ગુજરાતમાં હવામાન વિભાગની નવી આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં ક્યારે બંધ થશે વરસાદ, કેટલા દિવસ અતિભારે વરસાદની શક્યતા?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં હાલ અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. સૌપ્રથમ મધ્ય અને પૂર્વ તથા દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ બાદ હવે સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હાલ ડીપ ડિપ્રેશન એટલે કે વરસાદની મજબૂત સિસ્ટમ કચ્છ પરથી આગળ વધી રહી છે. આ સિસ્ટમ 29 ઑગસ્ટ સુધી ગુજરાત પર રહેશે અને તે બાદ તે આગળ વધીને પાકિસ્તાન અને તેની પાસેના અરબી સમુદ્ર પર જતી રહેશે.
હવામાન વિભાગના કહેવા મુજબ આ સિસ્ટમ જ્યાં સુધી ગુજરાત પર છે ત્યાં સુધી નબળી પડે તેવી શક્યતા દેખાતી નથી. ઉપરાંત વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં હજી પણ પવનની ગતિ થોડી વધારે રહેવાની શક્યતા છે.
આ સિસ્ટમ કચ્છના રાપરથી આગળ વધીને નલિયાની પાસેથી પાકિસ્તાન તરફ જશે, હાલ તેની અસર સૌરાષ્ટ્ર પર સૌથી વધારે થવાની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે સિસ્ટમ ધીમે-ધીમે આગળ વધી રહી છે. જેના કારણે રાજ્યમાં તેની અસર વધારે વર્તાઈ રહી છે.
ગુજરાતમાં વરસાદ ક્યારે બંધ થશે?
સિસ્ટમ મંગળવારે કચ્છ પર પહોંચી હતી અને તે પહેલાં જ તેની અસર સૌરાષ્ટ્ર તથા કચ્છ પર થવાની શરૂ થઈ હતી. જેમાં સૌથી વધારે જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર તથા કચ્છમાં વધારે વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે જે આગાહી કરી છે તે પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છ પર હજી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદનો ખતરો છે. બે દિવસ બાદ આ વિસ્તારોમાં વરસાદનું જોર ધીમું પડશે.
29 ઑગસ્ટના રોજ આ સિસ્ટમ પાકિસ્તાન અને અરબી સમુદ્ર તરફ આગળ વધશે અને જેમ ગુજરાતથી દૂર જશે તેમ તેની અસર રાજ્ય પર ઘટવાની શરૂઆત થઈ જશે.
હાલની સ્થિતિ પ્રમાણે 30 ઑગસ્ટથી સૌરાષ્ટ્ર તથા કચ્છ પર વરસાદનું જોર ઘટવાની શરૂઆત થશે પરંતુ સાવ બંધ નહીં થાય, જે બાદ 31 ઑગસ્ટ સુધી હવામાન વિભાગે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, પૂર જેવી સ્થિતિ છે તેમાંથી 30 ઑગસ્ટથી રાહત મળવાની શરૂઆત થશે એટલે કે અત્યંત ભારે વરસાદમાં ઘટાડો નોંધાવાની શરૂઆત થઈ જશે.
જ્યારે પૂર્વ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 28 ઑગસ્ટથી જ વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે અને કેટલાક વિસ્તારોમાં 29 ઑગસ્ટ સુધીમાં વરસાદ ઘણો ધીમો પડી જાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
આગામી બે દિવસ સુધી ગુજરાતમાં હજી પણ અત્યંત ભારે વરસાદ પડશે અને તે બાદ રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં તેનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે.
ગુજરાતના કયા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 28 ઑગસ્ટના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 10 જિલ્લાઓને બાદ કરતાં બાકીના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, અને છોટા ઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદ તથા મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આ સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે.
29 ઑગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ જિલ્લાઓમાં રેડ ઍલર્ટ છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઘટશે પરંતુ કોઈ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે.
30 ઑગસ્ટના રોજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં વરસાદ ઘટશે પરંતુ અન્ય વિસ્તારો કરતાં આ જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધારે રહેવાની શકયતા છે.
31 ઑગસ્ટ અને 1 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્ર તથા કચ્છમાં વરસાદનું પ્રમાણ સાવ ઘટી જાય તેવી સંભાવના છે અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે, જ્યારે કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ થવાની સંભાવના છે.
ગુજરાતમાં ક્યાં ફૂંકાશે ઝડપી પવન?

ઇમેજ સ્રોત, IMD
હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી પસાર થઈ રહેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશન છે એટલે કે આ સિસ્ટમ ખૂબ મજબૂત છે અને તેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં પવનની ગતિ વધારે છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાં 50થી 60 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.
જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધારે રહેશે અને કેટલાક વિસ્તારોમાં આ ગતિ 60 કિમી કરતાં પણ થોડી વધારે અનુભવાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
ઝડપી પવનને કારણે ગુજરાતની પાસે આવેલો દરિયો તોફાની રહેશે અને દરિયામાં પણ ખૂબ ઝડપી પવન ફૂંકાશે જેના કારણે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
ભારે વરસાદ તથા ઝડપી પવનને કારણે બાગાયતી પાકો અને ખેતરમાં ઊભા રહેલા કપાસ તથા તૂવેર જેવા ઊંચા પાકોને પણ નુકસાન થવાની શક્યતા છે.
આગામી બેથી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં પવનની ગતિ વધારે રહેશે જે બાદ પવનની ગતિમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













