જ્યારે નીલ આર્મસ્ટ્રોંગ પહેલી વખત ચંદ્રની ખરબચડી જમીન પર ઊતર્યા

અવકાશ

ઇમેજ સ્રોત, NASA

    • લેેખક, રિચર્ડ હોલિંગમ
    • પદ, બીબીસી ફ્યૂચર

આ વર્ષે માણસના ચંદ્ર પર પગ મૂકવાનાં 50 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે. 20 જુલાઈ 1969માં અમેરિકાના અંતરિક્ષયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર પગ મૂકનાર પહેલા માણસ બન્યા હતા.

નીલ, નાસાના સૌથી કાબેલ અંતરિક્ષયાત્રીઓમાંના એક હતા. 20 જુલાઈએ જ્યારે તેમનું અંતરિક્ષયાન ચંદ્રની સપાટી પર આગળ વધી રહ્યું હતું, ત્યારે હજારો લોકોનાં હ્રદયના ધબકારા વધી ગયા હતા.

આ મિશનની સફળતા નીલનાં કૌશલ્ય અને પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતા પર આધારિત હતી. નીલના યાન સામે ચંદ્રની ખરબચડી સપાટી હતી. એલાર્મ વાગતાં હતાં અને યાનમાં ઇંધણ પણ ઓછું હતું. પરંતુ, નીલે બહુ સરળતાથી પોતાના યાનને ચંદ્ર પર ઉતારી દીધું હતું.

આ માનવતાની બહુ લાંબી છલાંગ હતી. પરંતુ, બાદમાં નીલે જેટલાં પણ ઇન્ટરવ્યૂ આપ્યાં અને જેટલા લોકો સાથે આ અંગે વાત કરી તેમાં તેમણે થોડી હળવી મુશ્કેલીઓની જ વાત કરી.

તે ઉપરાંત તેમણે હંમેશાં આ મિશન અપોલો-11ની સફળતાનું શ્રેય તેના સાથે જોડાયેલા હજારો લોકોને જ આપ્યું.

નાસાનું અનુમાન છે કે અપોલો મિશનથી લગભગ 4 લાખ લોકો જોડાયેલા હતા. તેમાં ચાંદ પર જનારા અંતરિક્ષયાત્રીઓથી લઈને મિશન કંટ્રોલર, રોકાણકારો, કૅટરર, એંજિનિયર, વૈજ્ઞાનિક, નર્સ, ડૉક્ટર, ગણિતજ્ઞ અને પ્રોગ્રામર સુધીના લોકો સામેલ હતા.

ચંદ્ર પર ઊતરનારું લ્યૂનર લૅન્ડર બે વ્યક્તિઓને લઈને ગયું હતું. નીલ આર્મસ્ટ્રોંગ પછી બઝ એલ્ડ્રિન ઊતર્યા હતા. ત્યારે નાસાના મુખ્યાલયમાં બોસ્ટન મૅસાચ્યૂસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નૉલૉજીના સલાહાકારોની એક ફોજ મિશન કંટ્રોલર્સને સલાહ આપવા માટે હાજર રહેતી હતી.

નાસાના મિશન કંટ્રોલરને સમગ્ર દુનિયામાં રહેલા ગ્રાઉન્ડ સ્ટેશન સાથે પણ સંપર્ક રાખવો પડતો હતો. તે ઉપરાંત લ્યૂનર લૅન્ડર બનાવનાર કંપની ગ્રમન કૉર્પોરેશન અને તેના બધા રોકાણકારો પણ અપોલો 11 મિશન સાથે જોડાયેલા હતા.

આ બધા સ્પેશિયાલિસ્ટ ઉપરાંત જે સપોર્ટ સ્ટાફ હતો તેમાં મૅનેજરથી લઈને કૉફી વેંચવાવાળા સુધીના લોકો સામેલ હતા. આ કામમા હજારો લોકો લાગેલા હતા. ત્યારે અપોલો 11 મિશન સાથે 4 લોકોનું જોડાયેલું હોવું સામાન્ય બાબત હતી. એટલે કે એ 4 લાખ લોકો મળીને માત્ર એક વ્યક્તિની ગતિવિધિઓનું સંચાલન કરી રહ્યા હતા, જેનું નામ હતું નીલ આર્મસ્ટ્રોંગ.

line

અંતરિક્ષયાત્રીઓની સરેરાશ ઉંમર શું હતી?

