10 વર્ષ બાદ ઑસ્ટ્રેલિયાએ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી જીતી, ભારતને 3-1થી હરાવ્યું

ઇમેજ સ્રોત, Getty Images
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટે હરાવ્યું છે.
સિડનીમાં રમાયેલી છેલ્લી ટેસ્ટ મૅચ માત્ર ત્રણ દિવસ ચાલી હતી અને તેમાં ઑસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. આ સાથે જ ઑસ્ટ્રેલિયાએ ભારતને 3-1થી હરાવ્યું છે.
ત્રીજા દિવસે બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ એક કલાક પણ રમી શકી ન હતી અને સવારે છ વાગ્યા (ભારતીય સમય) પહેલાં જ ઑલઆઉટ થઈ ગઈ હતી.
છેલ્લી ટેસ્ટમાં બંને ટીમો પ્રથમ દાવના આધારે લગભગ બરાબરી પર હતી.
ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યા બાદ ભારતીય ટીમ પ્રથમ દાવમાં 185 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી જ્યારે ઑસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં દસ વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા.
તેના આધારે ભારતને ચાર રનની મામૂલી સરસાઈ મળી હતી.
ભારતનો બીજો દાવ માત્ર 157 રન પર જ સમેટાઈ ગયો હતો અને આ પછી ઑસ્ટ્રેલિયાને 162 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.
ભારતે પાંચ મૅચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ 295 રને જીતી લીધી હતી. ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી જ્યારે બાકીની ત્રણ મૅચ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
10 વર્ષ બાદ જીતી સિરીઝ

ઇમેજ સ્રોત, Getty Images
સિડનીમાં જીત સાથે ઑસ્ટ્રેલિયાની ટીમે દસ વર્ષ બાદ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી જીતી છે.
આ પહેલા ઑસ્ટ્રેલિયાની ટીમે છેલ્લે વર્ષ 2014-15માં બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી જીતી હતી.
ત્યારબાદ ઑસ્ટ્રેલિયામાં રમાયેલી ચાર ટેસ્ટ મૅચની શ્રેણીમાં પ્રવાસી ભારતીય ટીમને 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે શ્રેણીની બે ટેસ્ટ મૅચ ડ્રો રહી હતી.
તે સમયે ઑસ્ટ્રેલિયન ટીમના કૅપ્ટન માઇકલ ક્લાર્ક હતા અને ભારતીય ટીમની કમાન મહેન્દ્રસિંહ ધોની સંભાળી રહ્યા હતા.
2014-15 બાદ બંને દેશો વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટ્રોફી પાંચ વખત રમાઈ છે.
ભારત પાંચમાંથી ચાર વખત જીત્યું છે અને ઑસ્ટ્રેલિયાએ એક વખત શ્રેણી જીતી છે. ભારતે પ્રવાસી તરીકે બે વાર અને બે વખત યજમાન તરીકે શ્રેણી જીતી છે.
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 17 બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી રમાઈ છે, જેમાં ભારતે 10 વખત અને ઑસ્ટ્રેલિયાએ છ વખત ટ્રૉફી જીતી છે. આ શ્રેણી વર્ષ 2003-2004માં એક વાર ડ્રો થઈ હતી.
વિરાટ કોહલી ફરીથી ફલૉપ સાબિત

ઇમેજ સ્રોત, Getty Images
સિરીઝમાં પોતાની અંતિમ ઇનિંગમાં વિરાટ કોહલીએ માત્ર છ રન બનાવ્યા અને ફાસ્ટ બૉલર સ્કૉટ બોલેન્ડે ફરી એક વાર તેમની વિકેટ લીધી.
સિડની ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં વિરાટ કોહલી આ રીતે જ આઉટ થયા હતા. જ્યારે ફાસ્ટ બૉલર બોલેન્ડ હતા અને ત્રીજી સ્લિપમાં ઊભેલા વેબસ્કરે તેમને કૅચ પકડ્યો હતો.
બૉર્ડર-ગાવસ્કર ટૉફીમાં બોલેન્ડ વિરાટને કુલ ચાર વાર આઉટ કરી ચૂક્યા છે.
આ સિરીઝમાં પાંચ મૅચમાં વિરાટે નવ ઇનિંગમાં કુલ 190 રન કર્યા છે. પહેલી ટેસ્ટની અણનમ સદી (100) પણ સામેલ છે.
રોહિત શર્માનું ખરાબ ફૉર્મ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં સૌથી વધુ ચર્ચા કૅપ્ટન રોહિત શર્માના ફૉર્મ પર થઈ રહી હતી. રોહિત શર્મા આ સિરીઝમાં સાવ નિષ્ફળ રહ્યા છે.
રોહિત આ સિરીઝમાં ત્રણ મૅચ રમ્યા અને બેટિંગમાં ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા. સિરીઝની પાંચ ઇનિંગમાં તેમણે માત્ર 31 રન કર્યા હતા અને સૌથી વધુ 10 રન કર્યા હતા.
છેલ્લી નવ ટેસ્ટ મૅચોમાં રોહિતે 10.93ની સરેરાશથી રન બનાવ્યા છે. આ સિરીઝમાં પાંચ ઇનિંગ્સમાં તેમની સરેરાશ માત્ર 6.2 છે.
એટલે સુધી છેલ્લી અને અંતિમ ટેસ્ટમાં જ્યારે રોહિત શર્માનો સમાવેશ ન થયો ત્યારે તેમની નિવૃત્તિની અટકળો પણ વહેતી થઈ હતી.
જોકે રોહિત શર્માએ પાંચમી ટેસ્ટ મૅચના લંચ દરમિયાન બ્રૉડકાસ્ટર ચેનલ સાથેની વાતચીતમાં પોતાની નિવૃત્તિની અટકળોને ફગાવી દીધી હતી.
રોહિત શર્માએ કહ્યું કે મેં નિવૃત્તિ લીધી નથી. પરંતુ મેં આ ટેસ્ટ મૅચમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુશ્કેલ હતો, પરંતુ સમજદારીભર્યો હતો.
રોહિત શર્માએ કહ્યું કે "હું રન નહોતો બનાવી શકતો, પણ એવું પણ નથી કે ભવિષ્યમાં તમે રન નહીં બનાવી શકો. હું જસપ્રીત બુમરાહની કૅપ્ટનશિપથી ઘણો પ્રભાવિત છું. હું ક્યાંય જવાનો નથી. હું ફૉર્મમાં નથી એટલે રમવાનો નથી. અમે ક્રિકેટમાં ઘણું જોયું છે, હવે અહીં હરેક મિનિટે જિંદગી બદલાય છે. બધું બદલાતું રહેશે, પણ આપણે રિયલિસ્ટિક હોવું જોઈએ."
બુમરાહના નામે વધુ એક રેકૉર્ડ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહે સિરીઝમાં કુલ 44 વિકેટ લીધી અને સૌથી ઓછી ટેસ્ટમૅચ રમીને 200 વિકેટ લેનારા ભારતના પ્રથમ બૉલર બની ગયા છે.
અગાઉ આ રેકૉર્ડ બિશનસિંહ બેદીના નામે હતો. બેદીએ વર્ષ 1977-78માં ઑસ્ટ્રેલિયા સામે પાંચ મૅચમાં 31 વિકેટ લીધી હતી.
બુમરાહે આ રેકૉર્ડ ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ચોથી મૅચ દરમિયાન બનાવ્યો હતો.
ખાસ વાત એ રહી છે કે જસપ્રીત બુમરાહની સરેરાશ સૌથી શ્રેષ્ઠ રહી છે. તેમણે વેસ્ટ ઇન્ડીઝના માલ્કમ માર્શલ, જોએલ ગાર્નર, કર્ટલી ઍમ્બ્રોસ તથા ઇંગ્લૅન્ડના ફ્રેડ ટ્રુડમૅનને પાછળ રાખી દીધા છે.
જસપ્રીત બુમરાહે ન કેવળ સૌથી ઓછા રન આપીને 200 વિકેટ લીધી, પરંતુ તેમનો સ્ટ્રાઇકરેટ પણ આ બૉલરો કરતાં ખૂબ જ સારો છે.
બુમરાહે માત્ર 42.1ની સ્ટ્રાઇક રેટ સાથે 200 વિકેટ લીધી. આ પરિમાણથી માત્ર દક્ષિણ આફ્રિકાના બૉલર કગીસો રબાડા તેમનાથી આગળ છે.
બુમરાહે 44મી મૅચમાં 200 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
ભારતમાં સૌથી ઓછી ટેસ્ટમૅચમાં 200 વિકેટ લેવાની સિદ્ધિની વાત કરીએ તો માત્ર રવિચંદ્રન અશ્વિન ટોચ ઉપર છે. તેમણે 37 મૅચમાં આ માઇલસ્ટોન હાંસલ કર્યો હતો.
ગુજરાતી બૉલર રવીન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહે 44મી ટેસ્ટ મૅચમાં આ રૅકૉર્ડ બનાવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












