ઇન્ડોનેશિયામાં આવેલા ભયંકર પૂરમાં 500થી વધુનાં મોત, ભોજન અને સ્વચ્છ પાણીનું સંકટ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડોનેશિયામાં ચક્રવાતી વાવાઝોડાના કારણે થયેલા ભારે વરસાદ અને પૂરને કારણે 500થી વધુ લોકોનાં મોત થયાં છે અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઇન્ડોનેશિયાની આપદા પ્રબંધન એજન્સી અનુસાર પૂરમાં મૃત્ય પામનારા લોકોની સંખ્યા વધીને 502 થઈ ગઈ છે. ત્યારે લગભગ 2,500 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને 508 લોકો લાપતા છે.
સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકો ભોજન અને બીજી જરૂરિયાતો માટે દુકાનો અને ગોડાઉનમાં તોડફોડ કરી રહ્યા છે. કેટલાક લોકોએ લૂંટફાટ માટે સરકાર તરફથી સહાય વિતરણમાં થતા વિલંબને જવાબદાર ગણાવ્યો છે.
પૂરથી પ્રભાવિત કેટલાક લોકો કહે છે કે તેમને હજુ સુધી સહાય નથી મળી અને તેમને બે-ત્રણ દિવસથી ભોજન નથી મળ્યું. લોકોને સ્વચ્છ પાણી માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે.
રુબૈયા સઈદ અપહરણ કેસ : સીબીઆઇએ ફરાર આરોપીને 35 વર્ષ પછી પકડી પાડ્યો

ઇમેજ સ્રોત, Getty Images
કેન્દ્રીય તપાસ બ્યૂરો એટલે કે સીબીઆઇએ 1989ના રુબૈયા સઈદ અપહરણ કેસમાં ફરાર શફાત અહમદ શંગલૂની ધરપકડ કરી છે. સીબીઆઇએ પ્રેસ રિલીઝ જાહેર કરીને આ વાતની જાણકારી આપી છે.
પ્રેસ રિલીઝમાં લખાયું છે કે, "સીબીઆઇએ મુફ્તી મોહમ્મદ સઈદનાં દીકરી રુબૈયા સઈદના અપહરણ સાથે સંકળાયેલા કેસમાં ફરાર શફાત અહમદ શંગલૂની ધરપકડ કરી છે."
તેમાં કહેવાયું છે કે આરોપી શંગલૂએ યાસીન મલિક અને અન્ય લોકો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું. સીબીઆઇ પ્રમાણે શંગલૂ પર દસ લાખ રૂ.નું ઇનામ હતું.
શંગલૂને ટાડા કોર્ટ જમ્મુમાં રજૂ કરાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ધુરંધર' ફિલ્મની રિલીઝ પર રોકની માગવાળી અરજી અંગે દિલ્હી હાઇકોર્ટે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Prodip Guha/Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દિલ્હી હાઇકોર્ટે 'ધુરંધર' ફિલ્મ અંગે દિવંગત મેજર મોહિત શર્માનાં માતાપિતાની અરજી પર એક આદેશ પાસ કર્યો છે.
હાઇકોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી)ને મોહિત શર્માનાં માતાપિતા તરફથી ઉઠાવેલા મુદ્દા પર વિચાર કરવાનો નિર્દેશ કર્યો છે.
મેજર મોહિત શર્માનાં માતાપિતાએ આ ફિલ્મની રિલીઝ પર તુરંત રોક લગાવવાની માગ કરતી અરજી દાખલ કરી હતી. તેમાં એવી ચિંતા વ્યક્ત કરાઈ હતી કે ફિલ્મમાં મેજર શર્માના પરિવાર કે ભારતીય સૈન્યની મંજૂરી લીધા વગર તેમનાં ગુપ્ત મિશન અને વ્યક્તિગત વિવરણ બતાવાયાં છે.
બાર ઍન્ડ બેન્ચના એક અહેવાલ અનુસાર જસ્ટિસ સચીન દત્તાએ સીબીએફસીને ફિલ્મના સર્ટિફિકેશન પહેલાં અરજદારો દ્વારા ઉઠાવાયેલા તમામ મુદ્દા પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
અરજદારોના વકીલ ઍડ્વોકેટ રૂપેશ પ્રતાપસિંહએ કહ્યું, "હાઇકોર્ટે સીબીએફસીની અરજીમાં ઉઠાવાયેલા તમામ મુદ્દા પર વિચાર કરવાની સૂચના આપી છે. એ બાદ, તેઓ સર્ટિફિકેશન મુદ્દે વિચાર કરશે."
જોકે, ફિલ્મના દિગ્દર્શક આદિત્ય ધર અગાઉ કહી ચૂક્યા છે કે ફિલ્મ મેજર મોહિત શર્માના જીવન પર આધારિત નથી.
આદિત્ય ધરે 26 નવેમ્બરના રોજ એક્સ પર એક પોસ્ટ કરીને લખ્યું હતું, "અમારી ફિલ્મ ધુરંધર મેજર મોહિત શર્માના જીવન પર આધારિત નથી. આ આધિકારિક સ્પષ્ટીકરણ છે."
બાંગ્લાદેશની વધુ એક અદાલતે શેખ હસીનાને સંભળાવી સજા

ઇમેજ સ્રોત, ANI
બાંગ્લાદેશની એક અદાલતે સત્તાનો દુરુપયોગ કરવા મામલે અને રાજધાની ઢાકામાં એક જમીન હાંસલ કરવા મામલે પૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને પાંચ વર્ષની જેલની સજા સંભળાવી છે.
બીબીસી બાંગ્લા અનુસાર, અદાલતે તેમનાં બહેન શેખ રિહાનાને સાત વર્ષના કઠોર કારાવાસ, તેમની પુત્રી ટ્યૂલિપ સિદ્દીકને બે વર્ષની જેલ તથા એક લાખ ટકાના દંડની સજા સંભળાવી છે.
સોમવારે ઢાકાની સ્પેશિયલ જજ કોર્ટે શેખ હસીના, શેખ રિહાના અને તેમનાં પુત્રી ટ્યૂલિપ રિઝવાના સિદ્દીક સહિત 17 લોકો સામે સજા સંભળાવી હતી.
આ મામલો ઍન્ટિ-કરપ્શન કમિશને પુરવાચલ ન્યૂ ટાઉન પ્રોજેક્ટ માટે સરકારી પ્લૉટ લેવાના આરોપમાં દાખલ કર્યો હતો.
સંસદ સત્ર શરૂ થાય તે પહેલાં પીએમ મોદીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Sansadtv
આજથી શરૂ થયેલા સંસદના શિયાળુ સત્ર પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષોને સાર્થક ચર્ચા કરવાની અપીલ કરી.
વડા પ્રધાને કહ્યું, "હું તમામ દળોને અપીલ કરું છું કે આ શિયાળુ સત્રમાં, હારની હતાશા આધાર નહીં બનવી જોઈએ. જનપ્રતિનિધિઓ તરીકે, આપણે દેશના લોકો પ્રત્યેની જવાબદારી અને અપેક્ષાઓને સંતુલન અને જવાબદારીપૂર્વક ભજવવી જોઈએ. દેશના ભવિષ્યને ધ્યાનમાં રાખીને વ્યવહાર કરવો જોઈએ."
"આ સત્ર તેના પર કેન્દ્રિત હોવું જોઈએ કે સંસદ દેશ માટે શું વિચારે છે, દેશ માટે શું કરવા ઇચ્છે છે? ધ્યાન આ મુદ્દે હોવું જોઈએ. વિપક્ષોએ મુદ્દા ઉઠાવવા જોઈએ, ઠોસ મુદ્દા."
તેમણે કહ્યું, "તેમણે હારની હતાશામાંથી બહાર આવવું જોઈએ, દુર્ભાગ્યથી કેટલાક પક્ષો હારને પચાવી નથી શકતા. બિહારનાં પરિણામો આવ્યાંને સમય થઈ ગયો. હું વિચારતો હતો કે બધા શાંત થઈ જશે. પરંતુ જે પ્રકારે હું સાંભળું છું, તેમને હાર પરેશાન કરે છે."
વિપક્ષના સાંસદ ગૌરવ ગોગોઈએ સરકાર પર વાતચીતમાં સામેલ ન થવાનો આરોપ લગાવ્યો છે.
તેમણે કહ્યું, "કૉંગ્રેસ અને વિપક્ષીદળો તમામ વિધેયકો પર સરકારને સહયોગ કરવા માગે છે. અમારો કહેવાનો અર્થ એ કે જ્યારે વિપક્ષના મુદ્દાને ચર્ચામાં જગ્યા આપવી જોઈએ."
તેમણે વધુમાં કહ્યું, "જો સરકાર વિપક્ષના મુદ્દાને લાવવા માગતી હોય તો કામકાજના ઍજેન્ડામાં તેને પ્રકાશિત કરે. તે પહેલા એક વાત કરે છે પછી તેના પર વાત નથી કરવા માગતા. આ જ સમસ્યા છે."
વિરાટ કોહલીએ માત્ર એક જ ફૉર્મેટમાં રમવા વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
રવિવારે ભારતે દક્ષિણ આફ્રિકાની સામે સિરીઝની પહેલી વન-ડેના રોમાંચક મુકાબલામાં 17 રનોથી જીત હાંસલ કરી હતી. આ જીતમાં વિરાટ કોહલીએ મોટી ભૂમિકા ભજવી હતી.
ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 349 રન બનાવ્યા જેમાં વિરાટ કોહલીએ 135 રન બનાવ્યા હતા.
કેટલાક સમયથી અટકળો ચાલી રહી છે કે વિરાટ કોહલી ટેસ્ટ ફૉર્મેટમાં પરત ફરી શકે છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, ભારતીય બેટિંગ કોચ સિતાંશુ કોટકે કહ્યું, "જે પ્રકારે વિરાટ રમી રહ્યા છે, તેમના ભવિષ્યને લઈને કોઈ સવાલ ન હોવો જોઈએ."
હકિકતમાં વિરાટે ટી20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે અને વન-ડે ફૉર્મેટમાં રમવાનું ચાલુ રાખ્યું છે.
રવિવારે તેમને મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યા. મૅચ બાદ જ્યારે તેમને પુછવામાં આવ્યું કે ક્રિકેટના એક જ ફૉર્મેટમાં તેઓ રમે છે અને આગળ પણ શું તેઓ આમ જ કરશે?
વિરાટ કોહલીએ કહ્યું, "હું બસ આ રમતના એક ફૉર્મેટમાં રમી રહ્યો છું."
પ્રદર્શનને લઈને પુછવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું, "જો તમે 300 વન-ડે મૅચ રમી છે અને છેલ્લા 15-16 વર્ષથી રમો છો, જેમ મેં કહ્યું કે જો, તમે રમતમાં બની રહો અને જાણો છો કે પ્રૅક્ટિસ દરમિયાન, વગર બ્રેક તમે દોઢ-બે કલાક રમો છો, તો તમે બૉલને ફટકારો છો, તો તમને ખબર છે કે તમે અનુકૂળ પ્રતિક્રિયાઓ મેળવી રહ્યા છો. તમે લાંબા ગાળા સુધી બેટિંગ કરવાની ક્ષમતા ધરાવો છો."
"હું સમજું છું કે ફૉર્મ નબળું પડ્યું હતું... તમે રમતને જુઓ છો તો ફૉર્મને પરત હાંસલ કરવાની કોશિશ કરો છો...પરંતુ જ્યાં સુધી તમે સારું રમો છો...મને લાગે છે કે તે સમયે મારી પાસે અનુભવ છે.. મારા માટે શારીરિક રીતે ફિટ અને માનસિક રીતે તૈયાર રહેવાનું અને રમત પ્રત્યે ઉત્સાહિત રહેવાનું વધારે મહત્ત્વપૂર્ણ છે."
દક્ષિણ એશિયામાં વાવાઝોડાં, પૂર અને ભૂસ્ખલનને કારણે 900થી વધુ લોકોનાં મોત

ઇમેજ સ્રોત, Getty Images
સેન્યાર વાવાઝોડાને કારણે ઇન્ડોનેશિયામાં મૃત્યુઆંક વધીને 442 થઈ ગયો છે. વાવાઝોડા બાદ થયેલા ભારે વરસાદ અને પૂરને કારણે અનેક લોકો ઘાયલ થયા છે અને બેઘર થઈ ગયા છે. સેંકડો ઘર તબાહ થઈ ગયાં છે.
રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે પરંતુ હજુ સેંકડો વિસ્તારો એવા છે જ્યાં રાહત અને બચાવ ટીમને પહોંચવામાં તકલીફ પડી રહી છે. ખાસ કરીને સુમાત્રા ટાપુ પર ભયંકર તબાહી થઈ છે. સેંકડો લોકો સંપર્કથી વિહોણા બની ગયા છે. સુમાત્રામાં જ 200 લોકોનાં મૃત્યુ થયાં છે અને લગભગ 200થી વધુ લોકો લાપતા છે.
આ વાવાઝોડાએ થાઇલૅન્ડ અને ફિલિપાઇન્સમાં પણ ભયંકર વિનાશ વેરાયો છે. થાઇલૅન્ડ, મલેશિયા અને ફિલિપાઇન્સ ઉપરાંત શ્રીલંકામાં પણ વાવાઝોડાએ વિનાશ વેર્યો છે.
દિત્વાહ વાવાઝોડાને કારણે શ્રીલંકામાં મરનારાની સંખ્યા વધીને 334 થઈ ગઈ છે. સેંકડો લોકો લાપતા છે.
દિત્વાહ વાવાઝોડું : શ્રીલંકામાં ભારે તબાહી, 330થી વધુનાં મોત, ઇમર્જન્સી જાહેર

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીલંકામાં વિનાશકારી પૂર અને ભૂસ્ખલનથી મરનારાની સંખ્યા 330થી વધુ થઈ છે, દેશમાં વાવાઝોડા દિત્વાહે ભીષણ તબાહી મચાવી છે.
શ્રીલંકા ઇમર્જન્સી વિભાગના જણાવ્યા અનુસાર, 200થી વધુ લોકો હજુ લાપતા છે. 20 હજાર જેટલાં ઘરો નષ્ટ થઈ ચૂક્યાં છે. એક લાખ કરતાં વધુ લોકોને સુરક્ષિત સ્થાનોએ ખસેડવામાં આવ્યા છે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દેશમાં લગભગ 30 ટકા વિસ્તારમાં વીજળી કે પાણીની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.
વાવાઝોડા દિત્વાહને કારણે ઇમર્જન્સીની સ્થિતી જાહેર કરી દેવામાં આવી છે.
રાષ્ટ્રપતિ અનુરાકુમારા દિસાનાયકેએ કહ્યું છે કે આ દેશના ઇતિહાસની સૌથી મોટી પડકારજનક પ્રાકૃતિક આફત છે. તેને કારણે તબાહી એટલી થઈ છે કે તેનું પુનર્નિમાણનું અનુમાન લગાવવું અઘરું છે.
સરકારે આંતરરાષ્ટ્રીય મદદની અપીલ કરી છે. વિદેશોમાં રહેતા શ્રીલંકાઈ નાગરિકો પાસે પણ પ્રભાવિત લોકોની સહાયતા માટે અપીલ કરવામાં આવી છે.
વાવાઝોડું દિત્વાહ શુક્રવારે શ્રીલંકાના તટ વિસ્તારમાં ટકરાયું હતું, પરંતુ ત્યાર પછી તે આગળ વધી ગયું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