અવકાશ યાન

ઇમેજ સ્રોત, NASA

નીલ આર્મસ્ટ્રોંગને ખાસ ચંદ્ર પર ઊતરવા માટે પસંદ કરવામાં આવ્યા નહોતા. હકીકતમાં તેઓ આવા મિશન પર જનારી બીજી એક ટીમનો ભાગ હતા.

જો અપોલો 11 ચંદ્ર પર ઊતરવામાં નિષ્ફળ થયું હોત તો અપોલો 12ના કમાંડર પીટ કોનરાડ ચંદ્ર પર ઊતરનારા પ્રથમ મનુષ્ય બન્યા હોત. અપોલો મિશનના બધા જ અંતરિક્ષયાત્રીઓ ઉંમર, ધર્મ અને ક્ષમતાઓ બાબતે એક જેવા જ હતા.

અપોલો મ્યુઝિયમના સંરક્ષક ટીજેલ મ્યૂર-હાર્મોની કહે છે કે તેઓ કેવા લોકો હતા, આજે એ યાદ રાખવું જરૂરી છે. અપોલો મિશનના બધા અંતરિક્ષયાત્રી 1930માં જન્મ્યા હતા. તેમને બધાને મિલિટરીની તાલીમ મળી હતી. તેઓ બધા પાઇલટ હતા. બધા જ ગોરા ખ્રિસ્તીઓ હતા.

38 વર્ષના નીલ આર્મસ્ટ્રોંગ, ટૉમ સ્ટૅફોર્ડ અને જીની સર્નનની ઉંમર સરખી હતી. તેઓ મિશનના સૌથી યુવાન યાત્રીઓ હતા. 36 વર્ષની ઉંમરે ચંદ્ર પર પદાર્પણ કરનાર ચાર્લી ડ્યૂક સૌથી યુવાન અંતરિક્ષયાત્રી હતા.

જ્યારે 1971માં અપોલો મિશન 14માં સામેલ થઈને ચાંદ પર જનારા એલન શેપર્ડ સૌથી વધુ ઉંમરની વ્યક્તિ હતી. તે વખતે તેમની ઉંમર 47 વર્ષ હતી.

જૉન ગ્લેન પૃથ્વીની કક્ષાના ચક્કર લગાવનારા પ્રથમ અવકાશયાત્રી હતા. તેઓ 77 વર્ષની ઉંમરે સ્પેસ શટલ ડિસ્કવરીમાં 1998માં અંતરિક્ષમાં જનારી સૌથી મોટી ઉંમરની વ્યક્તિ હતી.

અપોલોના કુલ 11 મિશનમાં 33 ખગોળશાસ્ત્રીઓ અવકાશમાં ગયા હતા. તેમાંથી 27 ચંદ્ર સુધી પહોંચ્યા. 24એ ચંદ્રનો ચક્કર લગાવ્યો. પરંતુ માત્ર 12 આવકાશ યાત્રીઓને જ ચંદ્રની સપાટી પર કદમ મૂકવાની તક મળી.

આ 12 લોકો માનાવજાતના પ્રતિનિધિ તરીકે ચંદ્ર પર ગયા. તેમની સામે પોતાના અનુભવને સમગ્ર દુનિયા સમક્ષ મૂકવાનો પડકાર હતો.

અપોલો 11

ઇમેજ સ્રોત, NASA

કોઈને એ નહોતી ખબર કે જ્યારે નીલ આર્મસ્ટ્રોંગ જ્યારે ચંદ્ર પર પગ મૂકશે તો શું કહેશે? આ અંગે કોઈ સાથે કંઈ વાત થઈ નહોતી. પરંતુ, કદાચ સારા-સારા લેખકો પણ એ જ લખતા, જે નીલે કહ્યું, કે 'આ માણસનાં નાનાં ડગ છે અને માનવતાની મોટી છલાંગ છે.'

પરંતુ, જો તમે ચંદ્ર પર ઊતરનારી બીજી વ્યક્તિ હો તો તમે શું કહશો? એ જ, જે એલ્ડ્રિને કહ્યું હતું કે, 'શાનદાર વેરાન'.

ચંદ્ર પર પગ મૂકનારી ત્રીજી વ્યક્તિ પીટ કોનરાડે કહ્યું હતું... 'ગજબ! ભલે એ નીલ માટે નાનું કદમ હતું પણ મારા માટે બહુ મોટી છલાંગ છે.'

ત્યાર બાદ ચંદ્ર પર ઊતરનારાઓમાંના એક અપોલો 16 મિશનના ચાર્લી ડ્યૂકે કહ્યું હતું - હૉટ ડૉગ. આ તો બહુ શાનદાર છે.

જોકે ચાંદ પર પહોંચવામાં સફળ મિશન બાદ મોટા ભાગના અંતરિક્ષયાત્રીઓને મુશ્કેલીઓ વેઠવી પડી. ડ્યૂકના પરિવારને તેમની સાથે તાલમેલ જાળવવામાં મુશ્કેલી થઈ . તેમનું લગ્નજીવન ભંગાણના આરે હતું.

જીની સર્નનના તો છૂટાછેડા થઈ ગયા. જ્યારે એલ્ડ્રીન દારૂની લત અને ડિપ્રેશનનો શિકાર થઈ ગયા. એલન બીન તો કલાકાર બની ગયા અને એડ મિશેલ રહસ્યવાદી થઈ ગયા.

તેમાં કોઈ બે મત નથી કે ચંદ્ર પર કદમ મૂકનારા 12 મનુષ્યોને ચંદ્રએ હંમેશાં માટે બદલી નાંખ્યા.

line

અપોલો મિશનમાં જીવ ગુમાવનારા અંતરિક્ષયાત્રી

ચંદ્રયાન

ઇમેજ સ્રોત, NASA

28 ફેબ્રુઆરી, 1966 જેમિનિ 9ના પાઇલટ એલિયટ સી અને ચાર્લ્સ બૅસેટ પોતાનું ટ્રેનિંગ યાન લૅન્ડ કરવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યારે જ એક વળાંકનો અંદાજ લગાવવામાં તેમનાથી ભૂલ થઈ ગઈ. ત્યાર બાદ થયેલા અકસ્માતમાં બંનેનાં મૃત્યુ થયાં. જ્યાં તેમનું અંતરિક્ષયાન બની રહ્યું હતું તેની સાથે જ તેઓ ટકરાયા હતા.

આ ઘટનાને કારણે ટૉમ સ્ટૅફોર્ડ અને જીની સર્નનને મિશનના મહત્ત્વના અંતરિક્ષયાત્રીઓમાં સામેલ કરવામાં આવ્યા હતા. અંતે જીલી અપોલો 17 મિશનમાં અવકાશમાં જનારા અત્યાર સુધીના અંતિમ મનુષ્ય બન્યા.

1967માં નાસાની યોજના પહેલાં અપોલો મિશનને મોકલવાની હતી. પરંતુ તેનું અંતરિક્ષયાન તમામ મુશ્કેલીઓનો શિકાર થઈ ગયું. તેના કમાંડર ગ્રિશમને એ મુશ્કેલીઓનો ખ્યાલ હતો. તો તેમણે અપોલો અંતરિક્ષયાનના નકલના એક મૉડ્યૂલની બહાર લીંબું લટકાવ્યું હતું.

27 જાન્યુઆરી 1967એ ગ્રિશમ, એડ વ્હાઇટ અને રોજર શેફી પોતાના અંતરિક્ષયાનમાં સૂતા હતા. તેનું મોં બંધ કરીને તેમાં ઑક્સિજન પણ ભરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન અંતરિક્ષયાત્રીઓને મિશન કંટ્રોલ સાથે વાત કરવામાં મુશ્કેલી થઈ રહી હતી. થોડી જ વારમાં તેમાં આગ લાગી ગઈ અને ત્રણેયનાં મૃત્યુ થયાં.

આ ઘટના બાદ નાસાએ અપોલો મિશન પર નવેસરથી કામ શરૂ કર્યું. એટલે કે એ ત્રણ યાત્રીઓના મોત એડે ન ગયા.

એ જ વર્ષે વધુ એક અંતરિક્ષયાત્રી કિલ્ફ્ટન વિલિયમ્સનું પણ એક અકસ્માતમાં મોત થયું. જ્યારે તેમના સાથી એડવર્ડ ગિવેન્સનું એક માર્ગ અકસ્માતમાં અવસાન થયું.

આ આઠ અંતરિક્ષયાત્રીઓ અને છ સોવિયત અંતરિક્ષયાત્રીઓની યાદમાં અપોલો 15એ ચંદ્ર પર એક સ્મારક પટ્ટી પણ સ્થાપિત કરી છે.

જોકે આ યાદીમાં એક અંતરિક્ષયાત્રી રૉબર્ટ લૉરેન્સનું નામ નહોતું. તેઓ એક ખુફિયા સ્પેસ મિશન પર ગયા હતા. 1967માં અન્ય એક પાઇલટને નિર્દેશ આપતી વખતે તેમનું મૃત્યુ થયું.

line

અપોલો 11 મિશનમાં સામેલ મહિલાઓ

નાસા

ઇમેજ સ્રોત, NASA

અપોલો મિશનની કહાણીઓમાં આપને મહિલાઓનો ઉલ્લેખ ન બરાબર મળશે. કારણ કે મિશનના બધા જ અંતરિક્ષયાત્રીઓ પુરુષો હતા. મિશન કંટ્રોલર પુરુષો હતા. ટીવી એંકર પણ પુરુષો હતા. આ મિશન દરમિયાન ટીવી પર દેખાતી મહિલાઓમાં માત્ર અંતરિક્ષીત્રીઓનાં પત્નીઓ જ સામેલ હતાં.

જોકે, આ મિશન સાથે હજારો મહિલાઓ જોડાયેલી હતી. મિશનની સફળતામાં તેમનું પણ યોગદાન હતું. તેમાં નર્સો હતાં અને ગણિતજ્ઞ મહિલાઓ હતી.

મિશન પ્રોગ્રામરથી લઈને અંતરિક્ષયાત્રીઓના સ્પેસસૂટ મહિલાઓએ સીવ્યાં હતાં. ઘણી મહિલાઓ મિશન કંટ્રોલર માટે તાર બિછાવનારી ટીમનો પણ ભાગ હતી.

જો કે, કેપ કૅનાવરલમાં આવેલા મિશન કંટ્રોલમાં માત્ર એક મહિલા એંજિનિયર હતાં, જેમનું કામ સંચારની 21 ચૅનલનું ધ્યાન રાખવાનું હતું. તેમનું નામ હતું જોઆન મોર્ગન.

મોર્ગન કહે છે કે કોઈ પણ મિશનની શરૂઆત નિયંત્રિત વિસ્ફોટ હોય છે. તમે ખૂબ તણાવમાં રહીને એ વિસ્ફોટ થતો જુઓ છો. જોઆન કહે છે કે તેમને ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. સાથી પુરુષો કમેન્ટ કરતા હતા. કૉફી પીવાના સમયે કે લીફ્ટમાં તો ઘણા લોકોએ તેમને ધક્કા પણ માર્યા હતા. લોકો વાહિયાત ફોન કૉલ પણ કરતા હતા.

જોકે અંતરિક્ષ કાર્યક્રમ એ વખતે મહિલાઓની ભાગીદારી માટે તૈયાર નહોતો. ઇમારતોમાં મહિલાઓ માટે અલગ રૂમ અને ટૉઇલેટ પણ બન્યા નહોતા.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો