વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી કઈ ત્રણ મોટી જાહેરાત કરી?

સારાંશ
  • ભારત આજે પોતાનો 79મો સ્વતંત્રતા દિવસ ઊજવી રહ્યો છે. વડા પ્રધાન મોદી લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરી રહ્યા છે
  • આજે સવારે પીએમ મોદી રાજઘાટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે મહાત્મા ગાંધીને નમન કર્યાં હતાં
  • પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી સળંગ 12મી વખત સ્વતંત્રતા દિવસનું ભાષણ આપ્યું છે
  • પીએમ મોદીએ કહ્યું કે "ભારતે નક્કી કર્યું છે કે આપણે હવે પરમાણુ ધમકીઓ સહન નહીં કરીએ."
  • આ વખતે દેશભરમાંથી ચૂંટવામાં આવેલાં 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં 85 ગામોના સરપંચોને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે

ભારત આજે પોતાનો 79મો સ્વતંત્રતા દિવસ ઊજવી રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું ત્યારે તેમણે કેટલીક મોટી જાહેરાતો કરી હતી. આ જાહેરાતો જીએસટી, રોજગારી અને સેમી કન્ડક્ટરના ઉત્પાદનને લગતી છે.

જીએસટીના માળખાને વધારે સુસંગત બનાવવાની વાત છે જેના કારણે ઘણી ચીજો પર ટેક્સના દરમાં ઘટાડો થશે અને તેની સાથે પારદર્શિતા પણ વધશે. દિવાળી સુધીમાં આ સુધારા થવાની અપેક્ષા છે.

પ્રાઈવેટ સેક્ટરમાં રોજગારી વધે તે માટે વડા પ્રધાને પહેલી વખત નોકરી પર લાગનારા યુવાનોને 15 હજાર રૂપિયાનું પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે.

આ ઉપરાંત ભારતમાં પહેલી વખત સેમી કન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન શરૂ થવાનું છે. ચાલુ વર્ષના અંત સુધીમાં આ ચિપ્સ બજારમાં આવી જશે.

પીએમ મોદીએ કહ્યું, "આજે, મને લાલ કિલ્લા પરથી ઑપરેશન સિંદૂરના બહાદુર સૈનિકોને સલામ કરવાનો મોકો મળ્યો છે. આપણા બહાદુર સૈનિકોએ દુશ્મનોને તેમની કલ્પના બહાર સજા આપી છે."

તેમણે કહ્યું, "ભારતે નક્કી કર્યું છે કે આપણે હવે પરમાણુ ધમકીઓ સહન નહીં કરીએ. હવે બ્લૅકમેઇલિંગ સહન નહીં કરીએ."

વડા પ્રધાન મોદીએ કહ્યું કે "ભારતે નક્કી કર્યું છે કે લોહી અને પાણી એક સાથે નહીં વહે."

"દુશ્મન ભારતીય નદીઓનું પાણી સીંચી રહ્યો છે. હિંદુસ્તાનને પોતાના હકનું પાણી મળશે."

તેમણે કહ્યું કે, "આના પર હિંદુસ્તાનના ખેડૂતોનો અધિકાર છે. સિંધુ સમજૂતી એક તરફી અને અન્યાયકર્તા હતી. રાષ્ટ્રહિતમાં આ સમજૂતી મંજૂર નથી."

તેમણે સૌથી પહેલાં પરેડનું નિરીક્ષણ કર્યું અને તેમને ગાર્ડ ઑફ ઑનર આપ્યું હતું.

આજે સવારે પીએમ મોદી રાજઘાટ પહોંચ્યા હતા, જ્યાં તેમણે મહાત્મા ગાંધીને નમન કર્યાં હતાં. તેમણે દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી છે.

તેમણે ઍક્સ પર લખ્યું કે "આજનો દિવસ આપણા દેશ માટે મહત્ત્વનો છે જ્યારે આપણે આપણા વીર સ્વતંત્રતા સેનાનીઓનાં બલિદાન અને તેમના દ્વારા અપાયેલી આઝાદીની ઉજવણી કરીએ છીએ."

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી સળંગ 12મી વખત સ્વતંત્રતા દિવસનું ભાષણ આપ્યું છે.

આ વખતે દેશભરમાંથી ચૂંટવામાં આવેલાં 26 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં 85 ગામોના સરપંચોને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરાયા છે.

પહેલી નોકરી મેળવનારને સરકાર તરફથી 15 હજાર રૂપિયા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક નવી રોજગાર યોજનાની જાહેરાત કરી હતી જેને પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (પીએમ-વીબીઆરવાય) નામ આપવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે "દેશના યુવાનો માટે હું આજે સારા સમાચાર લાવ્યો છું. પ્રાઇવેટ સેક્ટરમાં જે દીકરા-દીકરીઓને પહેલી નોકરી મળશે તેમને પ્રધાનમંત્રી વિકસીત ભારત રોજગાર યોજના હેઠળ 15 હજાર રૂપિયા આપવામાં આવશે."

