મહારાણી એલિઝાબેથની અંત્યેષ્ટિ ક્યારે અને ક્યાં થશે?

મહારાણી
    • લેેખક, વિઝ્યુઅલ જર્નાલિઝમ ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

બ્રિટનમાં અત્યાર સુધી સૌથી લાંબા સમય માટે શાસન કરનારાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધન બાદ સત્તાવાર કાર્યક્રમોની સમયસારિણીનું વિવરણ સામે આવવા લાગ્યું છે.

અહીં અમે આપને આવનારા દિવસોમાં સંભવિત રીતે શું-શું થશે તે જણાવવાનો પ્રયત્ન કરીશું. જેમાં સ્કૉટલૅન્ડથી મહારાણીના પાર્થિવ દેહની યાત્રા, આવનારા અઠવાડિયા દરમિયાન રાજ્યમાં રોકાણ અને 19 સપ્ટેમ્બરે રાજકીય સન્માન સાથે અંત્યેષ્ટિ સામેલ છે.

સ્કૉટલૅન્ડ યાત્રા

મહારાણી

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના પાર્થિવ દેહને રવિવારે સ્થાનિક સમયાનુસાર સવારે 10 વાગ્યે બાલ્મોરલ ઍસ્ટેટથી લઈને ઍડિનબરાસ્થિત હોલીરુડહાઉસ પૅલેસમાં લઈ જવામાં આવ્યો છે.

મહારાણીના પાર્થિવદેહને ઍબરડીન, ડંડી અને પર્થના રસ્તે ઍડિનબરા સુધી ધીરે-ધીરે લઈ જવામાં આવ્યો છે.

કિંગ ચાર્લ્સ તૃતીય અને રાજવી પરિવાર (યુકે સમયાનુસાર) સોમવારે બપોરે 2:35 વાગ્યે મહારાણીના પાર્થિવ દેહ સાથે સેન્ટ ગિલ્સ કૅથેડ્રલ પહોંચશે. ત્યાં એક નાનકડો કાર્યક્રમ યોજાશે. બાદમાં 24 કલાક માટે લોકો તેમના પાર્થિવ દેહના દર્શન કરી શકે તે માટે ત્યાં જ રાખવામાં આવશે.

મહારાણી

24 કલાક બાદ મંગળવારે સેન્ટ ગિલ્સ કૅથેડ્રલમાંથી મહારાણીના પાર્થિવ દેહને સ્થાનિક સમયાનુસાર બપોરે બે વાગ્યે લંડન લઈ જવામાં આવશે. બકિંઘમ પૅલેસ પ્રમાણે, તેમની ઍડિનબરાથી લંડનયાત્રા દરમિયાન મહારાણીનાં પુત્રી રાજકુમારી ઍન તેમની સાથે હશે.

લંડનમાં એક સપ્તાહ શું થશે?

મહારાણીનાં અંતિમ દર્શન માટે કલાકો સુધી લાઈનમાં ઉભાં રહે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મહારાણીનાં અંતિમ દર્શન માટે કલાકો સુધી લાઈનમાં ઉભાં રહે છે

બુધવારે બપોરે ત્રણ વાગ્યે મહારાણી એલિઝાબેથ દ્વિતીયના પાર્થિવ દેહને વેસ્ટમિન્સ્ટર હૉલમાં લઈ જવામાં આવશે. ત્યાર બાદ લોકો દર્શન કરીને શ્રદ્ધાંજલિ પાઠવી શકે તે માટે મહારાણીના પાર્થિવ દેહને વેસ્ટમિન્સ્ટર હૉલમાં રાખવામાં આવશે.

વેસ્ટમિન્સ્ટર પૅલેસમાં 'ધ ગ્રાન્ડ હૉલ' સૌથી જૂનો ભાગ છે. અહીં છેલ્લે 2002માં મહારાણીનાં માતાના અવસાન બાદ તેમને રાખવામાં આવ્યાં હતાં. તે સમયે તેમનાં દર્શન માટે બે લાખથી વધુ લોકો આવ્યા હતા.

મહારાણીના પાર્થિવ દેહને 11મી સદીના આ હૉલની મધ્યકાલીન છત નીચે એક ઊંચા પ્લૅટફૉર્મ પર રાખવામાં આવશે. જેને કૅટાફાલ્ક નામથી ઓળખવામાં આવે છે.

મહારાણી

ઇમેજ સ્રોત, Getty Images

કૅટાફાલ્કના દરેક ખૂણે રાજવી પરિવારની સેવા કરનારા સૈનિક અને રાજવી પરિવારના સભ્યો હાજર હશે.

બુધવારે 14 સપ્ટેમ્બરે મહારાણીના પાર્થિવ દેહને એક જુલૂસ સાથે બકિંઘમ પૅલેસથી વેસ્ટમિન્સ્ટર હૉલ લઈ જવામાં આવશે. જેમાં એક સૈન્ય પરેડ અને રાજવી પરિવાર સામેલ થશે.

આ જુલૂસને સામાન્ય લોકો પણ જોઈ શકશે કારણ કે તે મુખ્ય માર્ગ પરથી પસાર થશે. આ ઉપરાંત લંડનના રૉયલ પાર્કમાં મોટાં સ્ક્રીન પર તેનું પ્રસારણ થવાની પણ શક્યતા છે.

તેમના પાર્થિવ દેને રૉયલ સ્ટૅન્ડર્ડમાં લપેટવામાં આવશે અને વેસ્ટમિન્સ્ટર હૉલમાં ઇમ્પિરિયલ સ્ટેટ ક્રાઉન, ઑર્બ અને રાજદંડ સાથે સૌથી ઉપર રાખવામાં આવશે.

મહારાણીનો પાર્થિવ દેહ સ્થાનિક સમયાનુસાર બપોરે ત્રણ વાગ્યે આવવાની શક્યતા છે. હૉલમાં સૌથી પહેલાં એક નાનકડી વિધિ યોજવામાં આવશે. જેમાં કિંગ ચાર્લ્સ તૃતીય અને રાજવી પરિવારના સભ્યો સામેલ થશે. બાદમાં સામાન્ય લોકોને અંદર જવા દેવામાં આવશે.

લોકો મહારાણીના પાર્થિવ દેહના દર્શન કેવી રીતે કરી શકશે, તે અંગે માહિતી જાહેર કરવામાં આવશે.

મહારાણીની અંતિમયાત્રા

મહારાણી

ઇમેજ સ્રોત, Getty Images

રાજકીય માન-સન્માન સાથે મહારાણીની અંત્યેષ્ટિ 19 સપ્ટેમ્બર સોમવારે વેસ્ટમિન્સ્ટર ઍબેમાં સવારે 11 વાગ્યે યોજાશે. સમગ્ર બ્રિટનમાં તે દિવસે બૅન્ક હૉલી-ડે જાહેર કરવામાં આવ્યો છે.

વેસ્ટમિન્સ્ટર ઍબે એક ઐતિહાસિક ચર્ચ છે, જ્યાં બ્રિટનનાં રાજાઓ અને રાણીઓને તાજ પહેરાવવામાં આવે છે. મહારાણી એલિઝાબેથ દ્વિતીયનો રાજ્યાભિષેક પણ ત્યાં જ કરવામાં આવ્યો હતો અને 1947માં પ્રિન્સ ફિલિપ સાથે તેમણે ત્યાં જ લગ્ન કર્યાં હતાં.

18મી સદી બાદથી વેસ્ટમિન્સટર ઍબેમાં એક પણ શાસકના અંતિમ સંસ્કાર થયા નથી. જોકે, મહારાણીનાં માતાના અંતિમ સંસ્કાર 2002માં થયાં હતાં.

મહારાણી એલિઝાબેથ દ્વિતીયના જીવન અને તેમની સેવાઓને રાજવી પરિવારના સભ્યો સાથે મળીને યાદ કરવા માટે વિશ્વભરના રાષ્ટ્ર અધ્યક્ષોને આમંત્રિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં બ્રિટનના વરિષ્ઠ નેતાઓ અને પૂર્વ અને હાલના વડા પ્રધાનો પણ હાજર રહે તેવી શક્યતા છે.

દિવસની શરૂઆત ત્યારે થશે જ્યારે મહારાણીના પાર્થિવ દેહને રૉયલ નેવીના સ્ટેટ ગન કૅરેજ પર વેસ્ટમિન્સ્ટર હૉલથી વેસ્ટમિન્સ્ટર ઍબે સુધી લઈ જવામાં આવશે.

મહારાણી

ગન કૅરેજ છેલ્લે 1979માં પ્રિન્સ ફિલિપના કાકા લૉર્ડ માઉન્ટબૅટનના અંતિમ સંસ્કાર સમયે જોવા મળી હતી. આ કૅરેજે રૉયલ નેવીના 142 સૈનિકોએ તૈયાર કરી હતી.

નવા રાજા સહિત રાજવી પરિવારના વરિષ્ઠ સભ્યો વેસ્ટમિન્સ્ટર હૉલથી વેસ્ટમિન્સ્ટર ઍબે સુધીની યાત્રામાં જોડાય તેવી સંભાવના છે.

મહારાણીની અંતિમવિધિ વેસ્ટમિન્સ્ટરના ડીન ડેવિડ હૉયલ દ્વારા સંચાલિત કરાશે. જેમાં કૅંટરબરીના આર્કબિશપ જસ્ટિન વેલ્બી ધર્મોપદેશ આપશે. એક પાઠનું પઠન કરવા માટે વડા પ્રધાન લિઝ ટ્રસને પણ બોલાવવામાં આવી શકે છે.

મહારાણી

અંતિમવિધિ બાદ મહારાણીના પાર્થિવ દેહને એક જૂલુસમાં લંડનના હાઇડ પાર્કસ્થિત વૅલિંગ્ટન આર્ક સુધી લઈ જવામાં આવશે.

ત્યાર બાદ અંતે મહારાણીનો પાર્થિવ દેહ 19 સપ્ટેમ્બરે બપોરે સેન્ટ જ્યોર્જ ચૅપલ પહોંચશે. આ ચૅપલ વિંડસર કૅસલમાં આવેલું છે.

મહારાણી

રાજવી પરિવાર વિંડસર કાસલમાં આવેલ ક્વાર્ડ્રૅગલમાં મહારાણીની અંતિમયાત્રામાં જોડાય તેવી શક્યતા છે. ત્યાંથી મહારાણીના પાર્થિવ દેહને જ્યોર્જ ચૅપલમાં લઈ જવામાં આવશે.

સેન્ટ જ્યોર્જ ચૅપલ નિયમિતપણે રાજવી પરિવાર દ્વારા લગ્નો, નામકરણ અને અંત્યેષ્ટિ માટે પસંદ કરવામાં આવતું ચર્ચ છે. અહીં જ ડ્યૂક ઍન્ડ ડચેસ ઑફ સસેક્સ, પ્રિન્સ હેરી અને મેગનનાં લગ્ન થયાં હતાં અને અહીં જ મહારાણીના દિવંગત પતિ પ્રિન્સ ફિલિપના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

મહારાણી

સેન્ટ જ્યોર્જ ચૅપલની અંદર કિંગ જ્યોર્જ ષષ્ઠમ મૅમોરિયલ ચૅપલમાં દફન થતાં પહેલાં મહારાણીના પાર્થિવ દેહને રૉયલ વૉલ્ટમાં ઉતારવામાં આવશે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન