ભારતના કુસ્તીબાજ અમન સહરાવતે બ્રૉન્ઝ મેડલ જીત્યો - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતના કુસ્તીબાજ અમન સહરાવતે પુરુષોની 57 કિલોગ્રામ વજનવર્ગની સ્પર્ધામાં બ્રૉન્ઝ મેડલ જીતી લીધો છે.
તેમણે બ્રૉન્ઝ મેડલ માટેની મૅચમાં તેમના પ્રતિસ્પર્ધી એવા પ્યૂર્ટો રિકોના ખેલાડી ટોઈ ક્રૂઝને 13-5થી હરાવી દીધા છે.
આ સાથે જ પેરિસ ઑલિમ્પિકમાં ભારતે કુસ્તીમાં પહેલો મેડલ મેળવ્યો છે.
આ પહેલાં ગુરુવારે રમાયેલી સેમીફાઇનલ મૅચમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તે મૅચમાં તેમની જાપાનના ખેલાડી સામે 10-0થી હાર થઈ હતી.
ભારત માટે પેરિસ ઑલિમ્પિકમાં કુસ્તીમાં મેડલ જીતનાર અમન સહરાવત માત્ર 21 વર્ષના છે. તેમણે રાઉન્ડ ઑફ 16માં જ 2022ના યુરોપિયન ચૅમ્પિયન વ્લાદિમીર એગારોવને 10-0થી હરાવી દીધા હતા.
અમન સહરાવતે પોતાની ઓળખ ત્યારે બનાવી હતી જ્યારે ભારતની કુસ્તી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી હતી. પહેલવાન સુશીલકુમાર જેલમાં હતા, પહેલવાનોનું ધરણાપ્રદર્શન ચાલુ હતું, ટોક્યો ઑલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા રવિ દહિયા ગંભીર રૂપે ઘાયલ હતા. આ પરિસ્થિતિઓમાં અમન સહરાવત ભારતની કુસ્તીની આશા બનીને ઊભર્યા હતા.
તેઓ ભારતના ઑલિમ્પિક ખેલાડીઓમાં સૌથી ઓછી ઉંમરના ખેલાડી છે.
મનીષ સિસોદિયાએ 17 મહિના પછી જેલમાંથી બહાર આવ્યા બાદ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા 17 મહિના પછી જેલમાંથી બહાર આવી ગયા છે. સમાચાર એજન્સી પીટીઆઈ અને એએનઆઈએ તેની પુષ્ટિ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જેલમાંથી બહાર આવ્યા પછી મનીષ સિસોદિયા તેમના સમર્થકો વચ્ચે ઘેરાયેલા જોવા મળ્યા. તેમની સાથે આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ અને આતિશી પણ જોવાં મળ્યાં હતાં.
મનીષ સિસોદિયાએ પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધતાં કહ્યું હતું કે, “હું જેલમાંથી તમારા પ્રેમ, ઇશ્વરના આશીર્વાદ અને સત્યની તાકાતને કારણે બહાર આવ્યો છું. સૌથી વધારે આભાર એ બાબાસાહેબ આંબેડકરના બંધારણનો માનું છું કે જેમણે એવું બંધારણ બનાવ્યું કે તાનાશાહી સરકાર સામે વિપક્ષના નેતાને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા હોય તો તેનું રક્ષણ કરે. ”
“હું તમને આશ્વાસન આપું છું કે એ જ બંધારણની તાકાતથી અરવિંદ કેજરીવાલ પણ જેલમાંથી બહાર આવશે.”
દિલ્હીના પૂર્વ ડિપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે આજે જામીન આપ્યા હતા.
બીબીસી સંવાદદાતા ઉમંગ પોદ્દાર પ્રમાણે કોર્ટે સિસોદિયાને પાસપોર્ટ સરેન્ડર કરવાનું કહ્યું છે અને સાથે જ દસ લાખનો બૉન્ડ જમા કરવા માટે કહ્યું છે.
એ પહેલાં ટ્રાયલ કોર્ટ, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ મનીષ સિસોદિયાની જામીન અરજીઓ ઘણી વાર નકારવામાં આવી હતી.
સિસોદિયાની ગત વર્ષે 26 ફેબ્રુઆરીના રોજ સીબીઆઈએ અને પછી 9 માર્ચે ઇડીએ ધરપકડ કરી હતી.
રશિયાની સેનામાં ભરતી થનારા ભારતીયો વિશે વિદેશમંત્રી જયશંકર શું બોલ્યા?

ઇમેજ સ્રોત, ANI
લોકસભામાં વિદેશમંત્રી એસ જયશંકરે રશિયાની સેનામાં ભરતી થયેલા ભારતીયોને લઈને નિવેદન આપ્યું છે.
જયશંકર પ્રમાણે, “ 91 ભારતીય નાગરિકો રશિયાની સેનામાં સામેલ થયા હતા. તેમાંથી આઠ નાગરિકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.”
વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે સરકારી સહાયથી 14 ભારતીયોને રશિયન સેનામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે 69 ભારતીયો હજુ પણ રશિયાથી ભારત પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે.
જયશંકરે પોતાના નિવેદનમાં એમ પણ કહ્યું કે અમે આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યા છીએ. મેં પોતે રશિયાના વિદેશમંત્રી સમક્ષ ઘણી વખત આ મુદ્દો ઉઠાવ્યો છે.
"ગત મહિને તેમની રશિયાની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સામે પણ ઉઠાવ્યો હતો. તેમને ખાતરી મળી છે કે રશિયન સેનામાં ભરતી કરાયેલા ભારતીયોને ત્યાંથી મુક્ત કરવામાં આવશે."
જયશંકરે કહ્યું કે સમસ્યા એ છે કે રશિયન અધિકારીઓ એવું માને છે કે આ ભારતીય નાગરિકોએ રશિયન સેના સાથે સેવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
"પરંતુ અમે એ વાતને માનતા નથી, મને લાગે છે કે અમારા નાગરિકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ કોઈ અન્ય નોકરી માટે જઈ રહ્યા છે અને પછી તેમને રશિયન સૈન્યમાં તહેનાત કરવામાં આવ્યા હતા."
વિદેશમંત્રીએ કહ્યું કે સીબીઆઈએ 19 વ્યક્તિઓ અને સંસ્થાઓ વિરુદ્ધ ફોજદારી કેસ નોંધ્યો છે. રશિયાથી પરત ફરેલા 14 લોકોની પણ તપાસ કરવામાં આવી છે. 10 માનવતસ્કરો સામે પૂરતા પુરાવા બહાર આવ્યા છે.
આ કેસની તપાસ દરમિયાન 24 એપ્રિલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને 7 મેના રોજ વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ચારેય આરોપીઓ હાલ ન્યાયિક કસ્ટડીમાં છે.
મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે શુક્રવારે જામીન આપ્યા છે.
બીબીસી સંવાદદાતા ઉમંગ પોદ્દારના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટે સિસોદિયાનો પાસપૉર્ટ સરેન્ડર કરવા કહ્યું છે. આ સાથે જ તેમને 10 લાખના રૂપિયાના બૉન્ડ પણ જમા કરવા જણાવાયું છે.
આ પહેલાં ટ્રાયલ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટેમાં સિસોદિયાની જામીન અરજી કેટલીય વાર ફગાવી દેવાઈ હતી.
સિસોદિયાની ગત વર્ષે 26 ફેબ્રુઆરીએ સીબીઆઈ અને 9 માર્ચે પ્રવર્તન નિદેશાયલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
સીબીઆઈએ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે શરાબનીતિ અનુપાલનમાં થયેલા ગોટાળાની તપાસ દરમિયાન સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી.
અરશદ નદીમના ગોલ્ડ જીતવા પર નીરજ ચોપરાનાં માતા બોલ્યાં - 'એ પણ અમારો જ દીકરો છે'

ઇમેજ સ્રોત, ANI
ભાલાફેંકમાં નીરજ ચોપરાએ પેરિસ ઑલિમ્પિકમાં સિલ્વર મેડલ પોતાના નામે કરી લીધો છે.
ઑલિમ્પિકમાં નીરજનું આ બીજો મેડલ છે. આ પહેલાં તેમણે ટૉક્યો ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
89.45 મીટરના સ્કોર સાથે નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે 92.97 મીટર સ્કોર સાથે અરશદ નદીમ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા.
નીરજ ચોપરાનો પ્રથમ રાઉન્ડ સારો નહોતો રહ્યો અને તેઓ ફાઉલ થયા હતા. પ્રથમ રાઉન્ડમાં પાકિસ્તાનના અરશદ નદીમનું પણ ફાઉલ થયું હતું.
નીરજ ચોપરાના સિલ્વર મેડલ જીતવા પર તેમનાં માતાએ કહ્યું, "અમે બહુ ખુશ છીએ. અમારા માટે તો સિલ્વર પણ ગોલ્ડ જ છે."
અરશદ નદીમ અંગે તેમણે કહ્યું, "ગોલ્ડ જીતનાર પણ અમારો જ દીકરો છે. મહેનત કરે છે."












