પ્રેસ રિવ્યૂ : પેરેડાઇઝ પેપર્સમાં ભારતીય કંપનીઓના નામ ખુલ્યા

ઈન્ડિયન એક્સપ્રેસમાં વિદેશોમાં નાણાં રોકવા મામલે ગુપ્ત ફાયનાન્સિલ ડૅટાના લીક સંબંધિત અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ કરતો અહેવાલ પ્રકાશિત થયો છે.
ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત પેરેડાઈઝ પેપર્સ નામના અહેવાલ મુજબ ટેક્ષ હેવન દેશોમાં આવા નાણા રોકાણ કરનારા કેટલાક ભારતીય ઉદ્યોગપતિઓના નામની યાદીમાં બહાર આવી છે.
પેરેડાઇસ પેપર્સ વિદેશ સ્થિત બેંકિગ અસ્કયામતો મામલે ઇન્ટરનેશનલ કન્સોર્ટિઅમ ઑફ ઇન્વેસ્ટીગેટીવ જર્નાલિસ્ટ્સ (ICIJ) સાથે ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા કરવામાં આવેલી ચોથી સહિયારી તપાસ છે.
તમને આ વાંચવું પણ ગમશે :
પનામા પેપર્સના ઘટસ્ફોટના 18 મહિના બાદ તેના જેવો જ 13.4 (1.34 કરોડ) મિલિયન દસ્તાવેજોનો જથ્થો પેરેડાઇઝ પેપર્સ તરીકે સપાટી પર આવ્યો છે.
જર્મની (મ્યુનિચ) સ્થિત અખબાર સદુચિત ઝાઈટુન અને ICIJની સાથે અન્ય 96 સમાચાર સંસ્થાઓ દ્વારા આ મામલે સઘન તપાસ કરવામાં આવી હતી. જેને પેરેડાઇઝ પેપર્સ તરીકે ઓળખવામાં આવ્યા છે.

તપાસ રિપોર્ટની શૃંખલા પ્રકાશિત થશે

ઇમેજ સ્રોત, Getty Images
આ પેરેડાઇઝ પેપર્સની તપાસમાં વિશ્વના ધનિક અને શક્તિશાળી લોકોને કરચોરી મામલે તેમના નાણાં વિદેશમાં ઠાલવવા મદદ કરતી બર્મુડાની કંપની એપલ બી અને સિંગાપોરની એશિયાસિટી કંપની ઉપરાંત 19 ટેક્ષ હેવન દેશની ઓળખ થઈ છે.
ઇન્ડિયન એક્સપ્રેસે આ દસ્તાવેજોની દસ મહિનાથી વધુ સમય સુધી ચકાસણી કરીને તેમાં કેટલા ભારતીયોના નામ છે તેની ઓળખ કરી છે.
એક્સપ્રેસેના અહેવાલ અનુસાર આ વિગતોને 40 તપાસ રિપોર્ટની શ્રુંખલા તરીકે પ્રકાશિત કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તપાસ કરવામાં આવેલા સંખ્યાબંધ રેકૉર્ડ બર્મુડાની કાયદાકીય સેવાઓ આપતી કંપનીના છે. તે ટેક્ષ મામલે ક્લાયન્ટ (ગ્રાહક)ને સલાહ આપનાર કંપની નથી પણ 119 વર્ષ જૂની આ કંપની વકીલો, અકાઉન્ટન્ટ્સ, બૅન્કર્સ અને અન્યોના નેટવર્કના અગ્રણી સભ્યો દ્વારા સ્થાપવામાં આવેલી છે.

કંપની તેના ગ્રાહકો માટે વિદેશમાં કંપનીઓ સ્થાપે છે અને તેમના અકાઉન્ટસ સંભાળે છે. જેનો હેતૂ ટેક્ષ ચોરી, રિયલ એસ્ટેટની અસ્કાયમતો સંભાળવા, એસ્ક્રો એકાઉન્ટસ ખોલવા, ઓછો ટેક્ષ ચૂકવવા એરલાઇન્સ અને યૉટ ખરીદી કરવા અથવા વિદેશમાંના સાધનોથી વિશ્વમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવા માટેનો હોય છે.
કંપનીના વિસ્તરણ કે પુનર્ગઠન માટે વિદેશમાં કંપની સ્થાપવી ગેરકાનૂની બાબત નથી.
પરંતુ એપલબી પ્રકારની કંપની અન્ય મલ્ટિ-નેશનલ કંપનીઓને તેમના દેશમાં ટેક્ષ ઓછો ચૂકવવો પડે તે માટે કાયદામાં રહેલા છિંડાનો લાભ ઉઠાવે છે તે વાત મહત્વનો મુદ્દો છે.
લીક થયેલા ડૅટામાં 180 દેશના નામ છે જેમાં તેમાં રહેલા લોકોના નામની સંખ્યાની દૃષ્ટિએ ભારતનો 19મો ક્રમ છે.
તેમાં કુલ 714 ભારતીયોના નામ છે. વળી એપલબીની સૌથી મોટી ગ્રાહક કંપની તરીકે નંદલાલ ખેમકાએ સ્થાપેલા સન ગ્રૂપનું નામ છે. વિદેશમાં તેની 118 કંપનીઓ હોવાનો ઉલ્લેખ છે.
યાદીમાં કેટલાક ઉદ્યોગપતિઓ અને કંપનીના પણ નામ છે જે ભૂતકાળમાં સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટીગેશન અને એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટની તપાસ હેઠળ આવી હતી.

પેરેડાઈઝ પેપર્સમાં કેન્દ્રસ્થાને રહેલી ભારતીય હસ્તીઓ, ઘટનાઓ અને કંપનીઓ

ઇમેજ સ્રોત, Getty Images
- સન ટીવી - એરસેલ મેક્સિસ કેસ
- એસ્સાર - લૂપ 2G કેસ
- એસએનસી - લવલીન કેસ
- રાજસ્થાન એમ્બ્યુલન્સ કાંડમાં સામેલ ઝીક્વિસટા હેલ્થકેર (જેમાં સચિન પાયલોટ અને કીર્તિ ચિદમ્બરમ માનદ ડિરેક્ટર પદે હતા)
- વાયએસઆર કૉંગ્રેસના સર્વેસર્વા વાય.એસ. જગન મોહન રેડ્ડી
- 2G સ્પેક્ટ્રમ કેસમાં વિવાદાસ્પદ થયેલી ભારતીય કંપનીઓ
- અમિતાભ બચ્ચન દ્વારા બરમુડા સ્થિત કંપનીમાં 2004ની સાલમાં કરાયેલું રોકાણ
- નીરા રાડિયા

ઇમેજ સ્રોત, Getty Images
- સંજય દત્તની પત્ની માન્યતા દત્ત (તેનું જૂનું નામ દિલનશીન છે જે આ દસ્તાવેજોમાં ફલિત થાય છે)
- નરેન્દ્ર મોદીની સરકારના ઉડ્ડયન મંત્રી અને પૂર્વ નાણા મંત્રી યશવન્ત સિન્હાના પુત્ર જયંત સિન્હા
- ભાજપના રાજ્યસભાના સભ્ય અને સિક્યુરિટી ઇન્ટેલિજેન્સ સર્વિસ કંપનીના સંસ્થાપક આર.કે. સિન્હા
- વિજય માલ્યા
- જીએમઆર જૂથ (ભારતમાં એરપૉર્ટના વ્યવસાયી સંચાલન સાથે સંકળાયેલું ગ્રૂપ)
- જિંદાલ સ્ટીલ
- એપોલો ટાયર્સ
- હવેલ્લ્સ
- હિંદુજાસ
- એમાર એમજીએફ
- વીડિયોકોન
- હીરાનંદાણી જૂથ
- ડી.એસ. કન્સ્ટ્રક્શન

