You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીરનાં સફરજન આ વખતે ખૂબ ઓછાં કેમ મળી રહ્યાં છે?
- લેેખક, અકીબ જાવિદ
- પદ, શ્રીનગર, કાશ્મીર
ઠંડા અને ધુમ્મસથી ભરેલા એક દિવસે કાશ્મીરના પુલવામા જિલ્લામાં સેંકડો સફરજનઉત્પાદક ખેડૂતો એક છાપરા હેઠળ બનેલા એક અસ્થાયી ફળોના બજારમાં તેમનો પાક લઈને પહોંચ્યા હતા. એ આશા સાથે કે વેપારી તેમની પાસેથી સફરજન ખરીદશે.
આ વર્ષે ખેડૂતો વચ્ચે સફરજનને લઈને ચિંતા છે કારણ કે આ વખતે એની ગુણવત્તા એટલી સારી નથી અને તેની અસર ભાવ પર પણ પડવાની છે.
કાશ્મીર તેનાં વિભિન્ન પ્રકારનાં સફરજન માટે ભારતમાં જાણીતું છે પણ જળવાયુ પરિવર્તન, ફૂગ અને કેટલીક આર્થિક મુશ્કેલીઓને કારણે સફરજનનો આ વેપાર હવે સંકટમાં છે.
આકાર, રંગ, ગુણવત્તા અનુસાર સફરજનને એ, બી અને સી શ્રેણીમાં મૂકવામાં આવે છે. 'એ' પ્રીમિયમ કક્ષા છે જ્યારે 'બી' અને 'સી' ફૂગ લાગેલાં સફરજન હોય છે. જોકે 'બી' કક્ષાનાં સફરજન 'સી' કક્ષાનાં સફરજન કરતાં ઓછા સંક્રમિત હોય છે.
પુલવામાના એક સફરજનની વાડીના માલિક ગુલામનબી મીર કહે છે, “આ વખતે કુલ સફરજન-ઉત્પાદનનાં 40 ટકા સફરજન સી કક્ષાનાં પાક્યાં છે.”
જમ્મુ-કાશ્મીરના કૃષિવિભાગ અનુસાર સફરજન, અખરોટ અને બદામની ખેતી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ વિસ્તારમાં આશરે 23 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે.
શ્રીનગરના એક સ્વતંત્ર અર્થશાસ્ત્રી એઝાઝ અયૂબે બીબીસીને જણાવ્યું કે દર વર્ષે 20 લાખ ટનથી વધારે સફરજનની નિકાસ થાય છે જેનાથી 120 અબજ રૂપિયાનું હૂંડિયામણ મળે છે.
આ રકમ કાશ્મીર પ્રવાસન-ઉદ્યોગથી થનારી આવકથી બેગણી છે. પણ વાતાવરણની અનિશ્ચિતતાની અસર તેના પર વર્તાવા લાગી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વાતાવરણની અસર
50 વર્ષના અબ્દુલ્લા ગફ્ફાર કાઝી કહે છે, “એપ્રિલથી મે વચ્ચે કમોસમી વરસાદથી પાકમાં ફૂગ લાગી ગઈ છે. જો ખેડૂતો જંતુનાશકો છાંટે છે તો વરસાદ તેને વહાવી લે છે.”
શેર-એ-કાશ્મીર યુનિવર્સિટી ઑફ ઍગ્રીકલ્ચરલ સાયન્સીઝમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. તારિક રસૂલનું કહેવું છે કે અતિવૃષ્ટિથી સફરજનના પાકનાં આકાર, ગુણવત્તા અને પ્રમાણ પર પણ અસર પડે છે.
ઋતુઓના આધાર પર ગરમી અને વસંત ઋતુ દરમ્યાન પાકમાં રોગ લાગે છે અને સફરજનની ગુણવત્તા 'બી' કક્ષાથી ઘટીને 'સી' કક્ષાની થઈ શકે છે.
કાશ્મીરના બડગામ જિલ્લામાં ચડૂરાના 58 વર્ષના ગુલામ મહમદ બટનું કહેવું છે કે તેમણે વાતાવરણમાં આટલું પરિવર્તન આ અગાઉ ક્યારે પણ જોયું નથી. તેઓ કહે છે, “મે મહિનામાં કરા પડ્યા. જેનાથી મારો પાક બરબાદ થઈ ગયો.”
જ્યારે ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં લાંબા સમયથી કોઈ વરસાદ ના થતાં પાણીની અછત સર્જાઈ અને એનાથી પણ સફરજનનો સ્વાદ ફિક્કો થઈ ગયો.
જમ્મુ કાશ્મીરના હવામાન વિભાગના ડેટા દર્શાવે છે કે ગત સાત વર્ષોમાં કાશ્મીરમાં વાતાવરણ પરિવર્તનની ઘટનાઓ વધી છે. 2010થી 2022 વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે 550થી વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં.
18 જુલાઈ 2021નો દિવસ કાશ્મીરમાં આઠ વર્ષોમાં સૌથી વધારે ગરમ દિવસ (35 ડિગ્રી સેલ્સિયસ) રહ્યો. એ જ વર્ષે જાન્યુઆરીમાં ખીણમાં 30 વર્ષોમાં સૌથી ઠંડી રાતનો રૅકર્ડ પણ નોંધાયો.
કાશ્મીરમાં સ્વતંત્ર હવામાન આગાહી કરનાર ફૈઝાન આરિફ કેંગના જણાવ્યા અનુસાર, આ વર્ષે માર્ચ અને મધ્ય એપ્રિલ વચ્ચે અહીં તાપમાન સામાન્ય કરતાં 12 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું. આવું હવામાન સફરજનના પાક માટે અનૂકૂળ ગણાય છે. જોકે, હવામાનમાં અચાનક પલટો આવ્યો અને જૂન સુધી તાપમાન સામાન્ય કરતાં ઓછું રહ્યું.
ઈરાની અને અમેરિકન સફરજન
ફૈઝાન આરિફ કેંગ કહે છે, “આ સમય અગાઉ વસંતના ‘ખોટા આભાસ’ને કારણે પાકને નુકસાન થયું.”
અતિવૃષ્ટિ પાકના પરિવહનને પણ પડકાર બનાવી દે છે.
શિયાળામાં પાક પાકવાની શરૂઆત થાય છે પરંતુ આ સમય દરમિયાન ખીણ બાકીના વિશ્વથી કપાઈ જાય છે, કારણ કે શ્રીનગર-જમ્મુ હાઈવે પર ભૂસ્ખલનનું જોખમ વધે છે. આ એકમાત્ર રસ્તો છે જે આ પ્રદેશને દેશના બાકીના ભાગો સાથે જોડે છે.
જો ભૂસ્ખલનને કારણે હાઇવે બંધ થઈ જાય તો સફરજનથી ભરેલી સેંકડો ટ્રકો દિવસો સુધી ફસાયેલી રહે છે અને આ એક સામાન્ય દૃશ્ય છે.
દિલ્હીના આઝાદપુર ફ્રૂટ માર્કેટમાં 'કાશ્મીર ઍપલ મર્ચન્ટ્સ ઍસોસિએશન'ના ઉપાધ્યક્ષ વિજય તાયરા કહે છે કે ઈરાનનાં સફરજન ભારતની બજારોમાં આવી રહ્યાં છે. સફરજનના ખેડૂતોનું કહેવું છે કે આનાથી બજારમાં કાશ્મીરી સફરજનની ભાગીદારી અને ભાવ બંને પર અસર પડી રહી છે.
'કાશ્મીર વૅલી ફ્રૂટ ગ્રોઅર્સ કમ ડીલર યૂનિયન'ના અધ્યક્ષ અહમદ બશીર કહે છે, "માત્ર બે અઠવાડિયાં પહેલાં, ભારતના ફ્રૂટ માર્કેટમાં કાશ્મીર સફરજનના બૉક્સની કિંમત 1,000થી 1,300 રૂપિયા હતી. હવે તે ઘટીને 800 રૂપિયા થઈ ગઈ છે. જેનાથી ખર્ચ પણ નીકળતો નથી.”
તેમનું કહેવું છે કે અમેરિકાથી આયાત થતા સફરજન પર 20 ટકા કર માફ કરવાના ભારત સરકારના નિર્ણયને કારણે સફરજનના ખેડૂતોને ભાવમાં ઘટાડાનો સામનો કરવો પડી રહ્યો છે.
નવેમ્બરમાં, કાશ્મીર વૅલી ફ્રુટ ગ્રોઅર્સ કમ ડીલર્સ યુનિયને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ કટોકટીમાં તેમના હસ્તક્ષેપની માગ કરી હતી.
કેન્દ્ર સરકારને અરજ
આ વિસ્તારના બાગાયત વિભાગનું કહેવું છે કે આ મુદ્દાઓ કેન્દ્ર સરકાર સ્તરે જ ઉકેલી શકાય તેમ છે.
વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મંઝૂર અહમદ મીરે કહ્યું, "અમે આ મુદ્દો કેન્દ્ર સમક્ષ ઉઠાવ્યો છે. ફક્ત તેઓ જ આ મુદ્દે કંઈક કરી શકે તેમ છે."
નકલી કે હલકી ગુણવત્તાની જંતુનાશક દવાઓ વેચતા ડીલરો સામે સરકાર કોઈ પગલાં ન લેતાં ખેડૂતો પણ નારાજ છે.
ભટ કહે છે, "જો જંતુનાશકો ભરોસાપાત્ર ગુણવત્તાનાં હશે, તો આપણા બગીચાઓમાં ઓછા રોગો ફેલાશે."
બાગાયત વિભાગના અન્ય ડેપ્યુટી ડાયરેક્ટર શફીક ખાલિદનું કહેવું છે કે આરોપી ડીલરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની સામે ફોજદારી કેસ નોંધવામાં આવ્યા છે.
અર્થશાસ્ત્રી અયુબ કહે છે કે 'જો સફરજનનું ઉત્પાદન કરતા ખેડૂતોને સારી આવક ન મળે, તો સ્થાનિક અર્થતંત્રને જીવંત બનાવતા વપરાશને પણ અસર થાય છે.'
તે કહે છે, “જ્યારે નાણાં બજારમાં આવે છે ત્યારે તે અન્ય વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો સુધી પણ પહોંચે છે. તેથી જો પૈસા આવવાનું બંધ થઈ જશે તો તેની અસર દરેકને થશે.”