You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કીડીઓના ડરથી આ મહિલાએ કેમ આત્મહત્યા કરી લીધી?
- લેેખક, પ્રવીણ શુભમ
- પદ, બીબીસી તેલુગુ માટે
તેલંગણાના સંગારેડ્ડી જિલ્લામાં એક પરિણીતાએ આત્મહત્યા કરી હતી, એ પહેલાં તેમણે પતિને પત્ર લખ્યો હતો, જેના કારણે તપાસકર્તાઓ અને સ્થાનિકો ચોંકી ગયા છે.
25 વર્ષીય ચિદમ મનીષાએ તેમનાં પત્રમાં લખ્યું, "શ્રી, હું આ કીડીઓ સાથે નહીં જીવી શકું, બાળકીનું ધ્યાન રાખજે." આ સાથે જ બાળકી અંગેની કેટલીક ભલામણ કરીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસ માને છે કે માયરેકમેકોફોબિયાને (myrmecophobia) કારણે મહિલાએ આત્મહત્યા કરી હશે. આ અવસ્થામાં વ્યક્તિ કીડીઓથી ખૂબ જ ડર અનુભવે છે.
જોકે, મનોવિજ્ઞાનીઓના કહેવા પ્રમાણે, આ કોઈ માનસિક બીમારી નથી, પરંતુ તે મનોવિકાર છે.
(આત્મહત્યા ગંભીર મનોવૈજ્ઞાનિક તથા સામાજિક સમસ્યા છે. જો તમે તણાવગ્રસ્ત હો, તો ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330 ની મદદ લઈ શકો છો. આ અંગે મિત્રો તથા પરિવારજનો સાથે વાત કરવી જોઈએ.)
કેસની પૃષ્ઠભૂમિ અને પોલીસ તપાસ
સંગારેડ્ડી જિલ્લા પોલીસે આપેલી માહિતી અનુસાર શ્રીકાંત અને મનીષાનાં લગ્ન ત્રણ વર્ષ અગાઉ થયાં હતાં.
શ્રીકાંત અને મનીષા છેલ્લા એકાદ વર્ષથી સંગારેડ્ડી જિલ્લાના અમીનપુર ખાતે એક સોસાયટીમાં રહેતાં હતાં.
ગત મંગળવારે (ચોથી નવેમ્બર) જ્યારે શ્રીકાંત કામ પર ગયા, ત્યારે મનીષાએ પાછળથી આત્મહત્યા કરી લીધી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તપાસનીશ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર નરેશે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું, "ચિદમ શ્રીકાંત અને મનીષાનાં લગ્ન ત્રણ વર્ષ અગાઉ થયાં હતાં અને તેમને બાળકી પણ છે."
"ચોથી નવેમ્બરના રોજ સફાઈનું કામ કરવાનું હોવાથી, મનીષા પોતાની બાળકીને પાડોશમાં આવેલા સંબંધીના ઘરે મૂકી આવ્યાં હતાં. તેમણે પતિને મૅસેજ કરીને સાંજે ડ્યૂટી પરથી પરત ફરે, ત્યારે બાળકી માટે થોડો નાસ્તો લાવવા માટે તાકીદ કરી હતી."
"અમને લાગે છે કે ઘરની સફાઈ કરતી વેળાએ તેમણે કીડીઓ જોઈ હશે, જેથી કરીને તેમણે ગભરાઈને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલાં તેમણે પતિને સ્યૂસાઇડ નોટ લખી હતી, જેમાં તેમણે લખ્યું હતું, 'હાઈ શ્રી, આ કીડીઓ સાથે હું નહીં જીવી શકું. બાળકીનું ધ્યાન રાખજો.'"
મનીષાએ મરતાં પહેલાં દીકરી માટેની બાધા-આખડી પૂરી કરવા તેમના પતિને યાદ અપાવ્યું હતું.
દરમિયાન સ્થાનિક સરકારી હૉસ્પિટલમાં નિયમ મુજબ સરકારી અધિકારીઓની હાજરીમાં મનીષાનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવ્યું હતું.
પોલીસે આ અંગે મૃતકનાં માતા-પિતા તથા પતિ શ્રીકાંતની પૂછપરછ કરી હતી.
ઇન્સ્પેક્ટર નરેશના જણાવ્યા પ્રમાણે, "તપાસ દરમિયાન અમને માલૂમ પડ્યું હતું કે મનીષાને નાનપણથી જ કીડીઓથી ખૂબ જ ડર લાગતો હતો. આના માટે તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું."
બીબીસીએ મનીષાના પરિવારજનોનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની સાથે વાત નહોતી થઈ શકી.
'આ કોઈ બીમારી નથી પણ માનસિક વિકાર છે'
કરીમનગરસ્થિત સાઇકૉલૉજિસ્ટ એમએ કરીમે આ કેસ અંગે બીબીસી સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે કીડીઓથી ભારે ડરને કારણે આવું પગલું ઉઠાવ્યું હોય શકે છે.
એમએ કરીમ કહે છે, "આ કોઈ મનોવૈજ્ઞાનિક બીમારી નથી, પરંતુ મેન્ટલ ડિસઑર્ડર છે, જેના કારણે જે ન હોય, તે પણ હોય તેવી ભ્રમણા થવા લાગે છે. નાનપણમાં પેદા થયેલો ભય, સમય સાથે ફોબિયા અને પછી ચિતભ્રમનું સ્વરૂપ ધારણ કરી શકે છે."
"તેમને નાનકડી અમથી કીડી મોટો હાથી બની ગયો હોય એવો ભ્રમ પણ થઈ શકે છે. એક તબક્કે તેઓ કીડીનો સામનો નથી કરી શકતા. એ સમયે ત્યાં કોઈ હાજર ન હતું, એટલે શું થયું હશે તેના વિશે નક્કરપણે આપણે કશું કહી ન શકીએ, પરંતુ કયાસ લગાડી શકીએ."
એમએ કરીમ કહે છે કે આ કોઈ વારસાગત બીમારી નથી અને કેટલીક મનોવૈજ્ઞાનિક સારવાર દ્વારા તેને દૂર કરી શકાય છે.
માયર્મેકોફોબિયા શું હોય છે?
ગ્રીક ભાષામાં MYRMEXનો અર્થ કીડી થાય છે. કીડીઓ પ્રત્યેના ભયને માયર્મેકોફોબિયા કહેવામાં આવે છે.
ભય અથવા ફોબિયા પેદા થવાનાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમાં વિકાસાત્મક (ઉદાહરણ તરીકે સાપ જેવા ઝેરી જીવજંતુઓનો ભય), વ્યક્તિગત અનુભવો, સાંસ્કૃતિક પ્રભાવ અને કીડીઓ વિશે સામાન્ય, મનોવૈજ્ઞાનિક ચિંતાઓ સામેલ છે.
ફોબિયા સૉલ્યુશન વેબસાઇટ પર જણાવાયું છે કે, "આ અન્ય ફોબિયા જેટલો વ્યાપક રૂપથી માન્યતા ધરાવતો નથી, પરંતુ તે સાવ દુર્લભ પણ નથી."
ફોબિયા સૉલ્યુશન કહે છે, "સામાન્ય રીતે વિશ્વમાં સાતથી નવ ટકા લોકોને અલગ અલગ પ્રકારના ફોબિયા હોય છે. હકીકતમાં કેટલા લોકો ફોબિયાથી પીડાય છે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે ઘણા લોકો સહાયતા નથી લેતા અને પોતાના ભયને ફોબિયાના સ્વરૂપમાં ઓળખી શકતા નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન