ઍક્ઝિટ પોલ : બિહાર ચૂંટણીમાં કોની જીતનું અનુમાન, પ્રશાંત કિશોરને કેટલી બેઠકો મળી શકે?

ઇમેજ સ્રોત, ANI
બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયું છે. બીજા તબક્કાનું મતદાન મંગળવારે થયું હતું, જ્યારે પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરના રોજ યોજાયું હતું. ચૂંટણીનાં પરિણામો 14 નવેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો બે ગઠબંધન વચ્ચે છે: શાસક NDA અને મહાગઠબંધન. ત્રીજો પક્ષ, જન સુરાજ છે જે મેદાનમાં છે પણ પ્રશાંત કિશોરની આ પાર્ટી પહેલી વાર ચૂંટણી લડી રહી છે.
એનડીએ ગઠબંધનમાં પાંચ પક્ષોનો સમાવેશ થાય છે. ભાજપ અને જેડીયુ 243 બેઠકોવાળી બિહાર વિધાનસભામાં 101-101 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.
જ્યારે લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) 29 બેઠકો પર અને રાષ્ટ્રીય લોક મોરચા (RLM) અને હિંદુસ્તાની અવામ મોરચા (HAM) 6-6 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.
દરમિયાન, રાષ્ટ્રીય જનતા દળ 143 બેઠકો પર, કૉંગ્રેસ 61 બેઠકો પર, સીપીઆઈ (એમએલ) 20 બેઠકો પર, સીપીઆઈ (એમ) 4 અને સીપીઆઈ 9 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
બિહાર ચૂંટણીમાં મતદાન પૂર્ણ થતાંની સાથે જ વિવિધ ઍક્ઝિટ પોલ આવવા લાગ્યા છે, જેમાં મોટાભાગના ઍક્ઝિટ પોલમાં NDA ગઠબંધનની જીતનો દાવો કરવામાં આવ્યો છે.
ઍક્ઝિટ પોલ અને અંતિમ પરિણામો વચ્ચે ઘણીવાર વિસંગતતાઓ જોવા મળી છે. તેથી, એ સ્પષ્ટતા કરવી મહત્ત્વપૂર્ણ છે કે આ અંતિમ પરિણામો નથી. બિહારમાં બે તબક્કાના મતદાન પછી, મતગણતરી 14 નવેમ્બરના રોજ થશે, જ્યારે અંતિમ પરિણામો જાણી શકાશે.
ઍક્ઝિટ પોલમાં કોની સરકાર બનાવાનું અનુમાન છે?

મેટ્રિસીસ-આઈએએનએસ ઍક્ઝિટ પોલમાં એનડીએને 147-167 બેઠકો, મહાગઠબંધનને 70-90 બેઠકો અને અન્યને 2-6 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમાં ભાજપને 65-73 બેઠકો, JDU ને 67-75 બેઠકો, LJP (R) ને 7-0 બેઠકો, HAM ને 4-5 બેઠકો અને RLM ને 1-2 બેઠકો આપવામાં આવી છે.
મહાગઠબંધનમાં, RJD ને 53-58 બેઠકો, કૉંગ્રેસને 10-12 બેઠકો, VIP ને 1-4 બેઠકો અને ડાબેરી પક્ષોને 9-14 બેઠકો આપવામાં આવી છે.
આ ઍક્ઝિટ પોલ મુજબ, NDA ને 48 ટકા અને મહાગઠબંધનને 37 ટકા મત મળી શકે છે.
ચાણક્ય સ્ટ્રૅટેજીના ઍક્ઝિટ પોલમાં, NDA ને 130-138 બેઠકો, મહાગઠબંધનને 100-108 બેઠકો અને અન્યને 3-5 બેઠકો મળવાની ધારણા છે.
દૈનિક ભાસ્કરના ઍક્ઝિટ પોલમાં, NDA ને 145-160 બેઠકો અને મહાગઠબંધનને 73-91 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે.
પીપલ્સ પલ્સ ઍક્ઝિટ પોલમાં, NDA ને 133-159 બેઠકો અને મહાગઠબંધનને 75-101 બેઠકો આપવામાં આવી છે.
પીપલ્સ ઇનસાઇટના ઍક્ઝિટ પોલમાં NDA ગઠબંધનને 133-148 બેઠકો અને મહાગઠબંધનને 87-102 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી.
પોલ ડાયરીના ઍક્ઝિટ પોલમાં NDA ગઠબંધનને 184- 209 બેઠકો, મહાગઠબંધનને 32-49 બેઠકો અને અન્ય પક્ષોને 1-5 બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે.
બિહારમાં સરકાર બનાવવા કેટલી બેઠકોની જરૂર?

ઇમેજ સ્રોત, Getty Images
બિહાર વિધાનસભામાં કુલ 243 બેઠકો છે અને સરકાર બનાવવા માટે કોઈ પણ પક્ષ કે ગઠબંધન 122 બેઠકો હોવી જરૂરી છે.
હાલમાં, બિહારમાં NDA સરકાર છે જેમાં JDU અને BJP તેના ઘટક પક્ષો છે અને RJDના તેજસ્વી યાદવ બિહાર વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે.
હાલમાં બિહાર વિધાનસભામાં ભાજપ પાસે 80, આરજેડી પાસે 77, જેડીયુ પાસે 45 અને કૉંગ્રેસ પાસે 19 ધારાસભ્યો છે.
ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી) (લિબરેશન) ના 11 ધારાસભ્યો, હિન્દુસ્તાની અવમ મોરચા (સેક્યુલર) ના ચાર ધારાસભ્યો, ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) ના બે ધારાસભ્યો, ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટીના બે ધારાસભ્યો, ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીનના એક ધારાસભ્ય અને બે અપક્ષ ધારાસભ્યો છે.
બિહારમાં વિધાનસભાની પહેલી ચૂંટણી 1952માં યોજાઈ હતી. ત્યારથી 2020 સુધી બિહારમાં 17 વખત વિધાનસભા ચૂંટણી યોજાઈ છે.
ફેબ્રુઆરી 2005માં યોજાયેલી ચૂંટણીમાં સરકાર બનાવવામાં નિષ્ફળતાને કારણે, ઑક્ટોબરમાં ફરીથી ચૂંટણી યોજવી પડી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












