ઓડિશા : માત્ર બ્રાહ્મણો માટેના સ્મશાનનાં દ્વાર બધા માટે કેવી રીતે ખૂલ્યાં?

ઇમેજ સ્રોત, BISWARANJAN MISHRA
- લેેખક, સંદીપ સાહૂ
- પદ, કેન્દ્રપડા (ઓડિશા)થી, બીબીસી માટે
ઓડિશાના કેન્દ્રપાડા શહેરમાં માત્ર બ્રાહ્મણો માટે ચલાવવામાં આવતા એક અલગ સ્મશાનને લઈને વિવાદ ઊભો થયા બાદ પ્રશાસને તેને બધા જ વર્ગોના લોકો માટે ખોલી નાખ્યું છે.
વર્ષ 1928માં આ સ્મશાનને માત્ર બ્રાહ્મણો માટે સ્થાપિત કરાયું હતું. હવે તે કાયદા અને સંવિધાન વિરુદ્ધ હોવાનું માલૂમ પડ્યું છે.
કાયદાકીય જાણકારો અનુસાર આ સંવિધાનની કલમ 14, 19 અને 21નું ઉલ્લંઘન છે. જે ધર્મ અથવા જાતિના આધારે કોઈ પણ રીતે માત્ર ભેદભાવને ગેરકાયદેસર ગણાવે છે.
પણ આમ છતાં ઓડિશાની સૌથી જૂની નગર પાલિકાની દેખરેખમાં આટલાં વર્ષો સુધી આ સ્મશાન કેવી રીતે ચાલતું રહ્યું? તેનો જવાબ કોઈની પાસે નથી.
સ્મશાનના પ્રવેશવાના રસ્તા પર પહેલાં "બ્રાહ્મણ સ્મશાન" લખ્યું હતું જે હવે હટાવીને તેની જગ્યાએ "સ્વર્ગદ્વાર" લખી દેવાયું છે.
ત્યાર બાદ નગર પાલિકા તરફથી એ જાહેરાત કરી દેવાઈ કે હવે બધી જ જાતિઓના લોકો પોતાના મૃતક પરિવારજનોના મૃતદેહના અહીં અંતિમ સંસ્કાર કરી શકે છે.
પણ ઉતાવળમાં નામ બદલવાના કારણે નામ બદલ્યાના બે દિવસ બાદ પણ પહેલાંથી લખાયેલો "બ્રાહ્મણ" શબ્દ હજી પણ આછો-આછો દેખાય છે.

ઇમેજ સ્રોત, BISWARANJAN MISHRA
અંદર ચારેય તરફ ઘાસ ઊગી ગયું છે. એવું લાગતું નથી કે છેલ્લાં અનેક અઠવાડિયાથી અહીં કોઈનાં પણ અંતિમ સંસ્કાર થયાં હોઈ શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેન્દ્રપડા નગર પાલિકાના કાર્યકારી અધિકારી પ્રફુલ્લ કુમાર બિશ્વાલે બીબીસીને કહ્યું કે અહીં અન્ય જાતિના લોકોના અંતિમ સંસ્કાર પણ થતાં રહ્યાં છે.
પણ બીબીસીએ કરેલી પોતાની તપાસમાં તેની પુષ્ટિ ન થઈ શકી.
હા, એટલું જરૂર જાણી શકાયું કે બે વર્ષ પહેલાં કાશ્મીરમાં એક હુમલામાં મૃત્યુ પામેલા શહેરના એક યુવાનની અંત્યેષ્ટિ અહીં થવાની હતી.
પણ મૃતક યુવાનને સેના તરફથી અપાતા સન્માન માટે આ જગ્યા નાની પડી રહી હતી. તેથી આખરે તેના અંતિમ સંસ્કાર શહેરના અન્ય સ્મશાનમાં સંપન્ન થયા.
કેવી રીતે શરૂ થયો વિવાદ?

ઇમેજ સ્રોત, BISWARANJAN MISHRA
શહેરના હઝારી બગીચા વિસ્તારમાં 'બ્રાહ્મણો માટે બનેલા' આ પ્રાચીન સ્મશાનને લઈને કોઈએ પહેલાં આંગળી નહોતી ઉઠાવી.
મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે તાજેતરમાં જ દલિત નેતા અને ઓડિશા દલિત સમાજના કેન્દ્રપડા એકમના અધ્યક્ષ નગેન્દ્ર જેનાએ તેને ગેરબંધારણીય અને ગેરકાયદેસર દર્શાવતા આપત્તિ વ્યક્ત કરી.
સાથે જ તેમણે તેને પણ બધા જ વર્ગો માટે ખોલવા માટે જિલ્લા પ્રશાસનને એક અરજી આપી અને "ટાઇમ્સ ઑફ ઇન્ડિયા"માં તેનો અહેવાલ છપાયો.
અહીં અન્ય જાતિના લોકોની પણ અંત્યેષ્ટિ થવાના દાવાને ખોટો ગણાવતા જેનાએ બીબીસીને કહ્યું, "જ્યારે સ્પષ્ટ શબ્દોમાં લખાયું છે કે આ સ્મશાન માત્ર બ્રાહ્મણો માટે છે તો અન્ય જાતિના લોકો અહીં કેવી રીતે આવી શકે? તે તો પહેલેથી જ ડરેલા છે."
આ સ્મશાન તો વર્ષોથી છે તો હવે આ મુદ્દો કેમ ઊઠી રહ્યો છે એ પ્રશ્ન પૂછતા તેમણે કહ્યું, પહેલા અહીં "બ્રાહ્મણ સ્મશાન" નહોતું લખાયું.
જોકે, શહેરના લોકો કહે છે કે આ સાઇન બૉર્ડ ખાસા સમય પહેલાંથી લાગેલું છે.
નગરપાલિકાએ ફંડ જાહેર કર્યું...

ઇમેજ સ્રોત, BISWARANJAN MISHRA
સ્થાનીક પત્રકાર આશીષ સેનાપતિનો "ટાઇમ્સ ઑફ ઇન્ડિયા"માં અહેવાલ છપાય બાદ આ મુદ્દો સામે આવ્યો છે.
તેઓ કહે છે કે, "આટલાં વર્ષો સુધી અહીં માત્ર બ્રાહ્મણો માટે સ્મશાન ચાલતું રહ્યું, તેનાથી પણ નવાઈ પમાડે તેવી વાત એ છે કે સ્થાનિક ધારાસભ્યએ નગરપાલિકા મારફતે આ 'બ્રાહ્મણ સ્મશાન'ની દીવાલનાં નિર્માણ માટે દોઢ લાખ રૂપિયા મંજૂર કર્યા."
શહેરના બ્રાહ્મણ સમાજના વૃદ્ધોનું કહેવું છે કે ઘણાં વર્ષો પહેલાં એક બ્રાહ્મણ વ્યક્તિએ આ સ્મશાન માટે પોતાની જમીન દાનમાં આપી હતી. તેમની જ ઇચ્છા અનુસાર અત્યાર સુધી આ જમીનનો ઉપયોગ બ્રાહ્મણોનાં અગ્નિ સંસ્કાર માટે થતો રહ્યો છે.
પણ કેન્દ્રપડાના વરિષ્ઠ વકીલ વિનોદ બિહારી નાયક કહે છે કે જમીન કોઈની પણ હોય પણ એક વાર જો નગરપાલિકા અંતર્ગત આવી ગઈ તો તેના પર કોઈ પણ જાતિ સંપ્રદાયની સંપ્રભુતા સમાપ્ત થઈ જાય છે.
તેમણે આ સંદર્ભમાં 26 ઑગસ્ટ 2019ના દિવસે મદ્રાસ હાઈકોર્ટના એક નિર્ણયને તાક્યો, જેમાં કોર્ટે તમિલનાડુ સરકારને એક ગામમાં દલિતો માટે અલગ સ્મશાન બનાવવા માટે ફટકાર લગાવી હતી.
બ્રાહ્મણોની અંત્યેષ્ટિ માટે અલગ સ્મશાન

ઇમેજ સ્રોત, BISWARANJAN MISHRA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઍક્ઝિક્યૂટિવ ઑફિસર વિશ્વાલે બીબીસીને કહ્યું કે આ સ્મશાનને સાર્વજનિક કરવાને લઈને બ્રાહ્મણ સમાજ તરફથી કોઈ વિરોધ નથી થયો.
તેમણે ઉમેર્યું "મને પૂરો વિશ્વાસ છે કે આગળ વધીને બધી જ જાતિ અને વર્ગના લોકો આ સ્મશાનનો નિર્વિરોધ ઉપયોગ કરશે."
કેન્દ્રપડા કૉલેજના સેવા નિવૃત્ત અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ ત્રિપાઠી જે ખુદ બ્રાહ્મણ છે, તે પણ માને છે કે બ્રાહ્મણ આ પગલાંનો વિરોધ નહીં કરે.
કેન્દ્રપડામાં માત્ર બ્રાહ્મણો માટે બનેલા આ સ્મશાન ગૃહનાં દ્વાર હવે ભલે બધી જ જાતિઓના લોકો માટે ખોલી દેવાયા પણ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં હજી પણ અનેક જગ્યાએ બ્રાહ્મણોની અંત્યેષ્ટિ માટે અલગ સ્મશાન છે.
કેન્દ્રપડાનો ઇતિહાસ લખનારા સ્થાનીક લેખક અને સંશોધક નિરંજન મેકાપ કહે છે કે "મારું પોતાનું ગામ એક 'બ્રાહ્મણ શાસન' (માત્ર બ્રાહ્મણોનું ગામ) છે. અને ત્યાં બ્રાહ્મણો માટે અલગ સ્મશાન છે."
તેમના અનુસાર, " એવી રીતે જ દેપુર, ગરેઈ, ગોપીનાથપુર સહિત આસપાસના જેટલા પણ 'બ્રાહ્મણ શાસન' છે બધા જ બ્રાહ્મણોના અગ્નિ સંસ્કાર માટે અલગ સ્થાન છે. જોકે, તેનો અર્થ એ નથી કે બ્રાહ્મણ લોકોના સાર્વજનિક સ્મશાનોમાં અગ્નિસંસ્કાર નથી થતાં."
દેશમાં બંધારણ લાગુ થયાનાં 73 વર્ષ બાદ આજે પણ એવી પ્રથા ચાલુ છે. એ દર્શાવે છે કે બંધારણમાં બધા જ ધર્મ, જાતિ અને વર્ગના લોકોને સમાન અધિકાર આપવાની સફરમાં હજી કેટલો રસ્તો કાપવાનો બાકી છે.












