અમેરિકામાં PM મોદીના ભોજન-સમારોહમાં પિરસાયેલા 'પટેલ વાઇન'ના માલિક રાજ પટેલની સફળતાની કહાણી

ઇમેજ સ્રોત, @patelwinery
- લેેખક, પારસ કે. જ્હા
- પદ, બીબીસી સંવાદદાતા
"હું ગુજરાતી અને ભારતીય મૂળનો છું, એટલે વ્હાઇટ હાઉસમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સન્માન માટે યોજાયેલા ભોજન સમારંભમાં અમારો વાઇન સામેલ કરવામાં નથી આવ્યો. અમારો વાઇન એ સમારંભમાં એટલા માટે પસંદ કરવામાં આવ્યો, કેમ એ અમેરિકાના શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત વાઇન્સમાંથી એક છે."
આ શબ્દો કહેતી વખતે 1972માં છ વર્ષની વયે ગુજરાતથી પરિવાર સાથે અમેરિકા સ્થળાંતર કરી ગયેલા, રાજ પટેલના અવાજમાં ગુજરાતી-ભારતીય-અમેરિકન ઓળખ અને પોતાના વાઇનના ઉત્પાદન માટેનું ગૌરવ પડઘાતું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના નિમંત્રણથી 21થી 23 જૂન દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. જ્યારે કોઈ પણ દેશના વડા દેશ-વિદેશમાં પ્રવાસ કરતા હોય ત્યારે તેમના સન્માનમાં યોજવામાં આવતા ભોજન-સમારંભોમાં તેમને શી વાનગીઓ પિરસાઈ એની વિગતો સમાચાર બની જતી હોય છે.
વડા પ્રધાન મોદી માટે વ્હાઇટ હાઉસમાં બાઇડન દંપતી દ્વારા યોજાવામાં આવેલા ભોજન-સમારંભના મૅન્યુનો ફોટોગ્રાફ પણ સમાચાર માધ્યમોમાં વાઇરલ થયો હતો.
આ મૅન્યૂમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે તૈયાર કરવામાં આવેલી શાકાહારી વાનગીઓ સિવાય જો કોઈ બાબતે સૌથી વધુ ધ્યાન ખેંચ્યુ હોય તો એ સમારંભમાં પિરસવામાં આવેલો ‘પટેલ રેડ બ્લૅન્ડ’ વાઇન. આ વાઇનની ચર્ચા એના નામમાં આવેલા ‘પટેલ’ શબ્દને કારણે સમાચાર માધ્યમોમાં ખૂબ થઈ.
અમેરિકામાં વાઇન સ્ટોર ધરાવતા હોય તેવા અનેક ગુજરાતીઓ મળી જશે, પરંતુ વાઇન બનાવવા માટેનું 'વિનયાર્ડ' અને લાઇસન્સ ધરાવનાર પ્રથમ ભારતીય હોવાનો રાજ પટેલ દાવો કરે છે.
સદીઓથી વતનમાંથી વિદેશમાં સ્થળાંતર કરીને ઉદ્યોગસાહસિકતાથી સંપત્તિસર્જન કરવામાં ગુજરાતી પ્રજા અગ્રેસર છે. 1972માં પરિવાર સાથે છ વર્ષની વયે અમેરિકા પહોંચેલા રાજ પટેલને પણ એ ઉદ્યોગસાહસિકતાનું એક ઉદાહરણ કહી શકાય.

