ઍલન મસ્કે છેલ્લી ઘડીએ આપેલા ઇન્ટરવ્યૂમાં કેમ કહ્યું, "હું બીબીસીનું ઘણું સન્માન કરું છું"

ઍલન મસ્ક

ઇમેજ સ્રોત, Getty Images

મોટાભાગે સમાચારોમાં છવાયેલા રહેતા ટ્વિટરના માલિક ઍલન મસ્કે બીબીસીના નૉર્થ અમેરિકા એડિટર જેમ્સ ક્લેટનને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેઓ બીબીસીનું ઘણું સન્માન કરે છે.

મસ્ક છેલ્લી ઘડીએ આ ઇન્ટરવ્યૂ માટે તૈયાર થયા હતા. મસ્કને જ્યારે પૂછવામાં આવ્યું કે ઇન્ટરવ્યૂ માટે તેઓ કેમ તૈયાર થયા તો, તેમણે કહ્યું, "હાલ ઘણું બધુ ચાલી રહ્યું છે. ખરેખર હું બીબીસીનું ઘણું સન્માન કરું છું. આ ઇન્ટરવ્યૂ કેટલાક સવાલ પૂછવા માટે, કેટલાક ફીડબૅક માટે અને શું અલગ કરી શકાય એ જાણવા માટેની સારી તક છે."

હાલમાં જ બીબીસીના ટ્વિટર ઍકાઉન્ટને સરકાર પોષિત સંસ્થા દર્શાવવામાં આવતા વિવાદ થયો એના પર પણ મસ્કે પ્રતિક્રિયા આપી.

મસ્કે સ્મિત સાથે કહ્યું, "બીબીસીને સરકારી ભંડોળથી ચાલતી મીડિયા સંસ્થાનું ટૅગ પસંદ નથી આવ્યું."

આ વિશે અમારા સંવાદદાતાએ કહ્યું કે, બીબીસીએ આ ટૅગને સંપૂર્ણ ખારિજ કર્યું છે.

ત્યાર બાદ મસ્કે કહ્યું કે, ટ્વિટરનો ઉદ્દેશ્ય પારદર્શી અને ઇમાનદાર રહેવાનો છે, પરંતુ તેમણે આ વાત પર પણ સંમતિ દર્શાવી કે, ટૅગ અપડેટ કરી શકાય છે. તેમણે કહ્યું કે અમે ટૅગ આપવામાં સતત ચોકક્સાઈ રાખવાની કોશિશ કરી રહ્યા છીએ અને કરતા રહીશું.

ટ્વિટરના અનુભવ વિશે જણાવ્યું

ટ્વિટર પર તેમનો સમય કેવો જઈ રહ્યો છે એના સવાલ પર મસ્કે કહ્યું, "એ કંટાળાજનક નથી. એ ઘણા ઉતાર-ચઢાવથી ભરેલું છે. હવે બધું ઠીક જઈ રહ્યું છે."

તેમણે એ પણ માન્યું કે કેટલીક તકનિકી સમસ્યાઓ આવી અને કેટલીય વાર ટ્વિટર ઠપ થયું. પરંતુ એ આટલા લાંબા સમય માટે નહોતું અને હવે બધું ઠીક ચાલી રહ્યું છે.

મસ્કે ટ્વિટર પર ઘણા રાજકીય વિચારો શૅર કરતા આવ્યા છે. કેટલાય લોકો તેમને ટ્રમ્પના સમર્થક માને છે.

જોકે, બીબીસીને મસ્કે જણાવ્યું કે ગત અમેરિકી ચૂંટણીમાં તેમણે જો બાઇડનને મત આપ્યો હતો.

મસ્કે કહ્યું,"અડધા દેશે ડોનાલ્ડ ટ્રમ્પને મત આપ્યો હતો. પરંતુ હું તેમાં સામેલ નહોતો."

line

પાટીલે કહ્યું, નહેરું, ઇન્દિરા ગાંધીને લોકો 'ગૂડ લૂકીંગ'ના કારણે યાદ રાખે છે, નહીં કે તેમના કામના લીધે

સી.આર.પાટીલ

ઇમેજ સ્રોત, TWITTER/@CRPAATIL

ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે મંગળવારે જણાવ્યું હતું કે, કૉંગ્રેસના જવાહરલાલ નહેરુ અને ઈન્દિરા ગાંધી સાથે જોડાયેલા ભૂતપૂર્વ વડા પ્રધાનો લોકપ્રિય હતા, કારણ કે તેઓ "ગૂડ લૂકિંગ" (સારો દેખાવ ધરાવતા) હતા અને દેશને તેમના કાર્યકાળ દરમિયાનના કોઈ પણ કામ યાદ નથી.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, વડોદરાના સયાજીનગર ગૃહમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોની એક સભાને સંબોધતા પાટીલે જણાવ્યું હતું કે, "પંડિત જવાહરલાલ નહેરુ દેશના પ્રથમ વડા પ્રધાન હતા અને લાંબા સમય સુધી પીએમ પણ રહ્યા હતા…"

"તેમની લોકપ્રિયતાના કારણોમાં તેઓ પ્રથમ વડા પ્રધાન હતા, તે દેખાવડા અને ખૂબ જ શ્રીમંત હતા."

"એવું કહેવાય છે કે તેમના બંગલામાં 17 દરવાજા હતા અને તે ગમે તે દરવાજાથી બહાર નીકળે તો પણ દરવાજા પાસે એક ગાડી અને ચાલક તેમની રાહ જોઈ રહ્યા હતા. તેમના કપડાં લંડન અને દોહાથી આવ્યા હતા..."

"પાટીલે દાવો કર્યો હતો કે, આ દેશમાં એક પણ વ્યક્તિને એવું કોઈ કામ યાદ નહીં હોય જે નહેરુએ વડા પ્રધાન તરીકેના 18 વર્ષમાં કર્યું હતું. "

પાટીલે પૂર્વ દિવંગત વડા પ્રધાન ઇન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયીની સરખામણી કરતા કહ્યું કે, "નહેરુ પછી ઈન્દિરા ગાંધી આવ્યા. તેઓ પ્રથમ મહિલા વડા પ્રધાન હતા. તેઓ દેખાવે સુંદર હતા."

"તેઓને બાંગ્લાદેશ બનાવનારું યુદ્ધ જીતવા માટે શ્રેય આપવામાં આવે છે, પરંતુ વડા પ્રધાન તરીકેના 16 વર્ષમાં તેમણે શું કર્યું? તેઓએ માત્ર 'ગરીબી હટાઓ'નું સૂત્ર આપ્યું હતું. શું ખરેખર ગરીબી જતી રહી? મને એવું કોઈ પણ વિકાસ કાર્ય યાદ નથી કે જે તેમણે કર્યું હતું, જેના કારણે દેશ આગળ વધ્યો..."

પાટીલે કહ્યું હતું કે, "વાજપેયી ખૂબ જ સારા વક્તા હતા અને નમ્ર વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ એવા વડાપ્રધાન હતા, જેમણે ભારતને પરમાણુ શક્તિ બનાવવાનો પ્રથમ સફળ પ્રયાસ કર્યો હતો અને કારગિલ યુદ્ધ પણ જીત્યું હતું. પરંતુ આ દેશના લોકો તેમને પરમાણુ શક્તિ માટે નહીં, પરંતુ તેમની નમ્રતા, શિષ્ટતા અને જ્ઞાન માટે યાદ કરે છે."

આ વડા પ્રધાન મોદી છે, જેમના "પ્રભાવી" નેતૃત્વથી ભારતને "વિશ્વની ઓળખ" મળી છે. પાટીલે કહ્યું કે, "માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વએ સ્વીકાર્યું છે કે તેઓ 'વિકાસ પુરુષ' છે... તેઓ અપેક્ષાઓ પર ખરા ઊતર્યા છે.

પાટીલે વડોદરામાં નેતાઓ માટે સોશિયલ મીડિયાના ઉપયોગ વિશેનું પ્રવચન પણ આપ્યું હતું.

વડોદરાની બે દિવસીય મુલાકાતે આવેલા પાટીલ બુધવારે પાર્ટીના શહેર એકમના નવા કાર્યાલયનો શિલાન્યાસ કરશે.

line

મોરબી પુલ દુર્ઘટના: ગુજરાત સરકારે મોરબી સીવિક બોડીને સુપરસીડ કરી

મોરબી પુલ દુર્ઘટના

ઇમેજ સ્રોત, Getty Images

મોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોનાં મૃત્યુ થયા હતા, તેના પાંચ મહિના બાદ મંગળવારે ગુજરાત સરકારે 52 સભ્યની નગરપાલિકાને સુપરસીડ કરી દીધી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, મોરબી નગરપાલિકાને સુપરસીડ કરતા વહીવટી અધિક નિવાસી કલેક્ટર નરેન્દ્ર મુછાળ તેમનું પદ સંભાળશે. શહેરી વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ વિકાસની પુષ્ટિ કરી હતી.

રાજ્ય સરકારે 18 જાન્યુઆરીએ નાગરિક સંસ્થાને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. આ નોટિસ ત્રણ સભ્યોની વિશેષ તપાસ ટીમના અહેવાલમાંથી ટાંકવામાં આવી હતી. જેમાં પૂછવામાં આવ્યું હતું કે, તેઓ તેમની મૂળભૂત ફરજો નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે,તો તેને શા માટે રદ ન કરવી જોઈએ?

જે કંપનીને બ્રિજની જવાબદારી સોંપાઈ હતી, એવા ઓરેવા ગ્રૂપની પેટા કોન્ટ્રાક્ટવાળી કંપની દ્વારા કામગીરી અને જાળવણીનું કામ કરાવવામાં આવ્યું હતું.

નોટિસમાં જણાવાયું હતું કે, ઓરેવા ગ્રૂપનો કૉન્ટ્રેક્ટ 2017માં સમાપ્ત થયા બાદ સરકારી અધિકારીઓ અને હિતધારકો વચ્ચે અનેક બેઠકો થઈ હોવા છતાં પુલના સમારકામ અને જાળવણી માટે નાગરિક સંસ્થાએ કોઈ નક્કર પગલાં લીધા ન હતા.

બ્રિજની જર્જરીત હાલત વિશે ચેતવણી આપતા નોટિસમાં જણાવાયું હતું કે, માર્ચ 2017માં બ્રિજ માટે અગાઉનો કૉન્ટ્રેક્ટ પૂર્ણ થયા બાદ ઓરેવા ગ્રૂપે 13 જાન્યુઆરી 2018થી 9 જાન્યુઆરી 2020 વચ્ચે નગરપાલિકાને ઘણી નોટિસમાં સ્પષ્ટ કર્યું હતું કે બ્રિજની હાલત ઘણી ખરાબ છે. તેને તાત્કાલિક ધોરણે સુધારવી જોઈએ.

ભાજપના તમામ કાઉન્સિલરોએ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી સુપરસીડ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમાંથી કેટલાકે આ આધારે હાઈકોર્ટમાં અરજી કરી હતી કે તેઓ નગરપાલિકા અને ઓરેવા ગ્રૂપ વચ્ચે થયેલા કરાર વિશે કંઈ જ જાણતા ન હતા.

પોલીસે ઓરેવા ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ સહિત 10 લોકોની ધરપકડ કરી છે અને તેમની સામે ચાર્જશીટ દાખલ કરી છે. તેમની પર હત્યા નહીં પણ દોષિત હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

line

કૌટુંબિક દખલ તપાસ માટે જોખમી હશે: ઇન્સ્પેક્ટર

ડૉ. અતુલ ચગ

ઇમેજ સ્રોત, BHARGAV PARIKH

ઇડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ગુજરાત હાઈકોર્ટે રાજકોટમાં આત્મહત્યા કરી લેનારા ડૉ. અતુલ ચગના મૃત્યુની તપાસ કરી રહેલા પોલીસ ઈન્સ્પેક્ટર (PI)ને ખાનગી વકીલને જોડવા માટેની સૂચના આપ્યા પછી PIએ રજૂઆત કરી હતી કે પ્રાથમિક તપાસ બાકી હોય, ત્યારે કોઈપણ હસ્તક્ષેપ "ખતરનાક હશે".

ઈન્સ્પેક્ટર સુનિલ ઈશરાણીએ ડૉ. ચગના પુત્ર હિતાર્થ ચગ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ 9 એપ્રિલના રોજ દાખલ કરાયેલી એફિડેવિટમાં આ વાત કહી હતી. ઘટનાના લગભગ બે મહિના પછી કેસમાં એફઆઈઆર નોંધવામાં નિષ્ફળ રહેવા બદલ હિતાર્થે પોલીસ કર્મચારીઓ સામે સિવિલ કન્ટેમ્પ્ટ કાર્યવાહી શરૂ કરવાની માગ કરતી અરજી દાખલ કરી.

ગીર સોમનાથના વેરાવળ શહેરમાં હૉસ્પિટલ ચલાવતા ડૉ. ચગનો મૃતદેહ 12 ફેબ્રુઆરીના રોજ તેમના ઘરે લટકતો મળી આવ્યો હતો. તેમના ઘરેથી મળી આવેલી એક કથિત સુસાઈડ નોટમાં જૂનાગઢના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા પર કથિત રીતે ચગને આત્મહત્યા માટે મજબૂર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

હિતાર્થની અરજી જાળવવા યોગ્ય નથી તેવી દલીલ કરતા એફિડેવિટમાં જણાવ્યું હતું કે, "હાલની અવમાનનાની અરજીની શરૂઆત એ બીજું કંઈ નથી, પરંતુ અરજદાર દ્વારા ચાલી રહેલી પ્રાથમિક તપાસ પર દબાણ કરવા માટે તૈયાર કરવામાં આવેલી પદ્ધતિ છે અને તે પ્રાથમિક તપાસની પ્રક્રિયામાં દખલ કરી રહી છે."

વધુમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે પીઆઈ પર "ફક્ત બિનજરૂરી દબાણ ઊભું કરવાના હેતુથી" અરજી દાખલ કરવામાં આવી છે.

જસ્ટિસ એ.જે. શાસ્ત્રી અને જેસી દોશીની ખંડપીઠ સમક્ષ આ મામલો મંગળવારે સુનાવણી માટે સૂચિબદ્ધ કરાયો હતો, ત્યારે હિતાર્થના વકીલોએ એફિડેવિટ પર વિચાર કરવા માટે સમય માગ્યો હતો. ત્યારબાદ કોર્ટે આ મામલાની સુનાવણીની તારીખ 18 એપ્રિલ નક્કી કરી છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન