નરેન્દ્ર મોદી અમદાવાદમાં જેનું ઉદ્ઘાટન કર્યું એ મેટ્રો પ્રોજેક્ટમાં મોડું કેમ થયું?

રૂપિયા 12,925 કરોડના ખર્ચે પ્રથમ તબક્કામાં કામગીરી કરવામાં આવી છે

ઇમેજ સ્રોત, Gujarat Information Department

ઇમેજ કૅપ્શન, રૂપિયા 12,925 કરોડના ખર્ચે પ્રથમ તબક્કામાં કામગીરી કરવામાં આવી છે
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા
લાઇન
  • અમદાવાદ મેટ્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે 2004માં તેમણે અમદાવાદ મેટ્રોની સૌપ્રથમ વખત વાત કરી હતી
  • મેટ્રોના અધિકારીના કહેવા પ્રમાણે, આ પ્રોજેક્ટની શરઆત 2016માં આનંદીબહેનનાં સમયમાં શરૂ થઈ હતી. મેટ્રો રેલ પ્રોજેક્ટના 2015ના વાર્ષિક અહેવાલ પ્રમાણે, આ પ્રોજેક્ટ પાછળનો ખર્ચ 2014માં 9,382 કરોડ રૂપિયા આંકવામાં આવ્યો હતો
  • જો કે માહિતી ખાતાની પ્રેસ રિલિઝ અનુસાર, રૂપિયા 12,925 કરોડના ખર્ચે પ્રથમ તબક્કામાં કામગીરી કરવામાં આવી છે. એટલે કે આશરે 2,900 કરોડ જેટલો ખર્ચ આ પ્રોજેક્ટમાં હાલમાં વધી ચૂક્યો છે
  • જીએમઆરસીના ભુતપૂર્વ ચેરમેન આઈએએસ સંજય ગુપ્તા ઉપર લેન્ડ ફીલીંગમાં 113 કરોડ રૂપિયાના કૌભાંડના આરોપો લાગ્યા હતા અને આ કૌભાંડમાં તેમની સાથે બીજા 6 લોકો પણ સામેલ હતા
  • ત્યારબાદ સંજય ગુપ્તાને હઠાવીને મેટ્રો નિર્માણનું સુકાન નિવૃત આઈએએસ અધિકારી આઈ.પી. ગૌતમને સોંપવામાં આવ્યુ હતું
લાઇન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલનો પ્રારંભ કરાવ્યો છે.

અમદાવાદમાં 6.5 કિલોમિટરની મેટ્રો રેલનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં કર્યું હતું.

હવે 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે વડા પ્રધાન મોદી 32.01 કિલોમિટરની ઇસ્ટ-વૅસ્ટ કૉરીડોર અથવા થલતેજથી વસ્ત્રાલ સુધીની મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું છે.

અમદાવાદ મેટ્રો વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા હતા ત્યારે 2004માં તેમણે અમદાવાદ મેટ્રોની સૌપ્રથમ વખત વાત કરી હતી.

અમદાવાદમાં મેટ્રો ટ્રેન શરૂ થવાની રાહ છેલ્લા દોઢ દાયકાથી જોવાઈ રહી હતી. એક તરફ ગુજરાતની માળખાકીય સુવિધાઓમાં આ પ્રોજેક્ટનું બાંધકામ સૌથી લાંબા સમય સુધી ચાલતું હોવાને કારણે આ પ્રોજેક્ટની ટીકા થઈ હતી.

બીજી તરફ એ આશ્વાસન અપાઈ રહ્યું છે કે અમદાવાદ મેટ્રોને કારણે ઉત્તરોત્તર વધતી જતી શહેરની ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ આવશે.

line

કૌભાંડ અને વિલંબ

ગુજરાત વિધાનસભાની પબ્લીક સેક્ટર એન્ટરપ્રાઇઝ (પીએસઈ) કમિટીના રિપોર્ટમાં આ કૌભાંડમાં ગેરરીતિ આચનારા સંજય ગુપ્તા અને 6 લોકોના નામ બહાર આવ્યા હતા

ઇમેજ સ્રોત, NARENDRAMODI.IN

ઇમેજ કૅપ્શન, ગુજરાત વિધાનસભાની પબ્લીક સેક્ટર એન્ટરપ્રાઇઝ (પીએસઈ) કમિટીના રિપોર્ટમાં આ કૌભાંડમાં ગેરરીતિ આચનારા સંજય ગુપ્તા અને 6 લોકોના નામ બહાર આવ્યા હતા

મેટ્રોના અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું, "આ પ્રોજેક્ટની શરૂઆત 2016માં આનંદીબહેનના સમયમાં થઈ હતી. મેટ્રો રેલ પ્રોજેક્ટના 2015ના વાર્ષિક અહેવાલ પ્રમાણે, આ પ્રોજેક્ટ પાછળનો ખર્ચ 2014માં 9,382 કરોડ રૂપિયા આંકવામાં આવ્યો હતો."

જોકે માહિતી ખાતાની પ્રેસ વિજ્ઞપ્તિ અનુસાર, "રૂપિયા 12,925 કરોડ રૂપિયાના ખરચે પ્રથમ તબક્કામાં કામગીરી કરવામાં આવી છે." એટલે કે આશરે 2,900 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ આ પ્રોજેક્ટમાં હાલમાં થઈ ચૂક્યો છે.

આ પ્રોજેક્ટ ઘણા વિવાદોમાં પણ રહ્યો છે. જીએમઆરસીના ભૂતપૂર્વ ચૅરમૅન આઈએએસ સંજય ગુપ્તા ઉપર નાણાકીય કૌભાંડના આરોપો લાગ્યા હતા. તેમના પર એકથી વધુ ફરિયાદ નોંધાઈ હતી. તેમના પર લૅન્ડ ફિલિંગમાં 110 કરોડથી વધુ રૂપિયાના કૌભાંડના આરોપો લાગ્યા હતા અને આ કૌભાંડમાં તેમની સાથે બીજા 6 લોકો પણ સામેલ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

ગુજરાત વિધાનસભાની પબ્લિક સેક્ટર ઍન્ટરપ્રાઇઝ (પીએસઈ) કમિટીના રિપોર્ટમાં આ કૌભાંડમાં ગેરરીતિ આચનારા સંજય ગુપ્તા અને છ લોકોનાં નામ બહાર આવ્યાં હતાં. આ કૌભાંડ બાદ મેટ્રોનું નિર્માણ ધીમું પડી ગયું હતું એવું લોકોનું માનવું છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના પહેલી ઑક્ટોબર 2020ના એક અહેવાલ અનુસાર ગુજરાત વિધાનસભાની પલ્બિક સેક્ટર ઍન્ટરપ્રાઇઝેસ મૉનિટરિંગ (પીએસઈએસ) દ્વારા વિધાનસભામાં રજૂ કરેલા રિપોર્ટમાં ગાંધીનગર અને અમદાવાદ મેટ્રોલિંક એક્સપ્રેસ મેગા પ્રોજેક્ટમાં 1,168 કરોડ રૂપિયાની નાણાકીય ગેરરીતિ આચરાઈ હોવાનું કહેવાયું હતું.

ગુજરાતની ભાજપ સરકારના પૂર્વ મંત્રી બાબુ બોખિરિયાના નેતૃત્વવાળી આ કમિટિએ 2014-15ના પોતાના રિપોર્ટમાં મેગાના નાણાકીય અને ખરેખર તેના પરફૉર્મેન્સની સમીક્ષા કરી હતી.

ત્યારબાદ સંજય ગુપ્તાને હઠાવીને મેટ્રો નિર્માણનું સુકાન નિવૃત્ત આઈએએસ અધિકારી આઈ.પી. ગૌતમને સોંપવામાં આવ્યું હતું.

અમદાવાદની મેટ્રો રેલ પ્રોજેક્ટને બ્રાઉન ફીલ્ડ પ્રોજેક્ટ કહેવાય છે. એટલે કે જ્યાં વિકાસ થયેલો હોય તેવી જગ્યા પર, પહેલેથી બનેલી મિલકતોની વચ્ચે કોઈ નવો પ્રોજેક્ટ ઊભો કરવો.

સરકારી આંકડા પ્રમાણે આ પ્રોજેક્ટમાં 93 હેક્ટર જેટલી જમીનની જરૂર પડી છે. જેમાંથી 87 હેક્ટર જેટલી જમીન સરકારી અને 5 હેક્ટર જેટલી જમીન ખાનગી માલિકીની હતી. ખાનગી માલિકીની જમીનનું સંપાદન કરાયું અને અને ત્યારબાદ બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું.

આ વિશે વધુ વાત કરતા જીએમઆરસીના ડિરેક્ટર અને રાજ્ય સરકારમાં નાણા વિભાગના અગ્ર સચિવ જે.પી. ગુપ્તા કહે છે, "હાલમાં સ્ટેશનની આસપાસ પાર્કિંગની અન્ય વ્યવસ્થા છે, તે જ વ્યવસ્થાનો ઉપયોગ લોકોએ કરવાનો રહેશે. અમારા માટે દરેક સ્ટેશન પાસે મોટી પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવાની ક્ષમતા જ નથી, કારણ કે આ એક બ્રાઉન ફીલ્ડ પ્રોજેક્ટ છે."

"આપણે એક વાત યાદ રાખવી જોઈએ કે અમદાવાદની જૂની ઇમારતો, રસ્તાઓ વગેરેની વચ્ચેથી આ ટ્રેન પસાર થવાની છે. અને બીજી કોઈ મેટ્રો ટ્રેનમાં નથી તેવો નદી પરનો પૂલ પણ આ ટ્રેન માટે બનાવવામાં આવ્યો છે. એટલે આવા પ્રોજેક્ટમાં થોડો વિલંબ થાય તે સ્વાભાવિક છે."

દિલ્હીની જેમ અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલ સર્વિસ શરૂ કરવાની વાચ સૌપ્રથમ 2005માં થઈ હતી. મેટ્રો રેલ સર્વિસનું કામ શરૂ કરવા માટે 2010માં મેગા (એમઈજીએ) કંપનીની સ્થાપના કરાઈ હતી. પ્રથમ ડ્રાફ્ટ પ્રોજેક્ટ રિપોર્ટને ડિસેમ્બર 2012માં મંજૂરી આપવામાં આવી હતી અને મેટ્રો સંદર્ભે 15,789 કરોડ રૂપિયાનું પુન:અનુમાન લગાવવામાં આવ્યું હતું.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર કમિટીના આ રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું, "હાઈ-પાવર્ડ્ કમિટીએ ડીપીઆરને મંજૂરી આપવામાં આવી તે પહેલાં જ મેગા (એમઈજીએ) કંપનીએ યોગ્ય પ્રક્રિયા વગર જ ઊંચી કિંમતે વર્ક ઑર્ડર આપવા અને ખરીદનું કામ શરૂ કરી દીધું હતું. 584 કરોડ રૂપિયાના 1,868 વર્ક ઑર્ડર (જૂન 2011થી સપ્ટેમ્બર 2013) અને 201 કરોડ રૂપિયાના 672 વર્ક ઑર્ડર મંજૂરી વગર જ ઇશ્યુ કરવામાં આવ્યા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રોજેક્ટને મંજૂરી આપી તે પહેલાં 383 કરોડ રૂપિયાના 1196 વર્ક ઑર્ડર બહાર પાડવામાં આવ્યા હતા."

line

અમદાવાદ મેટ્રો પર રાજકારણ

ગ્યાસપુર ડેપો

ઇમેજ સ્રોત, Gujarat Information Department

ઇમેજ કૅપ્શન, ગ્યાસપુર ડેપો

નરેન્દ્ર મોદી અને ભાજપ પર એવા આરોપો છે કે તેમણે પોતાના સ્વાર્થ માટે અને ચૂંટણી સમયે લોકોની વચ્ચે ચર્ચામાં રહેવા માટે મેટ્રો રેલ પ્રોજેક્ટનો ઘણાં વર્ષોથી ઉપયોગ કર્યો છે.

આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગુજરાત કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર કહે છે, "લોકોના મગજ પર પોતાની છબી બનાવી અને તેને કાયમ રાખવા માટે નરેન્દ્ર મોદીએ મેટ્રો રેલનો ઉપયોગ કર્યો છે. કેટલાંય વર્ષોથી મોદી અમદાવાદ મેટ્રોની વાત કરી રહ્યા છે. 2019માં તેમણે લોકોની વચ્ચે માત્ર ચર્ચા ઊભી કરવા માટે 6 કિલોમિટરના રૂટનું ઉદ્ઘાટન કર્યું હતું. એટલે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે મોદી મેટ્રોની વાત કરે છે."

તેમણે વધુમાં કહ્યું હતું કે હજી તો જેમ-જેમ ચૂંટણી આવશે, તેમ-તેમ મોદી ઉદ્ઘાટન થઈ ચૂકેલા વિવિધ પ્રોજેક્ટનું પણ ફરીથી ઉદ્ઘાટન કરશે.

સામે પક્ષે અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ અમિત શાહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "એ એક યોગાનુયોગ છે કે મેટ્રોનું ઉદ્ઘાટન ચૂંટણીના વર્ષમાં થઈ રહ્યું છે. અમદાવાદ મેટ્રો રેલનું કામ નવી ટેકનૉલૉજીથી કરવામાં આવ્યું છે. રસ્તાઓને ખોદ્યા વગર, લોકોને મોટી પરેશાનીનો સામનો ન કરવો પડે તે રીતે અંડરગ્રાઉન્ડ મેટ્રો રેલનું બાંધકામ કર્યું તે કંઈ નાનીસૂની વાત નથી."

તેમણે એ પણ કહ્યું કે, "અમદાવાદ શહેરની ટ્રાફિકની સમસ્યા માટે મેટ્રો રેલ એક આશીર્વાદ સ્વરૂપે લોકોને ઉપયોગી બનશે, તે વાત ખાસ સમજવાની જરૂર છે."

line

32 સ્ટેશન

શ્રેયસ ફ્લાયઓવર

ઇમેજ સ્રોત, Gujarat Information Department

ઇમેજ કૅપ્શન, શ્રેયસ ફ્લાયઓવર

40 કિલોમિટર લાંબા પ્રથમ તબક્કામાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ, એમ બે કૉરિડોર પર મેટ્રો ટ્રેન દોડશે. 21 કિલોમિટરનો થલતેજ ગામથી ઍપરલ પાર્ક સુધીનો રૂટ પૂર્વ અને પશ્વિમ કૉરિડોરમાં છે જેમાં 17 સ્ટેશન છે.

જ્યારે ઉત્તર અને દક્ષિણ કોરિડોર 19 કિલોમિટરનો રહેશે, જે વાસણા એપીએમસીથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન આવે છે. પૂર્વ-પશ્વિમ કૉરિડોરમાં 6.6 કિલોમિટરનું અન્ડરગ્રાઉન્ડ સેક્શન છે જેમાં ચાર અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન છે.

રૂપિયા 12,925 કરોડના ખર્ચે પ્રથમ તબક્કામાં કામગીરી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં કુલ 96 રેલવે કોચ, 129 લિફ્ટ, 161 ઍસ્કેલેટર અને 126 પ્રવેશ અને નિકાસ પૉઇન્ટ સામેલ છે.

પૂર્વ અને પશ્ચિમ કૉરિડોરના સ્ટેશનમાં થલતેજ, દૂરદર્શન કેન્દ્ર, ગુરુકુલ રોડ, ગુજરાત યુનિવર્સિટી, કૉમર્સ છ રસ્તા, એસપી સ્ટેડિયમ, જૂની હાઈકોર્ટ, શાહપુર, ઘીકાંટા, કાલુપુર રેલવે સ્ટેશન, કાંકરિયા પૂર્વ, ઍપરલ પાર્ક, અમરાઈવાડી, રબારી કૉલોની, વસ્ત્રાલ, નિરાંત ક્રૉસ રોડ અને વસ્ત્રાલ ગામનો સમાવેશ થાય છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરને મેટ્રોના બીજા તબક્કામાં અમદાવાદ સાથે જોડવામાં આવશે. તે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું વિસ્તરણ હશે. આ તબક્કામાં બે કૉરિડોર છે જેમાં 22.8 કિલોમિટરનો મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિરનો રૂટ છે જેમાં 20 સ્ટેશન છે. જ્યારે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીથી ગિફ્ટ સિટીનો 5.4 કિલોમિટરનો રૂટ રહેશે જેમાં બે સ્ટેશન છે. કુલ 28.26 કિલોમિટરનો સમગ્ર રૂટ ઍલિવેટેડ રહેશે.

line

અમદાવાદની ટ્રાફિક સમસ્યા ઉકેલાશે?

નિષ્ણાંતો માને છે કે, જ્યાં સુધી આ તમામ માર્ગો પરના જાહેર પરિવહનનું સંકલન નહીં થાય ત્યાં સુધી અમદાવાદ મેટ્રોનો બહું ફાયદો મળશે નહીં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિષ્ણાંતો માને છે કે, જ્યાં સુધી આ તમામ માર્ગો પરના જાહેર પરિવહનનું સંકલન નહીં થાય ત્યાં સુધી અમદાવાદ મેટ્રોનો બહું ફાયદો મળશે નહીં

અમદાવાદ મેટ્રો ખરેખર કેટલી ઉપયોગી થશે તે જાણવું જરૂરી છે. અમદાવાદ શહેરમાં હાલમાં બીઆરટીએસ અને એએમટીએસ એમ બે પ્રકારની જાહેર પરિવહન સુવિધા ઉપલબ્ધ છે. ત્રીજી સુવિધા આ અમદાવાદ મેટ્રો થશે.

નિષ્ણાતો માને છે કે, "અમદાવાદ શહેરના સાંકડા અને પહોળા રસ્તા મળીને અમૂક હજાર કિલોમિટરના છે. આ રસ્તાઓનો સાચો આંક કાઢવો મુશ્કેલ છે. આ રસ્તાઓ પર પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપરાંત પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ શહેરીજનો કરતા હોય છે."

નિષ્ણાતો માને છે કે, જ્યાં સુધી આ તમામ માર્ગો પરના જાહેર પરિવહનનું સંકલન નહીં થાય ત્યાં સુધી અમદાવાદ મેટ્રોનો બહુ ફાયદો મળશે નહીં.

સૅન્ટર ફૉર ઍન્વાયર્ન્મેન્ટ પ્લાનિંગ ઍન્ડ ટેકનૉલૉજી - સૅપ્ટ યુનિવર્સીટીના ઍસોસિએટ પ્રોફેસર ઋતુલ જોષી કહે છે, "લોકો મેટ્રોનો ઉપયોગ સમય બચાવવા માટે કરશે, અને માત્ર 40 કિલોમિટરની મેટ્રો રેલ જ્યાં સુધી બીઆરટીએસ અને એએમટીએસ સાથે સંકલનમાં કામ નહીં કરે તો લોકો તેનો ફાયદો નહીં લઈ શકે. એટલે કે સ્ટેશનથી બહાર નીકળ્યા બાદ મુસાફરને બીજી બસ લેવી પડે તો તેમાં તેમનો સમય ન બગડવો જોઈએ. જો આવું સંકલન કરી શકાય તો લોકો અમદાવાદ મેટ્રોનો ઉપયોગ સારી રીતે કરી શકશે."

ઋતુલ જોષી એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રો ટ્રેન વચ્ચે સંકલન પર ભાર મૂકે છે. તેઓ એ વાત પર પણ ભાર મૂકે છે કે એક ટિકિટ જે આ ત્રણેય સુવિધા માટે કામ આવે તેવી વ્યવસ્થા જરૂરી છે. ઉપરાંત ત્રણેય વચ્ચે સમયનું પણ સંકલન આવશ્યક છે. જો આ પ્રકારે સંકલન થાય તો 40 કિલોમિટરના રેલ રૂટનો પણ લોકો ભરપૂર ઉપયોગ કરી શકશે.

મેટ્રોમાં ટિકિટના દર અંગે વાત કરતા જીએમઆરસીના એક અધિકારી કહે છે કે મેટ્રોની ટિકિટના દર 2.5 કિલોમિટર માટે 5 રૂપિયા રહેશે અને ટિકિટની મહત્તમ કિંમત 25 રૂપિયા રહેશે. હાલમાં થલતેજથી વસ્ત્રાલ વચ્ચે મેટ્રો દોડશે.

line

અમદાવાદ દેશનું પંદરમું મેટ્રો શહેર

ચિમનભાઈ ફ્લાયઓવર

ઇમેજ સ્રોત, Gujarat Information Department

ઇમેજ કૅપ્શન, ચીમનભાઈ ફ્લાયઓવર

આ સાથે દેશમાં અમદાવાદ મેટ્રો સેવા ધરાવતું પંદરમું શહેર બનશે.

દેશમાં છેલ્લે જયપુરમાં મેટ્રો ટ્રેનની શરૂઆત થઈ હતી. આ ઉપરાંત શહેરી પરિવહન અંગેની આધારભૂત માહિતી પૂરી પાડતા અર્બન ટ્રાન્સપોર્ટ ન્યૂઝ (29 ડિસેમ્બર 2021 સુધીની માહિતી) અનુસાર,

દિલ્હી, કોલકાતા, બેંગલુરૂ, ગુરુગ્રામ અને મુંબઈ, ચેન્નાઈ, કોચી, લખનૌ, હૈદરાબાદ, નાગપુર, નોઈડા, પુણે તથા કાનપુરમાં મેટ્રો ટ્રેન કાર્યરત છે.

આ ઉપરાંત આગ્રા, ભોપાલ, ધોલેરા, ઇન્દોર, મેરઠ, નવી મુંબઈ, પટણા અને સુરતમાં મેટ્રો ટ્રેનનું આયોજન છે. સુરતમાં કૂલ 40.3 કિલોમિટરનો મેટ્રો રૂટ બનાવવામાં આવશે, જેમાંથી 21.8 નિર્માણાધિન છે. જ્યારે ધોલેરામાં 100 કિલોમિટરના રૂટનો પ્રસ્તાવ છે.

દેશમાં સૌથી મોટો મેટ્રો રૂટ દિલ્હી મેટ્રોનો 451.5 કિલોમિટરનો છે જેમાંથી 348.12 કિલોમિટર કાર્યરત છે.

અમદાવાદ મેટ્રોનો કૂલ રૂટ 68.28 કિલોમિટરનો છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન