કૉલેજિયમ : જસ્ટિસ તાહિલરામાણીનું રાજીનામું કેમ બન્યું છે વિવાદનું કારણ અને ગુજરાત સાથે શું છે કનેક્શન?

જસ્ટિસ વિજયા કે તાહિલરામાણી

ઇમેજ સ્રોત, Facebook

ઇમેજ કૅપ્શન, જસ્ટિસ વિજયા કે તાહિલરામાણી
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

મદ્રાસ હાઈ કોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ વિજયા કે તાહિલરામાણીની બદલી મેઘાલય હાઈ કોર્ટમાં કરી દેવામાં આવી તે પછી નારાજ થઈને તેમણે રાજીનામું આપી દીધું હતું જેને રાષ્ટ્રપતિએ સ્વીકારી લીધુ છે. આ ઘટનાને લીધે સુપ્રીમ કોર્ટની કૉલેજિયમની કામગીરી પર સવાલો ઊભા થયા છે.

સુપ્રીમ કોર્ટના કૉલેજિયમે લીધેલા બદલીના નિર્ણયને ટોચના કાનૂનવિદોએ "ખોટો", "ગેરવાજબી પગલું" અને "હાનિકારક" ગણાવ્યો છે, અને કૉલેજિયમની કામ કરવાની પદ્ધતિ સામે સવાલો ઊભા કર્યા છે.

જાણીતા ધારાશાસ્ત્રી પ્રશાંત ભૂષણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના કૉલેજિયમે આ ખોટો નિર્ણય લીધો છે.

"મારા અભિપ્રાય પ્રમાણે સુપ્રીમ કોર્ટના કૉલેજિયમે લીધેલો નિર્ણય ખોટો છે. તેનો રિવ્યૂ થવો જોઈએ. એવું લાગે છે કે સરકાર તેમને (તાહિલરામાણીને) પાઠ ભણાવવા માગતી હતી, કેમ કે તેમણે બિલકિસ બાનો કેસમાં જજમેન્ટ આપ્યું હતું," એમ ભૂષણે બીબીસીને જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટના અન્ય એક સિનિયર ધારાશાસ્ત્રી દુષ્યંત દવેએ કહ્યું કે એવું લાગે છે કે કૉલેજિયમ પોતાના જ 'સારા' ન્યાયમૂર્તિઓને સાચવી શક્યું નથી.

સુપ્રીમ કોર્ટમાં અન્યાય

ઇમેજ સ્રોત, Getty Images

"કૉલેજિયમની કામગીરીનું દુઃખદ પાસું આમાં દેખાઈ આવ્યું છે. એવું લાગે છે કે કૉલેજિયમ આપણાં સારા ન્યાયાધીશોને સાચવી શકતું નથી."

"કૉલેજિયમના કામકાજમાં મોટા પ્રમાણમાં પક્ષપાત ચાલતો હોય તેવું લાગે છે. કૉલેજિયમના મનપસંદ હોય તેવા લોકોને નિમણૂંકો અપાઈ છે કે બઢતી અપાઈ છે," એમ દવેએ બીબીસીને જણાવ્યું હતું.

"સહેજ સરકારની વિરુદ્ધ હોય તેવા અથવા સરકારની વિરુદ્ધ લાગતા હોય તેવા ન્યાયાધીશોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તે રીતે કૉલેજિયમ કાર્યકારી પાંખના હાથમાં રમીને અવરોધ બની રહ્યું છે તે બહુ દુ:ખની વાત છે." એમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે "કૉલેજિયમાં કેવી રીતે કામ ચાલી રહ્યું છે તેની કોઈને ખબર જ પડતી નથી, કેમ કે તે પોતાના નિર્ણયોના સાચા કારણો ક્યારેય જાહેર કરતું નથી."

કૉલેજિયમની કામ કરવાની પદ્ધતિ સામે સવાલ ઉઠાવીને દવેએ કહ્યું કે, 1992માં કૉલેજિયમની રચના વિશે સુપ્રીમ કોર્ટે વિચાર્યું હતું ત્યારે તે અત્યંત સ્વતંત્રપણે ન્યાયાધીશોની નિમણૂંક, ભલામણ અને બદલીનું કામ કરશે તેવી ધારણા હતી, પણ મને તેવું થતું મને દેખાતું નથી.

"મને લાગે છે કે કૉલેજિયમ હાનિકર્તા બન્યું છે, તે નિષ્ફળ ગયું છે, છેલ્લા એક દાયકામાં તો તે નિષ્ફળ જ ગયું છે," એમ દવેએ જણાવ્યું હતું.

ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ અને સુપ્રીમ કોર્ટના સિનિયર ધારાશાસ્ત્રી વિકાસ સિંહે કહ્યું કે, બદલીનો નિર્ણય કરીને કૉલેજિયમે તાહિલરામાણીનું અપમાન કર્યું છે.

"બદલી તેમના માટે બહુ અપમાનજનક છે. કૉલેજિયમના નિર્ણય સામે તેમણે રાજીનામું આપી દીધું તે વાતની મને ખુશી છે. આ પગલું ગેરવાજબી છે. ન્યાયતંત્રમાં લોકો સહન કરી લે છે અને વિરોધ કરતાં નથી, પણ અહીં તેમણે વિરોધ પણ કર્યો અને આખરે રાજીનામું પણ આપી દીધું."

"ઉચ્ચ ન્યાયતંત્રમાં આ રીતે કોઈની સાથે વર્તન કરવામાં આવે તે યોગ્ય નથી. એવું લાગે છે કે ઈરાદાપૂર્વક આવું કરવામાં આવ્યું છે," એમ વિકાસ સિંહે બીબીસીને જણાવ્યું હતું.

સુ્પ્રીમ કોર્ટ કોલેજિયમ

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટના કૉલેજિયમમાં ચાર સૌથી વધુ સિનિયર ન્યાયાધીશો હોય છે.

હાલમાં તેમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ ઉપરાંત હવે પછી બનનારા મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડે, ન્યાયાધીશ એન. વી. રામના, અરુણ મિશ્રા અને રોહિન્ટન ફલી નરીમાન છે.

કૉલેજિયમની ભલામણ પ્રમાણે જ સુપ્રીમ કોર્ટમાં તથા હાઈ કોર્ટ્સમાં ન્યાયાધીશોની નિમણૂંક થાય છે.

કૉલેજિયમે 28 ઑગસ્ટે બદલીનો હુકમ આપ્યો તે પછી તાહિલરામાણીએ સત્તાવાર રીતે નિર્ણયમાં ફેરબદલ કરવા માટે વિનંતી કરી હતી.

જોકે તેમની પુનઃવિચારની અરજી સ્વીકારાઈ નહોતી અને બદલીનો હુકમ યથાવત રખાયો હતો. તે પછી ન્યાયામૂર્તિ તાહિલરામાણીએ 7 સપ્ટેમ્બરે રાજીનામું આપી દીધું હતું.

કૉલેજિયમના નિર્ણયને કારણે હાઈ કોર્ટના કોઈ ન્યાયાધીશે રાજીનામું આપી દીધું હોય તેવો આ પહેલો બનાવ નથી.

બે વર્ષ પહેલાં 2017માં ન્યાયાધીશ જયંત પટેલે પણ તેમની બદલી કર્ણાટક હાઈ કોર્ટમાંથી અલાહાબાદ હાઈ કોર્ટમાં કરવામાં આવી પછી રાજીનામું આપી દીધું હતું.

તેમની નિમણૂક કર્ણાટક હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે થવાની હતી. તેમણે જ ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈની તપાસ માટેનો આદેશ આપ્યો હતો.

બિલકિસ બાનો

ઇમેજ સ્રોત, Getty Images

ન્યાયાધીશ તાહિલરામાણી 26 જૂન 2001માં બૉમ્બે હાઈ કોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકે નિમાયાં હતાં. તેઓ ગયા વર્ષે 9 ઑગસ્ટે મદ્રાસ હાઈ કોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ બન્યાં હતાં. આવતા વર્ષે બીજી ઑક્ટોબરે તેઓ નિવૃત્ત થવાનાં હતાં.

બૉમ્બે હાઈ કોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે તેઓ હતા ત્યારે મે 2017ના રોજ તેમણે બિલકીસ બાનો ગેંગ રેપ કેસના 11 આરોપીઓને ગુનેગાર ઠેરવી આજીવન કેદની સજા કરવાના ચુકાદાને યથાવત રાખ્યો હતો. આ કેસને ગુજરાતમાંથી મહારાષ્ટ્રની અદાલતમાં ફેરવવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો.

બિલકિસ બાનો કેસ લડનારા વકીલ શોભા ગુપ્તાએ આ મુદ્દા અંગે વાત કરતાં કહ્યું કે "મારી દૃષ્ટિએ તેઓ ઉત્તમ કક્ષાના ન્યાયાધીશ હતા. તેમણે નિવૃત્તિ સુધી કામ કર્યું હોત તો સારું થાત," એમ શોભા ગુપ્તાએ બીબીસીને જણાવ્યું હતું. જોકે, એમણે આ મુદ્દા વિશે વધુ કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

(આ સ્ટોરી માટે વરિષ્ઠ પત્રકાર સુચિત્રા મોહંતીના ઇન્પુટ્સ મળ્યા છે.)

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો