ગુજરાતી ગરબામાં એવું શું ખાસ છે કે યુનેસ્કોએ હેરિટેજમાં સ્થાન આપ્યું?

ગરબો

ઇમેજ સ્રોત, Getty Images

યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટેની આંતરસરકારી સમિતિએ ગુજરાતના ગરબાને ‘માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસા’માં સામેલ કર્યો છે.

આ સમાચાર પર ખુશી વ્યકત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર લખ્યું છે, “ગરબો એ જિંદગી, એકતા અને આપણી સંસ્કૃતિની ઉજવણી છે. તેનું યુનેસ્કોના માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સામેલ થવું એ વિશ્વભરને ભારતીય સંસ્કૃતિની ખૂબસૂરતી દેખાડે છે. આ સન્માન અમને અમારી સંસ્કૃતિ અને વારસાને જાળવી રાખવાની અને આવનારી પેઢીઓ સુધી આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરે છે.”

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા એક્સ પર લખ્યું છે, “ગરબા એ દેવીશક્તિની પૂજા કરવાની એક અનન્ય અભિવ્યક્તિ છે. ગરબાનું યુનેસ્કોના અમૂર્ત માનવતાના સાંસ્કૃતિક વારસામાં સામેલ થવું એ ગુજરાત અને ભારત માટે ગર્વની વાત છે. ભારતની સંસ્કૃતિને આ સન્માન વિશ્વ દ્વારા મળ્યું છે.”

ભૂપેન્દ્ર પટેલ યુનેસ્કો દ્વારા ગરબાની ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા' તરીકે પસંદગી થવા સંદર્ભે અમદાવાદના ભદ્રકાળી મંદિર ખાતે અમદાવાદ મહાનગરપાલિકા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

સાંસ્કૃતિ વારસાના યુનેસ્કોના માપદંડો શું છે?

ગરબા

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH

યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સુરક્ષા માટેની આંતરસરકારી સમિતિના 18મા અધિવેશનમાં કમેટીએ અલગ-અલગ દેશો દ્વારા મોકલેલાં આવેદનોનું મૂલ્યાંકન કર્યું, જેમાંથી 45 આવેદનોને માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સામેલ કરવામાં આવ્યા છે, જ્યારે છ આવેદનોને એવી શ્રેણીમાં રાખવામાં આવ્યાં કે તે સાંસ્કૃતિક કે વારસાને બચાવવાની અત્યંત જરૂર છે.

'ગુજરાતના ગરબા' ઉપરાંત કેટલીક કળા અને વારસો- જેવી કે બાંગ્લાદેશના ઢાકામાં રિક્ષા અને રિક્ષા પરનું ચિત્રકામ, થાઇલૅન્ડમાં સોંગક્રન, થાઇલૅન્ડનો પરંપરાગત થાઇ ન્યૂ યર ફૅસ્ટિવલ, હિરાગાસી, મેડાગાસ્કરના સૅન્ટ્રલ હાઇલેન્ડ્સની પર્ફૉર્મિંગ કળા, બહામાઝમાંથી જંકનુ અને સુદાનમાં પયગંબર મહમદના જન્મદિનની શોભાયાત્રા અને ઉજવણીનો સમાવેશ થાય છે.

યુનેસ્કોના મતે સાંસ્કૃતિક વારસો માત્ર સ્મારકો અને વસ્તુઓનો સંગ્રહ જ નથી. તેમાં આપણા પૂર્વજો પાસેથી વારસામાં મળેલી પરંપરાઓ અથવા જીવંત અભિવ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે અને તે આપણા વંશજોને આપવામાં આવે છે, જેમ કે મૌખિક પરંપરાઓ, પર્ફૉર્મિંગ આર્ટ્સ, સામાજિક પ્રથાઓ, ધાર્મિક વિધિઓ, ઉત્સવો, પ્રકૃતિ અને બ્રહ્માંડને લગતી જ્ઞાન અને પ્રથાઓ અથવા પરંપરાગત હસ્તકલા બનાવવા માટેની જ્ઞાન અને કુશળતા.

