ગુજરાત : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં ભાજપ કેટલીક બેઠકો પર બિનહરીફ કેમ જીતી રહ્યો છે?

ભાજપ, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty/FB

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ઉત્તર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં કૉંગ્રેસના અનેક ઉમેદવારોના ઉમેદવારીપત્રક રદ થઈ રહ્યા છે.ત્યારે કૉંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને ફૉર્મ રદ કરાવડાવામાં આવી રહ્યા છે.

સામે પક્ષે ભાજપનું કહેવું છે કે કૉંગ્રેસના ઘણા ઉમેદવાર હારની આશંકાએ ફૉર્મ પરત ખેંચી રહ્યા છે. આ સિવાય કૉંગ્રેસના ટેકેદારોએ ખોટી માહિતી આપી હોવાથી તેમના ફૉર્મ રદ થાય છે, પરંતુ ચૂંટણી પહેલાં હાર જોઈને કૉંગ્રેસ આ પ્રકારના ખોટા આરોપ કરી રહ્યું છે.

ઉત્તર ગુજરાતમાં કેવી સ્થિતિ પ્રવર્તી રહી છે, તેના વિશે બીબીસી ગુજરાતીએ રાજકીય નિષ્ણાતો શું કહે છે અને આ અંગે કાયદાકીય જોગવાઈઓ શું કહે છે, તે જાણવાનો પ્રયાસ કર્યો.

શું છે સમગ્ર મામલો?

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ભાજપના ઉમેદવારો બિનહરીફ કેમ ચૂંટણી જીતી રહ્યા છે, મિનિ વિધાનસભા ચૂંટણી, ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તો શું થાય, મ્યુનિસિપલ કૉર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી.

ઇમેજ સ્રોત, NITIN PATEL/FB

ઇમેજ કૅપ્શન, નીતીન પટેલની ફાઇલ તસવીર

ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જે નવી મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી, તેમાં મહેસાણાને પણ મ્યુનિસિપલ કૉર્પોરેશનનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

મહેસાણાના દઉં, હેબુ જેવાં ગામો મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં જોડાવા માંગતાં ન હતાં અને તેમણે ચૂંટણી બહિષ્કાર કરવાની જાહેરાત પણ કરી હતી.

મહેસાણા મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં વોર્ડ નંબર 11માં ગેરસમજણને કારણે બે ઉમેદવારોને મૅન્ડેટ મળ્યા હતા, પરંતુ છેવટે કોઈ ઉમેદવાર ઊભો નહોતો રહ્યો.

મહેસાણામાં કૉંગ્રેસ ઉમેદવારના ટેકેદારોએ રિટર્નિંગ ઑફિસર સમક્ષ જઈને રજૂઆત કરી હતી કે તેમણે ટેકેદારો તરીકે સહી જ નથી કરી, એટલે કૉંગ્રેસના ઉમેદવારનું ફૉર્મ રદ થયું હતું.

મહેસાણામાં કડીને ભાજપના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલનો ગઢ માનવામાં આવે છે. અહીં ભાજપે 36માંથી 22 બેઠક ઉપર બિનહરીફ વિજય મેળવી લીધો છે.

ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ આવા કિસ્સા જોવા મળ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વાસણા વોર્ડમાં કૉંગ્રેસના ઉમેદવાર ફૉર્મ ભરવા ન આવ્યા.

તો બનાસકાંઠાના થરાદમાં કૉંગ્રેસે જેમને મૅન્ડેટ (પક્ષ તરફથી ચૂંટણી લડવાની મંજૂરી આપતો કાગળ) આપ્યા હતા, એમાંથી કેટલાકે છેલ્લી ઘડીએ ફૉર્મ ભર્યું જ નહીં અને બેઠકો બિનહરીફ થઈ.

