ગુજરાતમાં SIR પ્રક્રિયા બાદ બહાર પડેલી અંતિમ મતદાર યાદી અંગે નવા સવાલો ઊભા થયા છે?

- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 4 મિનિટ
ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) પ્રક્રિયા બાદ બહાર પડેલી અંતિમ મતદાર યાદી અંગે નવા સવાલો ઊભા થયા છે.
કેટલાંક સંગઠનોનું કહેવું છે કે અંતિમ યાદીમાં કાપાયેલા મતદારોનાં નામ અને કારણોની વિગત જાહેર કરવામાં આવી નથી, જ્યારે ડ્રાફ્ટ યાદી સમયે આવી માહિતી ઉપલબ્ધ હતી.
રાજ્ય ચૂંટણીપંચની ડ્રાફ્ટ યાદી બહાર પડ્યા બાદ જ્યારે છેલ્લી યાદી બહાર પડી ત્યારે કુલ 3,95,555 મતદારો ઘટી ગયા હતા, જ્યારે 9,56,121 મતદારો વધી ગયા હતા.
એકંદરે ડ્રાફ્ટ યાદી અને છેલ્લી યાદીમાં કુલ 5,60,566 મતદારોનો નેટ વધારો થયો હતો.
જો કે અમદાવાદની માઇનૉરિટી કો-ઓર્ડિનેશન કમિટી નામની સંસ્થાએ ઇલેક્શન કમિશનને રજૂઆત કરી છે કે, છેલ્લી યાદીમાં કમી કરાયેલા મતદારોનો આંકડો રજૂ કરવામાં આવ્યો છે, પરંતુ તેમાં કમી કરાયેલા મતદારોના નામ સાથેની વિગતો બહાર પાડવામાં આવી નથી.
આ યાદી બહાર પાડવા માટેની રજૂઆત કરવામાં આવી છે. જો કે ડ્રાફ્ટ યાદી બહાર પડી તે સમયે આ પ્રકારની યાદી જાહેર કરવામાં આવી હતી, પરંતુ છેલ્લી મતદાર યાદી પછી કમી કરાયેલાં નામોની યાદી જાહેર કરવામાં આવી નથી.
ઉદાહરણ તરીકે ચૂંટણીપંચની વેબસાઇટ પ્રમાણે, નરોડા વિધાનસભાના ભાગ નંબર 180, કુબેરનગર-47ની ડ્રાફ્ટ યાદી મતદાર યાદી ક્રમાંક, મતદારનું નામ, અને ઇન્યુમરેશન ફૉર્મ પરત ન મળવાનું કારણ જેમ કે મૃત્યુ, બીજે રહેવા જતા રહ્યા છે, કે પછી ગેરહાજર એમ કારણ લખેલું છે.
આ પ્રકારનું લિસ્ટ છેલ્લી મતદાર યાદી સમયે બહાર પાડવામાં આવી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો કે આ વિશે બીબીસી ગુજરાતીએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
તેમનો પ્રતિભાવ મળ્યે તરત જ અહેવાલમાં ઉમેરી દેવામાં આવશે.
ગુજરાતમાં આ યાદીની જરૂર કેમ છે?

ઇમેજ સ્રોત, Gujarat Election Commission
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એક તરફ જ્યાં ડ્રાફ્ટ યાદી અને છેલ્લી યાદીમાં આશરે 3.95 લાખ મતદારો કમી થયા છે, ત્યાં 9 લાખથી વધુ મતદારોનો ઉમેરો પણ થયો છે.
કમી થયેલા લોકોનું નામ મુખ્યત્વે મૃત્યુ, સ્થળાંતર, ગેરહાજર કે પછી 2002ની મતદાર યાદીમાં નામ ન મળવાને કારણે થાય છે.
સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની (SIR) પ્રક્રિયા સમયે 2002ની મતદાર યાદીમાં જે લોકોનું નામ હોય તેવા લોકોને કોઈ પણ પુરાવા આપવાની જરૂર ન હતી, અને જેમનું નામ ન હોય, તેમને કમિશનને નક્કી કરેલા 11 પુરાવામાંથી કોઈ પણ એક પુરાવો રજૂ કરવાનું કહેવામાં આવ્યું હતું.
ડ્રાફ્ટ યાદી સમયે જે રીતે વિગતો જાહેર કરાઈ અંતિમ યાદી સાથે કમી થયેલા લોકોની વિગતો રજૂ નથી થઈ તે સંદર્ભે, બીબીસી ગુજરાતીએ માઇનૉરિટી કો-ઓર્ડિનેશન કમિટીના કન્વીનર, મુજાહીદ નફીસ સાથે વાત કરી.
તેમણે જણાવ્યું કે, "ડ્રાફ્ટ યાદી સમયે અમને ખ્યાલ આવી રહ્યો હતો, કે કયા બૂથમાં કોનું નામ કમી થયું છે, અને તેનું કારણ શું છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે, અમને તો ખબર જ નથી કે કયા બૂથમાં કોનું નામ નીકળ્યું છે, અને તેનું શું કારણ છે."
"જો ડ્રાફ્ટ યાદી સમયે Absent, Shifted, Deathની વિગત બહાર પાડી શકાય છે, તો અંતિમ યાદી સમયે તે યાદી કેમ નહીં."
તેઓ વધુમાં કહે છે કે, "જે રીતે વિવિધ વિધાનસભાઓમાં હજારોની સંખ્યામાં ફૉર્મ 7 ભરાયાં છે, તે જોતાં લાગે છે કે, કમી થયેલા લોકોના નામ સાથેની વિગત જાહેર કરવી જોઈએ જેથી જો ખોટાં ફૉર્મ 7 ને કારણે કોઈનું નામ કમી થયું હોય તો તે નામ વિશે જે તે મતદારને અને વિવિધ આગેવાનોને ખ્યાલ આવી શકે."
"જ્યાં સુધી આ પ્રકારની યાદી જોવા ન મળે ત્યાં સુધી અમને વિશ્વાસ નથી આવી રહ્યો કે કમી થયેલાં નામો ખોટાં ફૉર્મ 7 ને કારણે નહીં થયાં હોય."
જો કે બીજી બાજુ અમુક આગેવાનો એ પણ માને છે કે, એવું નથી કે દરેક મુસ્લિમ વિસ્તારથી નામો કમી થયાં હોય.
જુહાપુરાના રહેવાસી અને મુસ્લિમ આગેવાન કૌસર અલીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "મુસ્લિમ વિસ્તારોમાં લોકો ખૂબ સક્રિય હતા. દરેક મતદાર દરેક પ્રકારના ડૉક્યુમેન્ટ સાથે તૈયાર હતો, અનેક એનજીઓ અને કાર્યકર્તાઓ કામે લાગેલા હતા, કે આ પ્રક્રિયામાં જરૂરી તમામ દસ્તાવેજો જે તે BLO ને આપી દેવાય."
"એટલે મારા મત પ્રમાણે બધા જ મુસ્લિમ વિસ્તારમાં મોટી સંખ્યામાં નામો કમી નથી થયાં."
શું કહે છે છેલ્લી યાદીના આંકડા?

ઇમેજ સ્રોત, Gujarat Election Commission
SIRની પ્રક્રિયાના અંતમાં 17મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ યાદી બહાર પાડવામાં આવી હતી.
ડ્રાફ્ટ યાદીની સરખામણીએ આ અંતિમ યાદીમાં સૌથી વધુ મતદારો કમી થયાં હોય તેવા જિલ્લામાં 85 હજારથી વધુ મતદારો સાથે સુરત મોખરે છે, ત્યાર બાદ અમદાવાદમાં લગભગ 47 હજારથી વધારે મતદારો કમી થયા છે, જ્યારે તે બાદ બનાસકાંઠાનો ક્રમ આવે છે, જેમાં 21 હજારથી વધુ મતદારો કમી થયા છે.
જો કે તેની સામે નવા મતદારો ઉમેરાયા પણ છે. જેમ કે સુરતમાં 101578 મતદારો વધ્યા છે, અમદાવાદમાં 153234 મતદારો વધ્યા છે, જ્યારે બનાસકાંઠામાં 33504 મતદારો વધ્યા છે.
એટલે કે ક્રમશ: સુરતમાં અંદાજીત 0.44 ટકા મતદારો વધ્યા છે, અમદાવાદમાં 2.20 ટકા મતદારો વધ્યા છે, જ્યારે બનાસકાંઠામાં 0.74 ટકા મતદારોની સંખ્યામાં વધારો થયો છે.
આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરતા સમયે મુખ્ય ચૂંટણી અધિકારી હારીત શુક્લાએ જણાવ્યું હતું કે, "મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની કામગીરી નિયત સમયમાં પૂર્ણ થાય તે માટે 34 જિલ્લા ચૂંટણી અધિકારી, 182 મતદાર નોંધણી અધિકારી, 855 સહાયક મતદાર નોંધણી અધિકારી, 50,963 BLO તથા અનેક સ્વયં સેવકોની સહભાગીતાને કારણે આ કાર્ય પૂર્ણ થયું છે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "કુલ 5,08,43,436 મતદારો પૈકી 4,34,70,109 મતદારો પાસેથી ઇન્યુમરેશન ફોર્મ મળ્યા હતા, જેનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું, અને અંતિમ યાદી સમયે કુલ 4,40,30,725 મતદારો મતદાર યાદીમાં રહ્યા હતા, જેમાં નવા ઉમેરાયેલા મતદારોનો પણ સમાવેશ થાય છે."
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં SIRની શરૂઆત 27મી ઑક્ટોબર 2025ના રોજ શરૂ કરવામાં આવી હતી, જે સાડા ત્રણ માસ સુધી ચાલી હતી.
મતદાર યાદીમાં પોતાના નામ સમાવેશ કરવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સંબંધી હક્ક-વાંધા-દાવાઓ 19મી ડિસેમ્બર 2025ના રોજ રજૂ કરવામાં આવ્યા હતા, ત્યાર બાદ ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલ કરવામાં આવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












