વ્યંગ: વહાલા વડાપ્રધાનશ્રી, તમારો લંડન-સંવાદ વાંચી મારાં અંતરનાં ચક્ષુ ઊઘડી ગયાં

ઇમેજ સ્રોત, Twitter/BJP4India
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, વરિષ્ઠ પત્રકાર
વહાલા વડાપ્રધાનશ્રી
આ પત્ર તમને કાગળ પર લખ્યો હોત, તો એ થોડો ભીંજાઈ ગયો હોત. કારણ કે લંડનમાં પ્રસૂન જોશી અને બીજા લોકો સાથે તમે કરેલો સંવાદ સાંભળીને મારી આંખમાં ઝળઝળિયાં આવ્યાં હતાં. એ જ અવસ્થામાં તમને આ લખવા બેઠો છું.
તમારા જેવા મહાન આત્માને આ દેશ-દુનિયા પૂરેપૂરાં ક્યારે ઓળખશે? અને એના માટે તમારે હજુ કેટલી એજન્સીઓ રોકવી પડશે? એ વિચારે મારું હૈયું દ્રવી ઉઠે છે.
પચીસ-પચાસ બાબતોને બાદ કરતાં, તમારા જેવા, લગભગ સંત કોટિના કહેવાય એવા માણસને આપણા દેશના લોકો- તમારા ટીકાકારો ક્યારે સમજી શકશે?
દુષ્ટ વિપક્ષોએ અને તમારા હિતશત્રુઓએ તમને, તમારી જાણ બહાર, તમારું નામ લખેલો સુટ પહેરાવી દીધો હશે અને તમને જ્યારે એ હકીકતનો અહેસાસ થયો હશે, ત્યારે તમારી, દેશની સવા સો કરોડ જનતાના સેવકની, મનોદશા કેવી થઈ હશે, એનો વિચાર કરતાં હું કંપી ઉઠું છું અને વિચારું છું કે સજ્જનતાનો જમાનો જ નથી રહ્યો.
(આ વાતના ટેકામાં તમારું ઉદાહરણ ટાંકવા થનગનતા લોકોને હું આગોતરી ચેતવણી આપી દઉં છું : ખબરદાર...)

ઇમેજ સ્રોત, Twitter/PMOIndia
વિરોધીઓના પ્રચારમાં આવીને હું તમને 'માનનીય' નહીં, 'મૌનનીય' તરીકે સંબોધવાનો હતો.
એવામાં તમારો લંડન-સંવાદ વાંચવા મળ્યો અને મારાં અંતરનાં ચક્ષુ ઊઘડી ગયાં. મને તમારા વિરાટ સ્વરૂપનું દર્શન થયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારી સામે બેઠેલા પ્રસૂન જોશીએ બે હાથ જોડીને, ઘૂંટણિયે પડીને અર્જુનમુદ્રામાં આવવાનું જ કેમ બાકી રાખ્યું, એનું રહસ્ય સમજાઈ ગયું.
મને થયું કે તમે કેટલું બધું બોલી શકો છો અને લોકતંત્ર વિશે તમારી સમજ કેટલી ઊંચી છે. અધ્યાત્મ વિશેનું તમારું જ્ઞાન કેટલું ભારે છે.
સાચું કહું, હું તો પેલા દ્વૈત-અદ્વૈતમાં જ અટવાઈ ગયો.
મને ખબર જ ન પડી કે ભારતમાં વડાપ્રધાન તરીકે રાજ ચલાવનાર અને ચચ્ચાર વર્ષમાં એકેય વાર ખુલ્લી પત્રકાર પરિષદ ન કરનાર નરેન્દ્ર મોદી અને લંડનમાં સ્ટેજ પર બેસીને નિરાંતે સવાલોના જવાબ આપનાર નરેન્દ્ર મોદી દ્વૈત કહેવાય કે અદ્વૈત?
શું તમે આ વાંચ્યું?
જોકે, કવિઓમાં પત્રકાર પણ વસતો હોય છે એની ખબર નહીં—એમ કહીને તમે અછડતો ઇશારો કરી દીધો કે તમે પોતે કવિહૃદય હોવાથી તમને સરખેસરખા (એટલે કે કવિઓ) સાથે જ વાત કરવાનું ગમે છે. (મારે હવે અર્ણવ ગોસ્વામી અને સુધીર ચૌધરી જેવા લોકોના કાવ્યસંગ્રહો શોધી કાઢવા પડશે.)
પ્રસૂન જોશીએ 'રેલવે'થી 'રૉયલ પૅલેસ'ની વાત કરી ત્યારે તમે તેને 'કવિરાજની તુકબંદી' તરીકે ઓળખાવી દીધી, ત્યારે મને સમજાયું કે તુકબંદી અને કવિતા વચ્ચેના તફાવતની તમારી સમજ કેટલી ઊંચી છે.

ઇમેજ સ્રોત, Twitter/BJP4India
પ્રસૂન જોશીને તમારી કવિતાઓનું પુસ્તક 'આંખ આ ધન્ય છે' મોકલી આપજો. એટલે એમને પણ અસલી કવિતા કઈ ચીજનું નામ છે, તેનો ખ્યાલ આવે.
પ્રસૂન જોશીએ 'રેલવે'થી 'રૉયલ પૅલેસ'ની તમારી સફરની વાત કરી ત્યારે મને ફાળ પડી હતી.
મને થયું કે તમારા વિરોધીઓની ટોળકી હજુ એ ભૂલવા દેવા માગતી નથી કે તમારી અસલી રાજકીય ચઢતી ગોધરાના રેલવે પ્લૅટફૉર્મથી શરૂ થઈ હતી.
પણ તમે ચા વેચવાની વાત કરીને વાત વાળી લીધી એટલે મને હાશ થઈ—અને તમે પેલી બીજ ને વૃક્ષવાળી વાત કરી કે વટવૃક્ષ બને તેના માટે બીજે ખપી જવું પડે છે.
ત્યારે પણ મને થયું હતું કે હમણાં પ્રસૂન જોશી તો નહીં, પણ ઑડિયન્સમાંથી કોઈ અડવાણીજીની કે વાજપેયીજીની વાત ન કાઢે તો સારું.
પણ તમારા જવાબો વખાણવા કે પ્રસૂનના અને ઑડિયન્સના વારી વારી જાઉં ટાઇપના સવાલ વખાણવા, એની મને સતત મીઠી મુંઝવણ થતી હતી.
લવિંગ કેરી લાકડીએ પ્રસૂને અને ઑડિયન્સે તમને જે સવાલો પૂછ્યા, એના તમે આપેલા જવાબ સાંભળીને મને ઘડીભર તો થયું કે હું ફિલસુફીના વર્ગમાં કે રાજ્યશાસ્ત્રના વર્ગમાં તો નથી ઘુસી ગયો ને? આખા સંવાદની આ કક્ષા હતી.
એ જમીન કરતાં બે વેંત ઉપર ચાલતો હતો અને જમીન પર રહેલા લોકો, અમે, અહોભાવથી અમારાં ડોકાં ઉપર કરીને તમારી દિવ્ય વાણી અમારી શક્તિ પ્રમાણે ઝીલી રહ્યા હતા.
લવિંગ કેરી લાકડી એટલે શું, એ પ્રસૂને તમારી બેસબ્રીની-અધીરાઈની વાત કરીને દેખાડી આપ્યું.
તમારી અધીરાઈ, બધું અભી કે અભી કરવાની ઉતાવળથી કોણ બચી શક્યું છે?

ઇમેજ સ્રોત, Twitter/BJP4India
તમે કહ્યું તેમ, જૂની નિરાશા છોડીને કરોડો દેશવાસીઓ ઉમંગ, ઉત્સાહ, આશા અને અપેક્ષાથી બહાર આવ્યા છે—અને એટીએમની બહાર પોતાના રૂપિયા લેવા માટે લાઈનમાં ઊભા રહી ગયા છે, ધક્કામુક્કી કરી છે અને એટીએમની બહાર લાઈનોમાં ઊભા રહીને દેશની સરહદો પર તહેનાત રહેતા જવાનો સાથે તાદાત્મ્ય પણ અનુભવ્યું છે. આ તમારી નાનીસૂની સિદ્ધિ છે?
તમે કહ્યું કે અધીરાઈ એ જ તમારી ઊર્જા છે. લાખ રૂપિયાની વાત કહી દીધી તમે. પણ એ તમારા જેવા મહાપુરુષ માટે જ સાચી હોઈ શકે.
બાકી, એટીએમની બહાર કે આધાર કાર્ડ માટે ધક્કા ખાતી પ્રજાની અધીરાઈનું ઊર્જામાં રૂપાંતર થાય તો દેશમાં અરાજકતા ફેલાઈ જાય.
એટલે શુભેચ્છક તરીકે મારી વિનંતી છે કે તમે અધીરાઈ બરાબર ઊર્જાનું સમીકરણ ભવિષ્યમાં જાહેરમાં બોલવાનું ટાળજો.
અને સાહેબ, 'અમે જ દેશ ચલાવીએ છીએ એવો અહંકાર સરકારે છોડી દેવો જોઈએ'—એવું કહીને તો તમે મહાનતાની હદ વાળી છે.
ઘણા લોકો આને તમારી નમ્રતા ગણશે, પણ મને તો એ તમારી પ્રામાણિકતા અને તમારો એકરાર લાગે છે.
જાહેરમાં, ભલે વફાદાર ઑડિયન્સ અને વફાદાર સંચાલક સામે, પણ આવું સ્વીકારવું અને સરકારને ચલાવવામાં અગોચર પરિબળોની સામેલગીરીની આડકતરી કબૂલાત કરવી, એ બહુ મોટી વાત છે. અને એ બદલ મારા હૈયામાં તમારા માટે અહોભાવનો સાગર ઉછાળા મારી રહ્યો છે.
દેશથી છ-સાત હજાર કિલોમીટર દૂર બેસીને જેમ તમે દેશની ચિંતા કરો છો તેમ, તમારાથી એટલો જ દૂર રહીને તમારી લાગણી જાણતો...
એક ભારતવાસી
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














