સોશિયલ મીડિયા પર લોકપ્રિય 'ખાન સર' કોણ છે અને તેમના કોચિંગ થકી સરકારી નોકરીનું સપનું સાકાર થાય છે?

- લેેખક, ચંદનકુમાર જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા, પટનાથી
રાજધાની પટના બિહારમાં શિક્ષણનું કેન્દ્ર છે. સ્કૂલથી લઈને કૉલેજ અને યુનિવર્સિટી સુધીના અભ્યાસ માટે પટના જ બિહારના વિદ્યાર્થીઓની સૌથી મનપસંદ જગ્યા છે. બિહારમાં ભણતરનો એક મોટો હેતુ સરકારી નોકરી મેળવવાનો હોય છે.
સરકારી નોકરીની ઘેલછાએ દર વર્ષે લાખો બાળકો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે અલગ-અલગ રાજ્યોમાંથી પટના આવે છે.
બિહારમાં દર વર્ષે અંદાજે 15 લાખ વિદ્યાર્થીઓ ઇન્ટરીડિયેટ એટલે કે બારમા ધોરણની પરીક્ષા આપે છે.
તેમાંથી લગભગ અડધા વિદ્યાર્થીઓ બારમા ધોરણ બાદથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગી જતા હોય છે.
કોચિંગ ક્લાસિસ જાહેરાતો અને જાતભાતની ઑફરો વડે વિદ્યાર્થીઓને પોતાની તરફ આકર્ષી લે છે.
પટનાના એએન સિન્હા ઇન્સ્ટિટ્યૂટમાં અર્થશાસ્ત્રના પ્રોફૅસર વિદ્યાર્થી વિકાસ મુજબ, પટનાના મોટા કોચિંગ ક્લાસિસમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓ ભણે છે. જ્યારે નાના કોચિંગ ક્લાસિસમાં બે-બે લાખ વિદ્યાર્થીઓ ભણે છે.

કોણ છે ખાન સર?

આમ, દર વર્ષે સમગ્ર બિહારમાંથી પાંચેક લાખ વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય બનાવવા પટના પહોંચે છે.
સિવિલ સેવા, રેલવે, સેના, બૅન્કિંગ અને એસએસસી જેવી ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પટનામાં સંખ્યાબંધ કોચિંગ ક્લાસિસ છે. તેમાંથી ઘણા પટનાના મુસલ્લાપુર હાટ વિસ્તારમાં આવેલા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં એક કોચિંગ ક્લાસના સંચાલક રવિ સિન્હા સાથે અમારી મુલાકાત થઈ. તેમનું કહેવું છે કે માત્ર મુસલ્લાપુર વિસ્તારમાં જ અંદાજે ત્રણ લાખ વિદ્યાર્થીઓ દર વર્ષે સરકારી નોકરી માટે કોચિંગ કરવા આવે છે.
કોચિંગ ક્લાસિસની આ ભીડમાં એક નામ છે 'ખાન જીએસ રિસર્ચ સેન્ટર.'
આ પટનાના એ જ પ્રખ્યાત 'ખાન સર'નું કોચિંગ સેન્ટર છે, જે અવારનવાર જુદાંજુદાં કારણોથી ચર્ચા કે પછી વિવાદોમાં રહે છે.
ખાન સર બિહારની સ્થાનિક બોલીમાં બાળકોને સમજાવતા ઘણી વખત સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થયા છે અને આ દરમિયાન કેટલીક વખત તેઓ છોકરીઓને આપત્તિજનક રીતે સંબોધતા પણ જોવા મળ્યા.