કેન્દ્રીય કૅબિનેટે આ યોજનાને પહેલી ઑગસ્ટ, 2025ના રોજ મંજૂરી આપેલી છે. આ યોજના અગાઉની ઍમ્પ્લૉયમેન્ટ લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમનું સ્થાન લેશે.

આ યોજનાથી લગભગ 3.5 કરોડ યુવાનોને ફાયદો થશે તેવું માનવામાં આવે છે. વડા પ્રધાને કહ્યું કે "આ યોજના એક લાખ કરોડ રૂપિયાની છે. જે કંપનીઓ નવી રોજગારીની તકો પેદા કરશે તેમને પણ પ્રોત્સાહન આપવામાં આવશે."

તેમણે લાલ કિલ્લા પરથી કહ્યું કે "બહુ ટૂંકા ગાળામાં બે કરોડ મહિલાઓ લખપતિ દીદી બની ગઈ છે. તેમાંથી કેટલીક મહિલાઓ મારી સમક્ષ હાજર છે."

જીએસટીમાં ટૂંક સમયમાં સુધારા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જીએસટીમાં સુધારાની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે "ચાલુ વર્ષે દિવાળી સુધીમાં સરકાર જીએસટીમાં નેક્સ્ટ જનરેશનના સુધારા લાવશે. તેમણે કહ્યું કે તમામ ભારતીયો માટે આ એક બહુ મોટી ભેટ હશે."

મોદીએ જણાવ્યું કે જીએસટીના સુધારામાં ટૅક્સ સ્લેબને સુસંગત (રેશનલાઇઝ) બનાવવામાં આવશે અને આવશ્યક અને રોજબરોજની જરૂરિયાતની ચીજો પર જીએસટીના દર ઘટાડવામાં આવશે. તેનાથી પરિવારોને રાહત થશે અને વપરાશને વેગ મળશે.

તેમણે જણાવ્યું કે "આ દિવાળી સુધીમાં તમે એક નવું, સરળ જીએસટી સ્ટ્રક્ચર જોશો જે સામાન્ય લોકો માટે જીવન સરળ બનાવશે અને આપણા અર્થતંત્રને મજબૂત બનાવશે. તેનાથી અનુપાલન અને પારદર્શિતામાં પણ વધારો થશે."

તેમણે જણાવ્યું કે "છેલ્લાં આઠ વર્ષમાં અમે જીએસટીમાં મોટા સુધારા કર્યા છે, ટૅક્સને સરળ બનાવ્યો છે. હવે તેની સમીક્ષા કરવાનો સમય છે. અમે રાજ્યો સાથે વાત કરી છે અને નવી પેઢીના ટૅક્સ સુધારા લાવી રહ્યા છીએ."

ભારતમાં હાલમાં સોના અને ચાંદીને બાદ કરતા મોટા ભાગના ગુડ્સ અને સર્વિસિસ પર પાંચ ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકાના દરે જીએસટી લાગે છે. સિગારેટ અને લક્ઝરી કાર પર જીએસટી ઉપરાંત વધારાનો ટૅક્સ પણ લગાવાય છે.

મેડ ઇન ઇન્ડિયા સેમી કન્ડક્ટરનું ઉત્પાદન શરૂ થશે

પીએમ મોદીએ 15મી ઑગસ્ટના ભાષણમાં મેડ ઇન ઇન્ડિયા સેમી કન્ડક્ટરના ઉત્પાદન વિશે પણ વાત કરી હતી.

તેમણે કહ્યું કે ચાલુ વર્ષના અંત સુધીમાં મેડ ઇન ઇન્ડિયા સેમી કન્ડક્ટર ચિપ્સ બજારમાં આવી જશે. છ સેમી કન્ડક્ટર યુનિટ સ્થાપવામાં આવ્યા છે અને ચાર નવા યુનિટને લીલી ઝંડી આપવામાં આવી છે.

"ચાલુ વર્ષના અંત સુધીમાં મેડ ઇન ઇન્ડિયા, ભારતના લોકો દ્વારા ઉત્પાદિત ચિપ્સ બજારમાં આવશે."

તેમણે કહ્યું કે ભારતમાં સેમી કન્ડક્ટરના ઉત્પાદનની પ્રક્રિયા 50થી 60 વર્ષ અગાઉ શરૂ થઈ હતી, પરંતુ તે ફાઇલોમાં અટવાઈ ગઈ જ્યારે કેટલાક દેશોએ તેમાં રસ લીધો અને તેઓ દુનિયામાં પ્રભાવ ધરાવે છે.

"તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે વિશ્વની શક્તિ બની ચૂકેલા સેમી કન્ડક્ટર માટે 50-60 વર્ષ અગાઉ પ્રક્રિયા થઈ હતી. પછી તે ફાઇલોમાં અટવાઈ ગયું. 50-60 વર્ષ અગાઉ તે વિચાર પ્રક્રિયાની ભ્રૂણહત્યા થઈ ગઈ. ત્યાર પછી ઘણા દેશોએ સેમી કન્ડક્ટરની ટેકનોલૉજીમાં કુશળતા મેળવી અને હવે તેઓ તેમાં પ્રભુત્વ ધરાવે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન