વડોદરા : હરણી બોટ દુર્ઘટના જેવા જ 30 વર્ષ પહેલાંના અકસ્માતમાં સ્વજનો ગુમાવનાર પરિવારોની વર્ષો ચાલેલી લડતની કહાણી

સૂરસાગર તળાવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વડોદરાનું સૂરસાગર તળાવ
    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુરૂવારે સાંજે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટાતાં 12 બાળકો અને બે શિક્ષિકાનાં મૃત્યુનો બનાવ બન્યો છે. કૉન્ટ્રેક્ટર ઉપર આરોપ છે કે તેણે બોટની નિર્ધારિત ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં બાળકો અને શિક્ષિકાને બેસાડ્યાં, જેના કારણે તે ઊંધી વળી ગઈ હતી.

ત્યારે નાગરિકોને 30 વર્ષ પહેલાં શહેરનાં સૂરસાગર તળાવમાં ઘટેલી દુર્ઘટનાની યાદો તાજી થઈ ગઈ હતી, જેમાં 22 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

સ્વજનને ગુમાવનારા લોકોની મુશ્કેલીઓ અહીં સુધી અટકી ન હતી અને તેમણે વળતર મેળવવા માટે 21 વર્ષ સુધી કાયદાકીય લડત આપવી પડી હતી. આ ગાળા દરમિયાન વીએમસી, કૉન્ટ્રેક્ટર તથા વીમા કંપનીએ એકબીજા ઉપર જવાબદારીની ઠેલણી કરવાનો પ્રયાસ કર્યો હતો.

છેવટે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પીડિત પરિવારોને વળતર મળ્યું હતું. આ ચુકાદો એટલા માટે પણ શકવર્તી હતો, કેમ કે સર્વોચ્ચ અદાલતે તેના આદેશની નકલ કાયદા પંચને મોકલવા કહ્યું હતું, જેથી કરીને ભવિષ્યમાં આવા કેસોમાં જવાબદારી નક્કી કરવા માટેનો કાયદો ઘડી શકાય.

વડોદરાના પી.વી. મૂરજાણીએ 21 મૃતકોના પરિવારજનોની કાયદાકીય લડાઈ લડી હતી. વર્ષ-2022માં તેમણે વડોદરા કમિશનરને નોટિસ પાઠવીને શહેરના તળાવમાં બોટરાઇડ દરમિયાન સહેલાણીઓની સુરક્ષા માટે કરવામાં આવેલી વ્યવસ્થા અને જવાબદારી નક્કી કરવા અંગે વેધક સવાલ પૂછ્યા હતા.

'30 વર્ષમાં બેઠું પુનરાવર્તન'

હરણી તળાવ

ઇમેજ સ્રોત, PAWAN JAISWAL/BBC

ઇમેજ કૅપ્શન, વડોદરાનાં હરણી તળાવમાં બચાવ અભિયાનની કામગીરી

ઘટનાની વિગતો પ્રમાણે, વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશને સપ્ટેમ્બર-1992માં સૂરસાગર તળાવમાં નાગરિકો માટે બોટરાઇડની સેવાનો કૉન્ટ્રેક્ટ ખાનગી પેઢીને આપ્યો હતો. કરાર પ્રમાણે, કૉન્ટ્રેક્ટરે બોટ ક્લબમાં આવનારા લોકોનો વીમો લેવાનો હતો અને કૉર્પોરેશન તેની ઉપર દેખરેખ રાખવાનું હતું.

તા. 11મી ઑગસ્ટ 1993ના દિવસે જન્માષ્ટમીનો તહેવાર હતો, જેથી કરીને સૂરસાગર તળાવ ખાતે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ સમયે કૉન્ટ્રેક્ટરે 20 લોકોની બેઠકક્ષમતાવાળી બોટમાં 38 લોકોને બેસાડ્યા હતા. આના કારણે બોટ પલટી ખાઈ ગઈ હતી અને 22 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 16 લોકોને બચાવી લેવાયા હતા.

આ સિવાય કૉન્ટ્રેક્ટર દ્વારા સહેલાણીઓ માટે લાઇફ સેવિંગ જૅકેટ કે લાઇફગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વડોદરાના પુરુષોત્તમ મૂરજાણી 38 વર્ષથી 'જાગૃત નાગરિક' સંસ્થાના માધ્યમથી શોષિત ગ્રાહકોને ન્યાય મળે તે માટે ચળવળ ચલાવે છે. તેમણે જ સૂરસાગર કેસમાં મૃતકોના પરિવરાજનોની વળતર માટેની કાયદાકીય લડાઈ હાથ ધરી હતી.

મૂરજાણીના કહેવા પ્રમાણે, "ગુરુવારે હરણી તળાવમાં બનેલી ઘટનાએ ત્રીસ વર્ષ પહેલાં સૂરસાગર તળાવમાં થયેલા અકસ્માતનું બેઠું પુનરાવર્તન છે. અમે મ્યુનિસિપલ કમિશનરને વર્ષ 2021 અને 2022માં નોટિસ પાઠવીને સૂરસાગર તળાવ સહિત સહેલાણીઓની સુરક્ષા માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તેના સવાલ ઉઠાવ્યા હતા. આ સિવાય કૉન્ટ્રેક્ટરને જવાબદારી ઠેરવીને કૉર્પોરેશનને તેની જવાબદારીમાંથી છટકે નહીં, તેવા મતલબની તાકીદ કરી હતી."

ગુરુવારે હરણી તળાવની દુર્ઘટનામાં પણ બોટની ક્ષમતા કરતા વધુ લોકોને તેમાં બેસાડવાનો આરોપ છે. એવું કહેવામાં આવ્યું કે બોટની બેઠકક્ષમતા 14 જણાની હતી એના બદલે 34 જણને બેસાડી દેવામાં આવ્યા હતા. આ સિવાય તમામ સહેલાણીઓને લાઇફ જેકેટ આપવામાં આવ્યા ન હતાં અને લાઇફગાર્ડ્સની પણ વ્યવસ્થા ન હતી. જેના કારણે બોટનું સંતુલન ખોરવાતાં 12 બાળકો અને બે શિક્ષિકા સહિત 14 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

મૂરજાણીનું કહેવું છે કે જો મૃતકના પરિવારજનો ન્યાય મેળવવા માટે તેમની સંસ્થાનો સંપર્ક કરશે તો તેઓ ચોક્કસથી તેમની લડત ઉપાડશે અને તેમના માટે આ કેસ 30 વર્ષ બાદ ફરી 'એજ લડાઈ' લડવા જેવો હશે.

વર્ષ 2010માં સૂરસાગર તળાવમાં ફરીથી બોટિંગની સેવા શરૂ કરવાનો પ્રયાસ થયો હતો. પરંતુ તેના પ્રથમ દિવસે જ ત્રણેક લોકો તળાવમાં પડી ગયા હતા. અમુક દિવસો પછી સેવાને ફરીથી બંધ કરી દેવામાં આવી હતી. જોકે 2022માં ફરીથી સૂરસાગર તળાવમાં વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશને (વીએમસી) ફરીથી બોટિંગની શરૂઆત કરાવી હતી.

21 વર્ષની લાંબી લડાઈ

સૂરસાગર તળાવ

ઇમેજ સ્રોત, GUJARAT TOURISM

ઇમેજ કૅપ્શન, સૂરસાગર તળાવ

સૂરસાગર દુર્ઘટનાના 21 મૃતકના 17 પરિવરાજનોએ વળતર માટે 'જાગૃત નાગરિક' સંસ્થાનો સંપર્ક સાધ્યો હતો. સંસ્થાએ માર્ચ-1994માં ગુજરાતના કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો. વર્ષ-2002માં અમદાવાદસ્થિત પંચે તેના ચુકાદામાં વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનને રૂ. 30 લાખ 19 હજાર જેટલું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.

આ સિવાય દુર્ઘટનાના દિવસથી ચૂકવણું કરવામાં આવે તે દિવસ સુધી વાર્ષિક 10 ટકાના દરે વ્યાજ ચૂકવવાનો આદેશ પણ કર્યો હતો. પીડિતો પરિવારોને રૂ. 50 હજારથી લઈને રૂ. 10 લાખ 76 હજાર વળતર ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી હતી.

નવેમ્બર-2006માં નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશને 'મોટર વિહિકલ્સ ઍક્ટ-1988'ની જોગવાઈઓને ધ્યાને લેતાં અમુક કેસમાં વળતરની રકમ વધારી આપી હતી. રાષ્ટ્રીય પંચે કૉન્ટ્રેક્ટરને 'પ્રાથમિક રીતે જવાબદાર' ઠેરવવામાં આવ્યો હતો અને વળતર માટે વીએમસી તથા કૉન્ટ્રેક્ટરને સંયુક્ત રીતે જવાબદાર ઠેરવ્યા હતા. જ્યારે વીમા કંપનીએ રૂ. 80 લાખ વીએમસીને આપવા માટે જણાવ્યું હતું.

જોકે, કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે, એનસીડીઆરસીના ચુકાદા સામે મ્યુનિસિપલ કૉર્પોરેશને દેશની સર્વોચ્ચ અદાલતમાં સ્પેશિયલ લિવ પિટિશનને પડકારી હતી. વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે તમામ દલીલો ફગાવી દીધી હતી અને દુર્ઘટનાના 21 વર્ષ બાદ ફરિયાદીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

અદાલતમાં વીમા કંપની અને કૉન્ટ્રેક્ટરે પણ તેમના પક્ષ રજૂ કર્યા હતા અને વળતર ચૂકવવાની જવાબદારી એકબીજા ઉપર ઠેલવાનો પ્રયાસ કર્યો હતો અને તેના માટે દલીલો આપી હતી.

જવાબદારીની ઠેલણી

સર્વોચ્ચ અદાલત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સર્વોચ્ચ અદાલત

અરજદારોએ 21 વર્ષ સુધી અમદાવાદ અને દિલ્હીના અલગ-અલગ કાયાદકીય મંચ ઉપર ન્યાય અને વળતર માટે લડાઈ લડી હતી. અરજદારોનું કહેવું હતું કે બૉમ્બે પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટ-1949ની જોગવાઈઓ મુજબ, કૉન્ટ્રાક્ટરની બેજવાદારીને કારણે થયેલા અકસ્માત માટે કૉર્પોરેશન જવાબદાર હતું. જેણે જરૂરી કાળજી નહોતી લીધી અને લાઇફ સેવિંગ જેકેટ, લાઇફ ગાર્ડ અને સુરક્ષા માટે જરૂરી વ્યવસ્થાને સુનિશ્ચિત નહોતી કરી.

કાયદાકીય દલીલોમાં કૉર્પોરેશનનું કહેવું હતું કે ફરિયાદીઓ સીધી રીતે તેના વપરાશકર્તા ન હતા. કૉન્ટ્રેક્ટર સ્વતંત્ર લાઇસન્સ ધારક છે અને તેની ઉપર કે તેના કર્મચારીઓ ઉપર તેનું સીધું નિયંત્રણ ન હતું. કૉન્ટ્રાક્ટર અને ગ્રાહક વચ્ચે કંઈ થાય તો તેના માટે પોતે જવાબદાર નથી અને તે માત્ર 'સવલત કરી આપનાર' છે.

જ્યારે કૉન્ટ્રેક્ટરનું કહેવાનું હતું કે દાવો કરનારા ગ્રાહક ન હતા અને વળતર ચૂકવવાની જવાબદારી કૉર્પોરેશનના શિરે છે, જેના માટે બોટ દ્વારા સહેલાણીઓની હેરફેર કરવામાં આવતી હતી. આ સિવાય મૅનેજર જવાબદાર છે. જેણે બોટમાં ક્ષમતા કરતાં વધુ મુસાફર ભર્યા હતા અને સુરક્ષાના નિયમોનું પાલન નહોતું કર્યું.

કૉર્પોરેશન સાથેના કરાર મુજબ કૉન્ટ્રેક્ટરે વીમો લેવાનો હતો, જે તેણે નવેમ્બર-1993માં લીધો હતો. જોકે, વળતર ચૂકવવાના દાવા વખતે ઇન્શ્યોરન્સ આપનારી કંપનીનું કહેવું હતું કે તે વ્યક્તિદીઠ રૂ. એક લાખના હિસાબે મહત્તમ 20 લોકો માટે રૂ. 20 લાખ ચૂકવશે. કરાર મુજબ તે વર્ષ દરમિયાન મહત્તમ રૂ. 80 લાખનું વળતર ચૂકવવા બંધાયેલી છે.

સ્પ્ટેમ્બર-2014માં જસ્ટિસ વી. ગોપાલા ગૌડા અને આદર્શ કુમાર ગોયેલની ખંડપીઠે એનસીડીઆરસીના ચુકાદાને યથાવત્ રાખ્યો હતો અને કૉન્ટ્રાક્ટરની સેવામાં ખામીને કારણે દુર્ઘટના થઈ હોવાથી તે પ્રાથમિકપણે જવાબદાર હોવાનું ઠેરવ્યું હતું.

સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે માત્ર કર્મચારી કે કૉન્ટ્રેક્ટર નીમીને કૉર્પોરેશન તેની જવાબદારીમાંથી છટકી ન શકે. બોટિંગની પ્રવૃત્તિ ઉપર નજર રાખવાની કૉર્પોરેશનની ફરજ હતી. કૉર્પોરેશન માત્ર 'સવલત કરી આપનાર' ન હતું, પરંતુ એજન્ટ મારફત સેવાપ્રદાતા હતું.

સર્વોચ્ચ અદાલતે ચુકાદાની નકલ કાયદાપંચને મોકલવા જણાવ્યું હતું, જેથી કરીને આવા કેસોમાં વળતર માટે સરકાર તથા તેની સંસ્થાઓની જવાબદારી નક્કી કરવા માટેનો કાયદો ઘડી શકાય.

મૂરજાણીના કહેવા પ્રમાણે, "સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી 17 પરિવારજનોને વ્યાજસહિત કુલ્લે રૂ.એક કરોડ 40 લાખ જેટલું વળતર મળ્યું હતું."

1993ના પીડિતોના પરિવારજનોનું કહેવું હતું કે કોઈપણ વળતર પરિવારજને પરત નહીં લાવી શકે. કદાચ લાંબી અને ગૂંચવણભરી કાયદાકીય લડાઈ બાદ કદાચ વધુ વળતર મળી જશે તો પણ તેમના મનમાં પણ આવો જ વસવસો રહેશે.