શું છે ખાન સરનું સાચું નામ?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઘણી રીતે ખાન સર એક રહસ્યમય વ્યક્તિ લાગે છે. તેઓ સામાન્ય રીતે ક્યાંય પણ પોતાનું સાચું કે આખું નામ જાહેર કરતા નથી.
જોકે, બીબીસીને તપાસમાં જાણવા મળ્યું કે ખાન સરનું આખું નામ ફૈઝલ ખાન છે.
તેમણે પોતાનો પ્રારંભિક અભ્યાસ ઉત્તર પ્રદેશના દેવરિયાની એક સ્કૂલમાંથી કર્યો અને ત્યાર પછી ઇલાહાબાદ યુનિવર્સિટીમાંથી ગ્રૅજ્યુએશન પૂર્ણ કર્યું.
ખાન સરનો દાવો છે કે તેમણે આઈઆઈએમ અમદાવાદમાંથી સ્ટ્રેટેજિક મૅનેજમૅન્ટનો પણ અભ્યાસ કર્યો છે. જોકે, બીબીસી તેની પુષ્ટિ કરતું નથી.
ખાન સરનું કહેવું છે કે તેમની યૂટ્યુબ ચૅનલને કોરોના લૉકડાઉને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી.
લૉકડાઉન દરમિયાન લોકો માટે ડિજિટલ પ્લૅટફોર્મ મનોરંજન કે જાણકારી એકત્ર કરવાનું મોટું સાધન હતું.આ દરમિયાન ખાન સર પણ ઘણા પ્રખ્યાત થયા. ખાસ કરીને દેશી અંદાજમાં ભણાવવા અને સમજાવવાની રીતના કારણે.
ખાન સર મૂળરૂપે બિહાર બૉર્ડર પર આવેલાં ઉત્તર પ્રદેશના દેવરિયાના રહેવાસી છે.
અહીં રેસ્ટોરાં ચલાવનારા વિશાલ ચૌરસિયા ખાન સરને લાંબા સમયથી જાણે છે.
તેઓ ખાન સર સાથે પોતાની એક તસવીર બતાવતા કહે છે, "ખાન સરને હું વર્ષોથી ઓળખું છું. અહીં ભાટપાર રાનીમાં જ તેમનું ઘર છે. કોરોના મહામારી દરમિયાન તેઓ અહીંથી જ બાળકોને ભણાવતા હતા."

ખાન સરે કાશ્મીર મુદ્દે ભારતને શી સલાહ આપી હતી?

ઇમેજ સ્રોત, VISHAL CHAURASIA
જે સોશિયલ મીડિયા કે ડિજિટલ પ્લૅટફોર્મે ખાન સરને લોકપ્રિય બનાવ્યા છે, એ જ પ્લૅટફોર્મે તેમને ઘણી વખત સવાલોમાં ઘેરી લીધા છે.
પોતાની ટિપ્પણીને લઈને ઘણી વખત વિવાદોમાં ઘેરાયેલા ખાન સરની વાત હજારો લોકો સુધી પહોંચે છે.
અહેવાલો અનુસાર, તમિલનાડુમાં બિહારી પ્રવાસી શ્રમિકો સાથે હિંસાના નકલી વીડિયો બનાવવા મામલે પકડાયેલા મનીષ કશ્યપને ખાન સર સહિત પટનાના ઘણા કોચિંગ ક્લાસિસ પાસેથી આર્થિક મદદ મળતી હતી.

મનીષ કશ્યપ સાથે જોડાયેલા કેસની તપાસ કરી રહેલ બિહાર પોલીસની આર્થિક અપરાધ શાખાએ બીબીસીને જણાવ્યું કે તેમને મનીષ કશ્યપ અને ખાન સર વચ્ચેના સંબંધની જાણકારી મળી છે, પણ એ સંબંધ ક્યા સ્તરનો હતો, તેની તપાસ ચાલુ છે.
પોલીસે મનીષ કશ્યપ અંગે પટનાના ઘણા કોચિંગ ક્લાસિસ સાથે વાત કરી છે.
આરોપો અનુસાર, મનીષ કશ્યપ કોચિંગ ક્લાસિસની જાહેરાતો ન ચલાવીને તેમની 'પેઇડ સ્ટોરી' ચલાવતો હતો. એટલે કે તે પૈસા લઈને કોચિંગ ક્લાસિસનો પ્રચાર કરતો હતો.
જોકે, ખાન સરે આ મુદ્દે બીબીસીને જણાવ્યું કે તેમની એક પત્રકાર તરીકે મનીષ કશ્યપ સાથે સામાન્ય ઓળખાણ છે.
તેમનું કહેવું છે, "મારી યુટ્યૂબ ચેનલ મનીષની ચેનલથી ઘણી મોટી છે, એટલે મારે તેની પાસેથી પ્રચારની કોઈ જરૂર નથી. કેટલાક લોકો પોતાની ચેનલના વ્યૂ વધારવા માટે મારા નામનો ઉપયોગ કરે છે."
ખાન સર સાથે એક મોટો વિવાદ ભણાવતી વખતે વિવાદાસ્પદ શબ્દોનો ઉપયોગ કરવા સાથે જોડાયેલો છે.
એ પછી મહિલાઓ માટે ઉપયોગ કરાયેલ શબ્દો હોય કે પછી રાજનૈતિક નેતાઓ માટેના શબ્દો હોય.
તેઓ કાશમીર મુદ્દે ભારતને ચીનની તિબેટ નીતિ અપનાવવાની સલાહ આપતા નજરે પડ્યા છે અને માનવાધિકારોની પરવા ન કરાવની સલાહ આપે છે.
ખાન સર પર આરોપ લાગ્યો હતો કે તેમણે રેલવેની એનટીપીસી પરીક્ષાના પરિણામ બાદ વિદ્યાર્થીઓને ભડકાવ્યા હતા.

આ પરિણામ આવ્યા બાદ દેશના ઘણા વિસ્તારોમાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. તે સમયે ખાન સર વિરુદ્ધ ઉશ્કેરણીનો કેસ દાખલ થયો હતો.
આ સિવાય એક વખતે દ્વંદ્વ સમાસ વિશે સમજાવતી વખતે ખાન સરે વર્ષ 1999ના કંદહાર વિમાન અપહરણ કાંડનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં જે ભાષાનો પ્રયોગ કર્યો હતો એમાં મુસ્લિમ સમુદાય પર ટિપ્પણી માનવામાં આવી હતી.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ ઘણા જાણીતા લોકોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
ખાન સરનું કહેવું છે કે ‘કંદહાર અપહરણ કાંડમાં અબ્દુલ મોમિનને સજા થઈ હતી તો તેનું નામ બદલીને હું શું કરું? તમે પણ જો આ સમાચાર ચલાવશો તો અબ્દુલનું નામ તો નહીં બદલોને?’
ખાન સર ઘણી વખત પોતાની ટિપ્પણીઓના કારણે વિવાદમાં ફસાય છે. બાદમાં તેઓ યુટ્યૂબ વીડિયો બનાવીને સ્પષ્ટતા કરે છે.
આ રીતે વિવાદ ત્યારે થયો, જ્યારે ખાન સરે કથિત રીતે અલ્પસંખ્યક સમુદાયના લોકોને ‘પંચર’ બનાવનારા કહ્યા હતા.
જોકે, બાદમાં ખાન સરે સ્પષ્ટતા કરી હતી કે એ ટિપ્પણી સમગ્ર અલ્પસંખ્યક સમુદાય માટે નહીં પરંતુ પાકિસ્તાનની તહરીક-એ-લબૅક પાકિસ્તાન પાર્ટીના નેતાઓ માટે હતી.

મહિલાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી

ઇમેજ સ્રોત, KHAN GS RESEARCH CENTRE
ખાન સર સૌથી વધુ વખત મહિલાઓ પર તેમણે કરેલી ટિપ્પણીઓના કારણે વિવાદમાં સપડાયા છે.
તેઓ મહિલાઓ માટે ઘણી વખત બિહારી લોકભાષામાં એવા શબ્દોનો પ્રયોગ કરે છે, જે એક શિક્ષક તરીકે તેમને શોભતા નથી.
ખાન સરની સ્પષ્ટતા છે કે ‘દરેક રાજ્યની એક બોલી હોય છે. જો આપણે કોઈને બેટા કહીએ છીએ તો તેનો અર્થ એ નથી થતો કે આપણે ખુદને તેના પિતા ગણાવીએ છીએ.’
ખાન સરનું કહેવું છે કે “જો હું કંઈ ખોટું બોલતો, તો વિદ્યાર્થીઓ ખુદ તેનો વિરોધ કરતા. હકીકતમાં ત્રણ કલાકના વીડિયોમાંથી થોડાક સેકન્ડોનો વીડિયો કાપીને તેને વાઇરલ કરવામાં આવે છે.”
બિહારમાં શિક્ષણ પર કામ કરનારા સામાજિક કાર્યકર્તા પ્રીતિ નંદિની ખાન સરને મળી ચૂક્યાં છે અને આ મુદ્દે વાત પણ કરી ચૂક્યાં છે.
પ્રીતિ કહે છે, "મને લાગે છે કે ખાન સર જાણીજોઈને આવું બોલતા નથી. હકીકતમાં તેઓ જે માહોલમાં રહે છે, તેની અસર જોવા મળે છે. હવે તેઔઓ એક ચર્ચિત શિક્ષક છે તો તેમણે આવી ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ."
સોશિયલ મીડિયા પર આ પ્રકારના ઘણા વીડિયો છે, જે ખાન સરની ભણાવવાની રીત પર સવાલ ઉભા કરે છે. લાઇટલિંગ કે પછી વજ્રપાત વિશે સમજાવતી વખતે પણ ખાન સર મહિલાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરતા નજરે પડ્યા છે.
ખાન સર એક વીડિયોમાં કહે છે કે ‘મહિલા પોલીસકર્મીઓને ડ્યુટી પર મોકલવામાં આવશે તો તેઓ ડ્યુટીની જગ્યાએ ગપ્પા મારવા લાગશે.’

લોકપ્રિયતા કેવી રીતે મળી?

ખાન સર પ્રમાણે તેમના સેન્ટરમાં ક્લાસરૂમ કોર્સમાં રોજ પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ ભણે છે.
તેઓ વર્ષમાં અંદાજે 40 હજાર બાળકોને ક્લાસરૂમ કોર્સના માધ્યમથી જીએસ એટલે કે સામાન્ય જ્ઞાન ભણાવે છે.
આ સિવાય ઑનલાઇન ઍપ્લિકેશન મારફતે વર્ષભરમાં 50 લાખ બાળકો ખાન સર પાસે ભણી રહ્યાં છે.
ખાન સરનો દાવો છે કે યુટ્યૂબ પર અંદાજે બે કરોડ લોકો તેમની પાસે ભણી રહ્યા છે.
તેમનો એવો પણ દાવો છે કે ખાન જીએસ રિસર્ચ સેન્ટરની યુટ્યૂબ ચેનલ વિશ્વની સૌથી મોટી ઍજ્યુકેશન ચેનલ છે.ખાન સરનું કહેવું છે કે કોરોનાએ તેમના યુટ્યુબ ચેનલને વધુ લોકપ્રિય બનાવી દીધી છે.
તેઓ કહે છે, "કોરોના પહેલાં અમે પણ ટૅકનૉલૉજી વિશે વધારે જાણતા નહોતા, પરંતુ બાળકોને ભણાવવાનાં હતાં એટલે શીખવું પડ્યું."
કોચિંગનું આ બજાર એટલું મોટું છે કે દિલ્હી પાસે ગાઝિયાબાદમાં રહેતા પ્રિન્સ ત્યાગી દર મહિને ઓછામાં ઓછા બે વખત પટનાના કોચિંગ સેન્ટરમાં ભણાવવા જાય છે.

ભણાવવાની રસપ્રદ રીત

પ્રિન્સ દિલ્હીના કોચિંગ ક્લાસિસમાં પણ ભણાવે છે.
તેમનું કહેવું છે, "દિલ્હીના મુખરજીનગરમાં વર્ષ 2014માં કેટલાક કોચિંગ ક્લાસિસે પોતાના માર્કેટિંગ માટે યુટ્યૂબનો ઉપયોગ શરૂ કર્યો હતો. એ વખતે તેનાથી પૈસા કમાવાની સમજ કોઈનામાં નહોતી. કોચિંગ ક્લાસિસે વર્ષ 2016માં પૈસા કમાવાના હેતુથી યુટ્યૂબ પર વીડિયો નાખવાના શરૂ કર્યા."
પ્રિન્સ ત્યાગી કહે છે, "ખાન સર ભણાવે તો સારું છે પણ તેઓ ભણાવવા સિવાય પણ એવું ઘણું બધું કહે છે, જેને પરીક્ષા સાથે કોઈ લેવાદેવા નથી પણ એ સામાન્ય લોકોમાં ઉત્સુકતા જગાવે છે. એટલે જ વિદ્યાર્થીઓ સિવાય ઘણા લોકો તેમની યુટ્યૂબ ચેનલ જુએ છે."
ખાન સર ટ્રેનના ડબ્બા અને ઍન્જીન, ભારતીય સ્થાપત્યકળા, વાઇન પીવાના ગ્લાસની ડિઝાઇન વિશે પણ સમજાવતા નજરે પડ્યા છે. આ મુદ્દાને સ્પર્ધાત્મક પરીક્ષા સાથે કોઈ લેવા દેવા નથી પણ તે સામાન્ય લોકોને આકર્ષે છે.
ખાન સરની લોકપ્રિયતા પાછળ આ પ્રકારના પ્રયોગનો મોટો ભાગ છે.
તેઓ સ્પષ્ટતા કરતા જણાવે છે, "સતત 7-8 કલાક ભણાવતી વખતે બાળકો પણ મોબાઇલ પર નજરો દોડાવવા લાગે છે, જેનાંથી કોઈ જ્ઞાન વધવાનું નથી. બાળકોને વચ્ચેવચ્ચે આવી વાતો કહીને અભ્યાસ સાથે જકડી રાખવામાં આવે છે અને તેનાંતી જ્ઞાન પણ વધે છે."
ખાન સર જણાવે છે કે તેમને સૌથી વધુ રસ વિદેશ નીતિ કે પછી વિદેશ સંબંધો ભણાવવામાં છે.
તેમના ઑનલાઇન વીડિયો જોઈએ તો એ વિષય ભણાવવામાં તેઓ ઇમરાન ખાનની વિવાદાસ્પદ તસવીર કે પછી ચીન માટે અપશબ્દોનો ઉપયોગ કરે છે.
જોકે, ખાન સર પાસે કોચિંગમાં જતા એક વિદ્યાર્થી રાહુલનું કહેવું છે, "ખાન સર કોઈ પણ વાત સમજાવવા માટે જે ભાષાનો પ્રયોગ કરે છે. તેનાંથી અમને સમજવામાં સરળતા રહે છે અને ઘણો ફાયદો થાય છે."
ખાન સર ભણાવતી વખતે ભારતના હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને પૂર્વવડા પ્રધાન મનમોહનસિંહનો મજાક ઉડાવતા પણ નજરે પડે છે.

તથ્યોની ભૂલો

બીજી તરફ ઇન્ટરનેટ પર દૂર સુધીની પહોંચે ખાન સરની ભૂલો પણ ઉજાગર કરી છે.
તેમાં સૌથી વધુ વિવાદ તેમની મક્કા અને મદીના વિશેની ભૂલોને લઈને થયો છે.
હકીકતમાં એક વીડિયોમાં ખાન સરે પોતાના ક્લાસમાં બાળકોને ભણાવતી વખતે 'બૈતુલ્લાહ'ને મક્કા કહી રહ્યા છે અને 'મસ્જિદ-એ-નબવી'ને મદીના કહી રહ્યા છે.
આ વીડિયોમાં ખાન સરે ઘણી ભૂલો કરી હતી અને તેના પર ઇસ્લામિક જાણકારોએ તેમનાં તથ્યો પર સવાલ ઉઠાવ્યા હતા.
અમે ખાન સરને એ વિશે પણ પૂછ્યું, જવાબમાં તેમણે કહ્યું, "નાનકડી વાતને લોકો મોટી કરી લે છે. હું ભૂગોળ ભણાવી રહ્યો હતો, ધર્મ નહીં. તમે જ્યારે પણ મક્કા અને મદીના જેવાં શહેરોની તસવીર જોશો, તો એ જ તસવીર દેખાશે. આ શહેરોમાં કંઈ છે પણ નહીં. તેમને સમજાવવા માટે એવું કહ્યું હતું."
જો ખાન સર પોતાની ભણાવવાની રીતના લીધે પટનાના કોચિંગ બજારમાં મોટું નામ બની ગયા છે, તો તેમની ભૂલ પકડનારા પણ અવારનવાર સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને પોસ્ટ કરે છે.
ખાન સરે એક વીડિયોમાં કહ્યું હતું કે માલગાડીને ખેંચનારું WAG-12 એન્જિન વિશ્વનું સૌથી તાકતવર રેલવે એન્જિન છે.
જ્યારે અમે રેલવે પાસે આ વિશે જાણકારી માગી તો તેમણે કહ્યું કે આવો દાવો તો ન કરી શકાય પરંતુ એ વિશ્વના સૌથી તાકતવર એન્જિનોમાંનું એક છે, જે માલગાડીને 120 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે ખેંચી શકે છે.
એક વીડિયોમાં ખાન સર કહી રહ્યા છે કે ગાંધીજી વર્ષ 1883માં વકાલત કરવા યુકે ગયા હતા. હકીકતમાં તેઓ 1888માં યુકે ગયા હતા.
આ સિવાય પણ તેમણે ઘણી વખત તથ્યાત્મક ભૂલો કરી છે અને તેઓ સ્વીકારે પણ છે કે ક્યારેક આ પ્રકારની ભૂલો થઈ જાય છે.
તેમનું કહેવું છે, "સતત કલાકો સુધી ભણાવ્યા બાદ થાકના કારણે આમ થાય છે. જોકે, તેને સુધારી લેવામાં આવે છે, પરંતુ સોશિયલ મીડિયા પર સુધારા બાદની વસ્તુઓ વાઇરલ થતી નથી."
તેમનો દાવો છે કે જો તેઓ ખોટું ભણાવતા હોત તો દર વર્ષે કોઈ પ્રચાર વગર તેમની પાસે આટલા બધા વિદ્યાર્થીઓ ન આવતા હોત.

