વાવાઝોડું દાના ઓડિશા પર ત્રાટક્યા બાદ વળાંક લેશે, ગુજરાતમાં હવે હવામાન કેવું રહેશે?
બંગાળની ખાડીમાં સર્જાયેલું દાના નામનું વાવાઝોડું દરિયામાં જ વધારે મજબૂત બની ગયું છે અને તે 'ગંભીર ચક્રવાત'માં પરિવર્તિત થઈ ગયું છે.
દાના વાવાઝોડું 24 ઑક્ટોબરની રાત્રે અને 25મી ઑક્ટોબરની વહેલી સવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળની વચ્ચે ત્રાટકશે અને તેના કારણે બંને રાજ્યોના ઘણા વિસ્તારોમાં ખૂબ ઝડપી પવન ફૂંકાશે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે જ્યારે આ વાવાઝોડું ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકિનારે ટકરાશે ત્યારે પવનની ગતિ 100થી 120 કિમી પ્રતિકલાકની હશે.
હવામાન વિભાગની ચેતવણીને ધ્યાને લેતાં તંત્રએ દરિયાકિનારેથી લાખો લોકોને સલામતસ્થળે ખસેડ્યા છે. આ ઉપરાંત લોકોને સતત સાવધ રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે.
વાવાઝોડામાં ઝડપી પવનની સાથે સાથે ભારેથી અતિભારે વરસાદ થવાની પણ શક્યતા છે. આ વાવાઝોડું દરિયાકિનારે ટકરાયા બાદ વળાંક લેશે અને પશ્ચિમ તરફ એની નબળી પડેલી સિસ્ટમ આગળ વધે તેવી સંભાવના છે.
હાલની સ્થિતિ પ્રમાણે અને હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે વાવાઝોડું નબળું પડ્યા બાદ લૉ-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. આ લૉ-પ્રેશર એરિયા મહારાષ્ટ્ર સુધી આવે તેવી સંભાવના છે.
ગુજરાતમાં હાલ આ વાવાઝોડાની અસર નહીં થાય પરંતુ તેની નબળી પડેલી સિસ્ટમ જો મહારાષ્ટ્ર કે મુંબઈ સુધી પહોંચી તો ફરી કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાઈ શકે છે.
જોકે, હજી આ સ્થિતિમાં ફેરફાર થશે અને એક વખત વાવાઝોડું ત્રાટકે તે બાદ જ જાણ થશે કે તેની નબળી પડેલી સિસ્ટમ ખરેખર કેટલે દૂર સુધી જશે.
હાલ હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસો સુધી વરસાદની આગાહી નથી એટલે કે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ સંપૂર્ણ બંધ રહે તેવી સંભાવના છે.

ઇમેજ સ્રોત, Getty Images



