ગુજરાતમાં હજી બે દિવસ સુધી ભારે વરસાદની શક્યતા, કયા જિલ્લાઓમાં પડશે ધોધમાર વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે અને મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયામાં ખૂબ સારો વરસાદ થયો છે. જોકે, હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ ધીમી પડી જશે તો કેટલાક વિસ્તારોમાં અટકી જશે.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર હજી ગુજરાતમાં પાંચ દિવસ સુધી વરસાદની શક્યતા છે પરંતુ ભારેથી અતિભારે વરસાદમાં ઘટાડો થવાની શક્ચતા છે.
રાજસ્થાન પર સર્જાયેલી લૉ-પ્રેશર સિસ્ટમ હવે નબળી પડી ગઈ છે અને તે સાયક્લૉનિક સર્ક્યુલેશન બની ગયું છે. આ સિસ્ટમ હવે ઉત્તર-પૂર્વ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની આસપાસ પહોંચી છે એટલે કે ગુજરાતથી દૂર ગઈ છે.
જેના કારણે મૉન્સુન ટ્રફ પણ ઉત્તર ભારત તરફ ખસી છે અને રાજસ્થાનના બિકાનેરથી મધ્ય પ્રદેશના સતના તરફ આગળ વધીને બંગાળ સુધી પહોંચી રહી છે.
એના કારણે ગુજરાતમાં પડી રહેલા વરસાદમાં આજે ઘટાડો થવાની સંભાવના છે પરંતુ વરસાદ સાવ બંધ નહીં થાય અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા હજી રહેલી છે.

ગુજરાતના કયા જિલ્લાઓમાં હજી ભારે વરસાદની શક્યતા?

ઇમેજ સ્રોત, ANI
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં હજી કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
11 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહિસાગર, ખેડા, દાહોદ અને પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. કોઈ સ્થળે ભારેથી થોડો વધારે વરસાદ પણ પડવાની સંભાવના છે.
આ સિવાય આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં પણ કેટલાંક સ્થળોએ વધારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાન વિભાગ અનુસાર આવનારા બેથી ત્રણ દિવસ સુધી હજી ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કોઈ સ્થળોએ ભારે વરસાદ શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં શું સ્થિતિ રહેશે?

ઇમેજ સ્રોત, Getty Images
સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસથી સારો વરસાદ થઈ રહ્યો છે, તો કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ પડ્યો હતો.
જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના જિલ્લાઓને વરસાદથી રાહત મળે તેવી શક્યતા દેખાઈ રહી છે, એટલે કે આ પ્રદેશોમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના છે.
હવામાન વિભાગ અનુસાર 11 જુલાઈથી કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, બોટાદ તથા જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. ઘણા વિસ્તારોમાં હવે વરસાદ બંધ થવાની શક્યતા છે અને ખેડૂતો નિંદામણ જેવા કાર્યો કરી શકશે.
અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હજી વરસાદ પડવાની સંભાવના છે અને કોઈ વિસ્તારોમાં થોડો વધારે વરસાદ પણ થઈ શકે છે.
જોકે, આવનારા પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ અમદાવાદ અને પાટણ જિલ્લામાં પણ છુટાછવાયા વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં ફરી ક્યારે વરસાદ વધશે?
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું 10 દિવસ મોડું શરૂ થયું હતું પરંતુ તે બાદ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થયો છે.
સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની શરૂઆત થતી હોય છે. આ વર્ષે રાજ્યમાં 25 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી. જે બાદ સતત રાજ્યમાં સારો વરસાદ થઈ રહ્યો છે.
આ પહેલાં ગુજરાતમાં આવેલા બિપરજોય વાવાઝોડાના કારણે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો અને ચોમાસા પહેલાં જ અનેક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થઈ ગયો હતો.
હવે આવનારા ચારથી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના છે. જોકે, હવામાન વિભાગની માહિતી પ્રમાણે પાંચ કે છે દિવસ બાદ ફરીથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી સંભાવના દેખાઈ રહી છે
















