'મગરમચ્છે હુમલો કર્યો પણ મેં તેની પાંપણ પર હુમલો કર્યો અને તેણે મને છોડી દીધો' ઑસ્ટ્રેલિયાના એક ખેડૂતની કહાણી

મગરમચ્છ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મગરમચ્છ
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ઑસ્ટ્રેલિયાના એક ખેડૂતનું કહેવું છે કે મગરમચ્છના હુમલા છતાં તેમનો જીવ બચી ગયો છે અને તે જીવિત છે.

ઑસ્ટ્રેલિયાન ઉત્તરક્ષેત્રમાં 10 ફૂટ લાંબા ખારા પાણીના મગરમચ્છે તેમના પર હુમલો કર્યો હતો. આ પછી કૉલિન ડેવરૉસ્કને એક મહિના સુધી હૉસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.

તેમણે એબીસી ન્યૂઝને જણાવ્યું કે જીવ બચાવવા માટે કરેલા સંઘર્ષ દરમ્યાન તેમણે મગરમચ્છની આંખ પર હુમલો કરી દીધો હતો.

ડેવેરૉક્સે કહ્યું કે જ્યારે તેઓ ગયા મહિને ફ્યૂનસ નદી પાસે એક વાડ લગાવવા માટે ત્યાં ગયા હતા અને એક ઝીલને કિનારે રોકાયા હતા. તે સમયે આ ઘટના બની હતી.

તેઓ ઝીલની નદીમાં તરતી માછલીઓને જોઈ રહ્યા હતા ત્યાં જ એક મગરમચ્છે તેમનો જમણો પગ પકડી લીધો અને તેમને પાણીમાં ખેંચી ગયો.

ડેવેરૉક્સે એબીસી સમાચાર એજન્સીને જણાવ્યું કે પહેલા તો તેમણે ડાબા પગથી મગરમચ્છની પાંસળીઓ પર પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો.

તેઓ કહે છે, “હું બહુ વિચિત્ર સ્થિતિમાં હતો. મેં બચવા માટે મગરને બચકું ભરી લીધું એવામાં અચાનક જ મગરમચ્છની આંખનો ઉપરનો ભાગ મારા દાંતમાં ફસાઈ ગયો.”

"તે ખૂબ જાડું હતું જાણે કોઈ ચામડાંનો ટુકડો મોંઢામાં આવી ગયો હોય. પણ પછી મેં તેની પાંપણ પર પ્રહાર કર્યો અને તેણે મને છોડી દીધો."

"હું કૂદીને પાણીમાંથી બહાર નીકળી ગયો અને મારી કાર જ્યાં હતી તે તરફ ઝડપથી જવા લાગ્યો હતો. એ સમયે પણ તેણે મારો થોડા અંતર સુધી પીછો કર્યો હતો. કદાચ ચાર મીટર સુધી ને પછી તે રોકાઈ ગયો."

ડેવેરૉક્સ કહે છે કે તેમણે પહેલા તો ટૉવેલ અને દોરડાંનો ઉપયોગ પગમાંથી નીકળતા લોહીને રોકવા માટે કર્યો હતો. પછી તેમના ભાઈ ત્યાં પહોંચ્યા અને તરત જ તેમને ઉત્તર દિશામાં 130 કિલોમીટર દૂર આવેલી હૉસ્પિટલ લઈ ગયા હતા.

તેઓ જણાવે છે, “જો આ મગરે મને શરીરના બીજા કોઈ ભાગ પર ઈજા પહોંચાડી એટલે કે શરીરના બીજા કોઈ ભાગ પર તે કરડ્યો હોત તો સ્થિતિ કંઈક જુદી હોત.”

"હું છેલ્લા કેટલાય સમયથી આ દલદલવાળા પ્રદેશમાં આવતો-જતો રહ્યો છું અને રોકાઉં પણ છું પણ આ ઘટનાએ મારી આંખો ખોલી દીધી. એનો અર્થ છે કે મારે નવું કામ શોધવું પડશે. "

સ્થાનિક વહીવટીતંત્ર અનુસાર ઉત્તરના ક્ષેત્રમાં મગરમચ્છ ઘણાં મહત્ત્વપૂર્ણ છે અને તે કાયદાકીય રીતે સંરક્ષિત છે. મગરોને વૈજ્ઞાનિક દૃષ્ટિએ અને પ્રવાસીઓના આકર્ષણ માટેનું એક મહત્ત્વનું કેન્દ્ર માનવામાં આવે છે.

બીબીસી
બીબીસી