવનું હાલનું ફોર્મ જોતાં તે આગામી બે ચાર સિઝન તો આસાનીથી રમી શકે તેમ છે અને આમ થશે તો ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટમાં મોખરાના ક્રિકેટરમાં તેનું નામ ઉમેરાશે તેમાં કોઈ શંકા નથી.














