મોદી - ભાજપની સામે રાહુલ ગાંધી જાતિગત વસતિગણતરીનો મુદ્દો કેમ ઉઠાવી રહ્યા છે?

ઇમેજ સ્રોત, TWITTER/@MEAINDIA
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
પાછલા ત્રણ દિવસથી કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જાતિગત વસતિગણતરીની માગ કરી રહ્યા છે. આ વાતને કૉંગ્રેસ પાર્ટીની રાજકીય વ્યૂહરચનામાં આવેલ ફેરફાર તરીકે જોઈ શકાય છે.
કૉંગ્રેસ પાર્ટીના નેતૃત્વવાળી યુપીએ સરકારે વર્ષ 2010-11માં દેશની આર્થિક-સામાજિક અને જાતિ આધારિત વસતિગણતરી કરાવી હતી પરંતુ તેનો ડેટા જાહેર કરાયો નહોતો.
હવે કૉંગ્રેસે નેતા રાહુલ ગાંધીની કર્ણાટકના કોલાર ખાતેની એક રેલીમાં પછાત વર્ગ, દલિતો અને આદિવાસીઓના વિકાસ માટે ત્રણ બિંદુઓ પર આધારિત એક ઍજન્ડા જાહેર કર્યો અને ‘જિસકી જિતની સંખ્યા ભારી ઉસકી ઉતની હિસ્સેદારી’નો નારો આપ્યો.
રાહુલ ગાંધીએ વર્ષ 2011માં જાતિગત વસતિગણતરીનો ડેટા સાર્વજનિક કરવા અને અનામતમાં 50 ટકાની મર્યાદા સમાપ્ત કરવાની પણ માગ કરી છે.
રાહુલ ગાંધીએ પછાત વર્ગ, દલિત અને આદિવાસીઓની વસતિગણતરી આધારે તેમને આરક્ષણ આપવાની માગ પણ કરી છે. જાતિગત વસતિગણતરી પર આધારિત અનામતની માગ સૌપ્રથમ વર્ષ 1980ના દાયકામાં કાંશીરામે કરી હતી.
રાહુલની માગના એક દિવસ બાદ જ 17 એપ્રિલના રોજ કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને જાતિગત વસતિગણતરી કરાવવા માટે તરત જ હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી.
પોતાના પત્રમાં ખડગેએ કહ્યું છે કે જાતિગત વસતિગણતરીના ડેટાના વૈજ્ઞાનિક વર્ગીકરણથી સરકારની કલ્યાણકારી અને સામાજિક સુરક્ષા યોજનાઓને લાગુ કરવામાં મદદ મળશે.
આ પહેલાં ઉદયપુરમાં મે, 2022માં યોજાયેલી કૉંગ્રેસની ચિંતન શિબિરમાં પણ પાર્ટીના નેતાઓએ જાતિગત વસતિગણતરીનું સમર્થન કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, ભારતીય જનતા પાર્ટીએ રાહુલ ગાંધી દ્વારા આ માગ કરાયા બાદ તેમના પર શાબ્દિક હુમલો કર્યો છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક રિપોર્ટ અનુસાર ભાજપના એક નેતાએ જવાહરલાલ નહેરુ, ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધી તેમજ યુપીએના શાસનનું ઉદાહરણ આપતાં તર્ક આપ્યો કે કૉંગ્રેસ પાર્ટી પોતે જાતિગત વસતિગણતરી વિરુદ્ધ રહી છે.
જોકે ભારતીય જનતા પાર્ટીએ આધિકારિકપણે જાતિગત વસતિગણતરીના મુદ્દે કોઈ સ્પષ્ટતા નથી કરી. બીબીસીએ આ મુદ્દા પર ભાજપના પ્રવક્તાઓ સાથે વાત કરવાની કોશિશ કરી પરંતુ કોઈ જવાબ ન મળ્યો.
કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે 20 જુલાઈ 2-21ના રોજ લોકસભામાં અપાયેલ જવાબમાં કહ્યું કે હાલ કેન્દ્ર સરકારે અનુસૂચિત જાતિ અને જનજાતિ સિવાય અન્ય કોઈ જાતિની ગણતરી કરવાનો આદેશ નથી આપ્યો. ગત વખતની જેમ જ એસસી અને એસટીને જ જાતિગણતરીમાં સામેલ કરાયા છે.
ભારતમાં જાતિગત વસતિગણતરીના મુદ્દે સૌથી પહેલા તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુના કાર્યકાળ દરમિયાન 1951માં ચર્ચા કરાઈ હતી. જોકે એ સમયે જાતિગત વસતિગણતરી નહોતી થઈ.
માત્ર કૉંગ્રેસ જ નહીં મંડલ વિચારધારાથી પ્રભાવિત દેશનાં અન્ય રાજકીય દળો પણ જાતિગત વસતિગણતરીની માગણીને પાછલા એક વર્ષથી ઉઠાવી રહ્યાં છે.
બિહારમાં નીતીશકુમારના નેતૃત્વ અને જેડીયુ, કૉંગ્રેસ અને આરજેડીના ગઠબંધનવાળી સરકાર જાતિગત વસતિગણતરી કરાવી રહી છે. ભાજપે બિહારમાં જાતિગત વસતિગણતરીના પ્રસ્તાવનું સમર્થન પણ કર્યું છે. બિહાર વિધાનસભામાં આના પક્ષમાં ફેબ્રુઆરી 2019 અને 2020માં પણ એક પ્રસ્તાવ પસાર કરાયો હતો, ત્યારે રાજ્યમાં ભાજપ નીતીશકુમાર સાથે સરકારમાં સામેલ હતો.
એ જ સમયે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી પણ જાતિગત વસતિગણતરી કરાવવાની માગ કરી રહી હતી. દક્ષિણ ભારતનાં પણ ઘણાં રાજકીય દળો જાતિગત વસતિગણતરી કરાવવાની વાતનું સમર્થન કરે છે.
વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલાં વિપક્ષ હજુ સુધી એકતા દાખવી શક્યો નથી પરંતુ જાતિગત વસતિગણતરીના મુદ્દે વિપક્ષ એક પ્લૅટફૉર્મ પર આવી રહ્યો છે. આવી સ્થિતિમાં એવું માની શકાય કે જાતિગત વસતિગણતરીના મુદ્દે વિરોધ પક્ષનાં વિવિધ દળોને એકમેકની નજીક લાવી શકે છે.
રાહુલ ગાંધીએ જાતિગત અનામતનો મુદ્દો કેમ ઉઠાવ્યો, આ પ્રશ્નનો જવાબ આપતાં કૉંગ્રેસના મીડિયા પ્રભારી જયરામ રમેશે સમાચાર એજન્સી પીટીઆઇને જણાવ્યું કે, “ભારત જોડો યાત્રા દરમિયાન સિવિલ સોસાયટીનાં ઘણાં સમૂહોએ રાહુલ ગાંધી સામે જાતિગત વસતિગણતરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આના કારણે કૉંગ્રેસ આ માગ ઉઠાવી રહી છે.”

‘એક જરૂરી મુદ્દો’

ઇમેજ સ્રોત, @RAHULGANDHI
જાતિગત મુદ્દા પર ઘણા સમય સુધી કામ કરી ચૂકેલા અને સંસદમાં ઘણી વાર જાતિગત વસતિગણતરીનો મુદ્દો ઉઠાવી ચૂકેલા વરિષ્ઠ પત્રકાર અને રાજ્યસભાના ભૂતપૂર્વ સભ્ય અલી અનવર માને છે કે રાહુલ ગાંધીના નિવેદનથી જાતિગત વસતિગણતરીના મુદ્દાને બળ મળ્યું છે.
અલી અનવર કહે છે કે, “જાતિગત વસતિગણતરી એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે. ભારતમાં ધાર્મિક આધારે તો ગણતરી થાય છે. બ્રિટિશ શાસકોએ આ નીતિ લાગુ કરી હતી. પરંતુ જાતિગત વસતિગણતરી નથી થઈ. બહુજન વસતિની ગણતરી થશે તો તેને ભાગ મળશે. રાહુલ ગાંધીએ આ મુદ્દો ઉઠાવ્યો એ ખૂબ સારી વાત છે. આનાથી આ મુદ્દો વધુ મજબૂત થશે.”
ભારતીય જનતા પાર્ટી પણ જાતિગત ન્યાયની વાત કરે છે અને જાતિ આધારે મંત્રી પણ બનાવાતા રહ્યા છે. પરંતુ અલી અનવર ભારતીય જનતા પાર્ટી સામે પ્રશ્ન ઉઠાવતાં કહે છે કે જો ભાજપ જાતિગત રાજકારણ કરી રહ્યો છે તો તેને જાતિગત વસતિગણતરીનું પણ સમર્થન કરવું જોઈએ.
અલી અનવર જણાવે છે કે, “ભાજપ પણ હવે જાતિનો મુદ્દો ઉઠાવે છે. જાતિના નામે મુખ્ય મંત્રી બનાવાયા છે, વડા પ્રધાને સંસદમાં પોતાના મંત્રિઓનો તેમના વર્ગ સાથે પરિચય આપ્યો હતો. આવું અગાઉ કોઈએ નહોતું કર્યું. ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાતને પછાત ગણે છે, બિહારમાં તો તેમણે પોતાની જાતને અતિ પછાત ગણાવ્યા હતા. આવી સ્થિતિમાં એવું ન કહી શકાય કે ભાજપ જાતિ આધારિત રાજકારણ નથી કરતો, જો ભાજપ જાતિનું રાજકારણ કરી શકે તો તેણે જાતિગત વસતિગણતરી પણ જરૂર કરાવવી જોઈએ.”

- કૉંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા તાજેતરમાં જાતિ આધારિત વસતિગણતરીનો મુદ્દો ઉઠાવાયો હતો
- વર્ષ 2011માં કૉંગ્રેસની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે જાતિ આધારિત વસતિગતરી કરાવી હતી પરંતુ તેનો ડેટા જાહેર કરાયો નહોતો
- જાતિગત વસતિગતરીની સૌપ્રથમ માગ 1980ના દાયકામાં કાંશીરામે ઉઠાવી હતી
- આખરે જાતિગત વસતિગણતરીની માગ કેમ પ્રબળ થતી જઈ રહી છે?
- આ મુદ્દાને લઈને વિપક્ષ એક થઈને સામે આવી રહ્યો છે?

સાંપ્રદાયિક ધ્રુવીકરણ રોકવા માટે જાતિગત વસતિગણતરી જરૂરી
વર્ષ 2011માં વસતિગણતરીનો ડેટા જાહેર ન કરાયાની વાતનું કારણ આપતાં અલી અનવર કહે છે કે, “18 ડિસેમ્બર 2009ના રોજ મેં જાતે સંસદમાં જાતિગત વસતિગણતરી મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો. અમે અમુક કાર્યકર્તાઓ આ મુદ્દે પ્રોફેસર શરદ યાદવને મળ્યા, તેમણે લાલુ યાદવ અને મુલાયમસિંહ યાદવ સાથે આ મુદ્દે વાત કરી અને ભાજપના ગોપીનાથ મુંડેએ પણ આ વાતનું સમર્થન કર્યું. વર્ષ 2011ની વસતિગણતરીમાં સરકારે આ ગણતરી કરાવી તો ખરી પરંતુ આ કાર્યવાહી અપ્રશિક્ષિત લોકો દ્વારા હાથ ધરાઈ અને તેનાં કોઈ પરિણામ ન આવી શક્યાં.”
તેમજ ભારતીય જનતા પાર્ટીનું માનવું છે કે કૉંગ્રેસ શાસનકાળમાં જાતિગત વસતિગણતરીના આંકડા એટલા માટે જાહેર ન કરાયા કારણ કે પાર્ટીની અંદર જ આ વાતનો વિરોધ હતો. પાર્ટીનાં સૂત્રોએ નામ ન લઈને ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં આ જણાવ્યું હતું.
અલી અનવર કહે છે કે દેશમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણનો સામનો કરવા માટે જાતિગત વસતિગણતરી જરૂરી છે. અલી અનવર પસમાંદા મુસ્લિમ સમાજના સમન્વયક પણ છે.
અલી અનવર કહે છે કે, “દેશમાં વધી રહેલા સાંપ્રદાયિક ધ્રુવીકરણનો સામનો કરવા માટે પણ જાતિગત વસતિગણતરી જરૂરી છે. જાતિગત વસતિગણતરીથી એ વાતની પણ ખબર પડશે કે સરકારી નોકરીઓમાં કયા વર્ગના લોકો છે. આ સિવાય દેશમાં ડૉક્ટર, ઇજનેર જેવા વ્યવસાયોમાં પણ લોકોની જાતિગત ભાગીદારી અંગે સ્પષ્ટતા થશે. દેશમાં સામાજિક ન્યાયને મજબૂત કરવા માટે જાતિગત વસતિગણતરી જરૂરી છે.”

ઇમેજ સ્રોત, Getty Images
સમાજવાદી પાર્ટીના પ્રવક્તા અને જાતિગત મુદ્દા પર અવારનવાર પોતાનો મત વ્યક્ત કરતાં રાજકુમાર ભાટી પણ આવો જ મત વ્યક્ત કરે છે.
ભાટી કહે છે કે, “જો આપણે દેશના બંધારણમાં જણાવાયું છે એ પ્રમાણે સામાજિક ન્યાયમાં વિશ્વાસ ધરાવતા હોઈએ, તો આપણને એ વાત પણ ખબર હોવી જોઈએ કે દેશમાં કયા વર્ગના કેટલા લોકો છે.”
ભાટી માને છે કે જાતિગત વસતિગણતરી થવાથી તમા વર્ગોને પોતાની વસતિ હિસાબે આરક્ષણે પણ મળશે.
ભાટી કહે છે કે, “1977માં જનતા પાર્ટીની સરકારે મંડલ કમિશન રચ્યું હતું, 1990ના દાયકામાં વીપી સિંહની સરકારે તેની ભલામણો લાગુ કરી. ત્યારે કૉંગ્રેસ અને ભાજપ બંનેએ આનો વિરોધ કર્યો હતો. મંડલ કમિશનની ભલામણો લાગુ કરાયા વિરુદ્ધ રસ્તા પર આંદોલન થયું હતું અને સુપ્રીમ કોર્ટમાં પણ આ નિર્ણય પડકારાયો હતો. સુપ્રીમ કોર્ટમાં ઇંદિરા સાહની કેસમાં અનામતની મર્યાદા 50 ટકા સુધી સીમિત કરી દેવાઈ હતી.”
ભાટીનો તર્ક છે કે જો જાતિગત વસતિગણતરી થઈ તો તમામ વર્ગોને વસતિમાં તેમની સંખ્યા આધારે અનામત મળશે અને તેનાથી અન્ય પછાત વર્ગોને ફાયદો થશે કારણ કે દેશમાં સંખ્યાની દૃષ્ટિએ સૌથી મોટો વર્ગ એ જ છે.
ભાટી જણાવે છે કે, “દેશની કુલ વસતિમાં લગભગ 52 ભાગ ઓબીસી જાતિઓનો છે પરંતુ તેમને વસતિ પ્રમાણે આરક્ષણ નથી મળી શક્યું કારણ કે સુપ્રીમ કોર્ટે 50 ટકાની મર્યાદા નક્કી કરી છે ઉપરાંત ક્રિમીલેયરની જોગવાઈ પણ છે.”

ગોપીનાથ મુંડે પણ હતા સમર્થનમાં
ભારતમાં અન્ય પછાત વર્ગો માટે 27 ટકા અનામત છે, આ સિવાય આર્થિક રીતે કમજોર વર્ગ માટે દસ ટકા અનામત નક્કી કરાઈ છે. અન્ય પછાત વર્ગનાં સમૂહોનો તર્ક છે કે આ ટકાવારી નક્કી કરાયાના કારણે પણ તેમને પોતાની વસતિ પ્રમાણે અનામત નથી મળી શકી રહી.
ભાટી કહે છે કે, “મેરિટમાં સારા ગુણ હોવા છતાં ઓબીસી ઉમેદવારોની સંખ્યા 27 ટકા સુધી જ સીમિત રહે છે. આવી સ્થિતિમાં આ અનામત અન્ય પછાત વર્ગ માટે તક ઓછી અને મર્યાદા વધુ છે. જેના કારણે તેમની ભાગીદારી નથી વધી શકી રહી. જાતિગત વસતિગણતરીથી દેશમાં જાતિ આધારિત વાસ્તવિક આંકડા મળશે અને ખબર પડી શકશે કે કયા વર્ગની સ્થિતિ શું છે. કોઈ પણ પક્ષે તેનો વિરોધ ન કરવો જોઈએ કારણે કે આ સામાજિક ન્યાયનો મુદ્દો છે.”
ભાજપના નેતા ગોપીનાથ મુંડેએ વર્ષ 2011ની વસતિગણતરીથી ઠીક પહેલાં 2010 સંસદમાં કહ્યું હતું કે, “જો આ વખતે પણ વસતિગણતરીમાં આપણે ઓબીસીની વસતિ અંગે સંખ્યા આધારિત પરિણામો નહીં મેળવીએ તો ઓબીસીને સામાજિક ન્યાય આપવા માટે વધુ દસ વર્ષનો સમય લાગશે. આપણે તેમની સાથે અન્યાય કરીશું.”
આટલું જ નહીં, ગત સરકારમાં જ્યારે રાજનાથસિંહ ગૃહમંત્રિ હતા, ત્યારે વર્ષ 2021ની વસતિગણતરીની તૈયારીઓનું નિરીક્ષણ કરતાં વર્ષ 2018માં એક પ્રેસ નોટમાં સરકારે માન્યું હતું કે ઓબીસી અંગેનો ડેટા પણ નવી વસતિગણતરી સમયે એકત્રિત કરાશે. પરંતુ હવે ભાજપ જાતિગત વસતિગણતરી પર પોતાનો પક્ષ સ્પષ્ટપણે નથી મૂકી રહ્યો.
ભાટી કહે છે કે, “એવું લાગે છે કે ભાજપના ઇરાદામાં ખોટ છે. ભાજપ સામાજિક ન્યાયની વાત તો કરે છે પરંતુ વાસ્તવમાં એ લોકોને છેતરવા માગે છે.”














