PAN અને આધાર લિંક કરવાનો છેલ્લો દિવસ, ચૂકી જશો તો કેવી મુશ્કેલી પડશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારો આધાર નંબર માત્ર ઓળખનો પુરાવો છે, જ્યારે PAN (પર્મેનન્ટ એકાઉન્ટ નંબર) કાર્ડ એ નાણાકીય વ્યવહારો માટેનો ઓળખ દસ્તાવેજ છે.
જોકે, આ બંને દસ્તાવેજો એકબીજા સાથે જોડાયેલા હોય તે અનિવાર્ય છે. 31 ડિસેમ્બર 2025 એ આધાર અને PAN ને લિંક કરવાની અંતિમ તારીખ છે.
જો તમે આ સમયમર્યાદા ચૂકી જશો, તો આગામી કૅલેન્ડર વર્ષમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
જેમણે નવા PAN કાર્ડ માટે અરજી કરી છે, તેમણે ચિંતા કરવાની જરૂર નથી; કારણ કે અરજી પ્રક્રિયા દરમિયાન જ તેમનું PAN અને આધાર સ્વયંસંચાલિત રીતે (ઑટોમેટિક) લિંક થઈ જાય છે. પરંતુ, જેમણે વર્ષો પહેલાં PAN અને આધાર મેળવ્યા છે, તેમણે આ બંનેને લિંક કરવા પડશે.
જો PAN અને આધાર લિંક કરવામાં નહીં આવે, તો સૌથી મોટી સમસ્યા એ ઊભી થશે કે તમારું PAN નિષ્ક્રિય થઈ જશે. ત્યારબાદ આવકવેરાથી લઈને બૅન્કિંગ અને અન્ય નાણાકીય વ્યવહારોમાં તમને અગવડ પડશે. તમે નિર્ધારિત તારીખ પછી પણ PAN અને આધાર લિંક કરાવી શકશો, પરંતુ તે માટે નિયત ફી ભરવી પડશે.
આજે અનેક જગ્યાએ PAN અને આધારની અનિવાર્યતા છે. જો PAN નિષ્ક્રિય થઈ જાય તો નીચે મુજબની મુશ્કેલીઓ પડી શકે છે:
- બૅન્કિંગ સેવાઓ: PAN બંધ થવાથી તમે બૅન્કમાં નવું ખાતું ખોલાવી શકશો નહીં. આ ઉપરાંત, તમારું ડિમેટ એકાઉન્ટ પણ ખૂલશે નહીં, જેના કારણે શૅરબજાર કે ETF માં સોદા કરવાનું અશક્ય બનશે. 50,000થી વધુની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માટે પણ PAN અનિવાર્ય છે.
- સરકારી યોજનાઓ અને લોન: કેટલીક સરકારી યોજનાઓના લાભ મેળવવા માટે PAN જરૂરી છે. વળી, PAN વગર બૅન્કો કે નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવી શકાતી નથી.
- સ્થાવર-જંગમ મિલકત: વાહન કે મકાન ખરીદવા માટે PAN ની જરૂર પડે છે. જો તે નિષ્ક્રિય હશે તો ખરીદ-વેચાણમાં અવરોધ આવશે.
- વિદેશી હૂંડિયામણ: જો તમારે 50,000થી વધુ રકમના વિદેશી ચલણના વ્યવહારો કરવા હોય, તો PAN સક્રિય હોવું જરૂરી છે.
- ટેક્સ રિફંડ અને TDS: PAN બંધ હોવાના કિસ્સામાં ઇન્કમટેક્સ રિફંડ મેળવી શકાશે નહીં અને પેન્ડિંગ રિફંડ પર કોઈ વ્યાજ પણ મળશે નહીં. તમારો TDS અને TCS ઊંચા દરે કાપવામાં આવશે.
- ફોર્મ 15G/15H: PAN નિષ્ક્રિય હશે તો મુક્તિ માટેના 'સેલ્ફ ડિકલેરેશન' ફોર્મ (15G/15H) સ્વીકારવામાં આવશે નહીં.
PANને આધાર સાથે કઈ રીતે લિંક કરવું?

ઇમેજ સ્રોત, incometax.gov.in
PAN અને આધાર લિંક કરવાની પ્રક્રિયા અત્યંત સરળ છે:
- આવકવેરા વિભાગના ઈ-ફાઇલિંગ પોર્ટલ www.incometax.gov.in પર જાઓ.
- ડાબી બાજુએ 'Quick Links' હેઠળ 'Link Aadhaar' ટેબ પર ક્લિક કરો.
- તમારા PAN અને આધાર નંબર દાખલ કરીને 'Validate' બટન પર ક્લિક કરો.
- જો લિંક ન હોય, તો મોબાઈલ નંબર પર આવેલો OTP દાખલ કરો.
- જો તમે સમયમર્યાદા પૂર્ણ થયા પછી લિંક કરી રહ્યા હોવ, તો 'ઈ-પે ટેક્સ' દ્વારા 1000નો દંડ ભરીને ફોર્મ સબમિટ કરી શકાશે. ત્રણથી પાંચ દિવસમાં તમારું સ્ટેટસ અપડેટ થઈ જશે.

ઇમેજ સ્રોત, Getty Images
SMSથી પણ PAN-આધાર લિંક કરી શકો
તમે મોબાઈલ પરથી SMS મોકલીને પણ લિંક કરી શકો છો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે માટે નીચે મુજબ ટાઈપ કરો: UIDPAN <12 અંકનો આધાર નંબર> <10 અંકનો PAN નંબર> ત્યારબાદ તેને 567678 અથવા 56161 પર મોકલી આપો. (દા.ત. UIDPAN 111122223333 AAAPA9999Q)
આ ઉપરાંત PAN અને આધારને માત્ર ઑનલાઈન લિંક કરાવી શકાય એવું નથી. તમે ઑફલાઇન લિંકિંગ પણ કરાવી શકો છો.
આના માટે તમારે NSDL અથવા UTIITSL સેન્ટરની મુલાકાત લેવી પડશે. તમારી સાથે પાન, આધારની કોપી, પેનલ્ટી ભરી હોય તેની રિસિપ્ટ અને, જો લાગુ પડતું હોય તો, બાયોમેટ્રિક વેરિફિકેશન માટેના ઈ-ચલાનની કોપી હોવી જરૂરી છે.
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન












