RTI ACTનાં 20 વર્ષ : ગુજરાતની પડોશમાં આવેલું એ ગામ જ્યાં માહિતી અધિકાર ચળવળનો પાયો નંખાયો હતો

RTI ACTનાં 20 વર્ષ : ગુજરાતની પડોશમાં આવેલું એ ગામ જ્યાંથી માહિતી અધિકાર ચળવળનો પાયો નંખાયો હતો, બીબીસી ગુજરાતી રાઇટ ટુ ઇન્ફોર્મેશન માહિતી અધિકાર 2005

ઇમેજ સ્રોત, DANISH ALAM

ઇમેજ કૅપ્શન, બ્યાવરના RTI મેળામાં આવેલી મહિલાઓ
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા, બ્યાવર, રાજસ્થાનથી
    • પદ, બીબીસી સંવાદદાતા

"ચોરીવાડો ઘણો હો ગયો રે, યો સરપંચ રૂપયા ખા ગ્યો રે, કોઈ તો મૂંડે બોલો..."

જેનો અર્થ થાય છે કે 'ઘણી ચોરી થઈ રહી છે, સરપંચે રૂપિયા ખાધા છે, કોઈ તો બોલો.'

1996માં ગુજરાતની પડોશમાં આવેલા રાજસ્થાનના રાજસમન્દ જિલ્લાના ભીમ તાલુકાના દેવ ડૂંગરી ગામમાંથી નીકળેલો ભ્રષ્ટાચાર સામે વિરોધનો સૂર ધીરે-ધીરે ભીમ પહોંચ્યો, પછી બ્યાવર, રાજધાની જયપુર અને રાજસ્થાનના ખૂણે-ખૂણે.

બ્યાવરના ચાંગ ગેટ ચાર રસ્તા પર લોકો પોતાનાં ઘરોમાંથી કિલો-બે કિલો મકાઈ, બાજરી, ઘઉં, જે હોય તે લઈને 40 દિવસ સુધી ધરણા પર બેઠા.

જગ્યા-જગ્યાએ જન-સુનાવણી, જયપુરમાં 53 દિવસો સુધી આંદોલન, દિલ્હીમાં પ્રદર્શનો બાદ આખરે દેશને માહિતીનો અધિકાર મળ્યો.

માહિતીના અધિકાર અથવા તો સામાન્ય લોકો તેને RTI તરીકે ઓળખે છે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન ઍક્ટ બન્યાને 20 વર્ષ પૂર્ણ થઈ ગયાં છે.

વીસ વર્ષ બાદ રાજસ્થાનના બ્યાવરના ચાંગ ગેટ પર ફરી એક વખત એ જ ગીતો ગૂંજી ઉઠ્યાં જે 1996માં યોજાયેલા આંદોલન વખતે ગૂંજતાં હતાં.

દર વર્ષે દેશભરમાં 12 ઑક્ટોબરના રોજ RTI મેળા યોજીને જાગૃતિ ફેલાવવાનું કામ કરતા RTI કર્મશીલો બ્યાવરના ચાંગ ગેટ પર 20 વર્ષ બાદ ફરી એક વખત મળ્યા હતા.

આ પ્રસંગે માહિતી અધિકારના આંદોલન સાથે જોડાયેલા કર્મશીલોનો આરોપ છે કે આ અધિકારને હવે નબળો પાડવામાં આવી રહ્યો છે. તેમણે આ પ્રકારના સરકારના પ્રયાસ સામે એક કૅન્ડલ માર્ચ પણ યોજી હતી.

20 વર્ષ પહેલાં કેવી રીતે નંખાયો RTIની ચળવળનો પાયો?

RTI ACTનાં 20 વર્ષ : ગુજરાતની પડોશમાં આવેલું એ ગામ જ્યાંથી માહિતી અધિકાર ચળવળનો પાયો નંખાયો હતો, બીબીસી ગુજરાતી રાઇટ ટુ ઇન્ફોર્મેશન માહિતી અધિકાર 2005

ઇમેજ સ્રોત, MKSS/FACEBOOK

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

1996માં બ્યાવરના એક નાનકડા ગામમાં રહેતાં સુશીલાબહેન પોતાના ગામની 40 મહિલાઓ સાથે, કર્મશીલ અરુણા રૉય તેમજ બીજા લોકોની સાથે ચાંગ ગેટ પર ધરણા કરવા માટે બેઠાં હતાં.

તેમની માંગ હતી કે, 'અમારા પૈસાનો હિસાબ આપો.'

તે સમયે દેશને માહિતીના અધિકાર વિશે ખબર નહોતી.

RTI કર્મશીલોનું કહેવું છે કે સુશીલાબહેનના આ નારાએ દેશને નવી દિશા આપી હતી. તેમણે કરેલા 40 દિવસના આંદોલન બાદ વર્ષ 2005માં માહિતીના અધિકારનો જન્મ થયો.

રાજસ્થાનના બ્યાવરને આ સફળ આંદોલને અચાનક દેશભરમાં પ્રખ્યાત કરી દીધું હતું.

સુશીલાબહેન આ વાતને વાગોળતાં કહે છે, "વર્ષો પહેલાં અમે અમારા ગામમાં મજૂરીનો હિસાબ પંચાયત પાસે માગ્યો તો તેમણે કહ્યું હતું કે કોઈ હિસાબ નહીં મળે. એટલે અમને થયું કેમ ન મળે? જો સરકાર અમારા માટે પૈસા મોકલે છે તો અમને હિસાબ જોવા કેમ ન મળે? ત્યાર પછી અમે આ માટે આંદોલનની શરૂઆત કરી હતી."

જ્યારે બીબીસી ગુજરાતીએ બ્યાવરની મુલાકાત લીધી ત્યારે આ આંદોલન સાથે સંકળાયેલા લોકો એ દિવસોને યાદ કરી રહ્યા હતા.

ચાંગ ગેટ પાસે દુકાન ધરાવતાં દારપૂદેવી શાહુ 20 વર્ષ પહેલાની વાત યાદ કરતાં કહે છે કે તેમના પતિએ તમામ આંદોલનકારીઓને પીવાના પાણીની તકલીફ ન પડે તેનું ધ્યાન રાખ્યું હતું.

તેઓ આ વિશે વાત કરતાં કહે છે, "અમે દરરોજ સવારે પીવાનું પાણી ભરતાં, તેને ઠંડુ કરવા વારંવાર બરફ લાવી આપતાં."

ગોપાલ ગુરનાની નામના વેપારીને તો આંદોલન સમયે ગવાતાં ગીતો પણ યાદ છે.

આવી જ એક ગીતની એક કડી બોલતા તેઓ કહે છે, "તે સમયે એક ગીત બહુ પ્રખ્યાત થયું હતું. 'કૅમ્પાકોલા મેં નહીં માંગા, મેં તો મેરા અધિકાર માંગા.' આ ગીત આંદોલનનો હિસ્સો બની ગયું હતું."

તેજમલ ગેહલોત નામના એક ફ્લોર મિલના માલિક બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "મને ગર્વ છે કે ગામ-ગામથી આવતા ઘઉંને દળીને અમે લોટ તૈયાર કરી આપતા હતા. આમ, અમે આ પ્રકારે આંદોલનમાં અમારું યોગદાન આપ્યું હતું."

વીસ વર્ષ બાદ ચાંગ ગેટ પર RTI કર્મશીલોનો મેળાવડો

RTI ACTનાં 20 વર્ષ : ગુજરાતની પડોશમાં આવેલું એ ગામ જ્યાંથી માહિતી અધિકાર ચળવળનો પાયો નંખાયો હતો, બીબીસી ગુજરાતી રાઇટ ટુ ઇન્ફોર્મેશન માહિતી અધિકાર 2005

ઇમેજ સ્રોત, MKSS/FACEBOOK

વીસ વર્ષ બાદ ચાંગ ગેટના રસ્તાઓ પર ફરી એ જ દૃશ્યો સર્જાયાં હતાં.

આ કાયદાને 20 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે આવેલા લોકો ફરી એ જ ક્રાંતિનાં ગીતો ગાઈ રહ્યા હતા. દૂરથી આવેલા લોકો પોતાના હક-અધિકારની વાતો કરી રહ્યા હતા.

જે લોકો સ્વતંત્ર ભારતના સૌથી મહત્ત્વનાં આંદોલનો પૈકીના એક ગણાતા માહિતી અધિકારના આંદોલનના સાક્ષી બન્યા હતા, તેમને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી.

આ પ્રસંગે આ લોકોએ ચાંગ ગેટથી લઈને અજમેરી ગેટ સુધી કૅન્ડલ માર્ચ પણ યોજી હતી.

જોકે, આ આંદોલન સાથે સંકળાયેલા ઘણા લોકોની ફરિયાદ હતી કે 'લાંબા સંઘર્ષ પછી મળેલા આ અધિકાર પર સરકાર તરાપ મારી રહી છે.'

RTI પર 'ખતરો'

RTI ACTનાં 20 વર્ષ : ગુજરાતની પડોશમાં આવેલું એ ગામ જ્યાંથી માહિતી અધિકાર ચળવળનો પાયો નંખાયો હતો, બીબીસી ગુજરાતી રાઇટ ટુ ઇન્ફોર્મેશન માહિતી અધિકાર 2005

ઇમેજ સ્રોત, DANISH ALAM

ઇમેજ કૅપ્શન, RTI મેળામાં ભાગ લેવા આવેલા કલાકારો

વર્ષ 2023માં ભારત સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રૉટેક્શન ઍક્ટ પસાર કર્યો હતો. જોકે, આ કાયદાના અમલીકરણમાં હજુ થોડો સમય લાગી શકે છે.

જોકે, નિષ્ણાતોના મત પ્રમાણે, RTI Actની કલમ 8(1)(j) માં ફેરફાર કરીને તેમાંથી 'પર્સનલ માહિતી'નું કારણ આપીને 'પબ્લિક ઇન્ટ્રેસ્ટ'ની માહિતીને આપવા માટે સરકારી અધિકારી ઇન્કાર કરી શકે છે. તેમના જણાવ્યા પ્રમાણે આ ફેરફારો DPDP Actને પસાર કરતી વખતે કરવામાં આવ્યા હતા.

મજદૂર કિસાન શક્તિ સંગઠન (MKSS)ના કન્વીનર શંકરજીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "DPDP ઍક્ટમાં એક કલમ એવી છે કે કોઈપણ વ્યક્તિની વ્યક્તિગત માહિતી — સરકારી અધિકારી હોય કે ખાનગી વ્યક્તિ — જાહેર કરી શકાતી નથી. તેમણે ચિંતા વ્યક્ત કરી કે આ કાયદા પછી RTI ઍક્ટનો કોઈ અર્થ નહીં રહે, ભલે તે કાગળ પર જીવંત રહે."

'RTIને બચાવો'

RTI ACTનાં 20 વર્ષ : ગુજરાતની પડોશમાં આવેલું એ ગામ જ્યાંથી માહિતી અધિકાર ચળવળનો પાયો નંખાયો હતો, બીબીસી ગુજરાતી રાઇટ ટુ ઇન્ફોર્મેશન માહિતી અધિકાર 2005

ઇમેજ સ્રોત, MKSS/FACEBOOK

માહિતીના અધિકારનો કાયદો નબળો પડી જશે તેવા ભય સાથે આ કર્મશીલોએ તેને બચાવવા માટેનાં સૂત્રો પોકાર્યા.

MKSSના અન્ય સ્થાપક સભ્ય અને RTI ઍક્ટ પાછળની પ્રેરણાશક્તિ મનાતા નીખિલ ડેએ કહ્યું કે "લોકો 'હમારા પૈસા, હમારા હિસાબ' જેવા નારા પોકારે છે — કારણ કે એ જ નારાથી RTI આંદોલન શરૂ થયું હતું."

તેમણે ઉમેર્યું, "ગમે તે થાય, આપણે આ કાયદો નબળો નહીં પડવા દઈશું. હવે આપણે નવું આંદોલન કરીશું."

શંકરજીએ કહ્યું, "આ કાયદાને નબળો બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે. તેને મૂળમાંથી સમાપ્ત કરવાની વાત છે. અમે તે ક્યારેય નહીં થવા દઈએ."

RTIનું મ્યૂઝિયમ

RTI ACTનાં 20 વર્ષ : ગુજરાતની પડોશમાં આવેલું એ ગામ જ્યાંથી માહિતી અધિકાર ચળવળનો પાયો નંખાયો હતો, બીબીસી ગુજરાતી રાઇટ ટુ ઇન્ફોર્મેશન માહિતી અધિકાર 2005

ઇમેજ સ્રોત, DANISH ALAM

ઇમેજ કૅપ્શન, RTI મેળામાં દેશભરથી આવેલા લોકો

બ્યાવરના નર્મદ ખેડા વિસ્તારમાં MKSSને એક જમીન ફાળવવામાં આવી છે, જ્યાં થોડા સમયમાં જ ભારતનું પહેલું RTIનું મ્યૂઝિયમ બનાવવામાં આવશે.

આ મ્યૂઝિયમ વિશે વાત કરતાં નીખીલ ડે બીબીસી ગુજરાતીને જણાવે છે કે, "આંદોલનની વાત, લોકોની વાત, RTI થી થયેલા ફેરફારો, સરકારોએ જે કામો કરવાં પડ્યાં છે, તેની વાતો અને બીજું પણ ઘણું બધું આ મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે."

આ મ્યૂઝિયમ એ જ જગ્યા પર બનાવવામાં આવશે જ્યાં દર વર્ષે 12મી ઑક્ટોબરે RTIનો મેળો યોજાય છે. આ મેળામાં દેશભરથી RTI કર્મશીલો પોતાની સફળતા અને નિષ્ફળતાની વાતો લઇને આવે છે.

આ મેળામાં આવેલા અનેક લોકો પોતાની વાત કરે છે.

ગૌરવ ચોવટિયા એક એન્જિનિયર છે. તેઓ એક કૉર્પોરેટ કંપનીમાં કામ કરે છે. તેમણે એક અરજીના માધ્યમથી 50થી વધુ લોકોને સરકારી યોજના હેઠળ મકાન અપાવવામાં મદદ કરી છે.

તેઓ આ વિશે વાત કરતાં કહે છે, "મારા પિતાજી સહિતના લોકોને મકાનની જમીન કાગળ પર તો મળી ગઈ હતી પરંતુ તેનો કબજો મળતો નહોતો. મેં RTI વિશે શાળામાં ભણ્યું હતું. મેં તેનો ઉપયોગ કરવાની શરૂઆત કરી. મારી અરજીની એટલી અસર પડી કે વંચિતોને મકાનો મળી ગયાં."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન