વર્લ્ડકપમાં ભારતની હાર બાદ કોચ રાહુલ દ્રવિડે 'રજા' કેમ લીધી, અશ્વિને કર્યો ખુલાસો

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ટીમની ન્યૂઝીલૅન્ડ ટૂર માટે કેટલાક સિનિયર ખેલાડીઓ સહિત હેડ કોચ રાહુલ દ્વવિડને બ્રૅક આપવામાં આવ્યો છે.
આ બ્રૅકને લઈને ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ પણ સવાલ ઉઠાવ્યા છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે રવિ શાસ્ત્રીએ એક વર્ચ્યુઅલ પત્રકારપરિષદમાં કહ્યું હતું કે રાહુલ દ્રવિડ સહિત મુખ્ય સપૉર્ટ સ્ટાફને અવારનવાર બ્રૅક આપવો પ્લેયર-કોચના સંબંધો માટે સારી બાબત નથી.
પત્રકારપરિષદમાં રવિ શાસ્ત્રીએ કહ્યું હતું, "હું બ્રૅકમાં માનતો નથી, કારણ કે હું મારી ટીમને સમજવા માગું છું અને એ ટીમ પર નિયંત્રણ રાખવા માગું છું."
તેમણે આગળ કહ્યું, "આટલા બધા બ્રૅકની એક કોચ તરીકે તમને શું જરૂર છે? તમને આઈપીએલના 2-3 મહિના મળે છે. એક કોચ તરીકે આરામ માટે એ સમય પૂરતો છે. પણ બાકીના સમયે જે પણ કોચ હોય તેણે ખડેપગે રહેવું જોઈએ."
જોકે, આર. અશ્વિને તાજેતરમાં પોતાની યૂટ્યૂબ ચેનલમાં રવિ શાસ્ત્રીના સવાલો અને હેડ કોચ દ્રવિડ સહિત ખેલાડીઓના બ્રૅક લેવા વિશે વિસ્તારથી વાત કરી હતી.

અશ્વિને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
રવિચંદ્રન અશ્વિને પોતાની યૂટ્યૂબ ચેનલ પર એક વીડિયોમાં ખેલાડીઓની સાથેસાથે સપૉર્ટ સ્ટાફના વર્કલૉડને લઈને વિસ્તારથી વાત કરી હતી.
અશ્વિને કહ્યું, "હું તમને કહું કે ત્યાં (ન્યૂઝીલૅન્ડ)માં વીવીએસ લક્ષ્મણ એક અલગ જ ટીમ લઈને કેમ ગયા. રાહુલ દ્રવિડ અને તેમની ટીમે ટી-20 વર્લ્ડકપ પહેલાં બહુ મહેનત કરી. હું આ એટલા માટે કહું છું કે મેં તે એકદમ નજીકથી જોયું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે આગળ કહ્યું, "તેમની પાસે દરેક ગ્રાઉન્ડ અને સામેની ટીમો માટે અલગઅલગ યોજનાઓ હતી. આ લોકોએ શારીરિક અને માનસિક રીતે ઘણી ઊર્જા ખર્ચી નાખી છે. એવામાં બ્રૅકની જરૂર પડે છે."
"ન્યૂઝીલૅન્ડ ટૂર પૂરી થશે તેના એક દિવસ બાદથી બાંગ્લાદેશ ટૂર શરૂ થશે. જેના કારણે ન્યૂઝીલૅન્ડ ટૂર પર વીવીએસ લક્ષ્મણ અલગ કોચિંગ સ્ટાફ સાથે ગયા છે."

શું ફેરફાર કરાયા છે ભારતીય ટીમમાં?

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂઝીલૅન્ડ ટૂર દરમિયાન ભારતીય ટીમ ત્રણ ટી-20 અને ત્રણ વનડે મૅચની સિરીઝ રમશે.
સિલેક્શન કમિટીએ આ ટૂર માટે હેડ કોચ રાહુલ દ્રવિડ સહિત કૅપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, દિનેશ કાર્તિક, આર અશ્વિન અને કેએલ રાહુલ જેવા મોટા ખેલાડીઓને આરામ આપ્યો છે.
રાહુલ દ્રવિડના સ્થાને નેશનલ ક્રિકેટ અકાદમી (એનસીએ)ના વડા વીવીએસ લક્ષ્મણ હેડ કોચ તરીકે ગયા છે.
તેમની સાથે ઋષિકેશ કાનિટકરને બેટિંગ કોચ તરીકે, સાઈરાજ બાહુતુલેને બૉલિંગ કોચ અને મુનીશ બાલીને ફિલ્ડિંગ કોચ તરીકે રાખવામાં આવ્યા છે.
ક્રિકબઝના અહેવાલ પ્રમાણે, ટી-20 સિરીઝ માટે હાર્દિક પંડ્યાને કૅપ્ટન બનાવવામાં આવ્યા છે. જ્યારે ઋષભ પંત વાઇસ કૅપ્ટન રહેશે.
જ્યારે વનડે સિરીઝ માટે શિખર ધવનને કૅપ્ટનશિપ સોંપવામાં આવી છે.














