નીમુબહેન બાંભણિયા: પહેલી વાર લોકસભા ચૂંટણી લડતાં પૂર્વ મેયર કોણ છે?

ભાજપે ભાવનગરથી નીમુબહેન બાંભણિયાની પસંદગી કરી છે

ઇમેજ સ્રોત, Nimuben Bambhania/fb

ઇમેજ કૅપ્શન, ભાજપે ભાવનગરથી નીમુબહેન બાંભણિયાની પસંદગી કરી છે

લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થઈ ગઈ છે અને રાજકીય પાર્ટીઓએ જાહેર કરેલા ઉમેદવારોએ ચૂંટણીપ્રચાર પણ શરૂ કરી દીધો છે.

ગુજરાતમાં ભાજપે અત્યાર સુધીમાં લોકસભાના 22 ઉમેદવાર જાહેર કર્યા છે અને હવે 4 ઉમેદવારનાં નામ બાકી છે.

ચાર બાકી સીટમાં અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને મહેસાણાનો સમાવેશ થાય છે.

ભાવનગર લોકસભા બેઠકથી ભાજપે બે ટર્મથી સાંસદ ડૉ. ભારતીબહેન શિયાળની ટિકિટ કાપીને પક્ષનાં જ સિનિયર મહિલા નેતા નીમુબહેન બાંભણિયાને ટિકિટ આપી છે.

જ્યારે સામે પક્ષે બોટાદના આમ આદમી પાર્ટીના વર્તમાન ધારાસભ્ય ઉમેશ મકવાણાને ટિકિટ અપાઈ છે. અહીં કૉંગ્રેસ અને આપ સંયુક્ત રીતે ચૂંટણી લડી રહ્યાં છે.

ડૉ. ભારતીબહેનની જેમ નીમુબેન પણ તળપદા કોળી સમાજમાંથી આવે છે, જેના ભાવનગર લોકસભા બેઠકમાં 42 ટકાથી વધુ મતદારો છે.

બે દાયકા કરતાં વધુ સમયથી ભાજપ સાથે જોડાયલાં નીમુબેન બાંભણિયાએ પક્ષ વતી વિવિધ જવાબદારી નિભાવી છે. તેમણે બે ટર્મ ભાવનગરનાં મેયર તરીકે પણ કામ કર્યું છે.

પક્ષનાં જૂનાં નેતા નીમુબહેન બાંભણિયા

નીમુબેન ત્રણ વખત નગરસેવક રહ્યાં છે અને બે વખત મેયર તરીકે પણ કામ કર્યું છે

ઇમેજ સ્રોત, ALPESH DABHI

ઇમેજ કૅપ્શન, નીમુબેન ત્રણ વખત નગરસેવક રહ્યાં છે અને બે વખત મેયર તરીકે પણ કામ કર્યું છે

બી.એસ.સી. અને બી.એડ.ની ડિગ્રી ધરાવતાં નીમુબહેન બાંભણિયા વ્યવસાયે શિક્ષકા હતાં.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભાવનગરના રાજકરણને નજીકથી જોનારા મનસુખ સોલંકી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, ''22 વર્ષ પહેલાં નીમુબહેન બાંભણિયા ભાજપમાં જોડાયાં હતા અને ત્યાર બાદ તેમણે સતત પક્ષમાં વિવિધ જવાબદારીઓ નિભાવી છે. સંગઠનમાં અને મહિલા મોરચામાં કામ કરવા ઉપરાંત તેઓ જિલ્લા પ્રભારી અને ચૂંટણી નિરીક્ષક તરીકેનો ચાર્જ પણ તેમણે સંભાળ્યો છે.''

તળપદા કોળી સમાજમાં પણ અલગઅલગ કાર્યો તેઓ કરતાં રહે છે. 2011થી 2016 સુધી તેમણે ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમના ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. હાલ તેઓ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી રહ્યાં છે.

મનસુખભાઈ કહે છે કે નીમુબહેન જીતે તેની મજબૂત શક્યતા રહેલી છે.

નીમુબહેનની પસંદગી કેમ કરવામાં આવી? તેના જવાબમાં બીબીસી ગુજરાતી સહયોગી અલ્પેશ ડાભી કહે છે, ''ડૉ. ભારતીબહેન શિયાળ સામે માત્ર પક્ષમાં જ નહીં પરંતુ સામાન્ય લોકોમાં પણ નારાજગી હતી. ભાવનગરના કેટલાક પ્રશ્નો એવા છે જેનો ભારતીબહેન 10 વર્ષે પણ ઉકેલ લાવી શક્યાં નથી. પક્ષની અંદર નારાજગીનું કારણ એ છે કે તેઓ ઘણી વખત કાર્યકર્તાઓ અને નેતાઓની રજૂઆત પણ ધ્યાન લેતાં નહોતાં.''

તેઓ વધુમાં ઉમેરે છે કે ભાજપમાં ડૉ. ભારતીબહેન સામે અસંતોષ દેખાઈ આવતો હતો અને એટલા માટે જ નવો ઉમેદવાર જાહેર કરાયો છે.

લોકસભા ચૂંટણીમાં ભાવનગર બેઠકનું ગણિત શું છે?

ભાવનગરનાં વર્તમાન સાંસદ ભારતી શિયાળ

ઇમેજ સ્રોત, DR BHARATI SHYAL/FB

ઇમેજ કૅપ્શન, ભાવનગરનાં વર્તમાન સાંસદ ભારતી શિયાળ

ભાવનગર (લોકસભા બેઠક નંબર-15) બેઠકમાં તળાજા, પાલિતાણા, ભાવનગર ગ્રામીણ, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા તથા બોટાદ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

2009 પછી ભાવનગર લોકસભા બેઠકના સીમાંકનમાં ફેરફાર કરવામાં આવ્યું હતું, જેમાં ભાવનગરની લોકસભા બેઠકમાંથી મહુવા અને ગારિયાધારને બાદ કરી દેવામાં આવી હતી.

બોટાદ અને ગઢડાને ભાવનગરની લોકસભા બેઠકમાં સમાવવામાં આવ્યા છે જ્યારે મહુવા અને ગારિયાધાર વિધાસભા બેઠકોને અમરેલીની લોકસભા બેઠકમાં સમાવવામાં આવી છે.

ગુજરાત રાજ્ય ચૂંટણીપંચ અનુસાર 2019ની લોકસભા ચૂંટણીમાં ભાવનગર બેઠકમાં 9,19,883 પુરુષ, 8,47,122 મહિલા અને 35 અન્ય સહિત કુલ 17,67,040 મતદાતા નોંધાયા હતા.

2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે મહિલા ઉમેદવાર ડૉ. ભારતીબહેન શિયાળને ભાવનગર બેઠકથી ઉમેદવાર બનાવ્યાં હતા. 2014માં તેમણે કૉંગ્રેસના પ્રવીણ રાઠોડને પરાજય આપ્યો હતો. 2019ની ચૂંટણીમાં કૉંગ્રેસના મનહર પટેલને 295488 મતોથી હરાવ્યા હતા.

ડૉ. ભારતીબહેન શિયાળ આ બેઠક પરથી ચૂંટાયેલાં પ્રથમ મહિલા સાંસદ છે. હવે જો નીમુબહેન બાંભણિયા ચૂંટાય તો બીજાં મહિલા સાંસદ બનશે.

ભાજપે છ વાર ચૂંટણી જીતી અને બેઠક ભાજપ પાસે જ રહી

ભાવનગર લોકસભા બેઠક પર સૌપ્રથમ વખત 1980માં કૉંગ્રેસના ઉમેદવાર ગીગાભાઈ ગોહિ‌લ વિજેતા થયા હતા.

ત્યાર બાદ 1984માં પણ ફરી એક વખત ગીગાભાઈ ગોહિ‌લે ભાવનગરનું લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું હતું. પછીની 1989 ચૂંટણીમાં ગીગાભાઈ ગોહિ‌લના સ્થાને તેમના સંબંધી શશિકાંતભાઈ જમોદને કૉંગ્રેસે ટિકિટ ફાળવી અને તેઓ પણ ચૂંટાઈ આવ્યા હતા.

ભાજપે પ્રથમ વખત ભાવનગર બેઠક 1991માં જીતી હતી અને ત્યાર બાદ આ બેઠક સતત ભાજપ પાસે જ રહી છે. ભાજપે છ વખત આ બેઠક જીતી છે અને છએ છ વખત ક્ષત્રિય ઉમેદવાર વિજેતા થયા છે. જેમાં એક વખત ડૉ. મહાવીરસિંહ ગોહિલ અને પાંચ વખત રાજુભાઈ રાણા, તો 2014માં ભાજપમાંથી કોળી ઉમેદવાર ડૉ. ભારતીબહેન શિયાળ વિજેતા થયાં હતાં.

છ વાર એક જ અટકના સાંસદે કર્યું દિલ્હીમાં પ્રતિનિધિત્વ

ભાવનગરનું પ્રખ્યાત ક્રિસેન્ટ ટાવર

ઇમેજ સ્રોત, Bhavnagar Municipal Corporation

ઇમેજ કૅપ્શન, ભાવનગર શહેરનું પ્રખ્યાત ક્રિસેન્ટ ટાવર ચોક

આઝાદ ભારતની પ્રથમ ચૂંટણી યોજાઈ ત્યારે આ બેઠકનું નામ ગોહિલવાડ હતું. 1962માં જ્યારે ગુજરાત અલગ થયું ત્યારે આ બેઠકનું નામ ભાવનગર થયું. 1951, 1957 અને 1962 અને 1967 એમ સતત ચાર ટર્મ અહીંથી કૉંગ્રેસના સાંસદ ચૂંટાયા. 1971માં કૉંગ્રેસ ઑર્ગેનાઇઝેશન તો 1977માં બીએલડીના સાંસદ ચૂંટાયા.

પણ અહીં સુધી જે પણ સાંસદ ચૂંટાયા તે તમામની અટક મહેતા જ હતી. 1951 અને 1957માં બળવંતરાય મહેતા, 1962 અને 1967 જશંવતરાય મહેતા, 1971 અને 1977માં પ્રસન્નવદન મહેતા ચૂંટાયા. 1980માં આ પ્રથા તૂટી અને પછી વારો આવ્યો ગોહિલ અટકનો.

1980થી 1991 સુધી એક ટર્મને બાદ કરતાં બધી જ ટર્મમાં ગોહિલ અટકના સાંસદ ચૂંટાયા. 1980માં ઇન્દિરા કૉંગ્રેસમાંથી ગીગાભાઈ ગોહિલ, 1984માં કૉંગ્રેસમાંથી પણ તેઓ જ ચૂંટાયા.

1989માં આ બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો હતો. કૉંગ્રેસના ઉમેદવાર શશિકાંત જમોદ અને જનતા દળમાંથી પ્રવીણસિંહ જાડેજા વચ્ચે માત્ર 0.16 ટકાના માર્જિનથી હાર-જીતનો નિર્ણય થયો. જમોદ અને જાડેજા વચ્ચેના આ જંગમાં 552 મતનું જ માર્જિન હતું. જોકે, જીત શશિકાંત જમોદની થઈ હતી.

1991માં આ બેઠક પર ભાજપે જીતની ઍન્ટ્રી કરી. ત્યારથી લઈને અત્યાર સુધી ભાજપ એક પણ વાર આ બેઠક હાર્યો નથી. 1996માં અહીંથી ભાજપ અને કૉંગ્રેસ સામે કદ્દાવર નેતા પરસોત્તમ સોલંકીએ ઝંપલાવ્યું હતું. ભાજપ બાદ સૌથી વધુ મત તેમને મળ્યા હતા અને કૉંગ્રેસ ત્રીજા નંબરે રહી ગઈ હતી.

પરસોત્તમ સોલંકી અને રાજેન્દ્રસિંહ રાણા વચ્ચે પણ જીતનું માર્જિન બે ટકાથી પણ ઓછું હતું. 1.81 ટકા અને 7 હજાર 771 મતથી જીતનો નિર્ણય થયો હતો. 1998માં કૉંગ્રેસે આ બેઠક પરથી હાલના કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને ટિકિટ આપી હતી. જોકે, તેઓ હારી ગયા હતા.

ત્યાર બાદ ભાજપે રાજેન્દ્રસિંહ રાણા પર 1999, 2004 અને 2009 સુધી વિશ્વાસ મૂક્યો. જેઓ જીતીને પણ આવ્યા. 2014માં ભાજપે અહીંથી ઉમેદવાર બદલ્યા અને ડૉ. ભારતીબહેન શિયાળને મેદાને ઉતાર્યાં. 2014 અને 2019 બન્ને ટર્મમાં ભાજપનો વિજય થયો.

અત્યાર સુધીનું સરવૈયું જોઈએ તો છ વાર કૉંગ્રેસ, એક વાર ઇન્દિરા કૉંગ્રેસ, એક વાર કૉંગ્રેસ ઑર્ગેનાઇઝેશન, એક વાર બીએલડી અને છ વાર ભાજપનો વિજય થયો છે.

અત્યાર સુધી ભાજપે 22 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે

ભાજપે બે તબક્કામાં ગુજરાતની 22 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ભાજપે અત્યાર સુધીમાં ગુજરાતની 22 બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. 2 માર્ચના રોજ પક્ષે પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં 15 લોકસભા બેઠકોના ઉમેદવારનાં નામ સામેલ હતાં.

આ યાદીમાં ગુજરાતમાં ગાંધીનગરથી અમિત શાહ, નવસારીથી ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર. પાટીલ, કચ્છથી વિનોદ ચાવડા, બનાસકાંઠાથી ડૉ. રેખાબહેન ચૌધરી, પાટણથી ભરતસિંહજી ડાભી, અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા, રાજકોટથી પરશોત્તમ રૂપાલા, પોરબંદરથી મનસુખ માંડવિયા, જામનગરથી પૂનમબહેન માડમ, આણંદથી મીતેશ રમેશભાઈ પટેલ, ખેડાથી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલથી રાજપાલ જાધવ, દાહોદથી જસવંતસિંહ ભાભોર, ભરૂચથી મનસુખ વસાવા અને બારડોલીથી પ્રભુ વસાવાનાં નામની જાહેરાત કરાઈ હતી.

ભાજપની પહેલી યાદીમાં હાલના પાંચ સાંસદોની ટિકિટ કપાઈ હતી.

બનાસકાંઠાથી પરબત પટેલ, અમદાવાદ પશ્ચિમથી કિરીટ સોલંકી, રાજકોટથી મોહન કુંડારિયા, પંચમહાલથી રતનસિંહ રાઠોડ અને પોરબંદરથી રમેશ ધડુકના સ્થાને અન્ય ઉમેદવારોને ટિકિટ અપાઈ હતી.

ભાજપની એ પછીની યાદીમાં ગુજરાતના અન્ય સાત બેઠકોના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સાબરકાંઠાથી ભીખાજી ઠાકોર, અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલ (રિપીટ), ભાવનગરથી નીમુબહેન બાંભણિયા, વડોદરાથી રંજનબહેન ભટ્ટ (રિપીટ), છોટાઉદેપુરથી જશુ ભીલુભાઈ રાઠવા, સુરતથી મુકેશ દલાલ અને વલસાડથી ધવલ પટેલના નામની જાહેરાત થઈ હતી.