પહલગામ: બેસરનમાં જ્યાં હુમલો થયો એ ખૂબસૂરત ખીણ કેમ 'મિની સ્વિટ્ઝર્લૅન્ડ' કહેવાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
મંગળવારે જમ્મુ-કાશ્મીરના ચર્ચિત પર્યટનસ્થળ પહલગામની જે બેસરન ખીણની જમીન પર ચરમપંથી હુમલો થયો, એ તેના હર્યા-ભર્યા સુંદર ઘાસનાં મેદાનો માટે વખણાય છે. આ હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોનાં મૃત્યુ થયાં હોવાની આશંકા છે.
જમ્મુ-કાશ્મીરની પીર પંજાલ રેન્જમાં વસેલી ખીણ અનંતનાગ જિલ્લાના પહલગામથી લગભગ પાંચ-છ કિમીના અંતરે છે.
બેસરન સમુદ્રસપાટીથી 7,500-8,000 ફૂટની ઊંચાઈએ છે. આ ખૂબસૂરત ખીણ ઘાસનું એક મોટું મેદાન છે. તેની ચારેકોર ચીડ અને દેવદારનાં ગાઢ જંગલો છે. જંગલોની પેલે પાર બરફાચ્છાદિત પહાડોનાં ઊંચાં શિખર, અહીંના નજારાને વધુ મનમોહક બનાવી દે છે.
આ ખુલ્લું મેદાન ગરમીઓમાં ઘાસ અને જંગલી ફૂલોના છોડથી ભરાયેલું રહે છે. ઠંડીમાં તેને બરફની ચાદર ઢાંકી દે છે.
કદાચ આ જ કારણે પર્યટકોમાં આ ખીણ 'મિની સ્વિટઝર્લૅન્ડ'ના નામથી લોકપ્રિય છે.
અહીં કુદરતના નજારા એવા મનમોહક હોય છે કે એ ત્યાં પહોંચનારા પર્યટકને એક અલગ પ્રકારની શાંતિનો અહેસાસ કરાવે છે.
પહલગામ તેની સૌથી નજીકનો વસતી ધરાવતો કસબો છે. ત્યાં પહોંચનારા પર્યટકો પહલગામમાં રોકાય છે. તે બાદ દિવસે પિકનિક મનાવવા ત્યાં પહોંચે છે.
પહલગામના સ્થાનિક હોટેલ ધંધાદારી જાવેદ અહમદ કહે છે કે, "જે પર્યટક પહલગામ પહોંચે છે, એ બેસરન જવા માટે તલપાપડ હોય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મિની સ્વિટ્ઝર્લૅન્ડ પહોંચવાનો રસ્તો કાચો અને ઊબડખાબડ

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પહલગામથી બેસરન ખીણ સુધી જવા માટે કોઈ પાકો રસ્તો નથી. ત્યાં પહોંચવા માટે કાચા ઊબડખાબડ રસ્તા છે. આ રસ્તા ચીડ અને દેવદારનાં વૃક્ષો વચ્ચે થઈને પસાર થાય છે. પર્યટકો માટે બેસરન પહોંચવું એ જ ખૂબ રોમાંચક અનુભવ હોય છે. પહલગામના મુખ્ય બજારથી ઘણા રસ્તા બેસરન તરફ જાય છે. સામાન્ય રીતે પર્યટક પહલગામથી ખચ્ચર કે ઘોડા લઈને બેસરન સુધી પહોંચે છે. કેટલાક લોકો પગપાળા પણ જાય છે.
જ્યારે આ રસ્તા બેસરન જઈને ખતમ થાય છે, તો પર્યટકો સામે કોમળ ઘાસથી ભરેલો ઉચ્ચપ્રદેશ હોય છે. તેના ઢાળથી નજર ઉપર ઉઠાવીએ તો જંગલની પેલે પાર બરફાચ્છાદિત પહાડોનાં શિખર દેખાય છે. આ નજારાને કારણે જ બેસરનને 'મિની સ્વિટ્ઝર્લૅન્ડ' કહેવામાં આવે છે.
આ પ્રાકૃતિક સૌંદર્યે બેસરનને ભારતના પર્યટન ફલક પર મહત્ત્વપૂર્ણ સ્થાન આપ્યું છે. અહીં ગરમીઓમાં તાપમાન 15-25 ડિગ્રી અને ઠંડીમાં શૂન્યની નીચે જતું રહે છે.