ન કેવળ ઉત્તર ગુજરાતમાં પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ અવ્યવસ્થાનાં ઉદાહરણ જોવા મળ્યાં હતાં. નવસારી જિલ્લાના ગણદેવી ખાતે કૉંગ્રેસના વડા શૈલેષ પટેલને ચૂંટણી લડવાનો મૅન્ડેટ મળ્યો હતો, પરંતુ તેઓ ફૉર્મ લઈને મોડા પહોંચ્યા હતા.

ચીખલી પાલિકામાં ભાજપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. આમ ચૂંટણી પહેલાં જ અનેક બેઠકો કે નગરપાલિકા ઉપર ભાજપનો બિનહરીફ વિજય થયો છે અથવા ભાજપના 'મુખ્ય હરીફ' મેદાનમાંથી ખસી ગયા છે.

રાજકીય પક્ષોનું શું કહેવું છે?

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ભાજપના ઉમેદવારો બિનહરીફ કેમ ચૂંટણી જીતી રહ્યા છે, મિનિ વિધાનસભા ચૂંટણી, ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તો શું થાય, મ્યુનિસિપલ કૉર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી.

ઇમેજ સ્રોત, Bhargav Parikh/BBC

ઇમેજ કૅપ્શન, ગુજરાત ભાજપના પ્રવક્તા અશ્વિન બૅન્કર
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

મહેસાણા કૉંગ્રેસના પ્રમુખ તથા પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "મહેસાણામાં ભાજપવિરોધી વંટોળ છે. અમે ખેરાલુ, વિસનગર અને મહેસાણા જેવા વિસ્તારમાં ઊભા રાખ્યા હતા. એમાંથી સત્તાનો દુરુપયોગ કરીને ઉમેદવારનું ફૉર્મ પાછું ખેંચાવવા માટેનો પ્રયાસ કરે છે. જો અમારો ઉમેદવાર ફૉર્મ પાછું ખેંચવા તૈયાર ન થાય, તો ઉમેદવારી-પત્રકમાં જેમણે ટેકેદાર તરીકે સહી કરી હોય, એ લોકો ઉપર દબાણ લાવીને તેમણે કરેલી સહી ખોટી હોવાનું લખાવી રહ્યા છે, જેથી કરીને ઉમેદવારોના ફૉર્મ રદ થઈ જાય."

બળદેવજી ઠાકોરનું કહેવું છે કે આ અંગે તેમણે પુરવા સાથે પોલીસ અને ચૂંટણીઅધિકારીને ફરિયાદ કરી છે.

બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અહીં ભાજપ હારવાની તૈયારીમાં હતો. જેથી એ ઉમેદવારોએ કૉંગ્રેસનો મૅન્ડેટ લીધા પછી પણ ફૉર્મ ભર્યાં નથી. આ સત્તાના જોરે લોકશાહીનું ખૂન છે. એની સામે અમે લડત આપીશું."

જોકે, ભાજપ પોતાની ઉપરના આરોપોને નકારે છે અને પરંપરાગત રીતે મહેસાણા ભાજપનો ગઢ હોવાની વાત કરે છે.

ભાજપના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતીન પટેલે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "કડી મારું હૉમ-ટાઉન છે. અહીંના લોકોને વિશ્વાસ છે કે ભાજપ વિકાસ કરે છે એટલે કૉંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી લડવાનું માંડી વાળ્યું છે અને ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે."

મહેસાણા અંગેની વાત કરતા નીતીન પટેલ કહે છે, "મહેસાણાના અન્ય વિસ્તારોની વાત કરીએ તો તે 1984થી ભાજપનો ગઢ છે. મેં પક્ષથી પર રહીને મંત્રી કે નાયબ મુખ્ય મંત્રી તરીકે લોકોની સેવા કરી છે. પ્રજાહિતમાં કૉંગ્રેસના લોકોનાં કામ કર્યાં છે. એટલે ઘણા કૉંગ્રેસીઓ ચૂંટણી લડતા પહેલાં વડીલ રાજકારણી તરીકે મને મળવા માટે આવે છે. હાલનો માહોલ જોઈને એમને લાગે છે કે તેઓ ચૂંટણી હારી જશે, એટલે ચૂંટણીખર્ચ કરીને હારનો સામનો કરવાના બદલે એ લોકો ચૂંટણી લડવાનું ટાળી રહ્યા છે."

