દિલ્હીમાં ચૂંટણી હાર્યા બાદ ગુજરાતમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવીને શું અસર થશે?

ઇમેજ સ્રોત, FACEBOOK / GOPAL ITALIYA / ISUDAN GADHVI
દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ દસ વર્ષ સત્તામાં વિતાવ્યાં બાદ 'કારમી હાર'નો સામનો કરવો પડ્યો છે.
નોંધનીય છે કે દિલ્હીની ચૂંટણીથી પોતાની રાજકીય સફર શરૂ કરીને આમ આદમી પાર્ટી હવે પંજાબમાં સત્તાસ્થાને પહોંચવાની સાથે ગુજરાતની ગત વિધાનસભાની ચૂંટણીમાં દસ ટકા કરતાં વધુ મત મેળવવાનું મુકામ હાંસલ કરીને 'રાષ્ટ્રીય પાર્ટી'નો દરજ્જો મેળવી ચૂકી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાંચ બેઠકો પર મળેલી જીત બાદ આપને રાજ્યમાં ઘણા લોકો 'ગુજરાતીઓ માટે રાજકારણમાં ત્રીજો વિકલ્પ' પણ ગણાવી રહ્યા હતા. જોકે, દિલ્હીની ચૂંટણીમાં પરાજય બાદ ગુજરાતમાં પાર્ટીના સંગઠન પર કેવી અસર થશે એ અંગે સવાલ ઊઠી રહ્યા છે.
શું આ હારથી ગુજરાતમાં પાર્ટીનું રાજકીય અસ્તિત્વ જોખમમાં મુકાશે?
ગુજરાતમાં આમ આદમીનો ચહેરો ગણાતા ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી સહિતના પાર્ટીના સંગઠન અને નેતાગીરીના 'અસ્તિત્વ' નબળું બનશે?
બીબીસી ગુજરાતીએ આ અંગે રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી.
ગુજરાતમાં આમ આદમી પાર્ટી પર દિલ્હીની હારની શું અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્યે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં દિલ્હીની હારની ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠન અને અસ્તિત્વ પર કેવી અને કેટલી અસર થશે એ અંગે જણાવતાં કહ્યું :
"દિલ્હી આમ આદમી પાર્ટીનું મુખ્ય ગઢ હતું. હવે જ્યારે પાર્ટી ત્યાં જ ખરાબ રીતે હારી રહી છે, આ હાર એ આમ આદમી પાર્ટી માટે મોટો આઘાત છે. કારણ કે દિલ્હીની હાર સાથે હવે આપ માટે પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાનો એક નવો સંઘર્ષ ઊભો થશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં આમ આદમી પાર્ટીએ જ્યારે જ્યારે ચૂંટણીમાં ઝંપલાવ્યું ત્યારે ત્યારે તેમણે દિલ્હીમાં અપાતી મફત સેવાઓ, મફત સારવાર અને સરકારી શાળાઓના આધુનિકીકરણના 'દિલ્હી મૉડલ'ને આધારે મત માગ્યા હતા."
ગુજરાતમાં આપ પર અસર અંગે વાત કરતાં તેઓ આગળ કહે છે કે, "આટઆટલું કર્યા પછી પણ ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીને પાંચ બેઠકો જ મળી શકી હતી. જોકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ પાર્ટીના પટેલ આગેવાનો સહિતના મોટા નેતાઓએ પાર્ટી છોડી દીધી અને આમ, પાર્ટી ગુજરાતમાં આપનું સંગઠન હાલ માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવે છે. હવે આ હારથી ગુજરાતમાં પાર્ટીના સંગઠનની સ્થિતિમાં સુધારો થવાની વાત તો દૂર રહી, પણ હવે પાર્ટી રાજ્યમાં નામશેષ બની જાય તો નવાઈ નહીં."
'સંગઠન વિનાની પાર્ટી' બની રહેવાની આશંકા
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે તે સમયે કેટલીક બેઠકો મેળવીને ગુજરાતમાં પગપેસારો કર્યો હતો.
દિલ્હીના રાજકારણ પર નજર રાખતા અન્ય એક વરિષ્ઠ પત્રકાર હરેશ ઝાલા પણ આ હારને આમ આદમી પાર્ટી માટે 'મોટો ફટકો' ગણાવે છે.
તેઓ કહે છે કે, "આમ આદમી પાર્ટીએ પાર્ટી જ્યાંથી ઊભી થઈ એ દિલ્હી રાજ્ય ગુમાવ્યું છે. પાર્ટીના મોટા નેતાઓએ હારનો સામનો કરવો પડ્યો છે. આ હારનો ગુજરાતમાં પહેલાંથી મુશ્કેલીમાં રહેલી કૅડરમાં વધુ ધોવાણ થશે."
તેઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની રાજ્યમાં રાજકીય વિશ્વસનીયતામાં ઘટાડો થવાની વાત કરતા કહે છે, "હવે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતની જનતા વિધાનસભાની ચૂંટણીમાં કર્યો એવો વિશ્વાસ વ્યક્ત નહીં કરે."
"ગુજરાતની ગત વિધાનસભાની ચૂંટણીમાં લોકોએ આમ આદમી પાર્ટીને એક વિકલ્પ તરીકે જોઈને મત આપ્યા હતા. જોકે, દિલ્હી હાર્યા બાદ હવે ગુજરાતની જનતા સામે એક વિકલ્પ તરીકે પણ તેની છબિ બાકી નહીં રહે."
ઝાલા ગુજરાતમાં આપ 'સંગઠન વગરની માત્ર નેતાઓની પાર્ટી' બનીને રહી જવાની આશંકા વ્યક્ત કરે છે.
"આપમાં હવે ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી સહિત બાકી રહેલા નેતાઓ પૈકી પણ કેટલા પાર્ટી સાથે જોડાયેલા રહે છે એ જોવાનું રહ્યું."
કંઈક આવી જ વાત કરતાં જગદીશ આચાર્ય કહે છે કે, "આ પરાજય સાથે રાજ્યમાં આમ આદમી પાર્ટીના બાકી રહેલા સંગઠનમાં ફાટફૂટ પડશે. આ વાત ચૂંટાયેલા ધારાસભ્યોના બીજાં પક્ષોમાં ભળી જવા સુધી આગળ વધી શકે છે. આમ, આમ આદમી પાર્ટી ગુજરાતમાં તબક્કાવાર વધુ નબળી પડશે."
એક સમયે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને ઘણા લોકો રાષ્ટ્રીય ફલક પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકલ્પ' તરીકે રજૂ કરતા. જગદીશ આચાર્ય માને છે કે હવે આ હારથી આ નૅરેટિવ પણ 'ખતમ' થઈ જશે.
જો ગુજરાત વિધાનસભામાં હાલ આમ આદમી પાર્ટીની ટિકિટ પર ચૂંટાઈને આવેલા નેતાઓની વાત કરીએ તો હાલની સ્થિતિ પાર્ટીના રાજ્યમાં ચાર ધારાસભ્યો છે. વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના પાંચ ઉમેદવારોને જીત મળી હતી, જેમાંથી એક વીસાવદર બેઠકના આપના ધારાસભ્ય રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા.
ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પાંચ સીટ મળી હતી, જેમાં જામજોધપુર, વીસાવદર, ગારિયાધાર, બોટાદ અને ડેડિયાપાડા સામેલ હતી.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આ વખતે થયું ઓછું મતદાન

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે ગત 5 ફેબ્રુઆરીના રોજ એક તબક્કામાં મતદાન યોજાયું હતું.
પાછલી વિધાનસભા ચૂંટણીઓની સરખામણીમાં આ વખત દિલ્હીમાં ઓછું મતદાન નોંધાયું હતું. આ વખતની મતદાનની ટકાવારી 60.4 ટકા રહેવા પામી હતી.
નોંધનીય છે કે પાછલી સતત બે ટર્મથી દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર હતી. વર્ષ 2013ની વિધાનસભાની ચૂંટણીમાં 28 બેઠકો અને કૉંગ્રેસનો ટેકો મેળવીને આપે પ્રથમ વખત પ્રદેશમાં સરકાર રચી હતી. જોકે, એ સરકાર અલ્પજીવી સાબિત થઈ.
એ પછીની વર્ષ 2015 અને 2020ની ચૂંટણીમાં દિલ્હીની જનતાએ આપને 'ખોબલે ને ખોબલે' મત આપી અનુક્રમે 67 અને 62 બેઠકો આપી હતી.
વર્ષ 2013ની વિધાનસભાની ચૂંટણીમાં આપનો વોટ શૅર 29 ટકા હતો, જ્યારે વર્ષ 2015 અને 2020માં એ 50 ટકા કરતાં વધુ જળવાઈ રહ્યો હતો.
જોકે, વર્ષ 2014થી ત્રણેય લોકસભા બેઠકોમાં દિલ્હીની સાતેય લોકસભા બેઠકો પર ભાજપ જીત્યો છે.
દિલ્હીની 70 વિધાનસભા બેઠકો પૈકી 12 અનામત છે અને બાકી 58 બેઠકો સામાન્ય છે.
દિલ્હીમાં કુલ 1.55 કરોડ મતદાર છે. તેમાંથી 83.49 લાખ પુરુષ અને 71.74 લાખ મહિલા વોટર છે. દિલ્હીમાં પ્રથમ વખત વોટ કરનાર મતદારોની સંખ્યા બે લાખ છે. તેમજ પાટનગરમાં 13 હજાર કરતાં વધુ પોલિંગ બૂથ છે.
લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સાથે મળીને ચૂંટણી લડી હતી. જોકે, વિધાનસભાની ચૂંઠણીમાં બંને એકબીજાના સામસામે હતાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













