ન્યૂઝીલેન્ડનાં PMએ દીકરીને જન્મ આપ્યો

ઇમેજ સ્રોત, @JACINAARDERN
ન્યૂઝીલેન્ડના વડાં પ્રધાન જેસિંડા આર્ડર્ને પુત્રીને જન્મ આપ્યો છે. આ તેમનું પ્રથમ સંતાન છે અને તેનું વજન 3.31 કિલોગ્રામ છે.
વિશ્વના ઇતિહાસમાં આર્ડર્ન વડાં પ્રધાનના પદે રહીને પોતાના કાર્યકાળ દરમિયાન માતૃત્વ ધારણ કરનારાં બીજા ચૂંટાયેલાં નેતા બન્યાં છે.
તેમને ગુરુવાર સવારે ઑકલેન્ડની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. બાળકનાં જન્મ માટેની સંભવિત તારીખનાં ચાર દિવસ બાદ તેમને પ્રસૂતિ થઈ છે.
માતૃત્વ ધારણ કર્યા બાદ હવે 37 વર્ષીય જેસિંડા આર્ડર્ને કહ્યું છે કે તે છ સપ્તાહની 'મેટરનિટી લીવ' લેશે.
તેમની આ રજા દરમિયાન નાયબ વડાપ્રધાન વિન્સ્ટન પીટર્સ વડાપ્રધાન તરીકે જવાબદારી નિભાવશે.
શું તમે આ વાંચ્યું?
આર્ડર્ન ઓક્ટોબર 2017માં ચૂંટાયાં હતાં. તેમણે જાન્યુઆરી 2018માં જાહેરાત કરી હતી કે તે ગર્ભવતી છે, અને તેમના સાથી ક્લર્ક ગેફોર્ડ સાથે તે તેમના પ્રથમ સંતાનની રાહ જોઈ રહ્યાં છે.
આ વર્ષે થોડા સમય અગાઉ રેડિયો ન્યૂઝીલેન્ડને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં આર્ડર્ન જણાવ્યું હતું, "હું ઘણાં બધા કામ એક સાથે કરનારી (મલ્ટિટાસ્ક) પ્રથમ મહિલા નથી.”
“હું કાર્યોની ફરજ બજાવવાની સાથે સાથે સંતાનને જન્મ આપનારી પણ પ્રથમ મહિલા નથી. એવી ઘણી મહિલાઓ છે, જેમણે મારી પહેલાં આમ કર્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે વર્ષ 1856 બાદ ન્યૂઝીલેન્ડનાં સૌથી નાની ઉંમરનાં વડાંપ્રધાન છે.
વર્ષ 1990માં બેનઝીર ભુટ્ટોએ પણ તેમના પાકિસ્તાનનાં વડાં પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન જ એક પુત્રીને જન્મ આપ્યો હતો.
એ વિશ્વનાં પ્રથમ ચૂંટાયેલાં નેતાં હતાં જેમણે તેમના કાર્યકાળ દરમિયાન માતૃત્વ ધારણ કર્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