ભાજપના પ્રવક્તા અશ્વિન બૅન્કરનું કહેવું છે, "ભાજપ ક્યારેય ચૂંટણીમાં સત્તાનો દુરુપયોગ નથી કરતો. કૉંગ્રેસ હાર ભાળી ગઈ છે, એટલે ભાજપ ઉપર આવા આરોપ મૂકે છે. કૉંગ્રેસતરફી મતદાતા હોય કે ભાજપનો ગઢ હોય. ભાજપે તેના શાસનકાળમાં વિકાસનાં કામોમાં કોઈ ભેદભાવ નથી રાખ્યો."

"જેથી કૉંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા લોકો પોતાનું મન બદલે છે અને ચૂંટણી લડવાનું મોકૂફ રાખે છે. એમાં ભાજપ દ્વારા સત્તાનો દુરુપયોગ કરવામાં આવે છે, એવો અપપ્રચાર કરે છે. આવનારા દિવસોમાં થનારી હારને જોતા કૉંગ્રેસ પાસે હવે કોઈ વિકલ્પ નથી રહ્યો."

નવસારી કૉંગ્રેસના પ્રમુખ્ શૈલેષ પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "અમારી પાસે જે મૅન્ડેટ આવ્યા, તેમાં કેટલીક ભૂલો હતી. અમે તેને ચેક કર્યા અને ભૂલો સુધારીને ફૉર્મ ભરવા ગયા, ત્યારે માત્ર દસ મિનિટ મોડું થયું હતું."

"અમારા ફૉર્મ માત્ર 10 મિનિટ મોડા હોવાથી નહીં સ્વીકારવાનું કહેતા હવે અમે ગુજરાત હાઇકોર્ટમાં ચૂંટણી અધિકારી સામે કાયદેસરની લડત આપીશું."

શું કહે છે રાજકીય વિશ્લેષક?

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ભાજપના ઉમેદવારો બિનહરીફ કેમ ચૂંટણી જીતી રહ્યા છે, મિનિ વિધાનસભા ચૂંટણી, ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તો શું થાય, મ્યુનિસિપલ કૉર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી.

ઇમેજ સ્રોત, Handout

ઇમેજ કૅપ્શન, ગુજરાત કૉંગ્રેસના પ્રતિનિધિમંડળને ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલી કૃષ્ણને મળીને પાર્ટીનો પક્ષ રજૂ કર્યો હતો

વરિષ્ઠ રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા કહે છે, "આ ભાજપની 'સાઇકૉલૉજિકલ નર્વ વૉર' છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આની શરૂઆત વર્ષ 2021માં થઈ હતી. એ સમયે સીઆર પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ હતા. એ સમયે કોરોના પછી ભાર ઍન્ટિ-ઇન્કમ્બન્સી હતી. ત્યારે અનેક મ્યુનિસિપલ કૉર્પોરેશન, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતમાં ઘણી બેઠકો ઉપર ભાજપ બિનહરીફ ચૂંટાઈ આવ્યો હતો."

"એ પરંપરા તેમના અનુગામી જગદીશ પંચાલે પણ ચાલુ રાખી છે. વર્ષ 2021માં આખી કડી નગરપાલિકા બિનહરીફ થઈ હતી. તેની સામે આ વખતે કૉંગ્રેસ 11 બેઠક ઉપર ચૂંટણી લડી રહી છે."

