ગુજરાતનાં 'અસામાજિક તત્ત્વો'ને 20 વર્ષથી નાગાલૅન્ડથી ઑલ ઇન્ડિયા ગન લાઇસન્સ કેવી રીતે અપાવતો હતો સુરતનો આ વેપારી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, સુરત, પોલીસ, બંદૂક માટે ઑલ ઇન્ડિયા લાઇસન્સ, બંદૂક

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, સુરત પોલીસે કથિતપણે લાખો રૂપિયા લઈ નાગાલૅન્ડથી ઑલ ઇન્ડિયા ગન લાઇસન્સ કઢાવી આપવાના આરોપમાં અતુલ પટેલ સહિત આવા લાઇસન્સધારકોની ધરપકડ કરી હતી
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

તાજેતરમાં ગુજરાતના સુરેન્દ્રનગરમાં પોલીસને 'ગુનાહિત રેકૉર્ડ ધરાવતા' અને 'ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલા' લોકો પાસે બંદૂકો મળી આવી હતી.

આશ્ચર્યજનક વાત તો એ છે કે પોલીસે જ્યારે આ અંગે પૂછપરછ કરી તો આ લોકોએ પોતાની પાસે રહેલાં બંદૂક રાખવા માટેનાં લાઇસન્સ પણ કાઢીને બતાવી દીધાં.

આ લોકોએ બંદૂકનાં લાઇસન્સ ઉત્તરપૂર્વનાં રાજ્યોમાંથી એજન્ટ થકી મેળવ્યા હોવાની પોલીસને ખબર પડી હતી.

સુરેન્દ્રનગર પોલીસે આ મામલે 21 લોકોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી 25 બંદૂકો જપ્ત કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ પૈકી મોટા ભાગના લોકો 'ગુનાહિત ઇતિહાસવાળા' હતા અને તેમની પાસેથી રહેલાં ઑલ ઇન્ડિયા પરમિટવાળાં લાઇસન્સ નાગાલૅન્ડ અને મણિપુરથી મેળવાયાં હતાં.

આ સિવાય ઑલ ઇન્ડિયા પરમિટવાળાં લાઇસન્સ મેળવી આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર શૌકત અલી સહિત અન્ય 16 લોકોની ધરપકડ ગુજરાત એટીએસની ટીમે નાગાલૅન્ડથી કરી હતી.

પોલીસ પ્રમાણે ગુજરાતમાં જેમને નાગાલૅન્ડ સાથે નાહવા નિચોવવાનો સંબંધ નથી, એવા લોકોને લાખો રૂપિયામાં નાગાલૅન્ડનું ઓલ ઇન્ડિયા લાઇસન્સવાળું બંદૂકોનું લાઇસન્સ અપાવી આણંદથી સુરત આવીને વસેલો એજન્ટ અતુલ પટેલ કરોડો રૂપિયા કમાયો હતો.

જોકે, 20 વર્ષથી આ ધંધો કરી રહેલ અતુલ પટેલ સુરેન્દ્રનગરમાં લાયસન્સ વેચવાને કારણે હવે એ પોલીસના સકંજામાં આવ્યો છે.

શું છે સમગ્ર મામલો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, સુરત, પોલીસ, બંદૂક માટે ઑલ ઇન્ડિયા લાઇસન્સ, બંદૂક

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, સુરત પોલીસે બંદૂકો કબજે કરી હતી

તાજેતરમાં રાજ્યમાં અસામાજિક તત્ત્વોને ડામવાના અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરના સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ (એસઓજી)ને માહિતી મળી હતી કે જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જોડાયેલા કેટલાક લોકો પાસે હથિયાર છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ બાતમીના આધારે પોલીસે દરોડા પડ્યા હતા.

સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ બી. એચ. શીન્ગરીખિયાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે તપાસ બાદ 21 લોકોની ધરપકડ કરી અને 25 બંદૂકો જપ્ત કરી. આ લોકો ગુજરાતના હોવા છતાં એમની પાસે મણિપુર અને નાગાલૅન્ડનાં બંદૂક રાખવા માટેનાં ઑલ ઇન્ડિયાની પરમિટવાળાં લાઇસન્સ હતાં, આમાંથી 14 લોકોનો તો ગુનાહિત ઇતિહાસ પણ હતો."

સુરેન્દ્રનગરના પોલીસવડા ગિરીશ પંડ્યાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ કાર્યવાહી અંગે કહ્યું હતું કે, "ગુજરાતમાં રહેતી વ્યક્તિએ બીજા રાજ્યમાંથી હથિયારનું લાઇસન્સ કઢાવ્યું હોય તો તેમણે જિલ્લા પોલીસ અને જિલ્લા કલેક્ટરને જાણ કરવી પડે, પણ આ કિસ્સામાં આવી જાણ નહોતી કરાઈ. આ લોકોએ બંદૂક રાખવા માટેની ઑલ ઇન્ડિયા પરમિટ ક્યાંથી મેળવી એ જાણવું અગત્યનું હતું."

તેઓ પોલીસતપાસમાં બહાર આવેલી અગત્યની માહિતી શૅર કરતાં કહે છે કે, "અમારી પ્રાથમિક તપાસમાં બહાર અવ્યું કે આ 25 હથિયાર માટે મણિનગર અને નાગાલૅન્ડમાંથી મેળવાયેલાં લાઇસન્સ મૂળ સુરેન્દ્રનગરના અને હાલ સુરતમાં રહેતા છેલા ભરવાડ, વિજય ભરવાડની મદદથી હરિયાણાના શૌકત અલી પાસેથી મળ્યાં હતાં, આ આંતરરાજ્ય કૌભાંડ હતું અને એસઓજી ઍન્ટિ ટેરરિસ્ટ સ્ક્વૉડ (એટીએસ)નો એક ભાગ છે, એટલે અમે અહીં પોલીસ ફરિયાદ દાખલ કરી તાત્કાલિક એટીએસને જાણ કરી હતી."

અતુલ પટેલ કેવી રીતે બંદૂકો અપાવતો હતો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, સુરત, પોલીસ, બંદૂક માટે ઑલ ઇન્ડિયા લાઇસન્સ, બંદૂક

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત

62 વર્ષીય અતુલ પટેલે વર્ષ 2005માં સુરતમાં હીરાઉદ્યોગને કારણે બંદૂક રિપેરિંગ અને વેચાણનો ધંધો સારો ચાલશે એવી ગણતરીએ ગુજરાત સરકારમાંથી બંદૂક વેચવાનું અને રિપૅર કરવા માટેનું લાઇસન્સ લીધું હતું.

સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે એટીએસ સાથે મળી સુરત ક્રાઇમ બ્રાન્ચે બંદૂકના ગેરકાયદે લાઇસન્સના વેપારની તપાસ શરૂ કરી હતી.

"અમને માહિતી મળી હતી કે કતારગામના ગજેરા સર્કલ પાસે આવેલી ગજાનંદ ગન શોપમાંથી બંદૂક રાખવા માટેનાં ઑલ ઇન્ડિયા લાઇસન્સ આવે છે, અને એ લાઇસન્સો પર હથિયાર ગુજરાતના અલગ અલગ જિલ્લા સુધી પહોંચે છે."

તેઓ કહે છેકે 20 વર્ષથી ચાલતી આ દુકાન અંગે પહેલાં કોઈ ફરિયાદ આવી નહોતી.

પોલીસ કમિશનર અનુપમસિંહ આગળ કહે છે કે, "પ્રથમ દૃષ્ટિએ દુકાન અને દુકાનના માલિક અતુલ પટેલ અંગે બધું કાયદેસર લાગે એમ હતું. પણ અમે જ્યારે ઝીણવટપૂર્વક તપાસ કરી ત્યારે ખબર પડી કે તેમના ત્યાંથી વેચાયેલી કેટલીક બંદૂકોના ખરીદનારનું કાયમી સરનામું ગુજરાતનું હતું અને તેનું હંગામી સરનામું નાગાલૅન્ડનું હતું. અને એના બીજા ઍડ્રેસની સુરત પોલીસને કોઈ જાણ નહોતી કરાઈ. એમના ત્યાંથી વેચાયેલી બંદૂકના લાઇસન્સનો યુનિક આઇડી નંબર (યુઆઇએન) પણ સરકારી વેબસાઇટ પર જોવા મળતો હતો."

તેમણે આગળ કહ્યું કે, "અમે અતુલ પટેલને ડિટેઇન કરીને તપાસ કરતાં ખબર પડી કે એ હરિયાણાના આસિફ નામના માણસ થકી નાગાલૅન્ડથી સાતથી દસ લાખ રૂ.માં બંદૂક રાખવા માટેનું ઑલ ઇન્ડિયા લાઇસન્સ કઢાવતો હતો અને અહીં એ સાડા અગિયાર લાખ રૂ.માં જેને હથિયાર જોઈએ, એને વેચી દેતો હતો."

પોલીસ કમિશનર ગહેલોત અતુલ પટેલ દ્વારા બંદૂકનું ઑલ ઇન્ડિયા લાઇસન્સ મેળવવા માટે અનુસરાતી પ્રક્રિયા અંગે જણાવતાં કહે છે કે, "જ્યારે તેની પાસે કોઈ ગ્રાહક આ રીતે લાઇસન્સ મેળવવા માટે આવે ત્યારે એ એ વ્યક્તિના આધાર કાર્ડ , પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ સહિતના પુરાવા કુરિયર મારફતે નાગાલૅન્ડના દીમાપુરના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસની ઑફિસના સરનામે મોકલાવતો."

ત્યાર બાદ કુરિયર પર આસિફનો ફોન નંબર લખતો અને ખાસ સૂચના આપતો કે કુરિયર ફોન નંબરવાળી વ્યક્તિને જ આપવાનું રહેશે. કુરિયર બાદ એ આસિફને ફોન કરીને જાણ પણ કરી દેતો. બીજી બાજુ આ રીતે લાઇસન્સ કઢાવવા આવનાર પાસેથી ઍડ્વાન્સ પેટે અડધા પૈસા લેતો અને એ આંગડિયા મારફતે દિલ્હી અને નોઇડા મોકલી આપતો હતો. દોઢ મહિનામાં લાઇસન્સ આવી જતું હતું. એટલું જ નહીં હથિયારના લાઇસન્સ માટેની વેબસાઇટ પર આવી રીતે કઢાયેલ લાઇસન્સનો યુઆઇએન પણ ચઢી જતો હતો.

ગહેલોત કહે છે કે, "અમને પૂછપરછમાં ખબર પડી કે જે લોકોએ આવી રીતે લાઇસન્સ મેળવ્યા હતા, ભાડાકરાર વગર એમનું કાયમી ઍડ્રેસ નાગાલૅન્ડનું દેખાય છે અને બીજું ઍડ્રેસ સુરતનું દેખાય છે. અમારી હાલની તપાસમાં અતુલ પટેલે આસિફ મારફતે છ લોકોને નાગાલૅન્ડમાંથી લાઇસન્સ કઢાવી આપ્યાં છે અને 51 હથિયારો વેચ્યાં છે. જોકે, આ બધા લોકો સુરતના જ છે એવું નથી, અતુલે બોટાદ, ભાવનગર, જૂનાગઢ, જામનગર, મહેસાણા અને આણંદમાં પણ હથિયારો વેચ્યાં છે."

ગહેલોત આગળ કહે છે કે ગુજરાત પોલીસની એક ટીમ નાગાલૅન્ડ પહોંચી છે, જેની પ્રાથમિક તપાસમાં એવી ખબર પડી છે કે ત્યાં કેટલાક લોકો ઉંમર થતાં હથિયારનું લાઇસન્સ 'રિટેઇન' કરાવવા જાય ત્યારે તેમનાં લાઇસન્સના યુનિક આઇડી નંબર પરથી આ ગેરકાયદે હથિયારના લાઇસન્સ બન્યાં હોવાનું સામે આવ્યું છે. જોકે, હાલ આ મામલે તપાસ ચાલુ છે, આરોપીના રિમાન્ડ બાદ વધુ વિગતો બહાર આવશે.

પોલીસ કમિશનર ગહેલોતે આ મામલામાં નાગાલૅન્ડ ખાતે સરકારી અધિકારીઓની સાંઠગાંઠથી આ પ્રકારે લાઇસન્સ ઇશ્યૂ થતાં હતાં કે કેમ એ સવાલ અંગે તેમણે કહ્યું હતું કે, "આ મુદ્દે પણ અમે તપાસ કરી રહ્યા છીએ."

એટીએસસે આ મામલે શું કાર્યવાહી કરી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, સુરત, પોલીસ, બંદૂક માટે ઑલ ઇન્ડિયા લાઇસન્સ, બંદૂક

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, પોલીસ ઇન્સ્પેક્ટર એસ. એલ. ચૌધરી

ગુજરાત એટીએસના ડીઆઇજી સુનીલ જોશીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ સમગ્ર મામલા અંગે કહ્યું, "જે લોકોને નીતિનિયમ પ્રમાણે ગુજરાતમાંથી હથિયારનાં લાઇસન્સ નહોતાં મળી શકતાં એમણે સુરતના છેલા ભરવાડ અને વિજય ભરવાડ મારફતે આઠથી 20 લાખ રૂ.માં હથિયાર અને લાઇસન્સ કેવી રીતે મળ્યાં એની તપાસ કરતા સમગ્ર પ્રકરણમાં 108 લોકો સંડોવાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું. એના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ જિલ્લાની એસઓજી ટીમ મારફતે આરોપીઓની ધરપકડની કાર્યવાહી ચાલુ છે. અમે પહેલાં સાત અને એ પછી બીજા 16 લોકોની ધરપકડ કરી છે."

તેમણે આ મુદ્દે કરેલી કાર્યવાહી અંગે વધુ માહિતી આપતાં કહ્યું હતું, "અમારી ટીમ અત્યારે નાગાલૅન્ડ અને મણિપુર ગઈ છે. મામલો અત્યંત સંવેદનશીલ છે એટલે આરોપી ભૂગર્ભમાં ના જતા રહે એનું ધ્યાન રાખીને તમામ લોકોનાં નામની જાહેરાત અમે નહીં કરીએ."

"હરિયાણાના શૌકત અને આસિફ બંદૂકનાં નકલી પરવાનાં બનાવતા હતા. આ ઉપરાંત હરિયાણાના કેટલાક ફોન નંબર મળ્યા છે. આ ફોન નંબરનું ટૅકનિકલ સર્વેલન્સ ચાલી રહ્યું છે, જેથી વધુ માહિતી મેળવી શકાય."

બીબીસી ગુજરાતી, ગુજરાત, સુરત, પોલીસ, બંદૂક માટે ઑલ ઇન્ડિયા લાઇસન્સ, બંદૂક

ઇમેજ સ્રોત, ATS

ઇમેજ કૅપ્શન, હરિયાણાના શૌકતઅલી સૈયદ છોટુખાનની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આ કેસના આરોપી એવા હરિયાણાના શૌકતઅલી સૈયદ છોટુખાનની પણ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

શૌકતઅલીની ધરપકડ પહેલાં આ કેસના તપાસ અધિકારી અને એટીએસના એસપી એસ. એલ. ચૌધરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે પોલીસે 7 એપ્રિલે આર્મ્સ ઍક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરીને તપાસ કરી હતી.

આ વિશે તેમણે કહ્યું, "જેમાં પકડાયેલા સાત લોકોના રિમાન્ડ દરમિયાન વધુ વિગતો મળતાં અમે બીજા 16 લોકોની ધરપકડ કરી છે. જેમાં એમની પાસેથી બંદૂકનાં 15 બોગસ પરવાનાં અને 400થી વધુ કારતૂસ પકડ્યાં છે, અત્યારે મણિપુરના ઇમ્ફાલ અને નાગાલૅન્ડના દીમાપુરમાંથી કાયદેસર રીતે હથિયારના પરવાના અપાયા ન હોવાની પુષ્ટિ પણ થઈ છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.