બનાસકાંઠા: 'ડીજે વગાડવા બદલ બે યુવાનોને નાત બહાર કરાશે', ઠાકોર સમાજના નવા બંધારણ પછી વિવાદ કેમ થયો?

ઠાકોર સમાજ, ગુજરાત, સમાજ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Paresh Padhiyar/UGC

ઇમેજ કૅપ્શન, અર્જુન ઠાકોર (ડાબે) અને ગબ્બર ઠાકોર
વાંચવાનો સમય: 5 મિનિટ

બનાસકાંઠાના ડીસા તાલુકાના જાબડિયા ગામે બે યુવાનને એક વર્ષ માટે 'નાત બહાર મૂકવાની અને તેમની સાથે તમામ વ્યવહાર બંધ' કરી દેવાની ઠાકોર સમાજના કેટલાક આગેવાનોએ જાહેરાત કરી છે.

બીબીસી સહયોગી પરેશ પઢિયારે આ અંગે માહિતી આપી છે.

તેમના પર આરોપ છે કે તેમણે ઠાકોર સમાજના કથિત બંધારણની વિરુદ્ધમાં જઈને ડીજે વગાડવાનું કામ કર્યું છે.

બેએક દિવસ પહેલાં અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર નામના યુવાનો ડીજેથી જાબડિયા ગામમાં કાર્યક્રમ આપતાં હોય તેવા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. તે પછી તેમની સામે ઠાકોર સમાજના જ કેટલાક લોકોએ પગલાં લેવાની માગ કરી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં ઓગડ મુકામે ઠાકોર સમાજના આગેવાનોએ મળીને સમાજને કથિતપણે 'સારી દિશામાં' લઈ જવા માટે 16 નિયમો જાહેર કર્યા હતા. તેમાં લગ્નપ્રસંગ અંગેના કેટલાક નિયમો ઘડવામાં આવ્યા હતા. જેમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આ મામલે જેમને નાત બહાર મુકાયા એ યુવાનોનો શું તર્ક છે અને તેમની નાત બહાર મૂકનારા લોકો શું કહી રહ્યા છે? જાણીએ આ અહેવાલમાં...

ડીજેથી કાર્યક્રમ આપનાર યુવાનોએ શું કહ્યું?

ઠાકોર સમાજ, ગુજરાત, સમાજ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Paresh Padhiyar

ઇમેજ કૅપ્શન, જાબડિયા મુકામે મળેલી સભા જેમાં યુવાનોને બહાર મૂકવાનો નિર્ણય લેવાયો

જાબડિયા ગામમાં ડીજે વગાડીને કાર્યક્રમ આપનાર યુવાનો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર નાત બહાર મુકાયાની જાહેરાતથી દુ:ખી છે. તેમનું કહેવું છે કે દેશનું બંધારણ પણ તેમની વાત રજૂ કરવાનો કે પક્ષ રાખવાનો મોકો આપે છે, પણ તેમના સમાજે આવું કર્યું નથી.

યુવાન અર્જુન ઠાકોરે બીબીસી સહયોગી પરેશ પઢિયાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમણે કોઈ બંધારણ તોડ્યું નથી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે કહ્યું હતું કે, "બંધારણમાં એવો ઉલ્લેખ કરેલો છે કે સામા પક્ષમાં ડીજે ન લઈ જવું. અમે સામા પક્ષે ડીજે લઈ ગયા નથી. વળી, આ અમારા ગામની વર્ષોની પરંપરા છે. અમે માત્ર ડીજે વગાડ્યું નથી, ગાયનનો કાર્યક્રમ હોય છે. આ લાઇવ પ્રોગ્રામ કહેવાય. તેમાં ભજન, સંતવાણી પણ સામેલ હોય છે."

અર્જુન ઠાકોરે કહ્યું હતું કે, "આખું જીવન અમે સંગીત પાછળ ખર્ચ્યું છે. અમારી 20 વર્ષની મહેનત છે, અમે કાળી મજૂરી મહેનત કરી છે. અમે ગાવાનું બંધ કરી દઈએ તો રોજગારી ક્યાંથી મળશે? અમારે લોન ક્યાંથી ભરવી? બીજો શું ધંધો કરીશું?"

સાથે કામ કરતાં યુવાન ગબ્બર ઠાકોરે કહ્યું હતું કે, "અમે કોઈ બંધારણ તોડ્યું નથી. અમે સમાજ વિરુદ્ધ ગયા નથી અને જવાના નથી. અમે કોઈ ખરાબ કામ કર્યું નથી. આટલો વિરોધ દારૂબંધીનો કર્યો હોત તો સમાજનું સારું થાત. સમાજમાં કેટલાક માણસો આવા મુદ્દા ઉપાડીને આવી જાય છે."

તેમણે કહ્યું હતું કે, "અમારી સાથે કોઈ મીટિંગ કરી નથી, ગામમાં કોઈને કીધું નથી. અમારો સવાલ એ છે કે ત્રણ જિલ્લા માટે બંધારણ કેમ? અમદાવાદ, ગાંધીનગર કે બીજા જિલ્લામાં કેમ પ્રતિબંધ નથી મૂકતા? સંગીત તો મનોરંજન પૂરું પાડે છે, એ કોઈનું ખરાબ કરતું નથી. અમારા મત પ્રમાણે આ નિયમ યોગ્ય નથી."

ગામના પૂર્વ સરપંચ થોણાજીએ કહ્યું હતું કે અમને કોઈ આગેવાનોએ શું કરવું એની જાણ કરી નહોતી અને ડીજેનું બહાનું પહેલેથી આપેલું હતું.

આજે નાત બહાર મૂકવાની જાહેરાત પછી તેમણે કહ્યું હતું કે અમારી સાથે કોઈ વાત કરવામાં આવી નથી કે અમને કોઈ મોકો આપવામાં આવ્યો નથી અને આવી જાહેરાત થઈ છે.

સમાજના આગેવાનો શું આરોપ મૂકી રહ્યા છે?

ઠાકોર સમાજ, ગુજરાત, સમાજ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Paresh Padhiyar

ઇમેજ કૅપ્શન, ઠાકોર સમાજના આગેવાન રાયકરણજી

આ મામલે સમાજના કેટલાક આગેવાનોની આજે ગામમાં જ બેઠક મળી હતી અને તેમાં આ મામલે જાહેરમાં ચર્ચા કરાઈ હતી.

બનાસકાંઠાનાં સાંસદ ગેનીબહેને ઠાકોરે પણ આજની બેઠક અગાઉ કહ્યું હતું કે આ યુવાનોને નાત બહાર કરવામાં આવશે અને જ્યાં સુધી માફી નહીં માગવામાં આવે ત્યાં સુધી તેમની સાથે કોઈ વ્યવહાર નહીં થાય. ગ્રામસમિતિ જે નિર્ણય લેશે તે માનવો પડશે.

આ કાર્યક્રમમાં સમાજના એક આગેવાને ગ્રામસમિતિઓ બનાવીને ગામડાંમાં બંધારણની કૉપી પહોંચાડવાની વાત કરી હતી.

તેમણે બેઠક પછી જાહેરાત કરતાં કહ્યું હતું કે, "બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણના ઠાકોર સમાજના બંધારણને તોડનાર આ યુવાનો સામે સમાજ નિર્ણય કરે છે કે તેમને એક વર્ષ નાત બહાર મૂકવામાં આવશે. એક વર્ષ પછી સમાજના બંધારણદિનની ઉજવણી વખતે ગામની ગ્રામસમિતિ સમાજમાં તેમને પરત લેવાની વિનંતી કરે તો સમીક્ષા કરીને તેમને લેવામાં આવશે. આ વ્યક્તિઓને કોઈ સામાજિક, આર્થિક સાથસહકાર આપવો નહીં."

આ બેઠકમાં યુવાનોને સોશિયલ મીડિયા પરથી પણ તેમને અનફૉલો કરવા માટેનું કહેવાયું હતું.

ઠાકોર સમાજ, ગુજરાત, સમાજ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Paresh Padhiyar

ઇમેજ કૅપ્શન, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર

ઠાકોર સમાજના આગેવાન રાયકરણજીએ કહ્યું હતું કે, "અમારું બંધારણ ચોથી જાન્યુઆરીએ ગત મહિને ઓગડ મુકામે જાહેર કરવામાં આવ્યું હતું. આ બંધારણ 16 મુદ્દાનું હતું. તેમાંથી એક મુદ્દો હતો કે મામેરું કે લગ્નમાં ડીજે ન વગાડવું."

"જાબડિયા મુકામે બંને યુવાનોએ ડીજે વગાડ્યું હતું અને નિયમોનો ભંગ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા. અમારા સમાજના યુવાનોએ જ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે જ્યારે સમાજ આવા કુરિવાજોમાંથી નીકળીને પ્રગતિ કરી રહ્યો હતો એવા સમયે આ લોકોએ નિયમનો ભંગ કર્યો છે. આજે અહીં લોકો સ્વયંભૂ અહીં આવ્યા છીએ. અમે તેમની પાસે જવાબ માગવા આવ્યા છીએ."

રાયકરણજીએ કહ્યું હતું કે, "ખબર નથી નિયમોની એ વાત ખોટી છે. તેઓ બહાનું કાઢી રહ્યા છે. અમે દાખલારૂપ કાર્યવાહી કરીશું. અમારું બંધારણ માત્ર ત્રણ જિલ્લાના 27 તાલુકામાં લાગુ છે. આજે અમારા ઠાકોર સમાજના લોકો પાકિસ્તાનમાં પણ બંધારણનો સ્વીકાર કરી રહ્યા છે. તો અહીં કેમ નહીં?"

મંત્રી સ્વરૂપજી ઠાકોરે પણ ગઈ કાલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "સમાજના નિયમો પ્રમાણે આપણે રહેવું જ પડે. મારે પણ દીકરીનાં લગ્નમાં સૌને આમંત્રણ આપવું હતું. પણ મેં સમાજના નિયમોનું પાલન કર્યું છે. જેમણે ઉલ્લંઘન કર્યું છે તેમને કહેવા માગું છું કે નિયમો તોડવાથી સમાજની પ્રગતિ અટકી જશે."

વિક્રમ ઠાકોરે ડીજે વગાડનાર લોકોની વાત મૂકી હતી

ઠાકોર સમાજ, ગુજરાત, સમાજ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Vikram Thakor/FB

ઇમેજ કૅપ્શન, વિક્રમ ઠાકોરે ડીજે વગાડનાર લોકોની વાત રજૂ કરી હતી

26 જાન્યુઆરીએ રાત્રે ત્રણ વાગ્યે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં મળેલી ઠાકોર સમાજની 'અભ્યુદય' સભામાં પણ આ બંધારણ અંગે ચર્ચા થઈ હતી.

પ્રખ્યાત કલાકાર વિક્રમ ઠાકોરે સ્ટેજ પરથી જ ગેનીબહેન ઠાકોરને ડીજેવાળા લોકોની વાત માનવાની વિનંતી કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "મને આ બંધારણ જાહેર થયા પછી અનેક ડીજેવાળા લોકોના ફોન આવી રહ્યા છે. આ તેમની રોજગારીનો સવાલ છે. સમાજનાં ઘણા લોકોનાં તેનાથી ઘર ચાલે છે. તો તમે આ મુદ્દે થોડો ફેરવિચાર કરો તેવી વિનંતી છે."

જોકે, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પણ આજે આ યુવાનો સામે લેવાયેલા નિર્ણયનું સમર્થન કર્યું છે અને કહ્યું છે કે, "વિક્રમ ઠાકોરે પણ આ અંગે ગાંધીનગરમાં વાત મૂકી હતી. આવતા વર્ષે જ્યારે બંધારણ દિવસ ઊજવવામાં આવશે ત્યારે આપણે નિર્ણય કરીશું."

તેમણે કહ્યું હતું કે, "હું સૌને સમાજના ટેકામાં રહેવા માટે, બંધારણ જાળવવા માટે અભિનંદન આપું છું. આપણે આ બંધારણને ટેકો ન આપી શકીએ તો આવનારા સમયમાં શું કરીશું?"

અહીં ઉલ્લેખનીય છે કે ચોથી જાન્યુઆરીના રોજ ઠાકોર સમાજે ત્રણ જિલ્લાઓ માટે બંધારણ જાહેર કર્યું હતું.

તેમાં સગાઈ, લગ્નપ્રસંગમાં કેટલી વ્યક્તિઓએ જવું, કોને આમંત્રણ આપવું, ઓઢામણાંપ્રથા બંધ કરવી વગેરે જેવા નિયમો છે. આ સિવાય આ બંધારણમાં જાન લઈ જવાના નિયમ, જમણવાર તથા જમણવારમાં શું મેનુ રાખવું એ અંગેના નિયમો, મામેરું, આણું, જન્મદિવસ અંગેના નિયમો છે. આ બંધારણ અનુસાર ઠાકોર સમાજની વ્યક્તિને લિવ-ઇન રિલેશનશિપ અને પ્રેમલગ્ન કરવાની મનાઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન