કઈ ખાસિયત છે ઉનડકટમાં કે તેને આઈપીએલમાં 11.5 કરોડ મળ્યા!

જયદેવ ઉનડકટ

ઇમેજ સ્રોત, PTI

'ભણશો-ગણશો તો બનશો નવાબ, રમશો-ભમશો તો બનશો ખરાબ' - જૂના જમાનાની આ કહેવત આજના સમયમાં ખોટી પડતી જણાય છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં ખેલાડીઓ પર લાખો-કરોડો રૂપિયા વરસાવવામાં આવ્યા છે.

આ હરાજીએ સાબિત કરી દીધું કે જો તમે સારું રમતા હો, તો તમારી ટૅલેન્ટ પિછાણનારા અનેક છે.

તમને આ પણ વાંચવું ગમશે

બે દિવસ સુધી આઈપીએલની હરાજી યોજાઈ, જેમાં 169 ખેલાડી વેચાયા હતા.

તેમની ઉપર કુલ રૂ. 628.7 કરોડ રોકવામાં આવ્યા છે.

બે દિવસ દરમિયાન 113 ભારતીય તરથા 56 વિદેશી ખેલાડીઓને ખરીદવામાં આવ્યા.

line

ઉનડકટ અને પંડ્યાના નસીબ ચમક્યા

બેન સ્ટૉક્સ

ઇમેજ સ્રોત, AFP

ઇંગ્લૅન્ડના બેન્જામિન સ્ટોક્સ રૂ. 12.5 કરોજ, જ્યારે કૃણાલ પંડ્યા રૂ. 8.8 કરોડમાં વેચાયા.

કૃણાલ હજુ સુધી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમ્યા.

ફાસ્ટ બૉલર જયદેવ ઉનડકટે કલ્પના પણ નહોતી કરી કે બૅટ્સમૅન માટે ફેવરિટ એવી આ ટુર્નામેન્ટમાં તેમને આટલા રૂપિયા મળશે.

જયદેવ આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ કિંમતે વેચાયેલા ખેલાડી બન્યા છે.

બેંગલુરુમાં હરાજી ચાલી રહી હતી, ત્યારે જયદેવ નેટ-પ્રેક્ટિસ કરી રહ્યા હતા.

પોતાનું નામ ઍનાઉન્સ થતા જયદેવ અને તેમના મિત્રો ડ્રેસિંગ રૂમમાં દોડી ગયા હતા.

line

ફોન પર શું થયું?

જયદેવ ઉનડકટ

ઇમેજ સ્રોત, AFP

ઉનડકટના કહેવા પ્રમાણે, "એક ફોનને 30 લોકો ઘેરી વળ્યા હતા. આખી ટીમ તૂટી પડી હતી.

"કોઈ બૂમાબમ કરી રહ્યું હતું તો કોઈ ખુશ હતું. બહુ અનોખી ક્ષણો હતી."

ચેન્નઈ સુપર કિંગ્સના ચીફ કોચ સ્ટીફન ફ્લેમિંગ અને કિંગ્સ ઇલેવન પંજાબના પ્રીતિ ઝિંટા વચ્ચે સ્પર્ધા ચાલી રહી હતી, ત્યારે જ રાજસ્થાન રોયલ્સે પણ બોલીમાં ઝંપલાવ્યું.

ટીમો વચ્ચેની પરસ્પરની સ્પર્ધાને કારણે જયદેવને ઊંચી બેઝ પ્રાઇસ મળી હતી. અંતે રાજસ્થાન રોયલ્સને જયદેવ ઉનડકટ મળ્યા.

જયદેવના કહેવા પ્રમાણે, "છેલ્લા બે વર્ષ દરમિયાન તેમનું પર્ફૉર્મન્સને જોતા લાગતું હતું કે, સારી રકમ મળશે, પરંતુ આટલી મોટી રકમ મળશે, તેવું વિચાર્યું ન હતું."

line

કેવી રીતે ચમક્યા ?

