ટૅક્સાસ પૂર : 81 લોકોનાં મૃત્યુ, 41 ગૂમ થયા, જુઓ ભયાનક પૂરની 10 તસવીરો

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના ટૅક્સાસ રાજ્યમાં અચાનક આવેલા પૂરના કારણે અત્યાર સુધીમાં 81 લોકોનાં મોત થયાં છે અને 41 લોકો ગુમ છે.
કૅર કાઉન્ટીમાં સૌથી વધારે નુકસાન થયું છે. અહીં 28 બાળકો સહિત 68 લોકોના જીવ ગયા છે. રાહત અને બચાવ કાર્યવાહી ચાલુ છે. અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધી શકે છે.
પૂરના કારણે કૅર કાઉન્ટીમાં નદી કિનારે આવેલા કૅમ્પ મિસ્ટિકને ભારે નુકસાન થયું છે. અહીં 10 છોકરીઓ અને એક કાઉન્સિલરનો હજુ સુધી પત્તો નથી મળ્યો. આ વિસ્તારમાં જ મોટા ભાગે શોધખોળ ચાલુ છે.

ઇમેજ સ્રોત, Getty Images
અધિકારીઓના કહેવા મુજબ અત્યાર સુધીમાં 28 લોકોના મૃતદેહ મળી આવ્યા છે જેમાં 10 બાળકો પણ સામેલ છે. પરંતુ હજુ સુધી તેમની ઓળખ થઈ શકી નથી. શૅરિફ લેરી એલ લીથાએ કહ્યું કે, "અમે શોધખોળ ચાલુ રાખીશું, જ્યાં સુધી દરેક વ્યક્તિનો પત્તો મળી ન જાય."
ટૅક્સાસના ગવર્નર ગ્રેગ અબૉટે જણાવ્યું કે લાપતા લોકોને શોધવા માટે કોઈ કસર છોડવામાં નહીં આવે.

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેમનું તંત્ર આ ઇમર્જન્સીની સ્થિતિનો સામનો કરવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે મળીને કામ કરે છે.
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી 24થી 48 કલાકમાં આ વિસ્તારમાં વાવાઝોડું આવી શકે છે જેનાથી રાહતકાર્યને અસર થઈ શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
કૅમ્પ મિસ્ટિક એ છોકરીઓ માટે બહુ લોકપ્રિય સમર કૅમ્પની જગ્યા હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગ્વાડાલૂપ નદીના કિનારે આ ઘટના બની હતી. તે સમયે છોકરીઓ કૅમ્પમાં ઊંઘતી હતી અને આ કૅમ્પ સાઇટ નદીથી માત્ર 150 મીટરના અંતરે આવેલો છે. અત્યારે આખા કૅમ્પમાં કાદવ કીચડ ફેલાયેલાં છે.

ઇમેજ સ્રોત, Getty Images
શુક્રવારે સવાર પડે તે અગાઉ આફત આવી હતી જેમાં માત્ર 45 મિનિટના ગાળામાં નદીમાં 8 મીટર પાણી વધી ગયું હતું.
કૅમ્પ મિસ્ટિકની અંદર દરેક જગ્યાએ સામાન ફેલાયેલો છે. આ જગ્યાએ બાળકો બાઇબલ વાંચવા અને કૅમ્પ ફાયરનાં ગીતો માટે એકત્ર થતાં હતાં. અહીં ઊંચાઈ પર રહેલા લોકો પણ બચી શક્યા નથી. લોકોને અચાનક ખબર પડી કે નદીમાં પૂર આવ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
નદી કિનારે કૅમ્પ કરી રહેલાં બાળકો અને કૅમ્પના ડાયરેક્ટર પણ તણાઈ ગયેલા લોકોમાં સામેલ છે.
આ જગ્યાએ પૂર આવ્યા છે તેની માહિતી મળતા જ સેનાની ટ્રકો આવી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. કેટલાક લોકોએ જણાવ્યું કે તેમની કૅબિન પહાડની ટોચ પર હતી. છતાં પાણીનું સ્તર એટલો બધું વધી ગયું કે આ જગ્યા ડૂબી ગઈ.

ઇમેજ સ્રોત, Getty Images
બચાવકાર્ય કરનારા લોકોનું કહેવું છે કે કેટલાક લોકો કૅમ્પ મિસ્ટિકની જગ્યાએથી આઠ માઈલ દૂરથી મળી આવ્યા છે.
ટૅક્સાસના લેફ્ટનન્ટ ગવર્નર ડેન પેટ્રિકે એક કાઉન્સિલરના સાહસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેમણે એક રૂમની બારી તોડી નાખી જેથી કરીને ત્યાં ફસાયેલી છોકરીઓને બહાર કાઢી શકાય. તેમણે કહ્યું કે આ છોકરીઓ લગભગ 10થી 15 મિનિટ સુધી તરતી રહી. તેઓ પાણીના તેજ પ્રવાહમાં, વૃક્ષો અને ખડકો વચ્ચેથી રસ્તો કાઢીને સૂકી જમીન સુધી પહોંચ્યાં.

ઇમેજ સ્રોત, Getty Images
રવિવારે બીબીસીની ટીમ અહીં પહોંચી ત્યારે પણ ભારે વરસાદ ચાલુ હતો. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો અને ચારે બાજુ કાટમાળ ફેલાયેલો હતો.
હવામાન વિભાગ મુજબ હજુ પણ ભારે વરસાદ પડી શકે છે. પૂરના ત્રણ દિવસ પછી હવે લોકો બચવાની આશા ઘટતી જાય છે. હવે આ રાહતના બદલે રિકવરી અભિયાન બનતું જાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
કૅમ્પ મિસ્ટિકને ચાર પેઢીઓથી એક જ પરિવાર ચલાવતો હતો. તેની વેબસાઇટ પ્રમાણે આ કૅમ્પ છોકરીઓને ખ્રિસ્તી વાતાવરણમાં આધ્યાત્મિક રીતે વિકસીત થવાનો અવસર આપે છે.
કેટલાક લોકો ઉનાળામાં પોતાની દીકરીઓને અહીં મોકલે છે, જ્યાં તેઓ તરવાનું, કૅનોઇંગ, ઘોડેસવારી વગેરે કૌશલ્ય શીખે છે.

ઇમેજ સ્રોત, Getty Images
ગ્વાડાલૂપ નદી પોતાની સુંદરતાના કારણે લોકોને આકર્ષે છે, પરંતુ આ વખતે તે જીવલેણ સાબિત થઈ છે.
પૂરનું પાણી અચાનક આવવાના કારણે નદી કિનારે આવેલી આ રમણીય જગ્યામાં વિનાશ ફેલાયો. આ જગ્યાએ લગભગ 20 યુથ કૅમ્પ આવેલા છે.

ઇમેજ સ્રોત, Getty Images
વીકેન્ડના કારણે આ વિસ્તારમાં કુલ કેટલા કૅમ્પર્સ હાજર હતા તે જાણી શકાયું નથી. નદીની આટલી નજીક કૅમ્પ કેમ બનાવવામાં આવ્યા અને સમયસર બાળકોને કેમ બચાવી ન શકાયાં તેવા સવાલ થઈ રહ્યા છે.
આ વિસ્તારના પ્રતિનિધિ અને અમેરિકન કૉંગ્રેસના સભ્ય ચિપ રૉયે કહ્યું કે અત્યારે કોઈ પણ નિષ્કર્ષ સુધી પહોંચવાની ઉતાવળ કરવી ન જોઈએ.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












