સાપ કે આ જંતુઓ, સૌથી ખતરનાક ડંખ કોનો? 96 જંતુઓનો ડંખ ખાનારનો અનુભવ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સાપ,

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, એલિઝાબેથ એન બ્રાઉન
  • વાંચવાનો સમય: 8 મિનિટ

સૌથી પીડાદાયક ડંખ મારનારા જીવોની યાદીમાં બુલેટ ઍન્ટ (કીડી)થી લઈને વોરિયર વાસ્પ (ભમરી) તથા નાની જેલીફિશનો સમાવેશ થાય છે. કોનો ડંખ વધારે પીડાદાયક હોય છે, તે જાણવા માટે કેટલાક સાહસિક નિષ્ણાતોએ તેમનું જીવન ડંખ ખાવામાં વીતાવ્યું છે.

તમે બૉક્સર માઇક ટાયસનનો મુક્કો ખાવાનું પસંદ કરશો કે પછી કિડની ઉપર કોઈ ઓજારનો પ્રહાર સહન કરશો? વિશ્વના બે અત્યંત પીડાદાયક ડંખનો અનુભવ કરતી વખતે કંઈક આવી જ લાગણી થતી હોય છે. જ્યારે સૌથી ભયાનક ડંખની વાત આવે, ત્યારે વ્યક્તિગત અનુભવ જ મહત્ત્વનો બની રહેતો હોય છે.

ઘરની આસપાસ ગૂંજતાં જીવજંતુઓથી લઈને વિચિત્ર દરિયાઈ જીવો સુધીનાં જંતુઓ સ્વયંની સુરક્ષા કરવા માટે કે પછી શિકારને નબળો પાડવા માટે ન્યૂરોટોક્સિન્સ અને સોજો કરનારા રાસાયણિક પદાર્થોના સંયોજનનો ઉપયોગ કરે છે. કરોળિયો અને સાપ જેવા કરડનારા જીવો જ્યારે ઝેર દાખલ કરવા માટે તેમના ઝેરી દાંત (ફેંગ્સ)વાળા મોઢાનો ઉપયોગ કરે, ત્યારે ડંખથી બચવા માટે આપણે જંતુના શરીરના પાછલા ભાગથી દૂર રહેવું જોઈએ.

અમે નિષ્ણાતોને પ્રાણી સૃષ્ટિના સૌથી દર્દનાક ડંખ વિશે પૂછ્યું હતું. તેમણે આપેલા ક્રમ અહીં રજૂ કરવામાં આવ્યા છે.

કરડતાં જીવડાં: ભમરો, કીડી અને મધમાખી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સાપ,

ઇમેજ સ્રોત, Getty Images

જાણીજોઈને ડંખ ખાવાના આધુનિક ક્ષેત્રના જનક જસ્ટિન શ્મિટ એરિઝોનાના કીટવિજ્ઞાની હતા. તેમણે મધમાખી, ભમરી અને કીડીઓ સહિત જીવજંતુઓની ઓછામાં ઓછી 96 પ્રજાતિઓનો ડંખ ખાઈને પોતાના નામ પરથી સ્ટિંગ પેઇન ઇન્ડેક્સ વિકસાવ્યો હતો. તે ડંખોને તેમણે પીડાનાં ચાર સ્તરોમાં વર્ગીકૃત કર્યા હતા અને દરેક અનુભવનું સચોટ અને કાવ્યાત્મક વર્ણન કર્યું હતું (સદ્ભાગ્યે, શ્મિટ કવિનો આત્મા ધરાવતા કીટવિજ્ઞાની હતા!).

