દલિત સાથે પ્રેમ થયો તો સવર્ણ પિતાએ દીકરીની જ હત્યા કરી નાખી
"હું એને કહેતો કે આપણી જાતી અલગઅલગ છે, આપણે મળવું ન જોઈએ. એ કહેતી હતી કે આવતા વર્ષે એ 18 વર્ષની થશે ત્યારે મારી સાથે જ લગ્ન કરી લેશે."

ઇમેજ સ્રોત, Getty Images
આ શબ્દો છે કર્ણાટકના મૈસૂર જિલ્લાના પેરિયાપટના તાલુકાના રહેવાસી મંજૂનાથનાં.
સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તેમનું નામ બદલવામાં આવ્યું છે.
મંજૂનાથ અનુસૂચિત જાતિમાંથી આવે છે અને તેઓ જેમને પસંદ કરતા હતા તે સવર્ણ વોક્કાલિગા સમુદાયની હતી, પરંતુ આજે એ છોકરી પોતાની વાત કહેવા માટે હયાત નથી. કારણ કે સોમવારે રાત્રે તેના પિતાએ જ તેણીની હત્યા કરી નાંખી હતી અને સામે ચાલીને પોલીસસ્ટેશન જઈને ગુનો કબૂલ્યો હતો.
બે જાતિઓ વચ્ચે પ્રેમ અને વિવાદના મામલાનો ઉકેલ લાવવા પોલીસ છેલ્લા છ મહિનાથી પ્રયત્ન કરી રહી હતી પણ જ્યારે 50 વર્ષીય પિતાએ પોતાની પુત્રીની હત્યા કરી દીધી તો પોલીસ ખુદ ચોંકી ગઈ.
આ મામલો પહેલી વખત પોલીસ પાસે ત્યારે પહોંચ્યો જ્યારે છોકરીના પિતાએ પુત્રી તરફથી છેડતીની ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ હતી કે કૉલેજ પાસે તેની છેડતી કરવામાં આવી છે.
મંજૂનાથ કહે છે, "તેણે મને કહ્યું હતું કે મને ફરિયાદ કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. તેના પિતાએ ધમકી આપી હતી કે જો ફરિયાદ નહીં કરે તો મને મારી નાંખશે. પોલીસે મારી સાથે મારપીટ કર્યા બાદ મને છોડ્યો હતો."
મંજૂનાથ જણાવે છે, "પિતાના આત્મસમર્પણ બાદ બે પોલીસકર્મીઓ મારી સાથે વાત કરવા આવ્યા અને કહ્યું કે ખુદની સુરક્ષા માટે હું બહાર જવાનું ટાળું અને થોડા સમય માટે સંતાઈને રહું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
24 વર્ષીય મંજૂનાથ ખેતીકામ કરે છે અને લગભગ છ મહિના પહેલાં તેમનો પ્રેમસંબંધ શરૂ થયો હતો.
તેઓ કહે છે, "અમે મોટા ભાગે ફોન પર વાત કરતાં હતાં. ક્યારેક તે ઘરેથી નાસ્તો કર્યા વગર આવતી તો અમે હોટલ પર જઈને જમતા હતા. બાદમાં હું પોતાના સ્કૂટર પર તેને કૉલેજ મૂકી જતો હતો."
મંજૂનાથ મેલહલ્લી અને છોકરી કાગુંડી ગામના રહેવાસી હતાં. આ વિસ્તારમાં તમાકુની ખેતી થાય છે અને છોકરીના ગામમાં તમાકુનું મોટું માર્કેટ છે.

એક મહિનો થયું કાઉન્સેલિંગ

ઇમેજ સ્રોત, Getty Images
છોકરીના પિતાએ વધુ બે વખત મંજૂનાથ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ વિશે મંજૂનાથે જણાવ્યું, "તેના પિતાએ ચંપલ વડે મારીને ફરિયાદ કરવા મજબૂર કરી હતી કે હું અને મારા મિત્રો કૉલેજ જઈને તેની છેડતી કરીએ છીએ."
મંજૂનાથ અને તેમના મિત્ર કેટલાક સ્થાનિક દલિત યુવકો સાથે ફરિયાદ ખોટી હોવાની રજૂઆત કરવા પોલીસસ્ટેશન ગયા હતા "પણ પોલીસે તેમને પાછા મોકલી દીધા હતા અને માત્ર છોકરી સાથે વાત કરી હતી."
મંજૂનાથ આગળ કહે છે, "તેણે પોલીસને કહ્યું કે તેના પિતા મને મારવા માંગે છે કારણ કે અમે એકબીજાંને પ્રેમ કરીએ છીએ. તેણે કહ્યું કે આવતા વર્ષે જ્યારે તે પુખ્તવયની થશે ત્યારે મારી સાથે જ લગ્ન કરશે."
ત્યાર બાદ તેને મૈસૂર લઈ જવામાં આવી.
મૈસૂરમાં સરકારી સલાહઘરમાં અંદાજે એક મહિના સુધી આ છોકરીનું કાઉન્સેલિંગ કરાયું. આ સલાહઘરમાં પારિવારિક વિવાદો ધરાવતા લોકોને લાવવામાં આવે છે.
મૈસૂરમાં બાળકલ્યાણ સમિતિનાં અધ્યક્ષ કમલા એચટીએ બીબીસીને જણાવ્યું, "તેના માતાપિતાએ મંજૂનાથ સાથેના સંબંધોના કારણે ધમકાવી હતી અને માર પણ માર્યો હતો."
જુવેનાઇલ જસ્ટિસ બૉર્ડના પૂર્વ સદસ્ય અને ઍડવોકેટ પીપી બાબુરાજે કહ્યું, "એમ લાગે છે કે પરિવારને આ મામલે સમાજ તરફથી પણ દબાણનો સામનો કરવો પડતો હતો."
મંજૂનાથે કહ્યું, "ડિસેમ્બરમાં છોકરીના પિતાએ મને ડંડાથી ફટકાર્યો. લોકોએ મને કોઈક રીતે બચાવ્યો પણ એક મિત્રની સલાહ પર આ મામલે મેં પોલીસ ફરિયાદ ન કરી."

મામલાની ચાલી રહી છે તપાસ

ઇમેજ સ્રોત, Getty Images
કમલા એચટી કહે છે, "જુવેનાઇલ જસ્ટિસ કાયદાની જોગવાઈઓ અંતર્ગત છોકરીનું કાઉન્સેલિંગ ચાલી રહ્યુ હતું. તેને માતાપિતાને મળવા પણ દેવામાં આવતી હતી. તે એક દિવસ અચાનક આવી અને કહ્યું કે પોતાનાં માતાપિતા સાથે જવા માગે છે. તે અચાનકથી અહીંના સ્ટાફથી નારાજ થઈ ગઈ હતી."
"તેનું ફરીથી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. કારણ કે પહેલા તેણે કહ્યું હતું કે તે પોતાના ઘરે જવા માગતી નથી અને બાદમાં માતાપિતાના કંઈ ન કરવાના આશ્વાસન પર પાછી જવા તૈયાર થઈ ગઈ હતી."
પોલીસે આ વાતની પુષ્ટિ કરી નથી કે માતાપિતાએ પુત્રીને મંજૂનાથ સાથે લગ્ન કરવાનું આશ્વાસન આપ્યું હતું કે નહીં.
મૈસૂર જિલ્લાના પોલીસ અધિક્ષક ચેતન આરે કહ્યું, "અમે આ મામલે તપાસ કરી રહ્યા હોવાથી એ કહેવું મુશ્કેલ છે કે તે સાચું છે. હાલમાં અમે એ તપાસ કરી રહ્યા છે કે આ હત્યામાં તેઓ એકલા સામેલ છે કે તેમના અન્ય સાગરિતો પણ છે."
કમલા એચટીએ કહ્યું, "અમે મે 2022માં તેને ઘરે મોકલતા પહેલાં પણ માતાપિતાને સલાહ આપી હતી અને કાયદાકીય જોગવાઈ અનુસાર એક આદેશ પણ જાહેર કર્યો હતો. જે મૂળરૂપે માતાપિતાએ બાળક સાથે કઈ રીતે વ્યવહાર કરવો તેના દિશાનિર્દેશ હતા. છોકરી સાથે જે પણ થયું, ઘણું ખરાબ થયું."
મંજૂનાથ કહે છે, "તેણે કહ્યું હતું કે તે પોતાના પિતાને મનાવી લેશે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