જાવેદ અહમદ કહે છે કે, "બેસરનની ચારેકોર ચીડ અને દેવદારનાં વૃક્ષોનાં ગાઢ જંગલ છ. અહીં કોઈ નથી રહેતું. ગણતરીની રેસ્ટોરાં છે. જેમાં ત્યાં પહોંચનારા પર્યટકો માટે ચા-નાસ્તો મળે છે. હવે અહીં ઝિપલાઇન કે પૅરાગ્લાઇડિંગ જેવી ઍડ્વેન્ચર સ્પૉર્ટ પણ છે."
જાવેદ અહમદ જણાવે છે કે, "બેસરનથી આગળ ખૂબ દૂર સુધી આબાદી નથી. પહલગામ તેનો સૌથી નજીકનો આબાદીવાળો વિસ્તાર છે."
બેસરન પહોંચવું ઍડ્વેન્ચર જેવું

ઇમેજ સ્રોત, Getty Images
સેટેલાઇટ તસવીરમાં બેસરન વૃક્ષો અને બરફથી ઘેરાયેલું એક સમતળ મેદાન જેવું દેખાય છે. તેની વાસ્તવિક બનાવટ એક પ્રાકૃતિક ગોલ્ફ કોર્ટ જેવી છે.
લિદર નદી, નિકટના કોલાહી ગ્લેશિયરમાંથી નીકળે છે. એ પહલગામ અને આસપાસના વિસ્તારથી થઈને નીકળે છે. તેમાંથી નીકળતી નાની-નાની પહાડી નદીઓ આ ખીણના આખા નજારાને વધુ ખૂબસૂરત બનાવી દે છે.
બેસરન બહારના વિશ્વના કોલાહલથી અલગ છે. એ ટ્રેકિંગ કરનારા માટે પણ પસંદગીનું સ્થળ છે. લોકોને અહીં તસવીરો લેવાનું પસંદ પડે છે.
જાવેદ અહમદ કહે છે કે, "પહલગામમાં બહારથી દરરોજ બે-ત્રણ હજાર પર્યટક આવે છે અને તેમાંથી 90 ટકા કરતાં વધુ બેસરન જરૂર પહોંચે છે."
પહલગામથી બેસરન પહોંચવામાં પર્યટકોને દોઢ કલાક સુધીનો સમય લાગે છે. જોકે, પગપાળા ચાલવામાં આ ટ્રેક બેથી ત્રણ કલાકનો સમય લઈ લે છે.
22 એપ્રિલના રોજ જ્યારે અહીં ચરમપંથીઓએ હુમલો કર્યો તો નિકટના પોલીસ અને સુરક્ષાદળના જવાનોને પણ પહોંચવામાં લગભગ 20 મિનિટ જેવો સમય લાગ્યો હતો.
ઈજાગ્રસ્તો અને મૃતકોને હેલિકૉપ્ટર અને ઘોડા મારફતે ત્યાંથી લાવવામાં આવ્યા. બેસરનનો સૌથી નિકટનો માર્ગ શ્રીનગર-પહલગામ હાઇવે છે. પહલગામથી શ્રીનગર લગભગ 90 કિલોમીટર દૂર છે. એ મુસાફરીમાં બેથી ત્રણ કલાકનો સમય લાગી શકે છે.
પહલગામમાં ઘણી ફિલ્મોનાં શૂટિંગ થયાં છે
કાશ્મીરની ખૂબસૂરત ખીણથી પસાર થતો આ હાઇવે પર્યટકોની અવરજવર અને પહલગામ ક્ષેત્ર સુધી પહોંચવા માટે મહત્ત્વપૂર્ણ છે. એ અનંતનાગ અને બીજબેહરા જેવાં શહેરોમાંથી પસાર થાય છે.
પહલગામની બીજી તરફ બેતાબ ખીણ છે. આ વિસ્તાર વર્ષ 1983માં રિલીઝ થયેલી બોલીવૂડ ફિલ્મ 'બેતાબ' બાદ ચર્ચામાં આવ્યો હતો. તેના પરથી જ તેનું નામ બેતાબ ખીણ પડી ગયું છે.
1970ના દાયકાથી પહલગામની આસપાસની ખીણોમાં ફિલ્મોનાં શૂટિંગ થતાં રહ્યાં છે. સલમાન ખાનની ચર્ચિત ફિલ્મ 'બજરંગી ભાઈજાન'નું ક્લાઇમેક્સ દૃશ્ય બેસરન ખીણમાં જ શૂટ થયું હતું.
વર્ષ 2014માં આવેલી ફિલ્મ 'હૈદર'નાં ઘણાં દૃશ્યો બરફથી ઢંકાયેલી પહલગામ ખીણમાં ફિલ્માવાયાં છે. એ જ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ 'હાઇવે'માં નજીકની અરૂ ખીણનાં દૃશ્યો છે.
પહલગામની ખૂબસૂરતી સિનેમાના પડદે અને ટીવી સ્ક્રીન મારફતે લોકોને અહીં આવવા માટે આકર્ષિત કરે છે.
પહલગામ છે અમરનાથ યાત્રાનો મહત્ત્વપૂર્ણ પડાવ

ઇમેજ સ્રોત, Getty Images
પહલગામ હિંદુ ધર્મની સૌથી પ્રમુખ ધાર્મિક તીર્થયાત્રાઓ પૈકી એક અમરનાથ યાત્રામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ભગવાન શિવ સાથે જોડાયેલાં મહત્ત્વપૂર્ણ સ્થાનો પૈકી એક અમરનાથ ગુફાની યાત્રાને હિંદુ ધર્મમાં મહત્ત્વપૂર્ણ મનાય છે.
દર વર્ષે થનારી અમરનાથ યાત્રામાં અમરનાથ ગુફા સુધી જતા ઘણા રસ્તા પૈકી એક પહલગામથી થઈને પસાર થાય છે.
અમરનાથ યાત્રા માટે 32 કિલોમીટરની પગપાળા કે ઘોડા પર બેસીને યાત્રા શરૂ કરતા પહેલાં ઘણા શ્રદ્ધાળુ પહલગામનો જ બેઝ કૅમ્પની માફક ઉપયોગ કરે છે.
બેસરનમાં આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે અમરનાથ યાત્રાની તૈયારીઓ કરાઈ રહી છે. આ વર્ષે અમરનાથ યાત્રા તારીખ ત્રીજી જુલાઈથી શરૂ થશે. આ યાત્રા માટે આ ક્ષેત્રમાં ભારે સુરક્ષા બંદોબસ્તના ઇંતેજામ કરાઈ રહ્યા છે.
મંગળવારે પર્યટકો પર થયેલો હુમલો એક દુર્લભ ઘટના છે. હોટેલ કારોબારી જાવેદ અહમદ કહે છે કે, "આ પર્યટકોના આગમનનો સમય છે. આ હુમલાથી પર્યટનઉદ્યોગની કમર ભાંગી ગઈ છે. કોઈએ વિચાર્યું પણ નહોતું કે આવી રીતે માસૂમ પર્યટકોને નિશાન બનાવાઈ શકાય છે."
જોકે, આની પહેલાં પણ જમ્મુ-કાશ્મીરમાં મોટા ચરમપંથી હુમલા થયા છે. વર્ષ 2000માં નુવાન બેઝ કૅમ્પ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 32 લોકોનાં મોત થયાં હતાં. તેમજ વર્ષ 2002માં ચંદનબાડી બેસ કૅમ્પ પર થયેલા હુમલામાં 11 લોકોનાં મૃત્યુ થયાં હતાં. વર્ષ 2017માં કુલગામમાં તીર્થયાત્રીઓને લઈ જતી એક બસ પર હુમલો થયો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા આઠ લોકોનાં મોત થયાં છે.
આ હુમલાને કારણે પર્યટકોનો વિશ્વાસ હચમચી ગયો છે. ફરવા આવેલા લોકો જમ્મુ-કાશ્મીર છોડીને જઈ રહ્યા છે. હવે જોવું રહ્યું કે આ ભયાનક ઘટના બાદ બેસરનની આ ખૂબસૂરત ખીણ પર્યટકોથી ફરી ક્યારે ગુલજાર થઈ શકશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












