કિંગ ચાર્લ્સ તૃતીયનું રાષ્ટ્ર અને રાષ્ટ્રમંડળ દેશોના નામે સંબોધન

"હું આજે આપની સાથે ખુબ જ દુ:ખદ ભાવનાઓ સાથે વાત કરી રહ્યો છું. મહારાણી, મારાં પ્રેમાળ માતા સમગ્ર જીવન દરમિયાન મારા અને મારા પરિવાર માટે પ્રેરણાસ્ત્રોત અને મિસાલ રહ્યાં. અમે તેમનાં પ્રેમ, હૂંફ, માર્ગદર્શન, સમજ અને મિસાલ બનવા માટે ઋણી છીએ. જે રીતે કોઈ પણ પરિવાર પોતાનાં માતા માટે હોય છે."
"મહારાણી એલિઝાબેથ ઘણું સારું જીવન જીવ્યાં, તેમણે નિયતિને આપેલું પોતાનું વચન પાળ્યું હતું અને અમે તેમના નિધનથી ખૂબ જ દુખી છીએ."
"હું તમને આજે ફરી એ જ જીવનભર સેવાનું વચન આપું છું."
"મારો સમગ્ર પરિવાર તો વ્યક્તિગત દુ:ખની લાગણી અનુભવી રહ્યો છે જ, સાથેસાથે અમે બ્રિટનમાં અને એ તમામ દેશો જ્યાં રાણી રાષ્ટ્રપ્રમુખ હતાં, તમામ લોકો સાથે મારાં માતાની ઘણા દેશોમાં એક મહારાણી તરીકે 70 વર્ષની સેવા માટે કૃતજ્ઞતાની ઊંડી ભાવના વ્યક્ત કરીએ છીએ."
"1947માં પોતાના 21મા જન્મદિવસે તેમણે કૅપટાઉનથી રાષ્ટ્રમંડળને સંબોધિત કરીને પોતાનું જીવન, ભલે તે નાનું હોય કે મોટું, લોકોની સેવામાં ખર્ચવાની શપથ લીધી હતી."
"તે એક વાયદાથી ઘણું વધારે હતો. તે એક ગહન વ્યક્તિગત પ્રતિબદ્ધતા હતી. જેણે તેમના સમગ્ર જીવનને વ્યાખ્યાયિત કરે છે."
"તેમણે કર્તવ્ય માટે ઘણા ત્યાગ કર્યા. એક શાસક તરીકે તેમનું સમર્પણ અને નિષ્ઠા ક્યારેય ઓછી થઈ નથી. પછી ભલે પરિવર્તન અને પ્રગતિનો સમય હોય, ખુશી અને ઉત્સવનો સમય હોય કે પછી દુ:ખ અને ક્ષતિનો સમય હોય."
"તેમના સેવાકાળમાં અમે પરંપરા પ્રત્યે એ અતૂટ પ્રેમની સાથેસાથે પ્રગતિને નીડરતાથી સ્વીકારતા જોયા. જે અમને રાષ્ટ્ર તરીકે મહાન બનાવે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેમણે જે સ્નેહ, પ્રશંસા અને સન્માનની પ્રેરણા આપી, એ તેમના શાસનકાળની ઓળખ બની ગઈ અને મારા પરિવારના દરેક સભ્ય સાક્ષી આપી શકે છે, તેમણે આ ગુણોની સાથે હૂંફ, રમૂજ અને હંમેશાં લોકોમાં શ્રેષ્ઠ જોવાની અસાધારણ ક્ષમતાને પણ જોડી હતી."
"હું મારાં માતાની સ્મૃતિને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને તેમના સેવાને સમર્પિત જીવનનું સન્માન કરું છું. હું જાણું છું કે તેમના નિધનથી આપમાંથી ઘણા લોકોને દુ:ખ થયું છે અને હું કોઈને ગુમાવવાની આ લાગણીમાં તમારી સાથે છું."
"જ્યારે મહારાણીએ સિંહાસન સંભાળ્યું હતું, ત્યારે પણ બ્રિટન અને વિશ્વ બીજા વિશ્વયુદ્ધનાં કઠોર પરિણામોનો સામનો કરી રહ્યું હતું અને ત્યારે પણ જૂની પુરાણી પરંપરાઓ અનુસરવામાં આવતી હતી."
"છેલ્લાં 70 વર્ષો દરમિયાન આપણે અનેક સંસ્કૃતિઓ અને ઘણા ધર્મો ધરાવતો આપણો સમાજ બનતા જોયો."
"દેશની સંસ્થાઓ બદલાતી રહી પરંતુ આ પરિવર્તનો અને પડકારોમાંથી પસાર થઈને આપણું રાષ્ટ્ર અને સામ્રાજ્યનો વ્યાપક પરિવાર - જેની પ્રતિભા, પરંપરાઓ અને ઉપલબ્ધિઓ પર મને ઘણો ગર્વ છે - સમૃદ્ધ થયો અને આગળ વધ્યો છે. આપણાં મૂલ્યો જળવાઈ રહ્યાં અને જળવાઈને જ રહેવાં જોઈએ, સતત."
"રાજાશાહીની ભૂમિકા અને કર્તવ્ય પણ જળવાઈ રહે છે. જેમ કે મોનાર્ક (રાજગાદી ધરાવતાં રાજા કે રાણી)નો ચર્ચ ઑફ ઇંગ્લૅન્ડ સાથે વિશેષ સંબંધ અને જવાબદારી છે, એ ચર્ચ જેમાં મારો ઊંડો વિશ્વાસ છે."
"એ વિશ્વાસ સાથે અને જે મૂલ્યો માટે પ્રેરિત કરે છે, મારો ઉછેર અન્યો પ્રત્યે કર્તવ્યની ભાવના બનાવી રાખવા માટે અને આપણા અદ્વિતીય ઇતિહાસ અને સંસદીય સરકારની પ્રણાલીની અનમોલ પરંપરાઓ, સ્વતંત્રતા અને જવાબદારીઓ પ્રત્યે અત્યંત સન્માન રાખવા માટે કરવામાં આવ્યો છે."
"જે રીતે મહારાણીએ સ્વયં અડગ નિષ્ઠા સાથે કર્યું, હું પણ સત્યનિષ્ઠા સાથે, ભગવાન જે શેષ સમય આપે તેમાં આપણા રાષ્ટ્ર માટે અત્યંત મહત્ત્વપૂર્ણ બંધારણીય સિદ્ધાંતોને ટકાવી રાખવાની શપથ લઉં છું."
"આપ યુનાઇટેડ કિંગડમ અથવા તો વિશ્વભરનાં સામ્રાજ્યો કે ક્ષેત્રોમાં જ્યાં પણ રહેતા હો અને આપની જે પણ પૃષ્ઠભૂમિ કે વિશ્વાસ હોય, હું જીવનભર નિષ્ઠા, સન્માન અને પ્રેમથી આપની સેવા કરવાનો પ્રયત્ન કરીશ."
"નવી જવાબદારીઓ સાથે મારું જીવન નિશ્ચિતપણે બદલાઈ જશે. મારા માટે ચૅરિટી અને અન્ય બીજાં કાર્યો માટે વધુ સમય નહીં હોય, જેની હું ઊંડાણપૂર્વક ચિંતા કરું છું પરંતુ હું જાણું છું કે તે મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ ચોક્કસ ભરોસાલાયક હાથોમાં જશે."
"આ મારા પરિવાર માટે પરિવર્તનનો સમય છે. હું મારાં પ્રેમાળ પત્ની કૅમિલાની મદદ પર ભરોસો રાખું છું. 17 વર્ષ પહેલાં અમારાં લગ્ન બાદથી તેમની નિષ્ઠાપૂર્વક સાર્વજનિક સેવાને માન્યતા અપાતાં તેઓ મારાં ક્વીન કૉન્સૉર્ટ બન્યાં છે. હું જાણું છું કે તેઓ તેમની ભૂમિકાની માગો પ્રત્યે દૃઢ સમર્પણ રાખશે જેના પર હું ઘણો ભરોસો રાખું છું."
"મારા ઉત્તરાધિકારી તરીકે વિલિયમે હવે સ્કૉટિશ ટાઇટલ ગ્રહણ કર્યું છે જે મારા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તેઓ મારા બાદ ડ્યૂક ઑફ કૉર્નવૉલ બન્યા છે અને તેમણે ડચી ઑફ કૉર્નવૉલની આ જવાબદારી લીધી છે જે મારી પાસે પાંચ દાયકાથી પણ વધુ સમય માટે રહી છે."
"આજે હું તેમને પ્રિન્સ ઑફ વેલ્સ, ટિવિસૉગ સિમ્રુ બનાવતા ગર્વ અનુભવું છું. એ દેશ જેનો ખિતાબ મને પોતાના જીવન અને કર્તવ્ય દરમિયાન ગ્રહણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે."
"હું જાણું છું કે કૅથરિનની સાથે આપણાં નવાં પ્રિન્સ અને પ્રિન્સેસ ઑફ વેલ્સ દેશના રાષ્ટ્રીય વિચારોને પ્રેરિત કરવા અને તેનું નેતૃત્વ કરવાનું યથાવત્ રાખશે, હાંસિયામાં ધકેલાયેલા લોકોને મુખ્યધારામાં લાવવામાં મદદ કરશે અને જ્યાં મદદની વધારે જરૂર છે, ત્યાં મદદ કરશે."
"હું હેરી અને મેઘનને પણ પ્રેમ આપવા માગું છું જેઓ વિદેશમાં પોતાનું જીવન પસાર કરી રહ્યાં છે."
"એક અઠવાડિયાથી પણ ઓછા સમયમાં આપણે મારાં પ્રેમાળ માતાને અંતિમ વિદાય આપવા માટે એક રાષ્ટ્ર, રાષ્ટ્રમંડળ અને એક વૈશ્વિક સમુદાય તરીકે એકસાથે આવીશું. આ દુ:ખમાં આપણે સૌ તેમની મશાલોની રોશનીમાં શક્તિ પ્રાપ્ત કરીએ. મારા સમગ્ર પરિવાર તરફથી હું આપની સંવેદના અને સમર્થન માટે ઈમાનદારી અને દિલથી માત્ર ધન્યવાદ કહી શકું છું. આ મારા માટે હું જે વર્ણવી રહ્યો છું તેનાથી અનેકગણું વધારે મહત્ત્વપૂર્ણ છે."
"અને મારાં પ્રેમાળ માતા માટે, જેવી રીતે તમે દિવંગત પિતા પાસે જવા પોતાની અંતિમ યાત્રા શરૂ કરી છે, તો હું માત્ર એટલું જ કહેવા માગું છું : ધન્યવાદ. એ પરિવાર અને રાષ્ટ્રોના પરિવાર તરફથી, જેમની તમે વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા કરી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