રાજ પટેલની ગુજરાતથી અમેરિકા સુધીની સફર

ઇમેજ સ્રોત, Raj Patel
બીબીસી ગુજરાતી સાથે પોતાનાં વતન અને અમેરિકા સ્થળાંતર વિશે વાત કરતા રાજ પટેલ કહે છે, "અમારો પરિવાર છેક 1923થી અમેરિકામાં સ્થાયી થવા લાગ્યો હતો. એ સમયે અમારો પરિવાર અમેરિકામાં સ્થાયી થયેલા શરૂઆતના ખૂબ ઓછા પટેલ પરિવારો પૈકી એક હતો. મારા કાકાના ભાઈ 1923માં અહીં 17 વર્ષની વયે બોટમાં મુસાફરી કરીને આવ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેમના ભાઈ 1962માં અમેરિકા પહોંચ્યા અને મારાં માસા-માસી 1958 કે 1962માં અમેરિકા આવી ગયાં. એટલે મારા પિતા પણ વધુ તકોની આશા સાથે પરિવાર લઈને 1972માં અમેરિકા આવ્યા, અને સાન ફ્રાન્સિસ્કો, કૅલિફૉર્નિયામાં સ્થાયી થયા. મારું અને મારા કાકા, માસીનાં સંતાનો અમારાં બધાંનું બાળપણ સાન ફ્રાન્સિસ્કોમાં જ વીત્યું."
"મારા પરિવારમાં કામકાજ માટે વિદેશ જવાનું ચલણ મારા દાદાના સમયથી છે. મારા દાદા 1930ના સમયગાળામાં દક્ષિણ આફ્રિકા, જર્મની, ઇજિપ્ત જેવા દેશોમાં કામ કરી ચૂક્યા હતા. મારા પિતા મણિવલ્લભ પટેલ દક્ષિણ ગુજરાતના સુરત નજીક આવેલા પારડી ગામમાં ખેતી કરતા હતા અને સાથે નાનો-મોટો બિઝનેસ કરતા."

ગુજરાતીમાંથી ‘અમેરિકન ઇન્ડિયન ગુજરાતી’ બનવાની સફર

ઇમેજ સ્રોત, @patelwinery.com
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અત્યારે ઘણા બધા દેશોમાં સ્થળાંતર કરી શકાય છે. કારણ કે હવે ઘણા દેશોમાં અંગ્રેજી બોલાય છે, પરંતુ 1972નું અમેરિકા અને એ સમય જુદા હતા.
રાજ પટેલ કહે છે, "મારા પિતા જ્યારે અહીં આવ્યા ત્યારે તેમની ઉંમર લગભગ 50 વર્ષ જેટલી હતી. એમની ઉંમરને જોતાં અહીં સ્થળાંતર કરવું સહેલું નહોતું, પરંતુ એમણે એ કર્યું. હું ગુજરાતમાં જ જન્મ્યો હતો. ત્યાં હું છ વર્ષ સુધી રહ્યો હતો એટલે જ્યારે હું અમેરિકા આવ્યો ત્યારે સ્વાભાવિક રીતે જ હું અંગ્રેજી નહોતો બોલી શકતો."
"જોકે સાન ફ્રાન્સિસ્કોની સારી વાત એ હતી કે એ સમયે અહીં મોટી સંખ્યામાં ચીન અને અન્ય એશિયન દેશોના લોકો રહેતા હતા. એમનાં બાળકો પણ અંગ્રેજી નહોતાં બોલી શકતાં. એટલે અમે બધાં એકબીજાને જોઈને, સાંભળીને એકબીજા પાસેથી શીખીને અંગ્રેજી બોલતાં થઈ ગયાં."
"હવે હું માત્ર મારાં ભાઈબહેન સાથે જ ગુજરાતીમાં વાતચીત કરી શકું છું, અને મારાં બાળકો ભાગ્યે જ ગુજરાતી બોલે છે. કારણકે હાલમાં અમે લોકો સિલિકૉન વૅલી વિસ્તાર સેન હોસેમાં રહીએ છીએ. અહીં ભારતના જુદાજુદા પ્રદેશોમાંથી આવેલા લોકો મોટી સંખ્યામાં રહે છે, અને બધા જ ભારતીયો પોતાની ભાષા સિવાયના અન્ય ભારતીયો સાથે અંગ્રેજીમાં જ વાતચીત કરે છે."

કૉકેશિયનોના આધિપત્યવાળા ઉદ્યોગમાં ગુજરાતીએ કેવી રીતે પગ મૂક્યો?

ઇમેજ સ્રોત, Raj Patel
અમેરિકામાં મોટા થવું અને પછી યુરોપીયન મૂળના (કૉકેશિયન) અમેરિકનોનું આધિપત્ય ધરાવતો હોય એવા (વાઇનઉત્પાદનના) બિઝનેસમાં જવું એ ખૂબ મુશ્કેલ હતું. આલ્કોહોલનું વેચાણ કરવું, એના સ્ટોર ચલાવવા અને આલ્કોહોલનું ઉત્પાદન કરવું એ અલગ બિઝનેસ છે. એના માટેનાં લાઇસન્સ અલગ અલગ હોય છે.
તેમણે કહ્યું, "હું કોઈ 20-25 વર્ષ પહેલાંની વાત નથી કરી રહ્યો. મને મારી વાઇનરી માટેનું લાઇસન્સ 2007માં મળ્યું. એ વખતે વાઇન બનાવવા માટેનું લાઇસન્સ મેળવનાર હું પહેલો ભારતીય હતો. એ વખતે આવું લાઇસન્સ ધરાવનારા બીજા કોઈ ભારતીય નહોતા, કારણ કે સમગ્ર વાઇનમેકિંગ ઉદ્યોગમાં કૉકેશિયન સમુદાયનું મજબૂત પ્રભુત્વ છે."
તેઓ કહે છે, "પહેલાં જ્યારે હું લાઇસન્સ માટેની મિટિંગોમાં જતો ત્યાં મને બીજી બધી વાઇનરીના માલિકો મળતા અને ત્યાં હું એકમાત્ર ભારતીય વ્યક્તિ રહેતો. હવે અમેરિકામાં લઘુમતી સમાજના (ભારતીય, જાપાનીઝ, ચાઇનીઝ, હિસ્પેનિક, આફ્રિકન અમેરિકન અને વિશ્વના અન્ય દેશોમાંથી આવેલા બિન-અમેરિકન) લોકો આ ઉદ્યોગમાં આવી રહ્યા છે."

વાઇનની 100 બૉટલો સાથે શરૂઆત

ઇમેજ સ્રોત, @patelwinery.com
રાજ પટેલે ભલે 2007માં તેમની વાઇનરીમાં તૈયાર થયેલી વાઇનની 100 બૉટલ સાથે આ ઉદ્યોગમાં શરૂઆત કરી, પરંતુ તેનાં બીજ તો છેક 1989માં તેમના મનમાં રોપાઈ ચૂક્યાં હતાં. તેમણે નક્કી કર્યું હતું કે, તેઓ 50 વર્ષના થશે ત્યાં સુધીમાં પોતાની એક વાઇનરી શરૂ કરશે. જોકે, પોતાની એ મહત્ત્વકાંક્ષાને પૂર્ણ કરવા માટે તેમણે પોતે 50 વર્ષના થાય ત્યાં સુધી રાહ નહોતી જોવી પડી.
માત્ર 35 વર્ષની વયે જ તેમણે અમેરિકામાં બનતા કુલ વાઇનના ઉત્પાદનમાં સરેરાશ 81 ટકા જેટલો હિસ્સો ધરાવતા રાજ્ય કૅલિફૉર્નિયામાં નાપા વૅલીમાં પોતાની ‘પટેલ વાઇનરી’ની શરૂઆત કરી.
વાઇનમેકિંગ બિઝનેસમાં આવવા વિશે તેમણે કહ્યું, "સમર ઇન્ટર્નશિપ્સમાં મેં જ્યારે રૉબર્ટ મોન્ડાવી સાથે 1989માં કામ કર્યું ત્યારે મને મારી વાઇનરી બનાવવાની પ્રેરણા મળી. મને જ્યારે વાઇન બનતો હોય ત્યારે તેને ટેસ્ટ કરવાની તક મળી. મને એ સમયે વાઇન બનાવવાની પ્રક્રિયા સમજવાનો મોકો મળ્યો. મને ત્યાં આકસ્મિક રીતે જ નોકરી મળી."
રૉબર્ટ મોન્ડાવી ફૅમિલી વાઇનરી એ અમેરિકાના પ્રતિષ્ઠિત વાઇન-ઉત્પાદકોમાંથી એક છે. મૂળ ઇટાલીયન એવો પરિવાર ત્રણ પેઢીથી વાઇન ઉત્પાદનના બિઝનેસમાં છે. તેમણે ગુણવત્તામાં યુરોપના વાઇનની સ્પર્ધા કરી શકે તેવા અમેરિકન વાઇનનું ઉત્પાદન શરૂ કર્યું. રાજ પટેલને આ પરિવારની વાઇનરીમાં જ તેમના બાયોકેમેસ્ટ્રીના અભ્યાસને કારણે લૅબ ટેકનિશિયનની નોકરી મળી. તેમણે કહ્યું, "મને ત્યાં વાઇન કેવી રીતે ટેસ્ટ કરવો એ શીખવા મળ્યું. એમાં મોન્ડાવી પરિવારે મારું કામ જોઈને મને કહ્યું કે મારામાં વાઇન પારખવાની પ્રતિભા છે."
"તેમણે જ્યારે મને આ કહ્યું ત્યારે મેં તેને ખાસ ધ્યાનમાં ન લીધું કહ્યું કે, બરાબર છે, પણ મને વાઇસ બિઝનેસની કંઈ જ ખબર નથી. પછી હું બૅન્કિંગ અને ફાઇનાન્સમાં ક્ષેત્રમાં જતો રહ્યો. ત્યાં મેં બૅન્ક ઑફ અમેરિકા સાથે 19 વર્ષ અને જેપી મૉર્ગન જેવી કંપનીમાં પાંચ વર્ષ કામ કર્યું પણ પછી જ્યારે મેં પ્રાઇવેટ બૅન્કિંગમાં કામ કરવાનું શરૂ કર્યું ત્યારે મને ધ્યાને આવ્યું કે હું હંમેશાંથી મારી પોતાની વાઇનરી શરૂ કરવાનું વિચારતો હતો. એ સમયે આ ઉદ્યોગ પરથી સરકારી નિયંત્રણો ઓછાં થઈ રહ્યાં હતાં. વાઇનમેકિંગ ઉદ્યોગમાં નાના રોકાણકારો પણ ઓછી મૂડી સાથે પ્રવેશ કરી શકે તેવા સંજોગોનું નિર્માણ થઈ રહ્યું હતું."

રાજ પટેલનો વાઇન જ્યારે વ્હાઇટ હાઉસમાં પિરસાયો

ઇમેજ સ્રોત, Getty Images
"અગાઉના દિવસોમાં જેમ કે રૉબર્ટ મોન્ડાવી પરિવારે પહેલાં જમીન ખરીદવી પડતી, પછી તેમાં વિનયાર્ડ (વાઇન માટેની દ્રાક્ષના બગીચા) વિકસાવવું પડતું અને પછી વાઇનરી શરૂ કરી શકાતી. જોકે, પછી કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગની મદદથી કોઈ વિનયાર્ડ સાથે કૉન્ટ્રૅક્ટ કરીને તેનાં ફળ (દ્રાક્ષ) ખરીદીને તમે તમારી વાઇનરીમાં વાઇન બનાવી શકો તેવી વ્યવસ્થા વ્યાવસાયિક સ્તરે શક્ય બની."
"એટલે હું ઓછી મૂડી સાથે આ વ્યવસાયમાં પ્રવેશ્યો અને પોતાનું વિનયાર્ડ ધરાવતા કેટલાક લોકોને મારી સાથે જોડીને મેં મારી પોતાની વાઇનરી શરૂ કરી."
વાઇનના બિઝનેસમાં વાઇનમેકરની ભૂમિકા અત્યંત મહત્ત્વની હોય છે અને રાજ પટેલને તેમની વાઇનરી સૌથી પહેલી વાઇન તૈયાર કરવામાં પણ રૉબર્ટ મોન્ડાવી પરિવારના એક પ્રોજેક્ટમાં કામ કરી ચૂકેલા વાઇનમેકરનો સાથ મળ્યો. તેમણે કહ્યું, "અમારી વાઇનરીમાં તૈયાર થયેલા વિન્ટેજ વાઇનને અમેરિકાના પ્રતિષ્ઠિત વાઇન રિવ્યૂઅર રૉબર્ટ પાર્કરના ‘ધ વાઇન ઍડ્વૉકેટ’ દ્વારા 100માંથી 95નું રેટિંગ મળ્યું હતું. તેને કારણે અમને ખૂબ ખ્યાતિ મળી અને અમારો બિઝનેસ વિકસ્યો."
"અમે એક લાંબી મજલ કાપી છે, અને જ્યારે અમારો વાઇન વ્હાઇટ હાઉસમાં યોજાયેલા સમારંભમાં પીરસવામાં આવ્યો ત્યારે એ અમારા માટે ખૂબ જ મોટા સન્માન અને ગર્વની ક્ષણ હતી."
"જ્યારે હું વાઇનમેકિંગ ઉદ્યોગમાં પ્રવેશ્યો ત્યારે આ ઉદ્યોગના શ્રેષ્ઠ સમયની શરૂઆત હતી. વર્ષ 2002થી 2004 સુધી અમેરિકામાં બે હજાર કરતાં પણ ઓછી વાઇનરી હતી અને મેં યોગ્ય સમયે શરૂઆત કરી, ત્યારે 2007માં બે હજાર જેટલી વાઇનરી હતી. હાલ અમેરિકામાં 8000થી 10,000 જેટલી વાઇનરી છે."

ઇમેજ સ્રોત, Raj Patel
જ્યારે રાજે પોતાની વાઇનરી શરૂ કરી ત્યારે ત્યાંના સ્થાનિક લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા કે એક ‘ઇન્ડિયન’ને વાઇનમેકિંગમાં શું ખબર પડતી હશે? પણ એમણે બિઝનેસની શરૂઆત કરી અને તેને વિકસાવી રહ્યા છે.
કોઈ ગુજરાતી પટેલ પરિવારો વાત થાય ત્યારે આપણા મનમાં ધાર્મિક અને સામાજિક નિયમોનું મોટા ભાગે ચુસ્ત પાલન કરતા પરિવારોનો ખ્યાલ હોય. જોકે, રાજ પટેલના દાદાના સમયથી તેમનો પરિવાર દુનિયાના જુદાં જુદાં દેશોમાં ફરતો રહ્યો હોવાથી તેમનામાં વૈશ્વિક મૂલ્યો અને ખાનપાનની પરંપરાનો સહજતાથી વિકાસ થયો છે.
તેઓ કહે છે, "અહીં અમેરિકામાં પણ ઘણા ભારતીય પરિવારો રૂઢિચુસ્ત હોય છે, જ્યાં માસાહારી ભોજન, આલ્કોહોલનું સેવન જેવી બાબતોને સંસ્કૃતિ વિરુદ્ધનું માનવામાં આવે છે. પરંતુ અમારો પરિવાર પહેલેથી જ પ્રગતિશીલ હતો. અમારા પરિવારમાં એ બધી બાબતોને વર્ષોથી સ્વીકારી લેવામાં આવી છે."
"સામાન્ય રીતે ભારતીયો અહીં વિવિધ વ્યવસાયો કરે છે. અહીં ભારતીયો વકીલ, ડૉક્ટરો, ઍંજિનિયરો, રાજકીય નેતાઓ બનતા જોવા મળશે, પરંતુ ભારતીયોનું વાઇન બિઝનેસમાં જવું અઘરું છે. કારણકે સાંસ્કૃતિક રીતે ગુજરાતી સમાજમાં આલ્કોહોલનું સેવન થતું નથી. પરંતુ મારા પિતા એ રીતે પ્રગતિશીલ હતા. તેઓ અને મારા દાદા પણ દક્ષિણ આફ્રિકા, જર્મની, ઇજિપ્ત જેવા દેશોમાં રહી ચૂક્યા હતા અને કામ કરી ચૂક્યા હતા. એટલે મારા પિતાને આલ્કોહોલ સામે કોઈ સમસ્યા નહોતી. તેઓ વાઇન નહીં પણ બીયર અને જ્હોની વૉકર જેવા આલ્કોહોલ પીતા હતા. "
"એમણે ચિકન અને મીટ ખાવાની આદત એટલા માટે પાડવી પડી હતી, કારણ કે 1930-40ના દાયકામાં જર્મનીમાં તમે કામ કરવા ગયા હો ત્યારે તમને નિયમિત રીતે શાકાહારી ભોજન મળી રહે એવો એ સમય નહોતો. ત્યારે જે કંઈ પણ ખાવા મળે તે તમારે સ્વીકારી લેવું પડતું. જે કહેવાય છે કે, વ્હેન ઇન રોમ, બી લાઇક રોમન (જેવા દેશો એવો વેશ) એટલે મને લાગે છે કે તેમણે એ વાતને સ્વીકારી લીધી હતી."
"એટલે એમાં ખૂબ મહેનત અને ખૂબ નસીબથી અમે એ કક્ષાએ પહોંચ્યા છીએ, જ્યાં અમારો વાઇન વ્હાઇટ હાઉસમાં ભારતના વડા પ્રધાન જે ગુજરાતી છે તેમના સન્માન-સમારંભમાં પિરસવામાં આવ્યો. મને આ માટે ઘણા લોકોએ ફોન કરીને અભિનંદન આપ્યાં. મને ખબર છે ત્યાં સુધી વડા પ્રધાન મોદી આલ્કોહોલનું સેવન નથી કરતા અને તેઓ શુદ્ધ શાકાહારી ભોજન લે છે."

કેવી રીતે 'પટેલ રેડ વાઇન' વ્હાઇટ હાઉસના મૅન્યૂમાં પ્રવેશ્યો?

ઇમેજ સ્રોત, RAJ PATEL
"અમારો વાઇન ખૂબ જાણીતો છે અને અમને તેના માટેના ખૂબ સારા રેટિંગ્સ મળે છે. જેમકે, અમારા રેડ વાઇનને સતત 100માંથી 92 રેટિંગ્સ મળે છે. સમગ્ર વાઇન ઇન્ડસ્ટ્રીમાં અમારું રેકિંગ ટોચની 1 કે 2 ટકા વાઇનરીમાં જ રહે છે. હું મારા વાઇમેકર સાથે બેસું છું અને માલિક તરીકે હું મારા બિઝનેસમાં ખૂબ જ ઘનિષ્ઠ રીતે ખૂંપેલો છું. અમારો બનાવેલો વાઇન અમેરિકાની કે ઇટાલીના શ્રેષ્ઠ વાઇન્સ કરતાં જરા પણ ઊણો ઊતરે એવો નથી. શરૂઆતથી જ અમારી બ્રાન્ડની શાખ ગુણવત્તાની બાબતમાં સાતત્યપૂર્ણ રહી છે. "
"અમેરિકામાં મોટા પ્રમાણમાં વાઇન રિવ્યૂઅરો અને વાઇન ક્રિટિક્સ છે. વ્હાઇટ હાઉસ આ પ્રકારના કોઈ પણ આયોજન માટે બહારના ઍક્સ્પર્ટ્સનો સંપર્ક કરે છે. તેમણે કોઈ વાઇન કન્સલ્ટન્ટનો સંપર્ક કર્યો હતો અને એ વાઇન કન્સલ્ટન્ટે અમારો સંપર્ક કર્યો હતો."

ઇમેજ સ્રોત, Raj Patel
"કોઈ પણ મેન્યૂમાં વાઇનનો સમાવેશ તેની સાથે પિરસવામાં આવનારા ભોજનને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. જેમકે આ સમારંભમાં શાકાહારી વાનગીઓ હતી એટલે એ વાનગીઓ સાથે ભળે તેવો વાઇન હોવો જોઈએ. આ ઉપરાંત એ સમારંભમાં 400 મહેમાનો હતા એમાંથી એવું માનીએ કે 200 મહેમાનો વાઇન વિશે ખાસ જાણકારી નહીં ધરાવતા હોય, પરંતુ બાકીના 200 મહેમાનો એવા હશે જેમને વાઇનના સ્વાદ, તેની સુગંધ અને તેની ગુણવત્તાની ઊંડી સમજ હશે જ. "
"અહીં મોટા ભાગની વાઇન અમેરિકાના ફૂડ કલ્ચરને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. એટલે માંસાહારી ભોજન સાથેની વાઇન અલગ હોઈ શકે છે. પરંતુ ભારતીયો દરેક પ્રકારના ભોજન સાથે વાઇન લઈ શકે છે એટલે રેડ વાઇનની પસંદગી કરવામાં આવી હતી."
"વ્હાઇટ હાઉસમાં પિરસવામાં આવતી કોઈ પણ વાનગી કે વાઇનને અમેરિકાના પ્રતિબિંબ તરીકે જોવામાં આવે છે. એ એવું દર્શાવે છે કે, એ વસ્તુ અમેરિકાની શ્રેષ્ઠ વસ્તુ છે જેની ત્યાં રજૂઆત થઈ રહી છે. અમારા વાઇનને સંખ્યાબંધ ઍક્સ્પર્ટ્સ દ્વારા ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને પછી તેમણે એ વાઇનની શ્રેષ્ઠ ગુણવત્તાને આધારે તેનો મૅન્યુમાં સમાવેશ કર્યો હતો. "
"ફ્રાન્સના વડા પ્રધાન અહીં આવે તો અહીં ઘણા ફ્રેન્ચ વાઇનમેકર્સ છે, પરંતુ એ ફ્રાન્સના વડા પ્રધાનનું જે વતન છે, તે જ વતન એ વાઇનમેકરનું હોય તેવું સામાન્ય રીતે જોવા નથી મળતું. મારું ગુજરાતી હોવું એ યોગાનુયોગ છે કે ભારતના વડા પ્રધાન પણ ગુજરાતી છે અને તેમના સન્માન સમારંભમાં ગુજરાતીની વાઇનરીનો વાઇન પીરસવામાં આવે. "
"કારણ કે, વાઇનની પસંદગી એટલા માટે નહોતી થઈ કે તેના પર પટેલનું લૅબલ હતું. એની પસંદગી એટલા માટે થઈ હતી તે અપવાદરૂપ શ્રેષ્ઠ ગુણવત્તા ધરાવે છે. અમારો વાઇન એ અમારી, અમેરિકાની શ્રેષ્ઠ કાર્યપદ્ધતિની રજૂઆત છે. "
આ ગુજરાતી ઉદ્યોગસાહસિક હવે ભાગ્યે જ ગુજરાતની મુલાકાત લે છે કારણ કે તેમનો સમગ્ર પરિવાર અમેરિકા અને અન્ય દેશોમાં સ્થાયી થઈ ગયો છે. તેમના નજીકના પિતરાઈઓ અને સ્વજનો દક્ષિણ આફ્રિકા, ઇંગ્લૅન્ડ જેવા દેશોમાં સ્થાયી થયા છે.
જોકે, તેઓ ગુજરાત નહીં તો ભારતની મુલાકાત લેવાનું આયોજન કરી રહ્યા જ છે.
તેમણે કહ્યું, "અમેરિકાની વિવિધ કન્ટ્રી ક્લબ્સમાં મને વાઇન ટેસ્ટિંગ ઍક્સ્પિરિયન્સ આપવા માટે આમંત્રણ મળે છે. એવી જ રીતે મને ન્યૂ દિલ્હી વાઇન ક્લબ તરફથી પણ તેમની મુલાકાત લેવાનું આમંત્રણ મળ્યું છે. હું એનું આયોજન કરી રહ્યો છું."