બેઠકો ઉપર ઉમેદવારની બિનહરીફ ચૂંટણીની મતદારના માનસ ઉપર શું અસર થાય છે, તેના વિશે સમજાવતા કૌશિક મહેતા કહે છે, "ચૂંટણીમાં જ્યારે કોઈ પક્ષ બિનહરીફ જીતે, ત્યારે 'ફૅન્સ' (કોને મત આપવો તેના વિશે અવઢવમાં રહેલા મતદારો) પર બેઠેલા વૉટરને એવું લાગે છે કે ચોક્કસ પક્ષ જીતશે. ત્યારે તે વિચારે છે કે પોતાનો બીજાને આપશે તો પણ બિનહરીફ ઉમેદવાર જેની પાસે હોય, તે પક્ષની જીતની સંભાવના વધુ હોય તે સાઇકૉલૉજિકલ રીતે પોતાનું મન બદલે છે."

"આ સંજોગોમાં મતદાર પોતાનો મત NOTAમાં (નન ઑફ ધ અબવ, કોઈપણ ઉમેદવાર નહીં) નાખે, મતદાન ના કરે અથવા જે પક્ષના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોય, તેમની તરફ ઢળે છે. આમ ચૂંટણી જીતવા માટે 'સાઇકૉલૉજિકલ નર્વ વૉર' શરૂ થઈ ગઈ છે."

જ્યારે કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર ચૂંટણીજંગ લડ્યા વગર જીતી જાય છે, ત્યારે હરીફ પક્ષના કાર્યકરોના મનોબળ ઉપર પણ તેની અસર પડે છે.

બનાસકાંઠાસ્થિત પત્રકાર કલ્પેશ ઠાકોરનું કહેવું છે, "જ્યારે બેઠકો બિનહરીફ થાય, ત્યારે જે-તે વિસ્તારના હરીફ પક્ષના કાર્યકરોમાં માનસિક હતાશા આવે છે. મતદાતાઓના એક વર્ગને તેમનો અધિકાર ખૂંચવાયો હોવાની ભાવના આવે છે."

જેમ વોટ આપીને મતદાર તેની નારાજગી વ્યક્ત કરે છે, એવી જ રીતે મતદાનનો બહિષ્કાર કરીને પણ નાગરિક તેની નારાજગી અભિવ્યક્ત કરે છે.

મહેસાણાસ્થિત પત્રકાર સંકેત સિદાનાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ઘણાં ગામડાંએ મહેસાણા મહાનગરપાલિકામાં સમાવેશનો વિરોધ કર્યો હતો. પોતાની નારાજગી વ્યક્ત કરવા તેમણે ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી, પરંતુ તેમની વોટબૅન્ક નિર્ણાયક નથી, એટલે આવા વિસ્તારના મતદારોમાં નિરાશા દેખાય છે."

શું કહે છે કાયદાકીય નિષ્ણાત?

વીડિયો કૅપ્શન, મનસુખ વસાવા હવે ચૂંટણી નહીં લડે?

ગુજરાત હાઇકોર્ટના વરિષ્ઠ વકીલ આશિષ શુક્લએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ઉમેદવારે જો યોગ્ય રીતે ફૉર્મ ન ભર્યું હોય કે માહિતી છુપાવી હોય અને ફૉર્મ રદ થાય એ બરાબર છે, પરંતુ આ રીતે ઉમેદવારના ટેકેદાર ફરી જાય અને તેનું ફૉર્મ રદ થાય."

"ફૉર્મ પાછું ખેંચવાની તારીખે આ રીતે મોટા રાજકીય પક્ષના ઉમેદવાર ફૉર્મ પાછું ખેંચે, તે નાગરિકોને તેમના મતાધિકારથી વંચિત રાખવાનું કામ કરે છે."

ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલીકૃષ્ણનું કહેવું છે કે "ઉમેદવારના ફૉર્મની નિયમ મુજબ ચકાસણી ચાલી રહી છે. રિટર્ની ઓફિસર દ્વારા એની તમામ ચકાસણી કરીને ઉમેદવાર જાહેર કરાય છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન