બે બાળકોની ચાકુ વડે હત્યા અને પછી યુપીના બદાયુંમાં આરોપીનું ઍન્કાઉન્ટર, શું છે સમગ્ર મામલો?

ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લામાં મંગળવાર રાત્રે બે બાળકોની હત્યા પછી કથિત ઍન્કાઉન્ટરમાં આરોપીનું મૃત્યુ થયું છે.
ત્યાર બાદથી વિસ્તારમાં તણાવનો માહોલ છે.
કેટલીક દુકાનોમાં આગ ચાંપી દેવાયા બાદ સ્થાનિક વહીવટીતંત્રે કાયદો અને વ્યવસ્થા સંભાળવા માટે વિસ્તારમાં વધુ સુરક્ષાની વ્યવસ્થા કરી છે.
આ મામલામાં એફઆઈઆરમાં આરોપી સાજિદ અને તેમના ભાઈ જાવેદ વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ હત્યાકાંડ અને ત્યાર બાદ કથિત ઍન્કાઉન્ટર પર સતત નવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ દરમિયાન રાજકીય દળો તરફથી એક બીજા પર આરોપ પણ કરવામાં આવી રહ્યા છે.

હુમલામાં ત્રીજો ભાઈ બચી ગયો

સમાચાર એજન્સી પીટીઆઈએ આ મામલામાં એફઆઈઆરના આધારે નવી જાણકારી આપી છે.
આ એફઆઈઆર અનુસાર, આ હત્યાકાંડમાં મૃત્યુ પામનાર બાળકો હની અને આયુષ હતા જેમની ઉંમર આઠ વર્ષ અને 12 વર્ષ હતી.
તો આ હુમલામાં જીવિત બચેલા બાળક યુવરાજની ઉંમર દસ વર્ષ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
યુવરાજે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, આ સેલૂનવાળા ભૈયા હતા. એ લોકો આવ્યા હતા. પછી મારા નાના-મોટા ભાઈને ઉપર લઈ ગયા. ખબર નથી કેમ મારી નાખ્યા. પછી મને પણ મારવા લાગ્યા. મેં તેમનું ચાકુ દૂર કરીને તેમને ધક્કો માર્યો અને ભાગ્યો.
બાળકોના પિતા વિનોદકુમારે આ મામલામાં એફઆઈઆર કરી છે.
આ એફઆઈઆરમાં દાવો કરવામાં આવ્યો છે કે, આરોપી સાજિદે મારાં પત્ની સંગીતાને પોતાની પત્નીની ડિલિવરી માટે પાંચ હજાર રૂપિયા માગ્યા. જ્યારે મારાં પત્ની પૈસા લેવા અંદર ગયાં અને તેમણે મારા પુત્રો આયુષ અને હનીને છત પર બોલાવ્યા.
જ્યારે મારાં પત્ની પૈસા લઈને બહાર આવ્યાં તો તેમણે સાજિદ અને જાવેદને ચાકુ સાથે નીચે આવતા જોયા. મારાં પત્નીને જોઈને તેમણે કહ્યું, મેં આજે મારું કામ કરી દીધું છે. ત્યાર બાદ તેમણે ઘટનાસ્થળ પરથી ભાગવાની કોશિશ કરી.
આરોપીએ પાણી લાવવા માટે ઉપર ગયેલા યુવરાજ પર પણ હુમલો કર્યો. આ ઘટના વખતે બાળકોનાં દાદી પણ ઘર પર હાજર હતાં.
પોલીસે અત્યાર સુધી આ ઘટનાના કારણ અને બીજા આરોપી જાવેદની લોકેશનની માહિતી નથી આપી.
જોકે, પોલીસે સાજિદના પિતા અને કાકાને પણ અટકાયતમાં લીધા છે. અને બાળકોના મૃતદેહો પોસ્ટમૉર્ટમ પછી પરિવારોને સોંપી દીધા છે.
આરોપીનાં માતાનું શું કહેવું છે?

બીબીસીએ આ હત્યાકાંડના બીજા પક્ષ આરોપીનાં માતા નાઝરીન સાથે પણ વાત કરી જેમણે આ તમામ વાતોને ફગાવી જે અત્યાર સુધી સામે આવી છે.
સાજિદ અને જાવેદનાં માતા નાઝરીને કહ્યું કે તેમના પુત્ર સાજિદ અને જાવેદ છેલ્લાં દસ વર્ષથી આ વિસ્તારમાં દુકાન ચલાવે છે.
તેમણે જણાવ્યું કે સાજિદની ઉંમર 28 વર્ષ અને જાવેદની ઉંમર 24 વર્ષ છે. જોકે અત્યાર સુધી સાજિદની ઉંમર 22 વર્ષ જણાવાઈ રહી હતી.
તેઓ કહે છે, "પોલીસ જ્યારે સાજિદને શોધતી તેમના ઘરે આવી ત્યારે તેમને આ વિશે જાણ થઈ. તેમણે કહ્યું 'સાજિદે આ બાળકોને માર્યાં છે, હવે તમે બધા કફનની વ્યવસ્થા કરો. એ પણ માર્યો જશે.' પછી પોલીસવાળા જ કહેવા આવ્યા કે તમારા દીકરા સાજિદને પણ ગોળી મારી દેવામાં આવી છે."
આ મામલે દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અનુસાર સાજિદ પોતાનાં પત્નીની ડિલિવરી માટે પાંચ હજાર રૂપિયા લેવા માટે વિનોદકુમારના ઘરે ગયા હતા.
આ સવાલ પર નાઝરીને કહ્યું કે, "આ સમાચાર ખોટા છે. તે ગર્ભવતી નથી. તે પોતાના પિયર ગઈ છે. એ લોકો સવાર જતા અને સાંજે પાછા આવતા હતા. કાલે પણ બંને ઘરે પાછા આવ્યા હતા. પછી કોઈનો ફોન આવ્યો તો સાજિદ મોટરસાઇકલથી ગયો હતો. જાવિદ ઘર પર જ માટી નાખી રહ્યો હતો. તેને (જાવેદ) ફસાવવામાં આવી રહ્યો છે."

હત્યા કેવી રીતે થઈ? પોલીસનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, ANI
બદાયુંના એસએસપી આલોક પ્રિયદર્શીએ સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં ઘટના કેવી રીતે બની તેની માહિતી આપી હતી.
તેમણે કહ્યું હતું કે, સાજિદ નામનો આરોપી આ ઘરમાં આવતો જતો હતો. કાલ સાંજે સાડા સાત વાગ્યે, એવું જણાવવામાં આવી રહ્યું છે કે તે સીડી પરથી ઘરમાં આવ્યો. ત્યાર બાદ તે ધાબા પર સીધો જતો રહ્યો. ત્યાં જઈને ત્યાં રમતાં બંને બાળકો પર તેણે હુમલો કરી દીધો અને તેમની હત્યા કરી દીધી.
ત્યાંથી નીચે આવ્યો. જ્યારે તે જવા લાગ્યો તો ભીડે તેને પકડવાની કોશિશ કરી. પરંતુ તે ભીડમાંથી નીકળીને ભાગી ગયો. તેની માહિતી મળતાં જ પોલીસે સ્થિતિને સંભાળી લીધી.
આ હત્યાકાંડના કેટલાક કલાકો પછી સાજિદનું એક કથિત ઍન્કાઉન્ટરમાં મૃત્યુ થયું.
પોલીસે આ મામલામાં પણ માહિતી આપી છે.

કેવી રીતે થયું ઍન્કાઉન્ટર?

ઇમેજ સ્રોત, ANI
આલોક પ્રિયદર્શીએ જણાવ્યું કે, જ્યારે જાણવા મળ્યું કે આરોપી ભાગી ગયો છે તો તેને શોધવા માટે ટીમો નીકળી ગઈ. થોડી વારમાં જ જાણવા મળ્યું કે શેખુપુરાના જંગલમાં લોહીથી લથપથ કપડાંમાં કોઈ વ્યક્તિ ભાગી રહી છે. પોલીસે ઘેરાવો કર્યો. તેણે પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું. જવાબી ફાયરમાં તેનું મૃત્યુ થયું.
પ્રિયદર્શીએ જણાવ્યું કે, આ હત્યાકાંડમાં વપરાયેલા ધારદાર હથિયારને કબજે કરવામાં આવ્યું છે અને જે દેશી તમંચો હતો એ પણ કબજામાં લેવામાં આવ્યો છે."
બદાયું મામલે રાજનીતિ શરૂ

ઇમેજ સ્રોત, ANI
આ ઘટના સામે આવ્યા બાદ રાજકીય દળો વચ્ચે એકબીજા પર આરોપ પ્રત્યારોપ લગાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે.
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવથી લઈને શિવપાલ યાદવ અને રામગોપાલ યાદવ તરફથી આ ઘટના પર ટિપ્પણી કરતા ભાજપ પર નિશાન સાધ્યું.
અખિલેશ યાદવે કહ્યું કે, "બે ભાઈઓના જીવ જતા રહ્યા. જો પોલીસે પહેલાં જ કામ કર્યું હતો તો શું તેમનો જીવ ન બચાવી શકાયો હોત?"
તો બદાયું લોકસભા બેઠક પર સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડવા જઈ રહેલા શિવપાલ યાદવે કહ્યું કે, "આ બહુ દુખદ ઘટના છે. આ સરકારની કાયદા વ્યવસ્થા પૂર્ણ રીતે નિષ્ફળ છે. ઍન્કાઉન્ટર કરી દીધું, હવે આ મામલા પરથી પરદો કેવી રીતે ઊઠશે.
તેમણે આ ઘટના માટે ભાજપને જવાબદાર ઠેરવ્યો છે. તેમણે કહ્યું કે "ભાજપવાળા હંમેશાં ચૂંટણી વખતે હિંસા કરાવે છે."
કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાજે કહ્યું કે, "સમગ્ર રાજ્યમાં જંગલરાજ ચાલે છે. પહેલાં પણ સતત ઘટનાઓ બની છે."
તેમણે કહ્યું, "મંત્રીના ઘરની અંદર હત્યાઓ થાય છે. મોહનલાલ ગંજના સાંસદ છે. તેમના ઘરમાં પિસ્તોલથી છોકરાની હત્યા થઈ. તેમની પર આજ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. તેમને ફરીથી મોહનલાલ ગંજથી ટિકિટ આપવામાં આવી છે. જેના દીકરાએ ખેડૂતો પર ગાડી ચડાવીને તેમના પર હત્યા કરી તેમને લખીમપુર ખીરીથી ફરી ટિકિટ આપવામાં આવી છે. અજય મિશ્રા ટેનીને ટિકિટ આપવામાં આવી છે."
કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા ગિરિરાજસિંહે આ મામલે થયેલી કાર્યવાહી પર યોગી સરકારનાં વખાણ કર્યાં છે.
તેમણે કહ્યું કે, " યોગીજીના ઉત્તર પ્રદેશમાં હિંદુ હોય કે મુસ્લિમ, જેણે પણ કાયદાને પોતાના હાથમાં લીધો છે, તેમને છોડવામાં નથી આવ્યા."