IPLનું વેબ પેજ

ઇમેજ સ્રોત, IPL

ડાબા હાથે બૉલિંગ કરતા જયદેવ દીપકભાઈ ઉડનકટનો જન્મ તા. 18મી ઓક્ટોબર 191ના દિવસે ગુજરાતના પોરબંદરમાં થયો હતો.

2010માં ન્યૂ ઝીલૅન્ડ ખાતે રમાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં ઉનડકટે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. પોરબંદરમાં દલીપસિંહ સ્કૂલ ઑફ ક્રિકેટમાં તેઓ પ્રથમ વખત ચમક્યા હતા.

કોચ રામ ઓડેદરાએ જયદેવની બૉલિંગ એક્શન તથા સીમ બૉલને લેન્ડ કરાવવાની તેમની ક્ષમતાને પિછાણી હતી.

line

આઠ વર્ષ અગાઉ ટેસ્ટ રમેલા

જયદેવ ઉનડકટ

ઇમેજ સ્રોત, AFP

બૉલર્સ માટે ટેસ્ટ ક્રિકેટને અનુકૂળ માનવામાં આવે છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં જયદેવે ખાસ પ્રદર્શન નથી કર્યું.

2010માં દક્ષિણ આફ્રિકાના સૅન્ચુરિયન ગ્રાઉન્ડ ખાતે જયદેવ પહેલો અને આત્યારસુધીનો એકમાત્ર ટેસ્ટ મેચ રમ્યા હતા.

એ મેચમાં જયદેવ એક પણ વિકેટ ખેરવી શક્યા ન હતા.

વર્ષ 2013માં પહેલી વખત તેમને ઝિમ્બાબ્વે સામે રમવાની તક મળી હતી, પરંતુ સાત વનડેમાં જયદેવને ખાસ સફળતા મળી ન હતી.

તેમણે કુલ આઠ વિકેટ ખેરવી હતી. ટેસ્ટ કે વનડેમાં જયદેવે ખાસ કાઠું કાઢ્યું ન હતું કે તેમને તત્કાળ ઓળખ મળી જાય.

પરંતુ, ટી-20 ફૉર્મેટમાં સુંદર પ્રદર્શન કરીને કમબેક કર્યું.

ગત બે વર્ષ દરમિયાન ઉનડકટે આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. 47 મેચોમાં જયદેવે 56 વિકેટો લીધી છે.

આઈપીએલની ગત સિઝન જયદેવે રાઇઝિંગ સુપરજાઇન્ટ્સ વતી રમી હતી. 12 મેચમાં જયદેવે 13.14ની સરેરાશથી 24 વિકેટો ખેરવી હતી.

ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ મેળવનારા બૉલર્સમાં ભુવનેશ્વર કુમાર બાદ જયદેવ ઉનડકટ બીજા ક્રમે રહ્યા હતા.

ત્યારબાદ શ્રીલંકા સામેની ટી-20 સીરીઝમાં તેમની પસંદગી થઈ હતી, ત્યાં પણ જયદેવનું ફૉર્મ જળવાઈ રહ્યું હતું.

line

તાજેતરમાં પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન

જયદેવ ઉનડકટ

ઇમેજ સ્રોત, BCCI

ટી-20 સીરીઝમાં સુંદર બૉલિંગ કરવા બદલ તેમને 'મૅન ઑફ ધ સીરીઝ' તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

ચાર ટી-20 ઇન્ટરનેશનલ મેચોમાં જયદેવે 21.75ની સરેરાશથી ચાર વિકેટ્સ લીધી છે.

છેલ્લી ઓવર્સ દરમિયાન ટાઇટ સ્વિંગ બૉલિંગ અને વેરિએશન સાથે સ્લૉ બૉલ ફેંકીને જયદેવે આગવી ઓળખ ઊભી કરી છે.

એવું માનવામાં આવે છે કે, ઝહીર ખાન તથા આશિષ નહેરાની નિવૃત્તિ બાદ લેફ્ટ હેન્ડ બૉલરની ખોટ સાલતી હતી. જેનાં કારણે પણ જયદેવની કિંમતમાં ઉછાળો આવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો