પંચમહાલ : ટોળાએ એક વ્યક્તિને ઝાડ સાથે બાંધી માર માર્યો અને માથે પેશાબ કર્યો, શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, DAXESH SHAH
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના વાડોદર ગામમાં એક વ્યક્તિને ઝાડ સાથે બાંધીને તેને ઢોર માર મારવાનો મામલો સામે આવ્યો છે. પીડિતને માર મારતી વખતે વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે.
વીડિયોમાં એક શખસ પીડિત વ્યક્તિને ઝાડ સાથે બાંધીને ઢોર માર મારી રહ્યો છે અને આસપાસ ટોળું એકઠું થયેલું છે. પીડિત બે હાથ જોડીને કરગરે છે પરંતુ લોકો તેને અપશબ્દો કહીને તેને પ્રતાડિત કરી રહ્યા છે. વીડિયોમાં પીડિતનાં કપડાં ઉતારીને અર્ધનગ્ન પણ કરવામાં આવતા જોઈ શકાય છે.
આ મામલે પીડિતે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે 18 આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. પીડિતને સરકારી દવાખાને સારવાર આપીને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.

‘મને ઝાડ સાથે બાંધી ઢોર માર મારી મારા પર પેશાબ કર્યો’

ઇમેજ સ્રોત, DAXESH SHAH
આ ઘટના ચાર દિવસ પહેલાંની એટલે કે સોમવારની સવારની છે. પીડિત રમેશ રાઠોડે મોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 18 લોકોનું ટોળું તેમના ઘરે ધસી આવ્યું અને તેમને ઘસડીને ગામના અગારિયા ફળીયા પાસે આવેલા ભાથીજી મહારાજના મંદિરમાં લઈ ગયું. ત્યાં જાહેર રસ્તા પર આવેલા એક મોટા ઝાડ સાથે રમેશને બાંધીને તેમને ઢોર માર મારવામાં આવ્યો.
પીડિત રમેશભાઈ રાઠોડ બીબીસી સાથે વાત કરતાં કહે છે, “હું હાથ જોડીને કરગરતો રહ્યો પણ તેઓ મને મોઢા પર, ગરદન પર અને છાતીના ભાગે મારતા જ રહ્યા. તેમણે સૌ પહેલાં તો મારા ઘરે પથ્થરમારો કરીને તોડફોડ કરી અને મને ગામના જાહેર રસ્તા પર આવેલા ઝાડ પાસે લઈ બાંધી દીધો. એ પછી મને અપશબ્દો કહીને મારવા લાગ્યા.”
રમેશભાઈને આ ઘટનાના ત્રણ દિવસ બાદ પણ આખુ શરીર કણસતું હોવાનું જણાવે છે.
કણસતાં કણસતાં રમેશભાઈ પોતાના પર વિતેલી વ્યથાને વર્ણવતાં કહે છે, “જ્યારે મને બહુ માર માર્યો અને હું લગભગ બેહોશ જેવો થઈ ગયો ત્યારે મેં પાણી માગ્યું તો પાણી આપવાને બદલે એક વ્યક્તિએ મારા પર પેશાબ કરીને મારું અપમાન કર્યું.”

મામલો શું હતો?

ઇમેજ સ્રોત, DAXESH SHAH
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોલીસના જણાવ્યા પ્રમાણે મામલો પ્રેમપ્રકરણનો છે. પીડિતના નાના ભાઈએ ગામની છોકરી સાથે નાસી જતાં છોકરીના પરિવારજનોએ પીડિતના પરિવાર સાથે આવું કૃત્ય કર્યું હોવાનું પોલીસ જણાવે છે.
રમેશભાઈ કહે છે, “મારો નાનો ભાઈ દેવેન્દ્ર ગામમાં જ રહેતા સરતાનભાઈ બારિયાની પુત્રીની સાથે ભાગી ગયો છે. એક સપ્તાહથી તેમનો પત્તો નથી. તેથી અંગત અદાવત રાખીને છોકરીના પરિવારજનોએ મારા પરિવાર સાથે આ પ્રકારનું જઘન્ય કૃત્ય કર્યું છે.”
રમેશભાઈ પોતાના નાના ભાઈ વિશે જણાવતા કહે છે, “મને ખબર જ નહોતી કે તે ગામની છોકરી સાથે પ્રેમમાં છે. તે ક્યારે ભાગી ગયો તે વિશે મને કોઈ જ જાણકારી નથી. છોકરીના પરિવારજનોએ મને ધમકી આપી છે કે જો મારો નાનો ભાઈ છોકરી તેના પરિવારને સુપ્રત નહીં કરે તો એ લોકો મને સળગાવી દેશે.”
રમેશભાઈને દેવેન્દ્ર સિવાય પણ એક બીજા ભાઈ છે. તેમનું નામ રુબીન છે. રુબીન બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, “જે પ્રકારે મારા મોટા ભાઈને માર મારવામાં આવ્યો છે તે પ્રકારનું વર્તન તો કોઈ દુશ્મન સાથે પણ નહીં કરે. અમને ન્યાય જોઈએ છે, તેમને કડકમાં કડક સજા થવી જોઈએ.”
રુબીન તેમના નાના ભાઈ ગામની યુવતી સાથે ભાગી ગયા તે વાત સાથે સંમત નથી. તેઓ કહે છે, “મારા ભાઈએ આવું નહોતું કરવું જોઈતું હતું, અમારો જીવ જોખમમાં આવી ગયો, પણ આખરે તે મારો નાનો ભાઈ છે.”
જ્યારે બીબીસીએ રમેશને પૂછ્યું કે જો તેમનો નાનો ભાઈ યુવતી સાથે લગ્ન કરીને ઘરે પરત આવે તો તમે શું કરશો? જવાબમાં રમેશભાઈ કહે છે, “મારો તો ભાઈ છે પણ આવા કિસ્સામાં અમારા સમાજના મોભીઓ જે નક્કી કરે તે અમે કરીશું.”
અમે રુબીનને પૂછ્યું કે જો સમાજ તેમના સબંધ ન સ્વીકારે તો?
રુબીને આ પ્રશ્નના જવાબમાં કહ્યું, “અમારી લાગણી ખરી પણ મારા ભાઈએ જે કરવું હોય તે કરે, અમે બીજું શું કરી શકીએ પણ ત્યારની વાત ત્યારે.”

પોલીસનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, DAXESH SHAH
પોલીસે બે દિવસમાં જ 18 આરોપીઓને પકડી પાડ્યા છે. જેમાં દેવેન્દ્ર સાથે ભાગી ગયેલી યુવતીનાં માતા-પિતા અને ભાઈ પણ સામેલ છે.
તમામ 18ની સામે આઈપીસી કલમ 143, 147, 148, 149, 323, 337, 427, 452, 365, 342, 504, 506(2) તથા જીપીએ અધિનિયમ 135 અંતર્ગત ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે.
મોરવા પોલીસ સ્ટેશનના પોલીસ સબઇન્સ્પેક્ટર આર. એસ. દેવરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, “પકડાયેલા આરોપીમાં બે મહિલા છે અને 16 પુરુષ. પોલીસ હવે તપાસની આગળની કાર્યવાહી કરી રહી છે.”
આર. એસ. દેવરે વધુમાં જણાવે છે કે હાલ ભાગી ગયેલાં છોકરા-છોકરીનો સંપર્ક થઈ શક્યો નથી. જોકે વધુમાં જણાવે છે, “છોકરી બારિયા જ્ઞાતિની છે અને છોકરો રાઠોડ જ્ઞાતિનો છે. બંનેના સમાજ અલગ છે. બંને પુખ્ત છે અને લગ્ન કરવા સ્વતંત્ર છે.”
સબઇન્સ્પેક્ટરના જણાવ્યા અનુસાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા અને એ બાદ કોર્ટે તેમને ગોધરા સબ જેલમાં મોકલી દીધા હતા.
નોંધનીય છે કે આ પહેલાં મે મહીનામાં પંચમહાલની પડોશમાં આવેલાં દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મારગાલા ગામમાં આ જ પ્રકારે મહીલાને જાહેરમાં માર મારવાની ઘટના નોંધાઈ હતી. મહિલાને પ્રતાડિત કરનારા આરોપીઓ એમના સાસરિયાના જ હતા. પીડિતાનો અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની આશંકાના પગલે આરોપીઓએ આ કૃત્ય આચર્યું હતું.
આર. એસ. દેવરે કહે છે, “આ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ એટલું બધું નથી પણ આ પ્રકારે સમાજમાં પ્રતિષ્ઠા જવાની શંકા રાખીને આ પ્રકારનાં કૃત્ય આચરવાની ઘટનાઓ ઘટતી રહે છે.”










