કૅમિલા : બ્રિટનનાં નવાં ક્વીન કન્સૉર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સારા કેમ્પબેલ
- પદ, રૉયલ સંવાદદાતા
તેઓ ચાર્લ્સનાં પત્ની બન્યાં ત્યારથી તેમના જીવનના પ્રેમ, તેમના વિશ્વાસનાં પૂરક બનીને રહ્યાં છે અને હવે તેઓ મહારાજાનાં ક્વીન કન્સૉર્ટ બન્યાં છે. હવે ચાર્લ્સનાં પત્ની કૅમિલાને પણ નવો ખિતાબ મળશે.
મુખ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો અને ઉજવણીઓમાં કૅમિલાને તેમના પતિની બાજુમાં જોવાની જનતાને ટેવ પડી ગઈ છે. જોકે કૅમિલાએ સ્વીકાર્યું તેમ તે સરળ નથી રહ્યું.
કેટલાંક મહિલાઓની જેમ કૅમિલા પાર્કર બાઉલ્સને જાહેરમાં અપમાનિત કરવામાં આવ્યાં છે. તેઓ સદીના સૌથી મોટા લગ્નભંગાણ માટે જવાબદાર "અન્ય મહિલા" ગણાવાયાં હતાં, અવારનવાર તેમની તુલના પ્રિન્સેસ ઑફ વેલ્સ ડાયના સાથે કરાઈ ચૂકી છે.
ચાર્લ્સને પસંદ કરીને કૅમિલાએ પોતાના જીવનમાં ઝંઝાવાતો નોતર્યા. વર્ષો સુધી કૅમિલા પ્રેસથી ઘેરાયેલાં રહ્યાં, તેમના ચરિત્ર અને હાજરી પર સતત હુમલા થતા રહ્યા. પરંતુ તેમણે પરિસ્થિતિનો સામનો કર્યો અને ધીમેધીમે રૉયલ ફૅમિલીનાં સૌથી વરિષ્ઠ મહિલા સભ્ય તરીકે પોતાનું સ્થાન મજબૂત કર્યું.

ઇમેજ સ્રોત, ANN CLEAVER/SHUTTERSTOCK
એવું કહેવાય છે કે પ્રિન્સ ચાર્લ્સ તેમને પોતાની યુવાનીમાં એટલે કે 20 વર્ષ આસપાસની ઉંમરે મળ્યા ત્યારથી તેમનું જીવન તેમના માટે ખૂબ જ વ્યસ્ત રહ્યું હતું.
મહારાણી એલિઝાબેથ દ્વિતીય તરફથી સંપૂર્ણ સ્વીકૃતિ મળવામાં સમય લાગ્યો. જોકે મહારાણીનાં અંતિમ વર્ષોમાં તેઓ કૅમિલા માટેના સમર્થનમાં સ્પષ્ટ હતાં.
નવાં રાણી કદાચ ક્યારેય લોકો તરફથી સંપૂર્ણ સ્વીકૃતિ મેળવી શકશે નહીં, પરંતુ આ વર્ષની શરૂઆતમાં વોગ મૅગેઝિન સાથેની એક મુલાકાતમાં તેમણે પોતે કહ્યું હતું તેમ : "હું એક પ્રકારે તેનાથી પર ઊઠી ગઈ છું અને આગળ વધી ગઈ છું. તમારે જીવન સાથે આગળ વધવું પડે છે."
17 જુલાઈ, 1947ના રોજ જન્મેલાં કૅમિલા રોઝમૅરી શેન્ડ સિંહાસનના વારસદાર સાથે લગ્ન કરશે એવા કોઈ અણસાર નહોતા, કેમ કે કૅમિલા ઉચ્ચ-વર્ગ અને સુખી સંપન્ન પરિવારમાંથી આવતાં હતાં પણ ચોક્કસપણે તેઓ શાહી પરિવારમાંથી આવતાં નહોતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, SHUTTERSTOCK
કૅમિલા સસેક્સમાં એક ભવ્ય કૌટુંબિક ઍસ્ટેટ પર તેમના ભાઈ અને બહેન સાથે રમતાં-ઝઘડતાં, પ્રેમાળ વાતાવરણમાં ઉછર્યાં છે. તેમના પિતા બ્રુસ શૅન્ડ નિવૃત્ત આર્મી ઑફિસર હતા અને કૅમિલાના સૂવાના સમયે તેમને વાર્તાઓ વાંચી સંભળાવતા હતા.
તેમનાં માતા રોઝાલિન્ડ બાળકોને શાળાએ મોકલતાં, પ્રવૃત્તિઓ કરાવતાં અને દરિયાકિનારે લઈ જતાં હતાં.
જ્યારે ચાર્લ્સનું બાળપણ ખૂબ જ અલગ હતું, તેમણે વિશ્વની મુસાફરીમાં વ્યસ્ત તેમનાં માતાપિતા વિના લાંબો સમય પસાર કર્યો હતો.
સ્વિટ્ઝર્લૅન્ડની શાળામાં ભણેલાં કૅમિલા લંડનમાં નવોદિત તરીકે આવ્યાં હતાં. તેઓ લોકપ્રિય હતાં અને 60ના દાયકાના મધ્ય ભાગથી તેઓ ઍન્ડ્રુ પાર્કર બાઉલ્સ નામના હાઉસહોલ્ડ કેવલરી ઑફિસર સાથે ઑન-ઑફ રિલેશનશિપમાં હતાં.

ઇમેજ સ્રોત, FRANK BARRATT / GETTY IMAGES
1970ના દાયકાની શરૂઆતમાં તેમનો પરિચય યુવાન પ્રિન્સ ચાર્લ્સ સાથે થયો હતો. રાજકુમારનું જીવનચરિત્ર લખનાર જોનાથન ડિમ્બલબીના જણાવ્યા અનુસાર, "તે પ્રેમાળ હતી, નમ્ર હતી, અને પ્રથમ નજરના પ્રેમમાં તેમણે લગભગ એક જ વારમાં તેમને પોતાનું દિલ આપી દીધું હતું."
પરંતુ સમય યોગ્ય ન હતો. ચાર્લ્સ હજુ 20 વર્ષની આસપાસના હતા અને નૅવીમાં કારકિર્દી બનાવી રહ્યા હતા.
1972ના અંતમાં તે વિદેશમાં આઠ મહિના રહેવા માટે રવાના થયા અને જ્યારે તેઓ દૂર હતા ત્યારે જ ઍન્ડ્રુએ કૅમિલાને પ્રસ્તાવ મૂક્યો અને કૅમિલાએ સ્વીકારી લીધો. શા માટે ચાર્લ્સ પૂછે તેની રાહ ન જોઈ? મિત્રોના અનુમાન પ્રમાણે કૅમિલાએ પોતાની જાતની ક્યારેય રાણી તરીકે કલ્પના કરી નહોતી.
જોકે કદાચ ચાર્લ્સને ભલે દગો થયો હોય એવું મહેસૂસ થયું હોય તો પણ તેઓ એકબીજાના જીવનનો એક ભાગ બની રહ્યાં. તેઓ સમાન સામાજિક વર્તુળોમાં આગળ વધ્યાં. ચાર્લ્સ અને ઍન્ડ્રુ એકસાથે પોલો રમ્યા અને દંપતીએ ચાર્લ્સને તેમના પ્રથમ બાળક ટૉમના ગૉડફાધર બનવા માટે પણ કહ્યું.
પોલો દરમિયાન ચાર્લ્સ અને કૅમિલાના ફોટોગ્રાફ હળવાશભરી આત્મીયતા દર્શાવે છે.

ઇમેજ સ્રોત, SHUTTERSTOCK
1981ના ઉનાળા સુધીમાં ચાર્લ્સ યુવાન લૅડી ડાયના સ્પેન્સરને મળ્યા અને પ્રસ્તાવ મૂક્યો. તેમ છતાં કૅમિલા તેમના જીવનનો એક ભાગ હતાં.
'ડાયના : હર ટ્રુ સ્ટોરી'માં લેખક ઍન્ડ્રુ મોર્ટને વિગતવાર જણાવ્યું કે ડાયનાને લગ્નના લગભગ બે દિવસ પહેલાં ચાર્લ્સે કૅમિલા માટે બનાવડાવેલ બ્રેસલેટ (જેમાં 'F' અને 'G' કોતરાવેલું હતું) મળી આવતાં લગ્ન કરવાનું લગભગ માંડી વાળવાનો નિર્ણય કર્યો હતો.
કૅમિલા અને ચાર્લ્સ એકબીજાને ઉપનામ ફ્રેડી અને ગ્લૅડિસથી બોલાવતાં હતાં.

ઇમેજ સ્રોત, REX/SHUTTERSTOCK
ડાયનાએ તેમના પતિ સાથેના કૅમિલાના સંબંધને લઈને સંઘર્ષ કર્યો તેમાં કોઈ પ્રશ્ન નથી. ચાર્લ્સે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમનાં લગ્ન "અનિવાર્યપણે તૂટી ગયાં હતાં" તે બાદ જ તેમની વચ્ચે ફરી રોમાન્સ ખીલ્યો હતો. પરંતુ ડાયનાએ 1995ના પેનોરમાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે "આ લગ્નમાં અમે ત્રણ હતાં."
ચાર્લ્સ અને કૅમિલા બંનેનું લગ્નજીવન કથળતું જતું હતું. દરમિયાન આવતી સમાચારપત્રોની કેટલીક હેડલાઇન પીડાદાયક હતી.
1989માં મોડી રાતના ફોન-કોલ ગુપ્ત રીતે રેકૉર્ડ કરવામાં આવ્યા હતા અને વિગતો ચાર વર્ષ પછી જાહેર કરવામાં આવી હતી. કૅમિલાના જખમ ઉપર મલમનું કામ કરતું તત્ત્વ બનવાની ચાર્લ્સે વ્યક્ત કરેલી ઇચ્છાએ તેમની વચ્ચેની આત્મીયતાનું સ્તર સ્પષ્ટ કર્યું.

ઇમેજ સ્રોત, PA IMAGES / ALAMY STOCK PHOTO
કૅમિલાના છૂટાછેડા 1995માં નક્કી થયા હતા. ચાર્લ્સ અને ડાયનાનાં લગ્નનો સત્તાવાર રીતે 1996માં અંત આવ્યો હતો.
ચાર્લ્સ માટે કૅમિલાની લાગણીની એ ઉમદા નિશાની છે કે તેમણે તેમના પોતાના પરિવાર, ખાસ કરીને તેમનાં બે બાળકો ટોમ અને લૉરા પ્રત્યેના જાહેર વિરોધ અને વિક્ષેપ છતાં તેમની સાથે રહેવાનું પસંદ કર્યું.
જ્યારે પાપારાઝી વિલ્ટશાયરમાં પરિવારના ઘરની બહાર ઝાડીઓમાં સંતાતા હતા તે દિવસો વિશે ટૉમ પાર્કર બાઉલ્સે વાત કરી છે.
તેમણે 2017માં ધ ટાઇમ્સ અખબારમાં લખ્યું, "અમને વધુ દુખી કરે એવું અમારા કુટુંબ વિશે કહેવાની કોઈનામાં તાકાત નથી." તેમણે ઉમેર્યું કે "મારી માતા બુલેટ-પ્રૂફ છે."
તે દિવસોમાં કૅમિલાએ કહ્યું: "કોઈ અમરપટો લઈને નથી આવ્યું. તમારે ફક્ત પરિસ્થિતિ સાથે જીવવાનો માર્ગ શોધવાનો છે."
ડાયનાના મૃત્યુ પછી 1997માં ટીકાનો સામનો કરવાનો માર્ગ શોધવો વધુ મુશ્કેલ બન્યો. સાર્વજનિક રીતે ચાર્લ્સે તેમના પુત્રો વિલિયમ અને હેરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને કૅમિલા નજરથી દૂર થઈ ગયા પરંતુ તેમનો સંબંધ ચાલુ રહ્યો.
ચાર્લ્સની સ્થિતિ એવી હતી કે કૅમિલા તેમના જીવનમાં અનિવાર્ય હતાં અને તેથી તેમને લોકોની નજરમાં પુનઃસ્થાપિત કરવા માટે કાળજીપૂર્વક કેમ્પેન શરૂ કર્યું.
તેની શરૂઆત 1999માં રિટ્ઝ હોટલમાંથી મોડી રાતે પ્રસ્થાન સાથે થઈ હતી જ્યાં તેઓ કૅમિલાનાં બહેનના 50મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. છ વર્ષ પછી તેમણે વિન્ડસર ગિલ્ડહૉલમાં એક નાનકડા સમારોહમાં લગ્ન કર્યાં.

ઇમેજ સ્રોત, Getty Images
નવદંપતીઓ પર ભીડ નકારાત્મક રીતે પ્રતિક્રિયા આપે તેવો કોઈ સવાલ જ નહોતો. તેમને શુભેચ્છકો તરફથી ઉલ્લાસ અને અભિવાદન દ્વારા આવકારવામાં આવ્યાં હતાં.
પરંતુ ઘણાં વર્ષો સુધી ચર્ચા ચાલુ રહી કે શું કૅમિલા ક્યારેય રાણી તરીકે સ્થાપિત થઈ શકશે.
રાણીપદનો ઉપયોગ કરવા માટે કાયદેસર રીતે હકદાર હોવા છતાં સત્તાવાર લાઇન એવી હતી કે કૅમિલાને પ્રિન્સેસ કન્સૉર્ટ તરીકે ઓળખવામાં આવશે.
અંતે, આ મામલાની પતાવટ મહારાણી દ્વારા કરવામાં આવી હતી, જેમણે 2022માં કહ્યું હતું કે તેઓ "પ્રામાણિકપણે માને છે કે સમય આવ્યે કૅમિલા ક્વીન કન્સૉર્ટ તરીકે ઓળખાશે."
અહીં પુષ્ટિ મળી હતી કે કૅમિલાએ ચાર્લ્સની બાજુમાં તેમનું સ્થાન મેળવી લીધું હતું. આ સાથે કોઈ પણ જાહેર ચર્ચાનો અંત આવ્યો.

ઇમેજ સ્રોત, Getty Images
જો મહારાણી કૅમિલા મામલે આટલાં સજાગ હતાં, તો પ્રિન્સ વિલિયમ અને હેરી મામલે પણ આનાથી વધુ સજાગ રહ્યાં હશે.
બંનેને તેમનાં માતાપિતાનાં લગ્નના ભંગાણનો સાર્વજનિક રીતે સામનો કરવો પડ્યો હતો. વિલિયમ 15 વર્ષના હતા અને હેરી માત્ર 12 વર્ષના હતા ત્યારે તેમનાં માતાનું મૃત્યુ થયું હતું.
2005માં તેમનાં લગ્નના થોડા મહિનાઓ પછી 21 વર્ષીય હેરીએ કહ્યું કે કૅમિલા "અદ્ભુત મહિલા" હતાં અને તેમણે તેમના પિતાને ખૂબ ખુશ કર્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
"વિલિયમ અને હું તેમને પ્રેમ કરીએ છીએ અને જ્યારે પણ મળીએ છીએ, સારી રીતે મળીએ છીએ."
તે પછીનાં વર્ષોમાં કૅમિલા પ્રત્યેની તેમની લાગણીઓ વિશે બંનેમાંથી કોઈ ભાઈ દ્વારા ભાગ્યે જ કંઈ કહેવામાં આવ્યું છે.
જોકે, વિલિયમ, તેમનાં પત્ની કેથરીન અને કૅમિલા વચ્ચેની સાર્વજનિક સમારોહમાં ક્રિયા-પ્રતિક્રિયાઓ અને બોડી લૅંગ્વેજ જોતા તેમાં હૂંફ અને પરિચિતતા વર્તાય છે જે સૂચવે છે કે તેમની વચ્ચેના સંબંધો સારા છે.

ઇમેજ સ્રોત, CHRIS JACKSON / GETTY IMAGES
હવે તેમના 70ના દાયકાના મધ્ય ભાગમાં કૅમિલાનું જીવન તેમના પતિ અને તેમના પરિવારને ટેકો આપવાની આસપાસ ફરે છે.
તેમના વિન્ડસર સંબંધો હેડલાઇન્સ પેદા કરી શકે છે, પરંતુ સ્પોટલાઇટથી દૂર કૅમિલા પાંચ બાળકોનાં દાદી તરીકે ઉત્સાહી વર્તાય છે. તેમણે તેનુંમ વિલ્ટશાયર ઘર, રે મિલ હાઉસ જાળવી રાખ્યું છે, જ્યાં તેઓ આરામ કરવા જાય છે.
તેમના ભત્રીજા બેન ઇલિયટે વેનિટી ફેર મૅગેઝિનને જણાવ્યું હતું કે, "તેમનો ખૂબ જ નજીકનો અને સહાયક પરિવાર છે અને જૂના મિત્રોનું નજીકનું જૂથ છે. તે તેના પતિ, બાળકો અને પૌત્રોને પ્રેમ કરે છે."
જે બાબતો અને મુદ્દાઓ સાથે તેઓ જોડાયેલાં છે, એ ક્ષેત્રોમાં કૅમિલાએ પોતાની અલગ ઓળખ બનાવી છે:
- ઑસ્ટિયોપોરોસિસ વિશે જાગૃતિ કેળવવી, જેનાથી તેમનાં માતા અને દાદી પીડિત છે
- ઘરેલુ દુર્વ્યવહાર, બળાત્કાર અને જાતીય હિંસા જેવા જટિલ વિષયો પર ધ્યાન આપે છે
- તેમના પિતા પાસેથી વારસામાં મળેલો પુસ્તકપ્રેમ ઇન્સ્ટાગ્રામ પર બુક ક્લબ સાથે આગળ વધારે છે
લૉકડાઉન દરમિયાન તેમણે એ વાત પર દુખ વ્યક્ત કર્યું હતું કે તેઓ તેમનાં બાળકોને ગળે લગાડી શકતાં નથી. પ્રતિબંધો હળવા થતાની સાથે તેમણે સ્પષ્ટપણે પોતાની પ્રેમાળ અભિવ્યક્તિ તરફ પાછા ફરવાનો આનંદ માણ્યો.

ઇમેજ સ્રોત, AFP
કૅમિલાના કામની શૈલીને જોતા એ સ્પષ્ટ થાય છે કે તેઓ લોકોને મોકળાશ આપી શકે છે. તેમણે એ હકીકતને કદી છુપાવી નથી કે તેમને ભાષણો કરવામાં ગભરાટ થાય છે, પરંતુ તેમણે વર્ષો જતા આત્મવિશ્વાસમાં વધારો કર્યો છે.
ચાર્લ્સ અને કૅમિલાનાં લગ્નને હવે 17 વર્ષ થઈ ગયાં છે. જાહેરમાં તેમનું જોડાણ સ્પષ્ટ છે. એકબીજા સામે જોવું, હાસ્ય - ભાગ્યે જ એવી કોઈ ઘટના હોય કે જ્યાં તેઓ કોઈ ખાનગી મજાક શેર કરતા ન હોય.
ઇલિયટે વેનિટી ફેરને કહ્યું, "તેઓ એકબીજાને પ્રેમ કરે છે અને આદર આપે છે અને એ જ બાબત પર હસે છે."
તેઓ વૈભવી જીવન જીવે છે પરંતુ ભારે સચેત થઈ અને તેમના પર દબાણ નિરંતર હોઈ શકે છે.
પ્રિન્સ ચાર્લ્સે તેમનાં લગ્નની 10મી વર્ષગાંઠના ભાગરૂપે પ્રસારણકર્તા સીએનએનને જણાવ્યું હતું કે, "તમારી પડખે કોઈનું હોવું હંમેશાં સારી બાબત છે. કૅમિલા મારા માટે મોટો સપોર્ટ છે અને જીવનની હળવી બાજુ જુએ છે, ભગવાનનો આભાર."
કૅમિલાએ તેમના જીવનસંગાથ વિશે કહ્યું, "કેટલીક વાર જીવન રાતે પસાર થતા જહાજ જેવું લાગ્યું છે પરંતુ અમે સાથે બેસીએ છીએ, ચા પીએ છીએ અને દિનચર્યાની ચર્ચા કરીએ છીએ. અમારી પાસે આ ક્ષણો છે."
રાજાની ભૂમિકા એકાકીની છે - અને કૅમિલાને છોડી દેવાની ચાર્લ્સની અનિચ્છા કદાચ એટલા માટે છે કે તેઓ જાણે છે કે તે એકમાત્ર વ્યક્તિ છે જે પોતે જે ભૂમિકા નિભાવી રહ્યા છે તેમાં તેમને જરૂરી સહાય પૂરી પાડી શકે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