પ્રથમ સ્તર મામૂલી પીડાનું છે. જેમ કે, એન્થોફોરિડ મધમાખીનો ડંખ "લગભગ સુખદ હોય છે, જાણે કોઈ પ્રેમીએ તેની પ્રેમિકાની કાનની બૂટ ઉપર જરા જોરથી બચકું ભર્યું હોય." બીજા સ્તરના ડંખમાં વધુ બળતરા થાય છે, જેમ કે, હની વાસ્પ (મધ ભમરી): "તીખો અને બળતરા થાય તેવો ડંખ. જાણે તીખા-તમતમતા સોસમાં બોળેલું રૂ તમારા નાકમાં મૂકી દેવાયું હોય." અને ભયંકર કાળી પોલિબિયા ભમરીઃ "જાણે કોઈ વિધિ અવળી પડી હોય, શેતાની. જૂના ચર્ચનું ફાનસ સળગાવતાં તે તમારા ચહેરા પર જ ફાટે, તેવો."

ત્રીજા સ્તરની સાત પ્રજાતિઓ શ્મિટને વાસ્તવિક યાતનામાં લઈ જાય છેઃ દાસીમુટિલા ક્લુગીઃ "વિસ્ફોટક અને લાંબો સમય ચાલતી બળતરા, આ ડંખ ખાનારી વ્યક્તિ પાગલની માફક ચીસો પાડે છે. જાણે ઊંડી કઢાઈનું ઉકળતું ગરમ તેલ આખા હાથ ઉપર ઢોળાઈ ગયું હોય, એવી બળતરા થાય છે."

શ્મિટે માત્ર ત્રણ પ્રજાતિઓને જ ચોથા સ્તરનો દરજ્જો આપ્યો હતો. શ્મિટની ચોથા સ્તરની પ્રથમ પ્રજાતિ બુલેટ ઍન્ટ હતી. તે મધ્ય અને દક્ષિણ અમેરિકાનાં વર્ષા જંગલોમાં જોવા મળતી એક ઇંચ લાંબી કીડી છે. તેના ડંખનું દરદ લાંબા સમય સુધી રહેતું હોવાને કારણે ઘણી વાર તેને "24 કલાકની કીડી" પણ કહેવામાં આવે છે. "શુદ્ધ, તીવ્ર અને ભારે પીડા. જાણે પગમાં ત્રણ ઇંચ લાંબી ખીલી ઘૂસી ગઈ હોય અને સળગતા કોલસા ઉપર ચાલતાં હોઈએ, એવું દરદ થાય."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તે પછી આવે છે, ટેરેન્ટુલા હોક. તે લગભગ સમગ્ર વિશ્વમાં જોવા મળતી અને ગોલ્ફ ટી જેટલું કદ ધરાવતી ભમરી છે. તે કરોળિયાનો શિકાર કરે છે. "આંખે અંધારા લાવી દેતો, ભયંકર, વીજળીના ઝાટકા જેવો ડંખ. જાણે ચાલુ હેર ડ્રાયર તમારા બબલ બાથમાં પડી ગયું હોય," એમ શ્મિટે લખ્યું હતું અને નોંધ્યું હતું કે, આ અસર અમુક મિનિટો સુધી જ રહી હતી.

આખરે આવે છે વોરિયર વાસ્પ (સિનોએકા સેપ્ટેન્ટ્રિયોનાલિસ), જે મધ્ય તથા દક્ષિણ અમેરિકામાં જોવા મળતી અને વસાહતમાં રહેતી ભમરી છે. "પીડા. જાણે તમને સક્રિય જ્વાળામુખીના લાવા વચ્ચે સાંકળોથી બાંધી દેવામાં આવ્યા હોય. મેં આ લિસ્ટ બનાવવાનું શું કામ શરૂ કર્યું?"

2023માં પાર્કિન્સનની બીમારીને કારણે શ્મિટનું અવસાન થયું હતું, પણ કોયોટી પીટરસન તેમના અનુગામી તરીકે ઊભરી આવ્યા છે. પીટરસન યૂટ્યૂબ પર્સનાલિટી છે, જેમણે શ્મિટે જેનું રેન્કિંગ નહોતું કર્યું, તેવી પ્રજાતિઓના ડંખ ખાધા છે. વિજ્ઞાનની ઔપચારિક તાલીમનો અભાવ હોવા છતાં, પીટરસન તેમની ચૅનલ 'બ્રેવ વાઇલ્ડરનેસ' પર તેમને પીડાથી તરફડતા, પરસેવે રેબઝેબ થતા અને ચીસો પાડતા જોતા લાખો લોકોના જ્ઞાન તથા મનોરંજન માટે પોતાના ડાબા હાથનું બલિદાન આપવા માટે હંમેશાં તૈયાર હોય છે.

પીટરસને શ્મિટના પેઇન ઇન્ડેક્સનો માર્ગદર્શન સ્વરૂપે ઉપયોગ કર્યો છે. તેમનો હેતુ શ્મિટના 2016ના પુસ્તક 'સ્ટિંગ ઓફ ધ વાઇલ્ડ'ની 'ફિલ્મી આવૃત્તિ' બનાવવાનો છે. તેઓ કહે છે, "ચાલો, એકથી ચારના સ્કેલનો આદર કરીએ, પણ લેવલ ચારમાં સ્થાન પામી શકે, તેવા અન્ય કયાં જંતુઓ છે, તે પણ જાણીએ."

30 પ્રજાતિઓના ડંખનો અનુભવ કરવા માટે વિશ્વભરનો પ્રવાસ ખેડ્યા પછી, પીટરસન લેવલ 4ના દરજ્જા માટે બીજી બે પ્રજાતિઓને નામાંકિત કરે છેઃ જાપાનિઝ જાયન્ટ હોર્નેટ, જે 2020માં "મર્ડર હોર્નેટ" તરીકે જાણીતી થઈ હતી અને ઍક્ઝિક્યુશનર વાસ્પ.

"તેમાં કોઈ બેમત નથી કે, જાપાનિઝ જાયન્ટ હોર્નેટનો ડંખ સૌથી ખરાબ હતો, જાણે માઇક ટાયસને ચહેરા પર મુક્કો માર્યો હોય. મને આંખે અંધારા આવી ગયા હતા. ડંખની તરત જ અસર થઈ હતી," એમ પીટરસને જણાવ્યું હતું. એશિયામાં જોવા મળતી આ ભમરી 2019 અને 2024 દરમિયાન અમેરિકાના પેસિફિક નોર્થવેસ્ટમાં ટૂંક સમય માટે જોવા મળી હતી.

જોકે, પીટરસને ઍક્ઝિક્યુશનર વાસ્પ (પોલિસ્ટેસ કાર્નિફેક્સ)ને ટોચનું સ્થાન આપ્યું છે. "પીડા લગભગ 12 કલાક રહી હતી," એમ તેઓ કહે છે. પણ તે ઝેરની અસર લાંબા સમય સુધી પીટરસનની સાથે રહી. "ઝેરમાં ત્વચામાં સડો કરનારા અમુક ગુણધર્મો હતા, જેના કારણે મારા હાથ પર શીતળાના નિશાન જેવો ખાડો પડી ગયો હતો. આ એકમાત્ર એવો ડંખ હતો, જેના કારણે સાચે જ માંસ ગળી ગયું અને તેનું નિશાન આજે પણ છે... જાણે સિગરેટનો ડામ દીધો હોય," એમ પીટરસને જણાવ્યું હતું.

વિજ્ઞાનીઓ હજી સુધી ઍક્ઝિક્યુશનરના ઝેરનું બંધારણ જાણી શક્યા નથી, પણ તેની કેટલીક સંબંધી પ્રજાતિઓ રોગપ્રતિકારકતાને સક્રિય કરીને પેશીઓને નુકસાન પહોંચાડનારા ઉત્સેચકોનો ઉપયોગ કરે છે.

જેલીફિશઃ નરમ પણ ડંખીલી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સાપ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નાની અમથી ઈરુકંજી જેલીફિશના ડંખનો ભોગ બનનારા કમનસીબ પીડિતોએ કેટલીક વખત દાયકાઓ સુધી અસહ્ય દર્દ વેઠવું પડી શકે છે

પરંતુ, રસપ્રદ હકીકત એ છે કે, ડંખ મારવાની આ રમતમાં જંતુઓનું એકચક્રી શાસન નથી. જેલીફિશ પાસે નેમેટોસિસ્ટ્સ તરીકે ઓળખાતા નાના-નાના ભાલા જેવા કોષો હોય છે, જે વિષ છોડે છે. ઈરુકંજી જેલીફિશ ટચૂકડી જેલીફિશ હોય છે, જેનું શરીર સાવ નાનું હોઈ શકે છે, પણ તેના તંતુઓ એક મીટર જેટલા લાંબા હોઈ શકે છે. આ જેલીફિશનો પ્રહાર મધ્યયુગના વખતની યાતનાની યાદ અપાવી દેતા સિન્ડ્રોમ તરફ દોરી જાય છે.

જેલીફિશ પર સંશોધન કરતાં લિસા-એન ગર્શવિન જણાવે છે કે, તેનો ડંખ સાવ મામૂલી ઘટના છે અને મોટાભાગના લોકો તેની નોંધ સુદ્ધાં લેતાં નથી. તેમણે ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલૅન્ડ ખાતે જેમ્સ કૂક યુનિવર્સિટીમાં પીએચડી દરમિયાન 16 પૈકીની 14 ઈરુકંજી પ્રજાતિઓનું વર્ગીકરણ તથા નામકરણ કર્યું હતું.

વાસ્તવમાં, લક્ષણો મોડાં દેખા દે, તેનો અર્થ એ હતો કે, દાયકાઓ સુધી ડૉક્ટરો એ જાણવા માટે મથતા રહ્યા કે, ઉનાળામાં દરિયાકાંઠે આવતા પ્રવાસીઓને આટલી ભયાનક પીડા શા માટે થઈ રહી હતી. આખરે, જૅક બાર્ન્સ નામના ચાર વર્ષથી અપરાધીને શોધી રહેલા એક સ્થાનિક ડૉક્ટરે 1961માં ખુદને, પોતાના દસ વર્ષના પુત્રને અને એક લાઇફગાર્ડને જાણીજોઈને ડંખ મરાવીને આ રહસ્ય ઉપરથી પડદો ઊંચક્યો.

ગર્શવિન જણાવે છે કે, તેમણે ઈરુકંજી સિન્ડ્રોમથી પીડાતી 50 કરતાં વધુ વ્યક્તિઓની મુલાકાત લીધી છે અને ઓછામાં ઓછા સો ઐતિહાસિક કેસ રિપોર્ટ્સ વાંચ્યા છે. તેઓ કહે છે કે, અમુક જ ડંખ અતિશય પીડાદાયક સિન્ડ્રોમમાં પરિણમતા હોય છે અને તે અનુભવ વ્યક્તિએ-વ્યક્તિએ જુદો હોઈ શકે છે - પણ સામાન્ય કેસ કંઈક આ પ્રકારનો હોય છેઃ

લગભગ વીસેક મિનિટ બાદ, પહેલું લક્ષણ એ છે કે, અતિશય થાક કે અસ્વસ્થતા વર્તાય છે. તે પછી તરત જ કિડની ઉપર જાણે જેકહેમર (પથ્થર તોડવાનું મશીન) ચાલી રહ્યું હોય, એવું દરદ ઉપડે છે, જે 12 કલાક સુધી ચાલે છે. તે પછી, લક્ષણોની હારમાળા શરૂ થાય છે, જેમાં (એક કલાકમાં અનેક વખત પથારીની ચાદર પલળી જાય એટલો) પુષ્કળ પરસેવો થાય છે અને 24 કલાક સુધી અમુક મિનિટના અંતરે ઊલટી થતી રહે છે.

આ તો હજુ ઈરુકંજી સિન્ડ્રોમની શરૂઆત જ છે, એમ ગર્શવિન જણાવે છે. તેઓ કહે છે કે, દર્દીને તે પછી "સાચી વેદનાની એક પછી એક થપાટ સહન કરવી પડે છે", આખા શરીરમાં ખેંચાણ અને આંચકા આવે છે અને પીડા વધતી જ જાય છે.

પરંતુ, ઈરુકંજી જેલીફિશ પીડાનું એક નવું પરિમાણ પણ ખોલે છે - અસ્તિત્વ સંબંધિત દરદ. તેમાં અતિશય ભયની લાગણી થાય છે, જેને મૃત્યુ નજીક હોવાની ખાતરી તરીકે વર્ણવવામાં આવે છે. ગર્શવિન ભારપૂર્વક જણાવે છે કે, આ લક્ષણની ગંભીરતા અન્ય લક્ષણો કરતાં અલગ છે. "દર્દી ડૉક્ટર સમક્ષ મોતની આજીજી કરે છે, કારણ કે, તેમને વિશ્વાસ થઈ ગયો હોય છે કે, તેઓ મરવાના જ છે," એમ તેમણે જણાવ્યું હતું.

ગર્શવિન કહે છે કે, ઝેરમાં રહેલાં તત્ત્વો કે તેના કારણે ઈરુકંજી સિન્ડ્રોમ કેવી રીતે થાય છે, તેની સંપૂર્ણ સમજૂતી હજી મેળવી શકાઈ નથી, પણ કેટલીક કડી જરૂર મળી છે. જેલીફિશના ઝેરમાં પોરિન્સ નામનાં ઝેરી તત્ત્વો હોય છે, જે સેલ મેમ્બ્રેન્સમાં છિદ્રો કરી નાખે છે, જેના કારણે કોષો નાશ પામે છે તેમજ જૈવ રાસાયણિક ગરબડ સર્જાય છે, કારણ કે, શરીરનાં વિવિધ કાર્યોને સક્રિય કરવા માટે ઉપયોગી ઘણા અણુઓ એક સામટા અનિયંત્રિત રીતે બહાર નીકળી જાય છે.

ઈરુકંજી સિન્ડ્રોમનો અભ્યાસ કરી રહેલા સંશોધકોને આશંકા છે કે, જેલીફિશનું ઝેર ચેતાકોષોમાં રહેલી સોડિયમ ચૅનલ્સને પણ પ્રભાવિત કરી શકે છે, જેના કારણે એડ્રેનલિન, નોરેપિનેફ્રાઇન તથા ડોપામાઇનમાં ઊછાળો આવે છે – આ પ્રક્રિયા મનોવૈજ્ઞાનિક તથા હૃદય સંબંધિત લક્ષણો, બંને માટે કારણભૂત બની શકે છે.

મોતને ભેટવાની લાગણીથી વિપરીત, ઘણા દર્દીઓ સાવ સાજા થઈ જાય છે. તેની સારવારમાં મોટાભાગે પીડાની થપાટને શમાવવા માટે મોર્ફિન જેવી શક્તિશાળી પેઇનકિલર્સ આપવામાં આવે છે.

ડંખ મારનારા દરિયાઈ જીવોના વિભાગમાં હજુયે કેટલાક મજબૂત દાવેદારો છે, જેમાં ઑસ્ટ્રેલિયન બૉક્સ જેલીફિશનો પણ સમાવેશ થાય છે, જે વિશ્વની સૌથી ઘાતક જેલીફિશ ગણાય છે. તેના તંતુઓ 3 મીટર (9.8 ફૂટ) સુધી લંબાઈ શકે છે અને દર્દીઓ ઉપર લાંબા પટ્ટાનાં નિશાન છોડે છે. ગર્શવિન કહે છે, "વ્યક્તિની ત્વચા ઉપર કોરડા જેવાં નિશાન પડી જાય છે. તેમાં ઉકળતું તેલ રેડ્યું હોય, એવી બળતરા થાય છે."

ફાયરવર્મ એ કાનખજૂરા જેવો દેખાતો દરિયાઈ કીડો છે. તે અર્ટિકેટિંગ હેર - કાંટા દ્વારા પોતાનો બચાવ કરે છે. જે તેને અડવાની મૂર્ખામી કરે છે, તેની ત્વચામાં આ કાંટા ઘૂસી જાય છે અને અંદર જ રહી જાય છે. (કેટલાક મરજીવા તેને "ફાઇબરગ્લાસ વર્મ" કહે છે). વિજ્ઞાનીઓનું માનવું છે કે, કાંટાની રચના તથા તેમાં રહેલું ઝેર, બંનેને કારણે કલાકો સુધી અસહ્ય બળતરા થાય છે.

સ્ટોનફિશ છીછરા પાણી, પરવાળાના ખડકો અને ખડકોમાં છૂપાઈને રહે છે. કેટલીક વખત મુલાકાતીઓ અજાણતાં જ માછલીની પીઠ ઉપરના તીક્ષ્ણ કાંટા ઉપર પગ મૂકી દે છે. આ કાંટામાંથી ભૂરા રંગનું ઝેર નીકળે છે. ઝેરને કારણે 48 કલાક સુધી બળતરા થઈ શકે છે અને સાથે જ અતિશય સોજો પણ આવે છે. ફ્લોરિડા યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે, અંગો સુન્ન થઈ જવા, ઝણઝણાટી થવી, વગેરે જેવાં લક્ષણો સપ્તાહો સુધી રહી શકે છે.

આ બધામાં 'સૌથી ખતરનાક' કોણ?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, સાપ,

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્ટોનફિશ ઘણી વખત ખડકો અને તિરાડોમાં છૂપાઈને બેસે છે - જેના કારણે સ્નાન કરનારા લોકો અજાણતા જ તેના ઉપર પગ મૂકી દેતા હોય છે

જમીન, હવા અને દરિયામાં ડંખનો રાજા નક્કી કરવા માટે કોઈ મૂર્ખ વ્યક્તિએ સ્વૈચ્છિક રીતે આ બંને શ્રેણીનો અનુભવ કરવો પડશે - અર્થાત, સૌથી ખરાબ જંતુ અને સૌથી ખરાબ દરિયાઈ જીવ, બંનેના ડંખ ખાવા પડે– અને પીટરસન કહે છે કે, તે મૂર્ખ વ્યક્તિ તેઓ તો નથી જ. જેલીફિશ અત્યંત જોખમી છે અને તે જીવલેણ પણ નીવડી શકે છે. પીટરસન ઉમેરે છે કે, કેટલીક પ્રજાતિઓનો "સામનો કરવાનું જોખમ ઉઠાવવું જોઈએ નહીં."

ગર્શવિન અને પીટરસન, બંને એ વાત સાથે સંમત છે કે, ઈરુકંજી જેલીફિશનો ડંખ શોધવો સામે ચાલીને જોખમ વહોરી લેવા જેવું ગણાશે, કારણ કે, કેટલીક પ્રજાતિઓ જીવલેણ વાર કરી શકે છે અને તેના પરિણામે બ્રેઇન હેમરેજ અને હાર્ટ ફેઇલ્યોર પણ થઈ શકે છે.

તો, કયા જીવનો ડંખ સૌથી ઘાતક હોય છે, તે આપણે કેવી રીતે જાણી શકીશું? તે જાણવાનો એકમાત્ર માર્ગ કદાચ ઈરુકંજી સિન્ડ્રોમમાંથી ઉગરી ગયેલી કોઈ વ્યક્તિને પીડાની વર્લ્ડ ટૂર પર આમંત્રિત કરવાનો છે, જેથી તે શ્મિટના લેવલ 4ના જીવજંતુઓના ડંખનો અનુભવ કરી શકે. આ બીબીસી અર્થના કોઈ શો જેવું લાગે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન