પાકિસ્તાનમાં કેમ મનાવવામાં આવ્યો 'હીજડા ફૅસ્ટિવલ'?
પાકિસ્તાનમાં 2018માં સંસદે ટ્રાન્સજેન્ડર પ્રોટેકશન એક્ટ પસાર કર્યો હતો. જેને લીધે ટ્રાન્સજેન્ડર લોકોને વધુ બળ મળ્યું, ઓળખ મળી અને લિંગ પરિવર્તનનો આત્મવિશ્વાસ પણ. જમણેરી ધાર્મિક પાર્ટી જમાત એ ઇસ્લામીએ તેનો વિરોધ કર્યો હતો. ઇસ્લામિક શરિયા કોર્ટે સંસદનું આ બિલ નકારી દીધું હતું અને જાહેર કર્યું હતું કે ટ્રાન્સજેન્ડરો લિંગ પરિવર્તન નહીં કરી શકે. શરિયા કોર્ટના આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી છે. જ્યાં હજુ સુનાવણી બાકી છે.
પાકિસ્તાનનો ટ્રાન્સજેન્ડર સમુદાય માને છે કે તેઓ રસ્તા પર શક્તિ પ્રદર્શન કરીને હક્ક માટેની લડાઈ જીતી શકે છે. આ વિચાર સાથે દેશભરના ટ્રાન્સજેન્ડર્સ કરાચીમાં ભેગા થયા હતાં. દેશનો પહેલો ‘હીજડા ફૅસ્ટિવલ’ મનાવવા માટે.
આ પાકિસ્તાનનો પહેલો ટ્રાન્સજેન્ડર ફૅસ્ટિવલ છે, જેને તેમણે 'હીજડા' ફૅસ્ટિવલ નામ આપ્યું છે. તેમનો ઉદ્દેશ છે કે ટ્રાન્સજેન્ડર સમુદાયના લોકોની સમસ્યા, સમાજના મુખ્ય પ્રવાહ સુધી પહોંચે અને તેમને 'હીજડા' તરીકેની ઓળખ મળે.
આ ફૅસ્ટિવલનું આયોજન દેશના પહેલા ટ્રાન્સ-મૉડલ, ટ્રાન્સ-ડૉકટર અને ટ્રાન્સ-વકીલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ઘણા ટ્રાન્સજેન્ડર્સ ગુરુઓએ પણ આ ઉત્સવમાં ભાગ લીધો હતો. તેમને બગીમાં બેસાડવામાં આવ્યા હતા.
મહિલાઓની જેમ પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડર્સ પણ હક્ક અને પ્રતિકાર દર્શાવવા રસ્તા પર ઊતરી શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે.
આ ટ્રાન્સજેન્ડર્સે તેમનું ટાઇટલ સોન્ગ ‘હમ હીજડે હૈ’ પણ આ રેલીમાં રજૂ કર્યું હતું.
પાકિસ્તાનના અન્ય ભાગમાં રહેતા ટ્રાન્સજેન્ડર્સે પણ આ ફૅસ્ટિવલમાં ભાગ લીધો હતો.