કોચિંગનું સત્ય

ખાન સર પોતાના એક વીડિયોમાં બરનૉલીના થિયોરમને ઘણી સારી રીતે સમજાવતાં નજરે પડે છે કે વાવાઝોડું આવે ત્યારે છાપરા ઉડવાનું કારણ શું હોય, પ્લૅટફોર્મ પર ઊભેલી વ્યક્તિને ચાલતી ટ્રેનથી દૂર ઊભા રહેવાનું કેમ કહેવાય છે. પરંતુ એ જ વીડિયોમાં તેઓ ગતિ અને સ્થિતિ ઊર્જાને સમજાવતી વખતે એક યુવતીનું ઉદાહરણ આપે છે, જે કુતુબમિનાર પર આત્મહત્યા કરવા ચઢી છે.
આ સિવાય ભણાવતી વખતે ખાન સર એમ પણ કહે છે કે ઘરની અંદર પતિ-પત્નીની લડાઈથી વાવાઝોડું આવે છે.
ખાન સર અન્ય એક દાવો કરે છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઊર્જાસંરક્ષણના સિદ્ધાંતના સવાલનો સાચો જવાબ હંમેશાં ઑપ્શન 'બી' હોય છે.
આ પ્રકારના દાવા બાળકોને પરીક્ષામાં ખોટા પણ પુરવાર કરી શકે છે.
પ્રોફૅસર વિદ્યાર્થી વિકાસ કહે છે, "આજે શિક્ષકની ભૂમિકા સમાજના નિર્માણમાં અને તેને વિકસિત કરવામાં રહી નથી. આજે બધું જ વર્ચ્યુઅલ છે. જેમાં પાયા વગરની વાતો પણ થાય છે."
પટનામાં કોચિંગમાં ભણવા આવતા વિદ્યાર્થીઓ જે સરકારી નોકરીનાં સપનાં સાથે આવે છે, શું તે પૂર્ણ થાય છે?
ખાન સર આ મુદ્દે કોઈ સીધો જવાબ આપતા નથી.
કોચિંગમાં ભણાવનારા પ્રિન્સ ત્યાગી કહે છે, "ખાન સર હોય કે બીજું કોઈ, તમામ કોચિંગ ક્લાસિસમાંથી વધુમાં વધુ 5-7 ટકા બાળકો નોકરી મેળવવામાં સફળ થાય છે. આ પાછળ મોટું કારણ એ છે કે ભરતી જ ઘણી ઓછી આવે છે."
તેમનું કહેવું છે કે દરેક સમયે પટનામાં પાંચથી આઠ લાખ બાળકો કોચિંગ કરે છે.
તેમાંથી અંદાજે 40 ટકા બાળકો ગંભીર હોય છે અને માત્ર એકાદ-બે માર્કથી રહી જાય છે.
પ્રિન્સ કહે છે કે દિલ્હીની સરખામણીએ પટનામાં બાળકો વધુ મહેનતુ હોય છે. તેની પાછળ એક કારણ હોય છે તેમની પારિવારિક પૃષ્ઠભૂમિ.
તેમાંથી મોટાં ભાગનાં બાળકો ગરીબ પરિવારના હોય છે. જેમનો માત્ર એક જ ધ્યેય હોય છે કે સરકારી નોકરી મેળવીને પોતાના પરિવારની સ્થિતિ સુધારવી.
બિહારની આ જ ગરીબીના કારણે ખાન સર એવો દાવો કરે છે કે તેમના ક્લાસિસની ફી ઘણી ઓછી હોય છે.
જોકે, રવિ સિન્હા કહે છે, "અહીં સામાન્ય રીતે તમામ ક્લાસિસની ફી એકસરખી હોય છે. ખાન સર જે ફીની વાત કરી રહ્યા છે, તે ઑનલાઇન ક્લાસિસ માટેની હોઈ શકે છે."














