ઇન્ડોનેશિયા : પાળેલા 700 કિલો વજન ધરાવતા મગરે જ મહિલાને મારી નાખી

ઇન્ડોનેશિયામાં એક પાળેલા મગરે મહિલાને ઈજા પહોંચાડી અને મારી નાખી હતી.
આ ઘટના ઇન્ડોનેશિયાના સુલાવેશી ટાપુની છે, તે પર્લ ફાર્મ (મોતીનો ઉછેર થતો હોય તેવું સ્થળ)માં બની છે.
ડેઈઝી તુવો નામની આ મહિલા જ્યારે મગરને ખવડાવવા ગઈ, ત્યારે મગરે તેને મારી નાખી હતી.
આ મગરને મહિલા જ્યાં કામ કરતાં હતાં, તે વાડામાં ગેરકાયદે રાખવામાં આવ્યો હતો.
એવું માનવામાં આવે છે કે મેરી નામના આ 700 કિલો વજનના મગરમચ્છ ડેઈઝીનો હાથ ખાઈ ગયો હતો અને ત્યારબાદ તેને પેટમાં ગંભીર ઈજાઓ કરી હતી.
હાલ આ મગરને અહીંથી લઈ જઈને એક કન્ઝર્વેશન સાઇટ પર લઈ જવામાં આવ્યો છે.
મિસ તુવો કે જેઓ પર્લ ફાર્મમાં આવેલી લૅબોરેટરીનાં પ્રમુખ હતાં, તેઓ જ્યારે 10 જાન્યુઆરીના રોજ આ મગરને ખવડાવવાં ગયાં ત્યારે માર્યાં ગયાં હતાં.
મગરને અહીં એક પાણીના મોટા હવાડામાં રાખવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, SHUTTERSTOCK
કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવ્યું છે કે મગર તેમને પાણીમાં તાણી ગયો હતો.
જોકે, કન્ઝર્વેશનલ એજન્સીના અધિકારીઓ માને છે કે તેઓ જ પાણીમાં પડી ગયાં હશે.
તુવોના સાથીઓને તેમનો મૃતદેહ તે પછીના દિવસના સવારે મળ્યો હતો.
કન્ઝર્વેશનલ એજન્સીના એક અધિકારીએ બીબીસી ઇન્ડોનેશિયાને જણાવ્યું કે તેમના અધિકારીઓએ આ ખેતરની અવારનવાર મુલાકાત લીધી હતી પરંતુ મગરને ત્યાંથી હટાવવા દેવામાં આવ્યો ન હતો.
ન્યૂઝ એજન્સી એએફપીના અહેવાલ પ્રમાણે એવું માનવામાં આવી રહ્યું છે કે 4.4 મીટર લાંબા મગરના પેટમાં હજી આ મહિલાના બૉડી પાર્ટ્સ હશે.

ઇમેજ સ્રોત, AFP
પોલીસ હવે એ જાપાનીઝ વ્યક્તિની શોધ કરી રહી છે જેની માલિકીનું આ ખેતર અને મગર બંને હતાં.
એએફપીના રિપોર્ટ પ્રમાણે ઇન્ડોનેશિયાના આ દ્વીપ સમૂહ પર મગરની અનેક પ્રજાતિ વસે છે, જે અવારનવાર માણસો પર હુમલાઓ કરે છે.
સમગ્ર વિશ્વમાં મગરો અંદાજે દર વર્ષે 1,000 જેટલાં માણસોને મારી નાખે છે.
મગરો હંમેશાં માણસો પર હુમલો કરતાં નથી પરંતુ તેઓ તક મળતા હુમલો કરી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