પેરેડાઈઝ પેપર્સમાં કેન્દ્રસ્થાને રહેલી વૈશ્વિક હસ્તીઓ, ઘટનાઓ અને કંપનીઓ

ઇમેજ સ્રોત, Getty Images
- બ્રિટનની મહારાણી એલિઝાબેથ-II,
- બ્રિટનના ઉદ્યોગપતિ અને રાજકારણી લોર્ડ માઈકલ એશ્ક્રોફટ
- ડોનાલ્ડ ટ્રમ્પ શાશનમાં કાર્યરત અમેરિકન કૉમર્સ સચિવ વિલબર રોસ
- કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો માટે ચૂંટણી ભંડોળ એકત્ર કરનાર સ્ટીફન આર. બ્રોન્ફ્મેન
- પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન શૌકત અઝીઝ
- અન્ય 120 રાજકારણીઓ
- ટ્વિટર અને ફેસબૂકમાં નાણાકીય રોકાણ કરનારી રશિયન કંપની
- યુનાઇટેડ આરબ અમીરાત દ્વારા જાસૂસી માટે ખરીદાયેલા વિમાનો
- ઇરાકી સરમુખત્યાર સદ્દામ હુસૈન માટે 'સુપર-ગન' બનાવવાનો પ્રયાસ કરનારી બાર્બાડોસ સ્થિત વિસ્ફોટકો ઉત્પાદન કરતી કંપની
શું છે પેરેડાઇઝ પપેર્સ?

પેરેડાઇઝ પેપર્સ સમગ્ર વિશ્વમાં 70 વર્ષથી (1950ની સાલથી લઇને 2016ની સાલ સુધી) ચાલી રહેલી કરચોરી અને કાળાનાણાંની હેરાફેરીના ગોરખધંધાની પોલ ખોલે છે.
બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપના આકલન મુજબ પેરેડાઇઝ પેપર્સમાં બહાર આવેલી વિગતોને આધારે એવું તારણ અને નિષ્કર્ષ નીકળે છે કે ટેક્સ હેવન્સમાં ૧૦ લાખ કરોડ (યુએસ) ડોલર ($)નું કાળું નાણું છુપાવવામાં આવ્યું છે.
ભારતીય ચલણના મૂલ્ય પ્રમાણે પેરેડાઇઝ પેપર્સમાં બહાર આવેલા કાળાનાણાંનો આંક અંદાજે ૬૪ લાખ ૭૦ હજાર કરોડ રૂપિયાની આસપાસ છે.
ઉપરોક્ત ગણતરીમાં ગત સપ્તાહે શુક્રવારની સાંજે બંધ એવા 3 નવેમ્બર 2017ના વિનિમય દર (એક્સચેન્જ રેટ)ના આધારે એક યુએસ ડોલર ($) બરાબર 64.70 રૂપિયાનું આકલન લેવામાં આવ્યું છે.
પેરેડાઇઝ પેપર્સમાં બહાર આવેલ ૧૦ લાખ કરોડના કાળા નાણાંનો આંક જાપાન, બ્રિટન અને ફ્રાન્સના સંયુક્ત આર્થિક ઉત્પાદનની સમકક્ષનો આંક છે.
દસ્તાવેજો મુજબ આ કાળું નાણું મોટાભાગે કેમેન આઇલેન્ડ, બર્મુડા, બ્રિટિશ વર્જિન આઇલેન્ડસ, આઇલ ઓફ મેન, ગૂરંસી અથવા જર્સી, શાંઘાઈ, હોંગ કોંગ, સેશલ્સ, મોરેશિયશ જેવા ટેક્સ હેવેન્સમાં રોકવામાં આવે છે.

પેરેડાઇઝ પેપર્સ પનામા પેપર્સ અને સ્વિસ લીક્સથી કઈ રીતે અલગ છે?
પનામામાં મોલેક ફોન્સેકા કંપનીનું નામ આવ્યું હતું. અને તેની જેમ જ એપલબી કપંની તેના ગ્રાહકો માટે વિદેશમાં કંપંનીઓ સ્થાપે છે અને તેમના વિદેશના ખાતા સંભાળે છે. એટલું જ નહીં પણ ઑફિસ માટે અધિકારીઓ પણ નામાંકિત કરી આપે છે તથા બેન્ક લોન અથવા શૅર ટ્રાસન્ફર જેવી સેવાઓ પૂરી પાડે છે.
જો કે પનામા કરતા પેરેડાઈઝ પેપર્સ એટલા માટે અલગ છે કેમ કે તેમાં મોટા કોર્પોરેટ્સ કઈ રીતે વિદેશમાં આ રીતે નાણા ઠાલવી ટેક્સ મામલે ગેરરીતિ આચરે છે તેનો ભાંડો ફોડવામાં આવે છે.

શું વિદેશમાં કંપની સ્થાપવી ગેરકાનૂની છે?
જરૂરી નથી કે તે ગેરકાનૂની જ હોય. પણ ભારતે કેટલાક દેશો સાથે ડબલ ટેક્ષેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ કર્યા છે. એના આ દેશોમાં ટેક્ષનો દર ભારત કરતા નીચો છે.
તથા આ દેશામો ઓવરસીઝ કોર્પોરેટ બોડીઝ (OCBs) હોય તેમને ટેક્ષ રેસીડન્સી સર્ટિફિકેટ્સ (TRC) વાપરીને ટેક્ષમાં કાનૂની રીતે લાભ મળી શકે છે.

ઈન્ડિયન એક્સપ્રેસે કઈ રીતેકરી આ તપાસ?
પેરેડાઈઝ પેપર્સમાં ભારત સંબંધિત રેકોર્ડઝની પાંચ પત્રકારોની ટીમે તપાસ કરી. તેમાં ભારત સંબંધિત 66000 ફાઇલો છે. આ તમામ દસ્તાવેજોમાંથી અહેવાલ તૈયાર કરી શકાય તેવી ચકાસણી કરવામાં આવી.
વળી વિગતોનો તાળો મેળવવામાં આવ્યો અને તેની વ્યક્તિગતરૂપે ખરાઈ પણ કરાઈ. ઈન્ડિયન એક્સપ્રેસની ટીમ અને તેના સ્થાનિક બ્યુરોઝના પત્રકારો દર્શાવેલા સરનામા તથા ઓળખની ખરાઈ માટે ડૉર-ટુ-ડૉર મુલાકાતે ગયા હતા. અહેવાલ પ્રકાશિત કર્યાના ચાર દિવસ અગાઉ તમામની પ્રતિક્રિયા લેવા તેમનો સંપર્ક કરાયો હતો.

ગુજરાતમાં ભાજપના પ્રદેશ પ્રમુખના રાજીનામાની માગ
દિવ્ય ભાસ્કરના અહેવાલ અનુસાર ગુજરાતમાં 25 કરોડની જમીનના વિવાદ મામલે રાજપૂત સમાજે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના રાજીનામાના માગણી કરી છે.
જીતુ વાઘાણી સામે ભાવનગરના બુધેલ ગામની 20થી 25 કરોડના મૂલ્યની ગૌચરની જમીન પડાવી લેવા માટે ગામના સરપંચ દાનસિંહ મોરી પર દબાણ કરવાનો આક્ષેપ છે.
રવિવાર, 5મી નવેમ્બરે યોજાયેલા રાજપૂત સમાજના મહાસંમેલનમાં તેમણે માગણી કરી કે જ્યાં સુધી તે રાજીનામું નહીં આપે ત્યાં સુધી ભાજપ અને વાઘાણી સામેની તેમની લડત ચાલુ રહેશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