ગરબો એ યુનેસ્કોના માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની શ્રેણીમાં સામેલ થનાર ભારતનો 15મો વારસો છે.

આ પહેલાં યુનેસ્કોએ રામલીલા, યોગ, વૈદિક મંત્રોચ્ચાર, કુંભ મેળો, કુટ્ટીયાટમ, કેરળનાં સંસ્કૃત નાટકો, ગઢવાલ હિમાલયનો ધાર્મિક એઅને વારસાગત નાટક રમન અને મુદીયેટ્ટુ, (જે કેરળનાં વારસાગત નૃત્ય નાટકો છે) ઉપરાંત રાજસ્થાનનાં કાલબેલિયા ગીતો અને નૃત્ય, પૂર્વ ભારતનો ચાઉ નૃત્ય, લદાખના બૌદ્ધ મંત્રોચ્ચાર, મણિપુરનાં પારંપારિક ગીતો અને નૃત્ય – સંકીર્તના, પંજાબનાં પિત્તળ અને તાંબાનાં વાસણ બનાવવાની હસ્તકળા, નવરોઝ અને કલકત્તાની દુર્ગાપૂજાને સામેલ કર્યાં છે.

ગરબો એટલે શું?

ગરબા ઉત્સવ

ઇમેજ સ્રોત, Getty Images

ગરબો એ સમગ્ર ગુજરાત રાજ્યમાં અને ભારતમાં કરવામાં આવતા ધાર્મિક અને ભક્તિમય નૃત્ય છે.

નવરાત્રીના નવ દિવસો દરમિયાન તેની ઉજવણી કરવામાં આવે છે.

આ તહેવાર સ્ત્રી અને દેવીશક્તિ ઉપાસનાને સમર્પિત છે. આ સ્ત્રીશક્તિની સાંસ્કૃતિક અભિવ્યક્તિઓ ગરબા નૃત્ય દ્વારા વ્યક્ત કરવામાં આવે છે.

ગરબાની ઉજવણી ઘરો અને મંદિરનાં આંગણામાં, ગામડાંમાં જાહેર જગ્યાઓ, શહેરી ચોક, શેરીઓ અને વિશાળ ખુલ્લાં મેદાનોમાં થાય છે.

આમ ગરબા એક સર્વગ્રાહી સહભાગી સમુદાયનો કાર્યક્રમ બની જાય છે.

'ગરબો' શબ્દના અર્થ બાબતે વિદ્વાનો વચ્ચે ભિન્નમત

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નરસિંહરાવ ભોળાનાથ દીવેટિયા, કેશવ હર્ષદ ધ્રુવ, વિજયરાય વૈદ્ય અને કે. કા. શાસ્ત્રી જેવા આપણી ભાષાના વિદ્વાન સર્જકોએ 'ગરબા'ના અર્થ વિશે સ્પષ્ટતા કરવાનો પ્રયત્ન કર્યો છે.

કેશવ હર્ષદ ધ્રુવે થોડુંઘણું અર્થઘટન કરી આપ્યું છે, જ્યારે કે. કા. શાસ્ત્રીએ તે બાબતે આમ જણાવ્યું છે,

"ગરબો શબ્દ દીપગર્ભ ઘટઃ પૈકીના 'ગર્ભ'માંથી હું લઉં છું. ગર્ભ શબ્દનો અર્થ 'ઘડો' અથવા 'ઘડું' એવો થાય છે. છિદ્રવાળા ઘડાને 'ગરબો' કહે છે."

"અખંડ ઘડામાં છિદ્ર પડાવવા તેને 'ગરબો કોરાવવો' કહે છે. ગર્ભમાં એટલે કે મધ્યમાં દીવાવાળા ઘડાને આજે પણ ગરબો જ કહેવામાં આવે છે.''

''તેથી 'ગરબો' શબ્દનું મૂળ સંસ્કૃત શબ્દ 'ગર્ભદીપ' માનવામાં આવ્યો હોય એવું અનુમાન કરી શકાય."

"દીપગર્ભ ઘટઃ એ પ્રયોગમાં 'ઘટઃ'નો અર્થ 'દીપગર્ભા' એ વિશેષણ દ્વારા થવા લાગ્યો.''

''કાળક્રમે 'દીપગર્ભા' શબ્દમાંથી પૂર્વપદ 'દીપ'નો લોપ થતાં 'ગર્ભા' શબ્દ રહ્યો અને તેના પરથી 'ગરભો' થઈને 'ગરબો' શબ્દ અસ્તિત્વમાં આવ્યો.''

''આ રીતે 'ગરબો' શબ્દ કાણાંવાળા માટીના કે ધાતુના ઘડા માટે રૂઢ બન્યો. આ ગરબો દૈવીશક્તિનું પ્રતીક બન્યો."

"નવરાત્રમાં એવો ગરબો માથે લઈને અથવા વચ્ચે સ્થાપી કૂંડાળું ગાવાની પરંપરા છે.''

''તે ઉપરથી દેવની સ્તુતિ અને પરાક્રમનાં નવરાત્રમાં ગવાતાં કાવ્યોને પણ 'ગરબા'ની સંજ્ઞા મળી હોય તેમ જણાય છે. પ્રથમ ગરબો વલ્લભ મેવાડાએ લખ્યો. એ ગરબામાંથી એકત્રિત રસની ગરબી પ્રકટી."

વલ્લભ મેવાડો એટલે ગરબાનો પર્યાય

ગરબા

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય કલા અને સંસ્કૃતિના મર્મજ્ઞ ડૉ. કલ્લોલિની હઝરતે ગરબા વિશે એક અદભુત પુસ્તક લખ્યું છે. એ પુસ્તકનું નામ છેઃ 'મારો ગરબો ઘૂમ્યો'.

એ પુસ્તકમાં આપેલી માહિતી મુજબ, "ગરબો સંજ્ઞાની આસપાસ ત્રણ નામ જુદી-જુદી ભૂમિકાએ સંકળાયેલાં છે. એ ત્રણ નામ તે નરસિંહ મહેતા, ભાણદાસ અને વલ્લભ મેવાડો."

"કૃષ્ણ વસુદેવ દેવકીપુત્ર હોવા છતાં જેમ નંદ અને જશોદાનો પણ પુત્ર હતો તેમ ગરબાના સ્વરૂપ સાથે ભાણદાસનું નામ જોડાય.''

''છતાં એના પોષણ-સંવર્ધનનું કામ વલ્લભ મેવાડાનું ગણાવી શકાય અને એનું વૃંદાવન રચવાનો યશ સર્જક દયારામનો છે.''

"વલ્લભ મેવાડો એટલે ગરબાનો પર્યાય. એમની પાસેથી આપણેને અપાર વૈવિધ્ય મળ્યું છે છતાંય વલ્લભના ગરબાનું કેન્દ્ર છે માતાની પ્રકટ ભક્તિ. 'મા તું પાવાની પટરાણી કે કાળી કાળિકા રે લોલ' એ વલ્લભનો અતિપ્રસિદ્ધ ગરબો છે.''

રાસ અને ગરબામાં પ્રથમ શું છે એ વિશે કોઈ આધારભૂત એક વાક્યતા મળતી નથી. રાસ શ્રીકૃષ્ણ સાથે સંકળાયેલો હોવાથી અને 'હરિવંશ' તથા મહાકવિ ભાસની કૃતિઓમાં તેનો ઉલ્લેખ મળતો હોવાથી એ આપણું પ્રાચીનતમ સ્વરૂપ છે એમ કહી શકાય. રાસ ગુજરાતી છે, છતાં તે ગુજરાત પૂરતો મર્યાદિત નથી.

કૃષ્ણભક્તિ પ્રાચીન કાળથી ચાલતી આવી છે તો વિરાટ પ્રકૃતિને આદ્યમાતા જગદજનની તરીકે પુરાણ કાળથી સ્વીકારવામાં આવી છે. આમ કૃષ્ણભક્તિ અને આદ્યશક્તિની આરાધના રાસ અને ગરબા સાથે લગભગ સમાંતરે સંકળાયેલાં છે.