ઇન્ડોનેશિયામાં હોડીદુર્ઘટના, 26 લોકો લાપતા
ઇન્ડોનેશિયામાં એક હોડી પલટી જતાં 26 લોકો ગુમ થયા છે. સુલાવેલી દ્વીપથી દૂર મકસ્સર સ્ટ્રેટ ખાતે આ ઘટના ઘટી છે. હોડીમાં કુલ 43 લોકો સવાર હતા અને 17 લોકોને બચાવી લેવાયા છે.

ઇમેજ સ્રોત, Getty Images
ગુરુવારે આ હોડી મકસ્સર બંદર પરથી નીકળ્યી હતી પણ પોતાના પડાવ સુધી પહોંચી શકી નહોતી.
સમાચાર એજન્સી એએફપી અનુસાર સ્થાનિક અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે ખરાબ હવામાનમાં હોડીનું ઈંધણ ખતમ થઈ ગયું હોવું જોઈએ.
'બૅંગકૉક પોસ્ટ' અનુસાર 17 મુસાફરોને ટગ બૉટ થકી બચાવી લેવાયા છે. રાહત અને બચાવ સંસ્થાના પ્રમુખ જુનૈદીએ શનિવારે કહ્યું છે કે બચાવદળના 40 લોકો લાપતા મુસફરોની શોધમાં લાગેલા છે.
નોંધનીય છે કે ઇન્ડોનેશિયના દરિયામાં આ પ્રકારે હોડી પલટી જવાની દુર્ઘટનાઓ છાશવારે ઘટતી રહે છે. ઇન્ડોનેશિયામાં હજારો ટાપુ છે પણ હોડી અને ફૅરીમાં સુરક્ષાવ્યવસ્થા બહુ નબળી છે.

ખેડામાં માતાએ જ કરી બાળકની હત્યા, જન્મતા જ ડોલમાં ડુબાડી દીધું

ઇમેજ સ્રોત, Getty Images
ખેડા જિલ્લાના માતર ગામે રહેતી એક 20 વર્ષીય યુવતીએ સીએચસીના બાથરૂમમાં નવજાત બાળકને ડોલમાં ડુબાડીને હત્યા કરી નાખી છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે યુવતીએ ગયા શનિવારે જ નડિયાદ પાસે આવેલા પીજ ગામના એક યુવક સાથે લગ્ન કર્યાં હતાં.
બુધવારે આ યુવતી પતિને તબિયત સારી ન હોવાનું કહીને પીજ પાસેના વસોસ્થિત સીએચસીમાં ગઈ હતી. પોલીસ મુજબ ત્યાં પહોંચ્યા બાદ યુવતી સીધી બાથરૂમમાં પહોંચી હતી, ત્યાં તેણીએ બાળકને જન્મ આપ્યો હતો અને બાળકે રડવાનું શરૂ કરતાં ડોલમાં ડુબાડી દીધું હતું.
વસો પોલીસસ્ટેશનના પીએસઆઈ એચ. જે. રાઠોડે જણાવ્યું કે બપોરે હૉસ્પિટલ સ્ટાફને બાથરૂમમાં એક મૃત નવજાત બાળક ડોલમાં મળી આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે તે દિવસે ચાર મહિલાઓ તપાસ માટે આવવાની હતી, જેમાંથી ત્રણ મહિલાઓ તપાસ કરાવીને ગઈ હતી.
હાલમાં બાળકની હત્યા કરનાર મતા સારવાર હેઠળ છે. લગ્ન પહેલાંના સંબંધના કારણે યુવતીને આ બાળક થયું હોવાથી તેણીએ આ પગલું ઉઠાવ્યું હોવાનું પોલીસનું પ્રારંભિક તારણ છે.

આર્યન ખાન કેસમાં સમીર વાનખેડેની ભૂમિકા પર NCBએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત પાંચ લોકોને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)એ શુક્રવારે ક્લીન ચીટ આપી છે. તદુપરાંત એનસીબીની એસઆઈટીએ પોતાની એક વિભાગીય નોટમાં સમીર વાનખેડેના નેતૃત્વવાળી તપાસટીમની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, એસઆઈટીની આંતરિક નોટમાં લખ્યું છે કે ભારતીય રાજસ્વ સેવાના અધિકારી વાનખેડેની ટીમે આર્યન ખાનને 'કોઈ પણ રીતે ફસાવવા'નો પ્રયત્ન કર્યો છે.
નોટ અનુસાર, "ઘણી આશ્ચર્યજનક વાત છે કે આર્યન ખાનના મિત્ર અરબાઝ મર્ચન્ટ, જેમની પાસેથી થોડું ચરસ મળ્યું હતું, તેમણે આ મામલે આર્યનની મિલીભગતથી ઇન્કાર કરી દીધો હતો. ત્યાર બાદ પણ આ તપાસ અધિકારીઓએ મોબાઇલ જપ્ત કર્યા વગર આર્યન ખાનની વૉટ્સઍપ ચેટ જોઈ."
આ નોટમાં આગળ લખવામાં આવ્યું છે કે તેનાથી સાબિત થાય છે કે તેઓ આ મામલામાં કોઈ પણ રીતે આર્યન ખાનને ફસાવવા માગતા હતા.
સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવ્યું છે કે મામલાની તપાસ માટે સમીર વાનખેડેને છૂટો દોર મળી ગયો હતો. મુંબઈમાં 2 ઑક્ટોબરે દરોડો પડ્યો તે દિવસે જ વાનખેડેના ઉપરી અધિકારી ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ મુથા અશોક જૈન રજા પર ઊતરી ગયા હતા.
રિપોર્ટ કહે છે કે હકીકતમાં દિલ્હીમાં એનસીબીના મુખ્યાલયને બીજા દિવસ સુધી નહોતી ખબર કે વાનખેડેની ટીમે આ મામલે કયા પુરાવા એકઠા કર્યા છે, પરંતુ તેઓ ડ્રગ્ઝના મોટા કાંડમાં આર્યન ખાન સામેલ હોવાનો દાવો કરતા મીડિયામાં છવાયેલા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાં ત્રણ મહિનામાં 17 કાર્યક્રમ, શું સૂચવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે છે. વડા પ્રધાન મોદી છેલ્લા ત્રણ મહિનામાં અનેક વખત ગુજરાત આવી ચૂક્યા છે, ઉત્તર પ્રદેશની ચૂંટણી બાદ આ ક્રમ વધ્યો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે ત્રણ મહિનામાં વડા પ્રધાન મોદીનો આ પાટીદારો મટેનો છઠ્ઠો કાર્યક્રમ છે, જેને પાટીદારોને મનાવવા માટેનો પ્રયાસ ગણાવાય છે. માર્ચ મહિનાથી અત્યાર સુધી ગુજરાતમાં યોજાયેલા વડા પ્રધાનના 17 કાર્યક્રમો પૈકી છ કાર્યક્રમ પાટીદાર સમાજ સાથે સંકળાયેલા જૂથો દ્વારા આયોજિત કરવામાં આવ્યા હતા.
2017ની ચૂંટણી પહેલાં પાટીદાર અનામત આંદોલનના કારણે પાટીદારો ભાજપથી નારાજ થયા હતા. ત્યાર બાદ પાટીદારોને મનાવવા ભાજપે 'પટેલ મુખ્ય મંત્રી'થી લઈને પાટીદાર નેતાને કેન્દ્રીય મંત્રાલય આપ્યું હતું.
શનિવારે વડા પ્રધાન મોદી સવારે રાજકોટ ખાતે નવનિર્મિત કેડીપી મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલની મુલાકાત બાદ સભાને સંબોધશે. ત્યાર બાદ સાંજે ગાંધીનગર ખાતે આયોજિત 'સહકાર સે સમૃદ્ધિ' સેમિનારમાં ભાગ લેશે. જેમાં ગુજરાતની વિવિધ સહકારી મંડળીઓના સાત હજારથી વધુ હોદ્દેદારો હાજર રહેશે અને અંતે કલોલ ખાતે ઇફ્કોના નૅનોયુરિયા (પ્રવાહી) પ્લાન્ટનું ઉદ્ધાટન કરશે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












